સિંઘ, ગુરચરણ (જ. 26 ઑક્ટોબર 1896, શ્રીનગર, કાશ્મીર, ભારત; અ. 1996, ભારત) : આધુનિક ભારતીય કુંભકાર. આધુનિક ભારતીય કુંભકળાના તે પિતામહ ગણાય છે. જમ્મુ ખાતેની પ્રિન્સ ઑવ્ વેલ્સ કૉલેજમાં અભ્યાસ કરીને 1918માં ગુરચરણ ભૂસ્તરશાસ્ત્ર-(geology)ના સ્નાતક થયા. સરકારી નોકરી શોધવામાં નિષ્ફળતા સાંપડતાં એ જ વર્ષે દિલ્હી ખાતે રામસિંઘ કાબુલીની ભઠ્ઠીઓમાં પારંપરિક પદ્ધતિના કુંભકાર પઠાણ અબ્દુલ્લાહના તાલીમાર્થી તરીકે તેમણે કુંભકળા શીખવી શરૂ કરી. 1919માં ગુરુ પઠાણ અબ્દુલ્લાહે સિરામિક ટાઇલની ટૅક્નૉલૉજીનો અભ્યાસ કરવા માટે ગુરચરણને ત્રણ વરસ માટે જાપાન મોકલી આપ્યા. આ માટે અબ્દુલ્લાએ જ સ્કૉલરશિપ અને બીજાં નાણાંની સગવડ કરી આપી.
જાપાનમાં ગુરચરણની મુલાકાત કલા-ઇતિહાસજ્ઞ સોએત્સુ યાનાગી ઉપરાંત વિશ્વના શ્રેષ્ઠ કુંભકારો સાથે થઈ. તેમાં બ્રિટનના બર્નાર્ડ લીચ તથા જાપાનના કેન્કીચી તોમી મોટો અને શોજી હામાડાનો સમાવેશ થતો હતો. ત્રણ મહિના માટે ગુરચરણે કોરિયા અને ચીનનો પ્રવાસ પણ કર્યો. ભારત પાછા ફરી ગુરચરણે 1923માં ગુરુ પઠાણ અબ્દુલ્લાહની પુત્રી સાથે લગ્ન કર્યું તથા પઠાણ અબ્દુલ્લાહ સાથે ભાગીદારીમાં દિલ્હી બ્લૂ પૉટરી નામ હેઠળ સિરામિક ટાઇલની ફૅક્ટરી શરૂ કરી. ભારતમાં બીજા કોઈ પણ કુંભકાર જે કરી શકતા નહોતા તે તાંબા અને કોબાલ્ટના ઑક્સાઇડો વડે નીલા રંગો કુંભ પર ઉતારવામાં ગુરચરણને અસાધારણ સફળતા મળી. દેશભરમાં તેમની નામના ફેલાઈ. સસરા પઠાણ અબ્દુલ્લાહથી છૂટા પડીને 1939માં ગુરચરણે કાશ્મીરની ખાણોમાં (ખાણોના) નિષ્ણાત (mining expert) તરીકે બે વરસ માટે કામ કર્યું.
ગુરચરણ સિંઘ
ગુરચરણ 1943માં બ્રિટિશ ભારત સરકારના લાહોર ખાતેના શિક્ષણ અને સંશોધન કેન્દ્રની ગવર્નમેન્ટ પૉટરી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર બન્યા.
1947માં ભારતના ભાગલા પડતાં ગુરચરણ ભારત આવ્યા અને સ્વતંત્ર ભારત સરકારના અમ્બાલા ખાતેના શિક્ષણ અને સંશોધન કેન્દ્રની ગવર્નમેન્ટ પૉટરી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર બન્યા. 1952માં તેમણે અહીંથી પણ રાજીનામું આપી દીધું.
1952માં ગુરચરણે દિલ્હીમાં દિલ્હી બ્લૂ આર્ટ પૉટરી નામે કુંભકળાનો સ્વતંત્ર સ્ટુડિયો શરૂ કર્યો. 1964માં તેમણે હિમાચલ પ્રદેશની કાંગડા ખીણમાં આન્દ્રેતા ખાતે કુંભકળાનો સ્ટુડિયો શરૂ કર્યો. આન્દ્રેતામાં કુંભકળામાં ઉપયોગી એવી અત્યંત ઉચ્ચ કક્ષાની માટી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હતી.
સિરામિક ક્ષેત્રે ગુરચરણે કરેલા પ્રયોગો અને સંશોધન બદલ ઑલ ઇન્ડિયા સિરામિક સોસાયટીએ 1971માં સિલ્વર પ્લેક વડે તેમનું બહુમાન કર્યું. ગુરચરણના પ્રયત્નોથી જ ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ સોસાયટીએ 1973થી કુંભકળાનાં પ્રદર્શનો યોજવાની શરૂઆત કરી. આ જ સોસાયટીએ 1977માં અને ફરીથી 1984માં શ્રેષ્ઠ કળાકારના વાર્ષિક ખિતાબ વડે તેમનું સન્માન કર્યું.
ગુરચરણે ભારતીય કુંભકળા ઉપર કરેલું વિશદ સંશોધન 1979માં ‘પૉટરી ઇન ઇન્ડિયા’ નામના પુસ્તક રૂપે પ્રકાશિત કર્યું. 1981માં આન્દ્રેતા ખાતે તેમને હૃદયરોગનો ભારે હુમલો આવ્યો. પછી નિયમિત કુંભકાર્યની જવાબદારીમાંથી તેઓ મુક્ત થયા અને આન્દ્રેતા ખાતેના સ્ટુડિયોની જવાબદારી કુંભકાર પુત્ર માન્સિમ્રાન સિંઘને માથે નાંખી. ‘ડ્રૅસ્ડન મ્યુઝિયમ’ના પાંચસોમા વાર્ષિક સ્થાપનાદિનની ઉજવણીમાં ભાગ લેવા માટે ગુરચરણે 1960માં પૂર્વ જર્મનીની મુલાકાત લીધી. 1991માં તેમણે દિલ્હી ખાતે દિલ્હી બ્લૂ પૉટરી ટ્રસ્ટ હેઠળ કુંભકળાના વિધિવત્ (formal) શિક્ષણની સગવડ ઊભી કરી.
1974માં સાહિત્ય કલા પરિષદ ખિતાબ વડે તથા 1988માં ‘કલારત્ન’ ખિતાબ વડે ગુરચરણનું બહુમાન કરવામાં આવેલું. 1991માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ ખિતાબ વડે તેમને નવાજેલા.
દીર્ઘ જીવનકાળ દરમિયાન ભારતમાં વિવિધ શહેરો ઉપરાંત, લંડન, ટોકિયો, શારજાહ, બૈરુત(લેબેનોન)માં ગુરચરણની કુંભકળાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયેલાં. દિલ્હીમાં પાર્લમેન્ટ હાઉસ, ઓબેરૉય ઇન્ટરકૉન્ટિનેન્ટલ, ઇમ્પીરિયલ હોટેલ, ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સેન્ટર, ઑડિયૉન સિનેમા હાઉસ તથા ફૉર્ડ ફાઉન્ડેશન ખાતે બ્લૂ સિરામિક ટાઇલ્સ વડે ગુરચરણે સર્જેલાં મ્યુરલ કાયમી ધોરણે પ્રદર્શિત છે.
ગુરચરણે ઘડેલાં ઘટકુંભનાં કેટલાક શ્રેષ્ઠ નમૂના આજે ચંદીગઢ મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. તેમના પુત્ર માન્સિમ્રાન સિંઘ અને પુત્રવધૂ મૅરી પણ કુંભકાર છે.
અમિતાભ મડિયા