સિંઘ, કે. ડી. (. 2 ફેબ્રુઆરી 1922, બારાબંકી, ઉત્તરપ્રદેશ; . 27 માર્ચ 1978) : ભારતીય હૉકી-ખેલાડી. પૂરું નામ કુંવર દિગ્વિજયસિંહ. તેઓ કે. ડી. સિંઘ બાબુના નામથી જાણીતા હતા. હૉકીના રસિકો તેમને ‘બાબુ’ના ઉપનામથી ઓળખતા હતા. રાજવી પરિવારમાં જન્મ થયો હોવા છતાં તેમણે હૉકીમાં સામાન્ય ખેલાડી-રૂપે રમવાનું નક્કી કર્યું. ભારતીય હૉકી-જગતમાં ધ્યાનચંદ, રૂપચંદ તથા બલવીર સિંઘ પછી કે. ડી. સિંઘ બાબુનું નામ લોકપ્રિય બન્યું હતું. 1938માં સૌપ્રથમ મૅચ તેઓ દિલ્હીમાં રમ્યા હતા. 1959 સુધી ખેલાડી તરીકે સક્રિય રહ્યા. 1938થી 1959 સુધી ખેલાડી તરીકે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમ્યા. 1946માં સિલોન, 1947 અને 1951માં પૂર્વ આફ્રિકા અને 1955માં ન્યૂઝીલૅન્ડ આંતરરાષ્ટ્રીય હૉકી-મૅચો રમવા ભારતીય ટીમમાં તેઓ પસંદગી પામ્યા હતા. 1949માં અફઘાનિસ્તાનના પ્રવાસે ગયેલી ભારતીય હૉકી ટીમના કૅપ્ટનપદે તેઓ નિયુક્ત થયા હતા. તેઓ ફૉરવર્ડ લાઇનમાં ‘ઇન સાઇડ રાઇટ’ની સ્થિતિ ઉપર રમતા. 1948ના લંડન ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતીય હૉકી ટીમના ઉપકપ્તાન તરીકે અને 1952ના હેલસિંકી ઑલિમ્પિક રમતોત્સવમાં કૅપ્ટન તરીકે નિયુક્ત થયા હતા. આ બંને ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

1948માં સ્વતંત્ર ભારતની પહેલી ભારતીય હૉકી ટીમે લંડન ઑલિમ્પિક રમતોત્સવમાં તેમના સુકાનીપદે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો, ત્યારથી જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દિગ્વિજયસિંહ પ્રકાશમાં આવ્યા. તેઓ આક્રમક ખેલાડી તરીકે જાણીતા થયા. હેલ્મ્સ ટ્રૉફી એવૉર્ડ માટે પસંદ કરવામાં આવેલા તેઓ પ્રથમ એશિયાઈ ખેલાડી હતા. 1952ના વર્ષના ‘બેસ્ટ પ્લેયર ઑવ્ ધ વર્લ્ડ’ તરીકેનું સન્માન પણ તેમને પ્રાપ્ત થયું હતું. 1958માં ભારતમાં હૉકીના તેમના પ્રદાન બદલ ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નું સન્માન અર્પણ કર્યું હતું.

કે. ડી. સિંઘ બાબુ એક સંનિષ્ઠ પ્રશાસક હતા. ભારતીય હૉકીને પુનર્જીવિત કરવા તથા નવા નવા ખેલાડીઓને રમવાની તક આપવા તેઓ તત્પર રહેતા હતા. લખનૌ તથા મેરઠમાં સ્પૉર્ટ્સ હૉસ્ટેલની શરૂઆત તેમના પ્રયત્નનું ફળ હતું. 1972માં મ્યૂનિક ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતીય હૉકી ટીમના કોચ તરીકે તેમણે સેવાઓ આપી. ઉત્તરપ્રદેશમાં સ્પૉર્ટ્સ સંકુલમાં વર્ષો સુધી સેવાઓ આપી. અગમ્ય કારણોસર તેમણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

હર્ષદભાઈ ઈ. પટેલ