સુકન્યા : રાજા શર્યાતિની પુત્રી અને ચ્યવન ઋષિની પત્ની. શર્યાતિના પુત્રોએ ભાર્ગવ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવન ઋષિએ શાર્યાતોમાં વિગ્રહ કરાવ્યો. તેથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવન સાથે પરણાવીને ઋષિને પ્રસન્ન કર્યા એવી એક વાત શતપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુનર્યૌવન પામ્યા એ કથા પુરાણોમાં પ્રસિદ્ધ થયેલી છે. આ ઉપરાંત તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. પુરાણોમાં દર્શાવ્યા મુજબ રાજા શર્યાતિ વલભીપુરમાં રહેતા હતા, જ્યારે ચ્યવન ઋષિનો આશ્રમ નર્મદાકિનારે હતો. આ કથા પરથી સૌરાષ્ટ્રમાં શાર્યાતો તથા નર્મદાકાંઠે (રેવાકાંઠે) ભાર્ગવો વસ્યા હોવાનું અને શાર્યાતો તથા ભાર્ગવો વચ્ચે લડાઈ પછી સંધિ થઈ હોવાનું ફલિત થાય છે.

જયકુમાર ર. શુક્લ