સચલ સરમસ્ત (. 1739, દરાજ, સિંધ; . 14 ઑક્ટોબર 1829, દરાજ) : સૂફી મતના અવૈસી ફકીર અને સિંધી કવિ. તેમનું ખરું નામ અબ્દુલ વહાબ સલાહ-ઉદ્-દીન હતું. તેમણે ‘સચલ’ અથવા ‘સચુ’ જેવું તખલ્લુસ રાખેલું. તેનો સાહિત્યિક અર્થ થાય છે : ‘સત્યપ્રિય માનવી’ અથવા ‘સત્યપ્રિય ભક્ત’. તેઓ કાયમ ધ્યાનાવસ્થામાં રહેતા હોવાથી તે ‘સરમસ્ત’ તરીકે પણ ઓળખાતા. તેથી તેમના અનુયાયીઓ પૂજ્યભાવે તેમને દરાઝ એટલે ‘દર-એ-રાઝ’ એટલે કે ‘દૈવી જ્ઞાનનું પ્રવેશદ્વાર’ કહી બોલાવતા.

તેઓ પયગંબરના વારસ બીજા ખલીફ ઉંમર ફારૂકના વંશજ છે. તેમના વડવા એહમદ ફારૂકીને મીર સુહ્રાબખાને રાજ્યની સેવા બદલ ઉત્તમ જાગીર આપેલી. સચલે 14 વર્ષની વયે તેમના પિતા ગુમાવ્યા. તેથી તેમના કાકા ફકીર અબ્દુલ હક તેમના પાલનહાર અને આધ્યાત્મિક ગુરુ બન્યા. કિશોરાવસ્થામાં તેમણે ફારસી અને અરબીનો ઊંડો અભ્યાસ કર્યો. પત્નીના અવસાન બાદ તેઓ જીવનભર અવિવાહિત રહ્યા. અવૈસીઓને તેમના સદ્ગત ગુરુઓ દ્વારા આધ્યાત્મિક પ્રેરણા મળતી રહેતી. સચલને આવી પ્રથમ પ્રેરણા અબ્દુલ હક તરફથી અને દૈવી પાંખો અત્તાર તરફથી મળી હતી.

તેમણે આખું કુરાન મોઢે કર્યું પછી તેઓ ફારસી કવિ હાફિઝ શીરાઝીની માફક ‘હાફિઝ’ તરીકે પ્રસિદ્ધ થયા. વાસ્તવમાં તેઓ ‘હાફિઝ દરાઝી’ નામથી ઓળખાતા. સર્વધર્મ સમભાવના હિમાયતી તરીકે તેમણે ધર્મ, વર્ગ, વર્ણ, જાતિ, સાંપ્રદાયિકતા જેવા ભેદભાવનો અને ધર્મના બાહ્યાડંબરનો વિરોધ કર્યો. તત્કાલીન મુલ્લાં-મૌલવીઓના પાખંડને પડકારી, તેઓ કરામત અને ચમત્કારના સખત અને સતત વિરોધી રહ્યા. તેમના ખોટા દંભની ખબર લેવા માટે ‘દીવાન’ની રચના કરી. તેઓ હંમેશાં મન્સૂરિયન હર્ષોન્માદમાં તલ્લીન રહેતા. સંગીત તેમના આત્માનો ખોરાક હતો. તેઓ હંમેશાં કુરાન, શરાબ, પ્રેમ અને સૌંદર્યનાં ગીતો ગાતા. તબલા અને સારંગીની સંગતમાં તેઓ દિવ્યભાવમાં તન્મય બની જતા.

સચલ સાત ભાષાના કવિ  ‘શૈર-એ-હફત ઝબાન’ કહેવાતા. તેઓ સિંધી, હિંદી, ઉર્દૂ, સરાઈકી, ફારસી, અરબી અને પંજાબીના નિષ્ણાત હતા. તેમનાં કાવ્યો દોહા, કાફી, ગઝલો અને મસનવી સ્વરૂપે આ બધી ભાષાઓમાં રચાયેલાં જોવા મળે છે. સજાવટ અને પ્રામાણિક સાબિતી રૂપે તેમણે અરબી શબ્દો, વાક્યો અને અવતરણોથી તે રચનાઓ અલંકૃત કરી છે.

દોહા સ્વરૂપે તેમણે અમર પ્રેમીઓ જોવા કે, સાસુઇ અને પુન્હુ, મુમલ અને રાણો, નૂરી અને તમાચી, લૈલા અને ચાનેસર, સુહની અને મહેરનો તથા બીજલના સંગીતનો રાય દિવાચના રહસ્યવાદી પરિત્યાગનો, રાજા ઉમરનું વિશ્વાસઘાતી વર્તન અને મરુઇનું આદર્શ પતિવ્રતનો તથા તેના દેશપ્રેમનો મહિમા ગાયો છે. આમ તેમણે શાણપણ સાથે રહસ્યવાદી સત્યો પ્રતિપાદિત કર્યાં છે. પ્રત્યેક બેતમાં તેમણે ઇસ્લામ અને હદીસનો સંદેશો વણી લેતાં બ્રહ્મલીન અવસ્થામાં અંતર્મુખી મસ્તીના આલમમાં તન્મય બનીને કાવ્યરચનાઓ કરી. તેમાં ભારતીય છંદ:શાસ્ત્રના આધારે તત્સમ અને તદ્ભવ શબ્દોનો વિપુલ ઉપયોગ કર્યો છે.

તેમની મરણોત્તર પ્રગટ થયેલી ઉલ્લેખનીય કૃતિઓમાં ‘સચલ સરમસ્ત જો ચૂન્ડા કલામ’ સિંધી કાવ્યસંગ્રહ (1966) કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત છે. આ સાથે ‘રિસાલો સચલ સૈના જો’ 2 ભાગ (1902, 1903); ‘સચલ સરમસ્ત : સિંધી કલામ’ (1958); ‘સચલ સરમસ્ત : સિરાઇકી કલામ’ (1959) પણ ઉલ્લેખનીય છે. કલ્યાણ અડવાણી દ્વારા તૈયાર કરાયેલ દેવનાગરી સિંધી લિપિમાં લિપ્યંતર કરેલ સચલનો કાવ્યસંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ 1970માં પ્રગટ કર્યો હતો.

જયંત રેલવાણી