સુકતાન (rickets) : બાળકોમાં હાડકાંમાં કૅલ્શિયમની જમાવટ ન થાય ત્યારે પોચાં અને કુરચના(deformity)વાળાં હાડકાં બને તે. તે શિશુઓ અને બાળકોમાં સામાન્ય પ્રકારના અસ્થિકરણ-(ossification)માં વિકાર કરતો રોગ છે. પુખ્તવયે જ્યારે હાડકાંમાં ફક્ત કૅલ્શિયમની જમાવટ ન થાય પણ પ્રોટીન વગેરે પોષકદ્રવ્યોની ઊણપ ન હોય તો તેને અસ્થિમૃદુતા (osteomalacia) કહે છે. બાળકોમાં થતો સુકતાન અને મોટી ઉંમરે થતો અસ્થિમૃદુતાનો વિકાર જુદી જુદી ઉંમરે થતો એક જ પ્રકારનો રોગ છે. સુકતાનને ગુજરાતીમાં ‘સૂકું ગળું’ (સૂકગળું) પણ કહે છે. હાડકાંમાં કૅલ્શિયમની ઊણપને કારણે હાડકાં પોચાં બને છે, જલદીથી તૂટે છે (અસ્થિભંગ, fracture) તથા જ્યારે પાછાં સંધાય છે ત્યારે તે કુરચના કરે છે. તેના માટેનો અંગ્રેજી શબ્દ ‘રિકેટ્સ’ અસ્થિભંગ (fracture) તથા વિષમ પ્રકારના પુન:સંધાનને કારણે પહોળું થયેલું કાંડું (wrist) કે વિકારથી વિકૃત થયેલો સોજાવાળો કરોડસ્તંભ એટલે કે રેચિટિસ (rachitis) પરથી બન્યો છે.

આ રોગમાં મુખ્યત્વે પ્રજીવક-ડી(vitamin-D)ની ઊણપ હોઈ તેના કારણે આંતરડાંમાં કૅલ્શિયમનું અવશોષણ ઘટે છે તથા હાડકાંમાં કૅલ્શિયમની જમાવટ થઈ શકતી નથી. પારજાંબલી કિરણોવાળા સૂર્યપ્રકાશનો અપૂરતો સંસર્ગ, આહારમાં કૅલ્શિયમ કે વિટામિન-ડી અથવા બંનેની ઊણપ તથા મૂત્રપિંડના રોગમાં વિટામિન-ડીનું સક્રિય સ્વરૂપ ન બને તેવી સ્થિતિને કારણે સુકતાન કે અસ્થિમૃદુતા થાય છે. શુદ્ધ શાકાહારી ખોરાકમાં વિટામિન-ડી હોતું નથી. તેવી રીતે માતાના દૂધમાં પણ તેનું પ્રમાણ અપૂરતું હોય છે. તેથી શિશુને પૂરતો સૂર્યપ્રકાશ અને બાળકોને આહારમાં દૂધ આપવું જરૂરી બને છે. જો મૂત્રપિંડનો રોગ કારણરૂપ હોય તો તેવા વિકારને ‘મૂત્રપિંડી સુકતાન’ (renal rickets) કહે છે. તે કોઈ પણ ઉંમરે થાય છે. વિકાસશીલ દેશોમાં કુપોષણવાળાં બાળકોમાં તે વધુ જોવા મળે છે. તેથી ભૂખમરો કે દુકાળ થાય ત્યારે તેનું પ્રમાણ વધે છે. પશ્ચિમી દેશોમાં તે અશ્વેત બાળકોમાં સૂર્યપ્રકાશના અપૂરતા સંસર્ગે થાય છે. બારીના સામાન્ય કાચમાંથી પારજાંબલી કિરણો પસાર થઈ શકતાં નથી. પારજાંબલી કિરણોની હાજરીમાં ચામડીમાં વિટામિન-ડીનું ઉત્પાદન થાય છે, જેને મૂત્રપિંડમાં સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત કરાય છે. વિટામિન-ડીની હાજરીમાં હાડકાંમાં કૅલ્શિયમ જમા થાય છે. તેથી સૂર્યપ્રકાશનો અપૂરતો સંસર્ગ સુકતાન કરે છે. કૉડ નામની માછલીના યકૃત(liver)માં વિટામિન-ડી હોય છે. તેથી અણગમતા સ્વાદવાળું કૉડલિવર ઑઇલ વિટામિન-ડીની ઊણપ દૂર કરવાનું ઔષધ બન્યું હતું. હાલ અશ્વત બાળકો અને ધાવણ કરાવતી માતાઓને સૂર્યપ્રકાશનો સંસર્ગ અપૂરતો રહે તો તે બાળકોમાં સુકતાન થાય છે. ખાસ કરીને જો તેમને આહારમાં વિટામિન-ડીનો પૂરતો પુરવઠો ન અપાતો હોય તો. તેથી અશ્વેત બાળકો, પ્રકાશના સંસર્ગવિહોણી ધાવણ કરાવતી માતાઓ, ધાવણ-પોષી અથવા સ્તન્યપાની (breast-fed) બાળકો જે પ્રકાશના સંસર્ગમાં ન આવતાં હોય તેમને કે એવી વ્યક્તિઓ કે જેમને દુગ્ધશર્કરાની અસહિષ્ણુતા (lactose intolerance) હોય અને તેથી દૂધમાંની શર્કરાને પચાવી ન શકવાથી દૂધ ઓછું લેતી હોય તો તેમને આવો વિકાર થાય છે. સુકતાન થવાનાં આહાર અને પ્રકાશની ઊણપ ઉપરાંત અન્ય કારણો પણ છે; જેવાં કે, આંતરડાંના રોગમાં વિટામિન-ડીનું અપૂરતું અવશોષણ થાય, યકૃત અને મૂત્રપિંડના રોગોમાં વિટામિન-ડીનું ચયાપચય દ્વારા સક્રિય સ્વરૂપ ન બને અથવા શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસ વચ્ચેનું સંતુલન ખોરવાઈ જાય.

આમ, વિટામિન-ડીની આહારી ઊણપ, સૂર્યપ્રકાશના અભાવને કારણે થતું અપૂરતું ઉત્પાદન, આંતરડાંના રોગમાં અપૂરતું અવશોષણ કે યકૃત કે મૂત્રપિંડના રોગોમાં સક્રિય દ્રવ્યમાં રૂપાંતરણ થવાનો અભાવ સુકતાન કરે છે. આ ઉપરાંત ક્યારેક કોઈ વ્યક્તિ વિટામિન-ડીની ક્રિયાશીલતાને નિષ્ફળ બનાવે છે તેને વિટામિન-ડી સામેનો ક્રિયારોધ (resistance) કહે છે. તેનાથી થતા વિકારને પ્રજીવક-ડી-ક્રિયારોધી સુકતાન (vitamin-D resistant rickets) કહે છે. તે એક પ્રકારે જનીનીય (genetic) વિકાર છે અને તે ‘X’ નામના અદેહસૂત્ર કે લિંગસૂત્ર (sex chromosome) પરના પ્રભાવી (dominant) જનીનને કારણે થાય છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : કોઈ પણ કારણે સુકતાન થાય તોપણ તેનું પ્રદર્શનીય રૂપ (presentation) સમાન હોય છે. શિશુની ખોપરી પોચી હોય છે. તેને પિંગપૉન્ગ બૉલ જેવી ખોપરી અથવા મૃદુકર્પરિતા (craniotabes) કહે છે. પાંસળીઓના આગળના છેડા પહોળા થાય છે અને મણકા જેવા લાગે છે. છાતીના આગળના ભાગમાં ઉપરથી નીચે આવા મણકા-આકારના પહોળા છેડા જાણે એક પ્રકારની મણકાની માળા બનાવે છે. તેને સુકતાનની મણકા-માળ (rachitic rosary) કહે છે. કાંડું અને ઘૂંટી (ankle) પહોળાં થાય છે. કરોડસ્તંભ ડાબી કે જમણી બાજુ વળે છે. તેને પાર્શ્ર્વખૂંધ (scoliosis) કહે છે. ક્યારેક આવી ખૂંધ પાછળ તરફ (પશ્ર્ચખૂંધ, kyphosis) કે આગળ તરફ (અગ્રખૂંધ, lordosis) પણ હોય છે. અગ્રખૂંધ કમરના મણકામાં થાય છે, તેથી તેને અધિકટીય અગ્રખૂંધ (lumbar lordosis) કહે છે. શ્રોણી(pelvis)નાં હાડકાં – ત્રિકાસ્થિ (sacrum) અને નિતંબાસ્થિ(hip-bones)માં કુરચના થવાથી શ્રોણી સાંકડી બને છે; જે સ્ત્રીઓમાં પાછળથી યોનિમાર્ગી પ્રસવ(vaginal delivery)માં તકલીફ કરે છે. બાળકની ઊંચાઈ ઓછી રહે છે અને પગનાં હાડકાં ધનુષના આકારે વળી જાય છે. હાડકાંમાં કુરચનાની સાથે સ્પર્શવેદના (tenderness) પણ થાય છે. તેમને સ્પર્શ કરવાથી તે દુખે છે માટે તેને સ્પર્શવેદના કહે છે.

સુકતાન : (અ) ધનુષ આકારના વળેલા પગનાં હાડકાંનું ઍક્સ-રે ચિત્રણ, (આ) બાળકનો વિકારથી વિકૃત હાથ, (ઇ) કોલિ-કૅલ્શિફેરોલનું રાસાયણિક બંધારણ, (ઈ) અર્ગો-કૅલ્શિફેરોલનું રાસાયણિક બંધારણ

હાડકાં ઉપરાંત દાંતમાં કુરચના થાય છે. દાંત મોડા ફૂટે છે, દાંતની રચનામાં કચાશ રહે છે, તેના ઉપરના કાચ જેવા મોતિયલ (enamel) નામના આવરણમાં કાણાં રહી જાય છે, દંતસડા(caries)ને કારણે દાંતમાં ગુહિકાઓ (cavities) અથવા નાના ખાડા પડે છે.

આ ઉપરાંત કૅલ્શિયમની ઊણપને કારણે સ્નાયુઓની સજ્જતા (muscle tone) ઘટે છે, સ્નાયુમાં પીડા (cramps) થાય છે તથા સ્નાયુઓની વધતી જતી નબળાઈ જોવા મળે છે. સ્નાયુઓ કે સાંધામાં સ્પર્શવેદના હોતી નથી. હાડકાં અને સ્નાયુના વિકારો વ્યક્તિની ઊંચાઈ ઓછી રાખે છે (સામાન્ય રીતે 5 ફૂટથી ઓછી). સારણીમાં અગત્યનાં લક્ષણો અને ચિહ્નો દર્શાવ્યાં છે.

લોહીની તપાસ કરતાં તેમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસની રુધિરરસ સપાટી (serum level) નીચી રહે છે અને આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ નામના ઉત્સેચક(enzyme)ની રુધિરરસ સપાટી ઊંચી રહે છે. લોહીમાં કૅલ્શિયમ ઘટવાથી અનિયમિત અને વિષમ સ્નાયુસંકોચનો થાય છે, જેમાં આંગળીઓ વળી જાય છે (જેને નસ પર નસ ચડી જવી કહે છે.) તથા પિંડી(calf)ના સ્નાયુઓમાં ‘ગોટલા’ વળે છે. આ વિકારને અંગુલિવંકતા (tetany) કહે છે. ધમનીના લોહીની તપાસ કરતાં ચયાપચયી અમ્લતાવિકાર (metabolic acidosis) નામનો વિકાર થયેલો જોવા મળે છે. કુરચના પામેલાં હાડકાંનાં ઍક્સ-રે-ચિત્રણો નિદાનસૂચક હોય છે. નિદાન નિશ્ચિત કરવા હાડકાંનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસવાની પેશીપરીક્ષણ (biopsy) નામની નિદાનપ્રક્રિયાની ભાગ્યે જ જરૂર પડે છે.

સારણી : સુકતાનનાં અગત્યનાં લક્ષણો અને ચિહનો

1. હાડકાંમાં દુખાવો અને સ્પર્શવેદના (tenderness)
2. દાંતની કુરચના, દંતસડો, મોતિયલ આવરણ(enamel)માં કાણાં
3. સ્નાયુની નબળાઈ
4. વધુ પ્રમાણમાં અસ્થિભંગ (fracture)
5. કંકાલતંત્રીય (skeletal) કુરચના – ધનુષાકારી પગ, ખોપરી, કરોડસ્તંભ અને શ્રોણી(pelvis)ની કુરચના
6. વૃદ્ધિ(ઊંચાઈ)માં ઘટાડો
7. પોચી ખોપરી (મૃદુકર્પરિતા, craniotabes)
8. છાતીના આગલા ભાગમાં સુકતાની મણકામાળ (rickety અથવા rachitic rosary)

સારવાર અને પૂર્વનિવારણ (prevention) : સારવાર માટે ખોરાકમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને વિટામિન-ડીનું પ્રમાણ વધારે જરૂરી બને છે. પારજાંબલી કિરણોનો સંસર્ગ (સૂર્યપ્રકાશ), કૉડલિવરનું તેલ, વિટામિન-ડી વગેરે અપાય છે. શિશુઓ અને બાળકોને રોજનું 200 આંતરરાષ્ટ્રીય એકમો (IU) જેટલું વિટામિન-ડી જરૂરી છે. વિટામિન-ડી2 (અર્ગો-કૅલ્શિફેરોલ) કરતાં વિટામિન-ડી3 (કોલ્શિ-કૅલ્શિફેરોલ સહેલાઈથી અવશોષાય છે માટે તેનો ઉપયોગ વધુ થાય છે. ધાવણમાં વિટામિન-ડીનું પ્રમાણ ઓછું હોવાથી 2 મહિનાની ઉંમર પછી મુખમાર્ગે વિટામિન-ડી અપાય છે. હાડકાંની થઈ ગયેલી કુરચનાઓ માટે ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

અપેક્ષાનુમાન અથવા અંત્યાનુમાન (prognosis) : સારવાર આપવાથી નિદાનકસોટીઓ 1 અઠવાડિયામાં સામાન્ય પરિણામ દર્શાવે છે. બાળકો વૃદ્ધિ પામતાં હોય તેવે સમયે ક્ષતિપૂરણ કરવામાં આવે તો લાંબા સમયની કુરચના થતી અટકે છે. ક્યારેક ઔષધક્રિયારોધ(drug resistance)ના કારણે વિકાર થયેલો હોય તો વધુ માત્રામાં પોષક દ્રવ્યો (વિટામિન-ડી વગેરે) અપાય છે.

આબેદા મોમિન

શિલીન નં. શુક્લ