સચિન શંકર (. 24 સપ્ટેમ્બર 1924, બનારસ; . 10 મે 2005) : નૃત્યકલાના પ્રસિદ્ધ કલાકાર ને તજ્જ્ઞ. વિદ્યા અને કલાને વરેલ શંકર પરિવારમાં આ આધુનિક નૃત્ય-નાટિકાના રચયિતાનો જન્મ થયો હતો. ગૌર પડછંદ દેહાકૃતિ પિતા જિતેન્દ્ર શંકર અને નકશીદાર સૌમ્ય ચહેરો માતા કાલીદેવી તરફથી તેમને વારસામાં મળ્યાં હતાં. તેમને પોતાના વિશાળ ઘરમાં વિદ્વત્તાનું વાતાવરણ મળ્યું, તો બહાર કીર્તન-ભજન ઉપરાંત ચાંદરણાનાં અજવાળે કસાયેલ શરીરવાળા ગ્રામજનોનાં સ્ફૂર્તિલાં ઉત્સવ-નૃત્યોનું તેમના બાલમાનસને પ્રભાવિત કરતું પર્યાવરણ મળ્યું. સાત વર્ષની કુમળી વયે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાના હેત અને કાકાના સ્નેહાળ વડપણ હેઠળ તેમની કિશોર-અવસ્થા પસાર થઈ. વિખ્યાત નર્તક – ભત્રીજાભાઈ ઉદય શંકરે સફળ વિદેશ પ્રવાસેથી પરત થઈ અલમોડા ખાતે નૃત્ય સંસ્થા સ્થાપી ત્યારે તેમના વચેટ ભાઈ રાજેન્દ્ર શંકરના સૂચનથી સચિન ત્યાં ગયા અને 1941માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. તે પછી બનારસની ઍંગ્લો-બંગાળી કૉલેજમાંથી ઇંટરમીડિયેટમાં ઉત્તીર્ણ થયા. અલમોડાની નૃત્ય-સંસ્થા સ્થાયી થઈ કે તરત રાજેન્દ્ર શંકરે શિષ્યવૃત્તિનું પ્રલોભન બતાવી ત્યાં જોડાવા માટે તેમને પ્રેર્યા. તેમની સાથે સંસ્થામાં નરેન્દ્ર શર્મા, ગુરુદત્ત, મોહન સાયગલ, સરદાર મલિક મોહંમદ વગેરે હતા. આમોબી સિંઘ અને શંકર નામ્બુદીરીપાદ જેવા વિખ્યાત નૃત્યગુરુઓ પાસેથી તેમણે નૃત્યતાલીમ લીધી. મૈહર ઘરાનાના ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસેથી સંગીતજ્ઞાન મેળવ્યું અને કવિ સુમિત્રાનંદન પંતના માર્ગદર્શન નીચે ભારતીય નૃત્ય-સંગીત-સાહિત્યનો સઘન અભ્યાસ કર્યો તે સાથે જીવનના સંદર્ભમાં સાંસ્કૃતિક મૂળ તત્વોનું હાર્દ સમજ્યા.

ઉદય શંકરની આ સંસ્થા આટોપાતાં બધા કલાકારો દેશને જુદે જુદે ખૂણે વીખરાઈ ગયા. સચિને કોલકાતા ખાતે નર્તકોનું જૂથ સ્થાપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તે દરમિયાન સામ્યવાદી વિચારોની અસર હેઠળ 1945માં મુંબઈમાં પૃથ્વીરાજ કપૂર દ્વારા સ્થાપિત ઇન્ડિયન પીપલ્સ થિયેટર(ઇપ્ટા – IPTA)માં નૃત્યશિક્ષક-સંયોજક તરીકે જોડાયા. ઉદય શંકરની જીવન સાથે તાલમેળ ધરાવતી નૃત્યશૈલી ચાલુ રાખી ગામેગામ ફરી ખેડૂતો સાથે રહી ગ્રામજીવનની ખરી તાસીર જાણી, ‘ડિસ્કવરી ઑવ્ ઇંડિયા’, ‘ગાંધી-ઝીણા’ અને ‘કિસાન સ્ટ્રગલ’ જેવાં નૃત્યસંયોજનો કર્યાં. ઇપ્ટાની ત્રણ વર્ષની કારકિર્દી દરમિયાન મૂળ ઇન્દોરનિવાસી મરાઠીભાષી કલાકાર કુમુદિની લેલે સાથે મુલાકાત થઈ. તેમણે ગુજરાતી અને મરાઠી ઉપરાંત હિંદી ફિલ્મોમાં કેટલીક મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. વિખ્યાત ચલચિત્ર-દિગ્દર્શક બિમલ રૉયની ‘મા’, ‘પરિવાર’, ‘બંદિની’ જેવી ફિલ્મોમાં ચરિત્રનાયિકા તરીકેનાં પાત્રો ભજવ્યાં હતાં. મરાઠી ફિલ્મ ‘વાદળ’ અને ‘રામ રામ પાહુણે’માં મુખ્ય નાયિકાની ભૂમિકામાં પ્રશંસા મેળવી હતી. ફિલ્મ ઉપરાંત નૃત્યમાં વિશેષ રુચિ હોવાથી કુમુદિની પણ ઇપ્ટામાં જોડાયાં અને સચિન સાથેનો પરિચય 1952માં લગ્નમાં પરિણમ્યો. પૃથ્વીરાજ કપૂરના પ્રોત્સાહનથી 1953માં સચિને ‘બેલે યુનિટ’ સ્થાપ્યું, તેમાં સહનર્તક નરેન્દ્ર શર્માનો સાથ મળ્યો. ન્યૂ સ્ટેજની સ્થાપના કરી અને માર્ટિન રસેલ અને જ્યૉર્જ કીટના સહયોગથી ‘રામાયણ’ શીર્ષક હેઠળની નૃત્યનાટિકા પ્રસ્તુત કરી. તેમાં રામ અને સીતાનું પાત્ર અનુક્રમે સચિન અને કુમુદિનીએ ભજવ્યું અને પ્રેક્ષકોની ભરપૂર પ્રશંસા મેળવી.

નૃત્ય ઉપરાંત સાહિત્યનો શોખ હોવાથી તેઓ સમકાલીન વિશ્વની અગ્રગણ્ય વ્યક્તિઓ વિશે પુસ્તકો વાંચતા. બાળાસાહેબ ઠાકરે, હરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, પંડિત નરેન્દ્ર શર્મા, ગ. દિ. માડગુળકર જેવા સાહિત્યકારો અને કલાકારોનો સંપર્ક સાધી તેમની રચનાઓને રવિશંકર, પં. વિજયરાઘવ રાવ, સલિલ ચૌધરી, વિષ્ણુદાસ શ્રીરાળી જેવા ખ્યાતનામ સંગીતકારોના સહકારથી નૃત્ય દ્વારા પ્રસ્તુત કરી. તેને પ્રેક્ષક અને કલાજગતમાં નામના મળી અને સહજ રીતે રાજ્યની સહાય અને ત્યારબાદ કેન્દ્ર સરકારની આર્થિક સહાય પણ મળી. ‘રામાયણ’, ‘છત્રપતિ શિવાજી’, ‘જય-પરાજય’, ‘કથા હી રામ જાનકીચી’, ‘ટ્રેન’, ‘રાજયોગી’ (શિવાજી) જેવી નૃત્યસંરચનાઓ ગણમાન્ય થઈ છે. તેને લઈ તેમણે દેશવિદેશમાં પ્રતિષ્ઠિત પ્રેક્ષકો, રાજવીઓ, પંતપ્રધાનો, રાષ્ટ્રપતિઓ આદિ સમક્ષ રજૂઆત કરી અનેક પારિતોષિકો મેળવ્યાં. વળી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નૃત્યસ્પર્ધામાં ભાગ લઈ આધુનિક સર્જનાત્મક નૃત્યશૈલીમાં ભારતનું યોગદાન નોંધાવ્યું. જીવનની ઘટમાળ પર આધારિત ‘ના’, ‘ઘોસ્ટ’, ‘ક્રિકેટ’, ‘કાઇટ ફ્લાઇંગ’ જેવી રચનાઓ કરી. 1988માં સોવિયત સંઘમાં ‘ઇન્ડિયા ફેસ્ટિવલ’માં 50 ભારતીય અને 50 સોવિયત સંઘના કલાકારોને લઈ ‘વૉલ્ગા ટુ ગંગા’ નૃત્યનાટિકાની રચના કરી.

તેમને મળેલા પુરસ્કારો : માનવ સેવા મંડળ, દિલ્હીનો સુવર્ણપદક; ‘ડૉક્ટર ઑવ્ સાયન્સીઝ’ની માનદ પદવી; નૅશનલ પ્રોફેસર ઍવૉર્ડ; અલ્જિયર્સ ઇન્ટરનૅશનલ આર્ટ ફેસ્ટિવલ ઍવૉર્ડ; ટ્યૂનિસ ઇન્ટરનૅશનલ ફોક આર્ટ ફેસ્ટિવલનો ઍવૉર્ડ; 1989માં સૂરસિંગાર સંસદ તરફથી રસેશ્વર પુરસ્કાર; 1993માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર; શાંતિબહેન પુરસ્કાર, ભોપાળ; ઉપરાષ્ટ્રપતિના હસ્તે નૃત્યક્ષેત્રે નૃત્યસંયોજન માટે 1995માં; પુરસ્કાર તેમજ સન્માનપત્ર ઉદય શંકર ઉત્સવમાં પ. બંગાળ સરકાર તરફથી ગોદાવરી પુરસ્કાર.

તેમણે કેટલાંક નૃત્યસંયોજનો પણ કરેલાં. તેમાંનાં ‘ફ્લાવર’ (લે. મુલ્કરાજ આનંદ, 1948), ‘રામલીલા’ (1950), ‘ફિશરમૅન ઍન્ડ મરમેઇડ’ (કવિ પં. નરેન્દ્ર શર્મા, સંગીત : હેમંતકુમાર, 1953), ‘જય-પરાજય’ (સંગીત : રવિશંકર, કથા : પં. નરેન્દ્ર શર્મા, 1958); ‘છત્રપતિ શિવાજી’ (સંગીત : યશવંત દેવ, 1964), ‘કથા હી રામ જાનકીચી’ (કવિ : ગ. દિ. માડગુળકર, 1966), ‘ટ્રેન’ (સંગીત : સલિલ ચૌધરી, ગીત : હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય, 1970); ‘ના’ (સંગીત : સલિલ ચૌધરી, 1972), ‘ઘોસ્ટ’ (સંગીત : સલિલ ચૌધરી, 1973), ‘રાજયોગી’ (સંગીત : યશવંત દેવ, 1974) વગેરે ઉલ્લેખનીય છે.

પ્રકૃતિ કાશ્યપ