સચદેવ, પદ્મા (. 17 એપ્રિલ 1940, જમ્મુ) : ડોગરી તથા હિંદીનાં લેખિકા. જમ્મુમાં શિક્ષણ મેળવ્યા પછી, મુંબઈના ઑલ ઇન્ડિયા રેડિયોમાં સ્ટાફ-આર્ટિસ્ટ તરીકે જોડાયાં. તેઓ ડોગરીનાં સર્વપ્રથમ અને સૌથી નામાંકિત કવયિત્રી છે.

કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ડોગરી માટેના સલાહકાર બોર્ડનાં સભ્ય અને આવાહક (1993-97), દિલ્હીની પંજાબી એકૅડેમીની નિયામક પરિષદનાં સભ્ય તથા જમ્મુ-કાશ્મીરની કલા, સંસ્કૃતિ તથા ભાષા અકાદમીની જનરલ કાઉન્સિલનાં સભ્ય રહેલાં.

તેમને મળેલાં સન્માનમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1971) (‘મેરી કવિતા મેરે ગીત’ બદલ), જમ્મુ-કાશ્મીર કલા, સંસ્કૃતિ અને ભાષા અકાદમી ઍવૉર્ડ (1971), સોવિયેટ લૅન્ડ નહેરુ પુરસ્કાર (1987), યુ.પી. હિંદી અકાદમી ઍવૉર્ડ (1987) વગેરે મુખ્ય છે.

ડોગરી ઉપરાંત હિંદીમાં પણ લખે છે. તેમનાં લગભગ 20 જેટલાં પ્રકાશનો છે. ‘મેરી કવિતા મેરે ગીત’ (1969), ‘નહેરિયાં ગલિયાં’ (1982), ‘પોતા પોતા નિંબલ’ (1987), ‘ઉત્તર વહની’ (1992) એ તમામ કાવ્યસંગ્રહો છે. હિંદી પ્રકાશનોમાં ‘દીવાનખાના’ (1989), ‘મિતવા ઘર’ (1995), ‘અબ ના બનેગી દેહરી’ (1993), ‘નૌશિન’ (1995), ‘બુંદ બાવરી’ (1999) એ નવલકથાઓ તથા સંસ્મરણો છે. તેમણે અમેરિકા, કૅનેડા, હાગકાગ તથા કઝાકિસ્તાન તેમજ યુરોપ તથા એશિયાનાં અન્ય દેશોનો પ્રવાસ કર્યો છે. તેમનાં કેટલાંક કાવ્યોનો ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજી તેમજ રશિયનમાં અનુવાદ થયો છે.

મહેશ ચોકસી