ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

February, 2011

ગુજરાત

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત

‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે પોષણ મેળવે છે તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્કૃતિક પરંપરા વાટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યક્તિત્વ આવી પરંપરાથી ઘડાય છે – વિકસે છે. ગુજરાત, કનૈયાલાલ મુનશી કહે છે તેમ, જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોય તો તેની ઉપર્યુક્ત સંસ્કારપરંપરાને કારણે. કોઈ પણ મનુષ્યનો ચહેરોમહોરો, તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાનીમોટી ખાસિયતો – આ બધું આકસ્મિક હોતું નથી; તે એક સુદીર્ઘ, સાતત્યપૂર્ણ અને સંકુલ સાંસ્કૃતિક પરંપરાની નીપજરૂપ હોય છે. ગુજરાતી માટેય આ સાચું છે.

ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાત ભારતના નકશામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ભારતના સુદીર્ઘ સાગરકિનારાનો ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી 15 જિલ્લાઓ સાગરકિનારો ધરાવે છે. તેથી ગુજરાતીની એક ઓળખાણ ‘દરિયાલાલ’નીયે છે ! ગુજરાતનો સોળસો કિલોમીટરનો સાગરકિનારો તેની સમૃદ્ધિનું તેમ તેનાં સાહસ-પરાક્રમોનું ઊગમસ્થાન તો બન્યો જ; તે સાથે તે અનેક વિદેશી પ્રજાઓને ભારત પ્રતિ આકર્ષવાનું નિમિત્ત પણ બની રહ્યો. લંકાની લાડીએ ઘોઘાના વરનું આકર્ષણ અનુભવેલું !

આકૃતિ 1 : ગુજરાતનો નકશો

આ ગુજરાતના માનસમાં જ વિવેક-બૃહસ્પતિપણું. હિત-અહિત, સારું-નરસું બધું હેલામાં પરખી લે. તેની કોઠાસૂઝ પણ ગજબ. સમજણ દ્વારા સુખી થવાનો કીમિયો એને માનસવગો. ચતુરાઈ એની ચાલમાં, ઉદ્યમ અને કરકસર એના કામમાં. તેના ચારિત્ર્યબળનો આંક સારો એવો ઊંચો. ખડ્ગ ક્યારે ખેંચવું ને ઢાલ ક્યારે આડી ધરવી તેનો પાકો અંદાજ. એ રીતે શિર સાટેય નાકની નોક સાચવવામાં એ માને. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના ‘સિદ્ધહૈમ’માં ટાંકેલા દુહાઓ સાંભળીએ કે કચ્છ ને સૌરાષ્ટ્રની કસુંબલ રંગની રસધારાઓ ઝીલીએ કે તુરત જ ગુર્જરવીરનાં પોત અને પાણીનો તાગ મળી જાય છે. મામલો હોય વેપારવણજનો કે લડાઈનો – બેયમાં ગુજરાતી સીધો પાર ઊતરવાનો કોઠાસૂઝ ને કૌવતના બળે; મહાજનરીતિની કાર્યપ્રણાલી ને સંઘ-સખાવતના બળે. ધર્મવીરતા, દયાવીરતા, દાનવીરતા ને ક્ષમાવીરતા – એ ચાર પાયા પર ગુર્જરવીરતા અડોલ અને અડીખમ રહી છે.

ગુજરાતની હવામાં સમન્વયપ્રેમ ને શાન્તિપ્રિયતા છે; એની આંતરલક્ષ્મી ને ગૃહલક્ષ્મી સખાવત ને આતિથ્યે સાર્થવતી થતી વરતાય છે. ગુજરાતીને સહકાર ને સુમેળ, સંધિ ને સમાધાન સ્વાભાવિક રીતે જ પસંદ; આમ છતાં આત્મગૌરવ ને આત્મસન્માનના પ્રસંગે એ કેસરભીનો વીર પણ બની જાય; વખત આવ્યે એ અસહકારી ને સત્યાગ્રહીયે થઈ રહે. 1928માં આચાર્ય કૃપાલાનીએ ગૂજરાત વિદ્યાપીઠ જેવા સ્વરાજ્યની કેળવણીના તીર્થમાંથી વિદાય લેતાં કહેલું કે ગુજરાતીની બે મહત્વની ખાસિયતો તે દૃઢ મનોબળ અને અહિંસા છે. તેમણે કહેલું કે ગુજરાતમાં પેટે ચાલવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હોત તો દૂબળા-પાતળા વાણિયાઓમાં એવા નીકળત કે જે સંગીનની અણી એમની સામે ધરી હોત તોપણ હુકમનો અનાદર કરત.

ગુજરાતના જેટલી અહિંસા બીજા કોઈ પ્રદેશમાં પળાતી હશે કે કેમ એ પ્રશ્ન છે. આ પ્રદેશ ચબૂતરા અને ચાટ, પરબડીઓ અને હવાડાઓ રાખવા-ચલાવવામાં રસ લેનારો પ્રદેશ છે. પશુપંખી અને માછલાં માટે કદાચ દુનિયાભરમાં સૌથી વધુ મુક્તતાથી ને નિરાંતે હરવાફરવાનું કોઈ સ્થળ હોય તો તે આ ગુજરાત છે.

ગુજરાતનું શાણપણ એને મધ્યમમાર્ગી રાખવામાં પ્રગટ થયું છે. આત્યંતિકતાએ વ્યવહાર કરવાનું ગુજરાતીના લોહીમાં નથી. કજિયાનાં મોં કાળાં ગણી તેમનાથી એ બચવાનું પસંદ કરે છે. અદાલતોમાંયે સમાધાન તરફ એનો ઝોક વધારે રહે છે. ગુજરાતમાં લોક-અદાલતોના વ્યાપક આવકાર પાછળ પણ એની આ સમાધાની પ્રકૃતિ કારણભૂત લાગે છે.

ગુજરાત બહુજનહિતાય અને બહુજનસુખાય કાર્ય કરવામાં માને છે. દાનધર્મ ને પૂર્તધર્મમાં તેનાં આસ્થા અને ઉદ્યમ અજોડ છે. ગિરિજનોહરિજનોથી માંડીને, મધ્યમવર્ગીય જનસમાજ અને ભદ્રજનો સુધી એનો સેવાધર્મ વ્યાપેલો છે. સ્વતંત્ર ભારતના એક મજબૂત અંગ રૂપે ‘નયા ગુજરાત’નું નિર્માણ તો સર્વ જનગણમનને જાગ્રતપણે સાથે રાખીને જ થઈ શકે તે ગુજરાત બરોબર જાણે છે. તેથી જ તેનાં ભૌતિક તેમજ આધ્યાત્મિક પ્રગતિનાં સર્વ આયોજનો અને ઉપક્રમોમાં એ સમષ્ટિ ને સર્વસમાનતાની સાચી વૈષ્ણવી ભાવનાનો મહિમા કરતું રહ્યું છે.

જેમ ભારતમાં તેમ ગુજરાતમાંયે ભૂમિમાર્ગે અને જળમાર્ગે અનેક પ્રજાઓ અને કોમો આવતી રહી છે. કૉલકાતાની મહાકાળી ગુજરાતમાં જેમ ભદ્રકાળી બની રહી તેમ અનેક લડાયક કોમો ગુજરાતના હવામાનમાં સૌમ્ય અને શાન્ત બની રહી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવેલા ક્ષત્રિયોએ હિંસાના પ્રતીકરૂપ તલવારો તજી, પણ વીરની અહિંસાને પોતીકી કરી. અનેક પરદેશી આક્રમણો સામે ગુજરાતે અણનમ રહીને પોતાનાં સ્વત્વ અને સત્વને અકબંધ જાળવી રાખ્યાં છે. એ સ્વત્વ ને સત્વના આકર્ષણે પ્રાચીન કાળમાં એક મોહને (શ્રીકૃષ્ણે) મથુરાથી દ્વારિકા આવવાનું પસંદ કર્યું હતું તો અર્વાચીન કાળના બીજા મોહને (શ્રી મોહનદાસ ગાંધીએ) એ સ્વત્વ અને સત્વની સમ્યક પ્રતિષ્ઠા માટે પોરબંદરથી દિલ્હી સુધી જવાનું પસંદ કર્યું. સુદર્શનચક્ર અને ચરખાચક્ર બેયને ધર્મચક્ર રૂપે પ્રયોજનારી પરમ વિભૂતિઓએ જેને સેવી એવી આ પુણ્યભૂમિ છે.

બિનસાંપ્રદાયિકતા અને પરમતસહિષ્ણુતા ગુજરાતના ભાતીગળ પોતમાં બરોબર વણાયેલી છે. ઈરાનમાંથી પવિત્ર અગ્નિ લઈને સમુદ્રમાર્ગે સંજાણ બંદરે આવી ઊતરેલા પારસીઓને ગુજરાતે પોતાના કરી લીધા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા તે પારસીઓ ગુજરાતના સર્વાંગીણ વિકાસમાં અમૂલ્ય હિસ્સો આજદિન સુધી આપતા રહ્યા છે.

સાહસિક ગુજરાતીઓ જે દેશમાં જાય ત્યાંની પ્રજામાં તે બરોબર હળીમળીભળી જાય છે. જ્યાં જાય ત્યાં એમનું પોતીકું ગુજરાત ખડું કરી દેવાનીયે તેમની અનોખી ખૂબી – ખાસિયત છે. જ્યાં જ્યાં ગુજરાતી પહોંચ્યો ત્યાં ત્યાં એની પાછળ ગુજરાત પણ જાણે પહોંચ્યું છે ! કવિ ખબરદારે સાભિપ્રાય જ કહેલું : ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’ ગુજરાતી જ્યાં જાય ત્યાંનો થઈને પોતાની અસલિયત કેમ સાચવવી તે જાણે છે. ભલે તે પરદેશી ભાષા શીખે અને પરદેશમાં ખંત, ઉદ્યમ અને આપસૂઝથી આગળ વધે; પણ તે બરોબર જાણે છે કે પોતાની ભાષા તે પોતાની ભાષા. માનું દૂધ તે માનું દૂધ. પોતાની માતૃભાષા દ્વારા જ ગુજરાતી પોતાની અસલિયતને – એના પોતાપણાને – એની અસ્મિતાને પ્રગટ કરી શકે. દરેક પ્રજાની સાચી ઓળખ એની માતૃભાષા દ્વારા – વતનની ધૂળમાંથી ફણગી ઊઠેલા શબ્દો દ્વારા – થાય છે. ગુજરાતીની સાચી ઓળખ તો ‘હું ગુર્જર ભારતવાસી’, ‘હું ગુર્જર વિશ્વપ્રવાસી’ અથવા ‘હું ગુર્જર વિશ્વનિવાસી’  એ રીતની એની અનુભવોક્તિમાંથી થઈ શકે. ઉમાશંકરે માર્મિક રીતે પ્રશ્નોક્તિ કરેલી : ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી ?’

ગુજરાતની સંસ્કૃતિ જૂના-નવાનો સુભગ સમન્વય કરતી વિકસી છે. પરંપરાને જાળવીને તે નિત્યનૂતન પરિબળોને ઝીલતી – જીરવતી રહી છે. ગુજરાતી પ્રજાની જીવનરીતિમાંયે પરંપરાના સાતત્ય સાથે નવીનતાના સમુદાર સ્વીકારનો ભાવ સતત જળવાયેલો રહ્યો છે.

ગુજરાત એવી તીર્થભૂમિ છે, જેનું દ્વારિકાનાથ ને સોમનાથ બંનેએ વરણ કર્યું છે. જગદંબાનો ચાચર ચોક ગુજરાતણના દિલમાં દૃષ્ટિગોચર થાય છે. આ ગરબા-રાસની ભૂમિ છે તો આ સંઘવીઓ ને સત્યાગ્રહીઓની કૂચ-ભૂમિયે છે. દ્વારિકા ને સોમનાથ જો તેનાં પ્રાચીન તીર્થો છે તો સાબરમતી આશ્રમ ને દાંડી તેનાં અર્વાચીન તીર્થો છે. ગુજરાત કૃષ્ણચંદ્રની કૌમુદીએ ઊજળો પ્રદેશ છે. તેને ગાંધીજીની જન્મભૂમિ તેમ જ કર્મભૂમિ બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે. ગાંધીજીની સ્વાતંત્ર્યયાત્રાનો શિવસંકલ્પ થયો ગુજરાતમાં અને વિદેશી શાસન સામે અહિંસક યુદ્ધનો પાંચજન્ય ફૂંકાયો તેય ગુજરાતમાં જ. સત્યાગ્રહમાંના અવશ્યંભાવી એવા વિજયનું દર્શન કરાવનાર અને રાષ્ટ્રીય એકતાનો ઇલમ અજમાવનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ખમીર અને ખુમારીનાં ધાવણ પાયાં ગુજરાતે. સંસ્કૃતિ – ધર્મ, સમાજ, કેળવણી, સાહિત્ય, કલા, વાણિજ્ય, ઉદ્યોગ, અર્થકારણ અને રાજકારણ – આવાં આવાં અનેક ક્ષેત્રોમાં ગુજરાતનું પ્રદાન રચનાત્મક અને તેથી સત્ત્વોજ્જ્વલ રહ્યું છે. યુદ્ધવ્યગ્ર વિશ્વને શાંતિનો સુધાસંદેશ આપનાર અવાજને ગુજરાત તરફથી સતત પ્રેરણા ને પુષ્ટિબળ મળતાં રહ્યાં છે.

સાગરપેટાળી ગુર્જરભૂમિ બહુરત્ના છે. અનેક બૌદ્ધિકો, વિજ્ઞાનીઓ, કલાકારો, સાહિત્યકારો, રમતવીરો, દાનવીરો, સંસ્કારસેવકો ને શ્રેષ્ઠીઓથી, સાહસિકો ને સેનાનીઓથી, સંતો અને ભક્તોથી આ ધરતી સમૃદ્ધ છે. એની આ સમૃદ્ધિનો લાભ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેકોને સાંપડતો રહ્યો છે. ગુજરાત એ રીતે ઊજળું રહ્યું છે એનાં સપૂતો ને સન્નારીઓથી.

કવિ શ્રી ન્હાનાલાલે કહ્યું છે કે ગુજરાતની એક પાંખ નીલી એટલે કે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રિ સુધી વિસ્તરેલી વનરાજિની છે, જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે. આ આદિવાસી ગિરિજનોથી માંડી મહાજનો સુધી સૌને સુખશાંતિ પ્રાપ્ત થાય એમાં જ હોય ગુજરાતની સંસ્કારશ્રીની સાર્થકતા અને ધન્યતા. આવી જ ગુજરાત નર્મદની જેમ આપણને સૌને ગરવી લાગે. આવી ગુજરાતના વારસદાર તરીકે, કવિ શ્રી ઉમાશંકરની જેમ, સૌનેય કૃતજ્ઞતાપૂર્વક ગાવાનું મન થાય :

                                મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત,

                                ગુજરાત મોરી મોરી રે.

ચાલો, હવે આપણે એ મોંઘેરી ગુજરાતના રમણીય ખંડોનું ક્રમશ: દર્શન કરી, એની સંસ્કારમૂર્તિને અંતરમાં અખંડતાએ પ્રતિષ્ઠિત કરીએ.

ભૂગોળ અને પર્યાવરણ

ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે 20°-01´´થી 24°-07´´ ઉ. અ. અને 68°-04´´થી 74°-04´´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોકિમી. છે. આ રાજ્ય 33 જિલ્લા અને 251 તાલુકામાં વહેંચાયેલા છે. જેમાં વડોદરા અને રાજકોટ મહત્તમ (સાત) જિલ્લાઓથી ઘેરાયેલ છે. તળ ગુજરાતના એકવીસ જિલ્લાનો 86,033 ચોકિમી., સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાનો 64,339 ચોકિમી. અને કચ્છ જિલ્લાનો 45,652 ચોકિમી. વિસ્તાર છે. આ રાજ્યમાં ગામડાઓની સંખ્યા 18,539 છે. જેમાં નહિવત વસ્તી ધરાવતા ગામડાઓની સંખ્યા 473 છે. કર્કવૃત્ત ગુજરાતના લગભગ મધ્ય ભાગમાંથી પસાર થાય છે. ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી ગુજરાત 5.98 % વિસ્તાર ધરાવે છે. તળ ગુજરાતની વધારેમાં વધારે ઉત્તર-દક્ષિણ લંબાઈ 540 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 500 કિમી. છે. સૌરાષ્ટ્રની વધારેમાં વધારે લંબાઈ પૂ.પ. 344 કિમી. અને પહોળાઈ ઉ.દ. 256 કિમી. છે. કચ્છની લંબાઈ પૂ.પ. 256 કિમી. અને પહોળાઈ ઉ.દ. 96થી 112 કિમી. છે, પણ ઓછામાં ઓછી પહોળાઈ 24 કિમી. છે.

ગુજરાતની ઉત્તરે મારવાડ, મેવાડ, શિરોહી અને અરવલ્લી ગિરિમાળાના ડુંગરો આવેલા છે. દક્ષિણે થાણા જિલ્લો, પૂર્વમાં વાંસવાડા (રાજસ્થાન), ખાનદેશ (મહારાષ્ટ્ર), અલીરાજપુર અને ઝાબુઆ (મધ્યપ્રદેશ) તથા સહ્યાદ્રિ ગિરિમાળા આવેલાં છે. પશ્ચિમ તરફ અરબી સમુદ્ર, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત તથા પાકિસ્તાન આવેલાં છે. પૂર્વ સરહદે સાતપુડા અને પશ્ચિમઘાટની શાખાઓ છે. ગુજરાત ઉત્તર તરફ રણ અને પર્વતોથી, દક્ષિણ અને પૂર્વ તરફ પહાડો અને જંગલોથી અને પશ્ચિમે સમુદ્રથી ચોમેર રક્ષાયેલું છે. ગુજરાતને 1600 કિમી. જેટલો લાંબો સમુદ્રકિનારો મળેલ છે. આ સમુદ્રકિનારે આવેલા જિલ્લાઓની સંખ્યા પંદર છે.

ગુજરાતના પ્રવેશમાર્ગો : માનવસંપર્કમાં આ સરહદો અંતરાયરૂપ હોવા છતાં ગુજરાતમાં પ્રવેશ કરવાના માર્ગો આ પ્રમાણે છે : (1) આબુની ખીણ, (2) કચ્છના અખાતનો માર્ગ, (3) કચ્છના રણનો માર્ગ, (4) ખંભાતનો અખાત, (5) ખાનદેશનો માર્ગ, (6) નર્મદાની ખીણ, (7) મધ્યપ્રદેશમાંથી દાહોદ અને (8) ડુંગરપુરની ખીણ.

ગુજરાતની સીમા સમય પ્રમાણે બદલાતી રહી છે. સિદ્ધરાજ અને કુમારપાળના સમય દરમિયાન ગુજરાતની સત્તા મેવાડ, મારવાડ અને માળવા સુધી વિસ્તરી હતી. દક્ષિણમાં તે નવસારી કે દમણ સુધી જ હતી. વાઘેલા કાળ દરમિયાન ઉત્તર સીમા આબુ સુધી જ હતી. ગુજરાતમાં મુસલમાન સુલતાનોની સત્તા દક્ષિણમાં ગોવા સુધી અને ઉત્તરમાં મેવાડ અને પૂર્વમાં ખાનદેશ સુધી વિસ્તરી હતી. અકબરના સમયમાં ખાનદેશ અને માળવાનો વધારે ભાગ ગુજરાતથી જુદો પડ્યો. ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં વીર દુર્ગાદાસને જાલોર અને સાચોર આપવામાં આવ્યાં. 1727માં મરાઠાઓએ ધરમપુરના રાજા પાસેથી નગરહવેલી અને થાણા જિલ્લાના ઉમરગામ, દહાણુ વગેરે તાલુકા લઈ લીધા હતા. વસઈ, દમણ અને મુંબઈ પૉર્ટુગીઝોના કબજામાં હતાં. તેમાંથી દમણ અને નગરહવેલીનો પ્રદેશ પૉર્ટુગીઝો પાસે રહ્યો. બાકીનો મુંબઈ સહિતનો પ્રદેશ, પૉર્ટુગીઝ અને મરાઠાઓ પાસેથી અંગ્રેજોને મળ્યો.

ગુજરાતનો પ્રદેશ 1947 પહેલાં 396 નાનાંમોટાં રજવાડાં અને બ્રિટિશ હકૂમત નીચેના પાંચ જિલ્લાનો બનેલો હતો, પરંતુ સરદાર વલ્લભભાઈની મુત્સદ્દીગીરીથી બધાં દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું. 1956ના ઑક્ટોબરમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે જોડાયું. તત્કાલીન બનાસકાંઠાનો આબુરોડ તાલુકો રાજસ્થાનમાં મૂકવામાં આવ્યો. બૃહદ મુંબઈ રાજ્યના વિભાજન બાદ ડાંગ જિલ્લો, થાણા જિલ્લાના ઉમરગામ તાલુકાનાં 50 ગામો અને પશ્ચિમ ખાનદેશ જિલ્લાના અક્કલકૂવા તાલુકાનાં 37, તલોદા તાલુકાનાં 46, નંદરબાર તાલુકાનાં 38 અને નવાપુર તાલુકાનાં 38 ગામો મળીને 156 ગામોનો ઉમેરો થયો. પોર્ટુગીઝ હકૂમત નીચેનો દીવ-દમણનો પ્રદેશ 1962થી ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે.

ભૂરચના : ગુજરાતની ભૂરચનાના ત્રણ કુદરતી વિભાગો છે : તળ ગુજરાતનું મેદાન, સૌરાષ્ટ્ર અને કચ્છનો દ્વીપકલ્પ તેમજ ઈશાનનો પહાડી પ્રદેશ.

તળ ગુજરાતનું મેદાન ભૂસંચલનથી નીચે બેસી જતાં અને તેમાં કાંપ પુરાતાં બન્યું હોય એમ મનાય છે. આ મેદાન ઉત્તરમાં અરવલ્લીની ડુંગરમાળાથી દમણગંગા સુધી સમતળ છે. તે દરિયાકિનારાથી પૂર્વ તરફ અને ઉત્તર તરફ જતાં ક્રમશ: ઊંચું થતું જાય છે. ગુજરાતનો 50 %થી વધુ ભૂમિવિસ્તાર આવાં મેદાનોનો બનેલો છે. તળ ગુજરાતનો મેદાની ભાગ દક્ષિણ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. દક્ષિણ ગુજરાતનું મેદાન વલસાડ જિલ્લાથી ભરૂચ જિલ્લાના ઉત્તર ભાગ સુધી વિસ્તરેલું છે. આ મેદાનમાં આશરે 8થી 10 મીટર જાડા કાંપના થરો છે. તે ‘પૂરનાં મેદાનો’ (flood plains) તરીકે ઓળખાય છે. ઉત્તરના મેદાનની જમીન મધ્ય અને દક્ષિણ ભાગના મેદાન કરતાં વધારે રેતાળ છે, જ્યારે મધ્ય અને દક્ષિણના મેદાનની જમીન ગોરાડુ અને કાળી છે. ઉત્તર તરફ જતાં વડોદરા, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં તે વિસ્તરે છે અને વડોદરાની દક્ષિણે તેની પહોળાઈ 125 કિમી. જેટલી થાય છે. વલસાડ જિલ્લાની જમીન ડેક્કન ટ્રૅપના ધોવાણ અને ખવાણથી બનેલી કાળી જમીન છે. તેની નીચે ટ્રૅપ-ખડકો છે. ભરૂચ અને સૂરત જિલ્લામાં નર્મદા અને તાપીનો કાંપ જાડા થર ધરાવે છે.

મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં આવેલું છે. આ મેદાન નર્મદાની ઉત્તરે ઓરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, સાબરમતી અને તેની ઉપનદીઓના કાંપનું બનેલું છે. ભાઠાની જમીન ગોરાડુ અને અન્ય જમીન કાળી છે. મધ્ય ગુજરાતના મેદાનના વીરમગામ, અમદાવાદ, વડોદરા અને ચરોતર એમ ચાર વિભાગો છે. વીરમગામના મેદાની પ્રદેશમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લાનો કેટલોક ભાગ આવેલ છે. અહીં જમીન કાળી અને ગોરાડુ છે. નળકાંઠો તેને સૌરાષ્ટ્રથી અલગ કરે છે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાનો ચરોતરની ઉત્તરે અને પશ્ચિમે આવેલ ભાગ તેમાં સમાવેશ પામે છે. ભાલની જમીન ઘનિષ્ઠ (compact) છે. ચરોતરનું મેદાન મહી અને શેઢી વચ્ચે આવેલું છે. તેમાં પેટલાદથી નડિયાદ સુધીનો વિસ્તાર સમાવાય છે. મહીનાં કોતરો બાદ કરતાં બધી જમીન સમતળ અને ગોરાડુ છે. તે લોએસ (loess) પ્રકારની ફળદ્રૂપ જમીન છે. વડોદરાના મેદાન પૈકી નર્મદા અને ઢાઢરથી ઉત્તરે આવેલી જમીન લાલ અને દક્ષિણે આવેલી જમીન કાળી છે. વિશ્વામિત્રી નદી આ બંને પ્રકારની જમીનને અલગ કરે છે.

ઉત્તર ગુજરાતનું મેદાન બનાસ, સાબરમતી, સરસ્વતી અને તેની સહાયક નદીઓના કાંપથી બનેલું છે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની પશ્ચિમ ભાગની જમીન રેતાળ છે. સાબરકાંઠાની જમીન કાળી અને વિજાપુરની જમીન ગોરાડુ છે. દક્ષિણ ગુજરાતની જમીન ફળાઉ વૃક્ષો માટે; મધ્ય ગુજરાતની જમીન ડાંગર, તમાકુ, બાજરી, જુવાર, કઠોળ માટે અને ઉત્તર ગુજરાતના મેદાનની જમીન બાજરી, જુવાર, કઠોળ, એરંડા, જીરું, ઇસબગૂલ, વરિયાળી અને કપાસ માટે અનુકૂળ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દ્વીપકલ્પના મધ્ય ભાગમાં ડુંગરોની હાર આવેલી છે. સૌરાષ્ટ્રમાં બરડો, ચોટીલો, શેત્રુંજો અને ગિરનાર છે. ગીરના મધ્ય ભાગમાંથી ભાદર, શેત્રુંજી, મચ્છુ, આજી વગેરે નદીઓ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ વિકેન્દ્રિત જળપરિવાહ રચીને વહે છે. દક્ષિણ કિનારાનું મેદાન સમતળ છે. પશ્ચિમનો ભાલનો ભાગ કાળી જમીનનો છે, પણ પાણી ખારું છે. જૂનાગઢ જિલ્લાનો ઘેડ પ્રદેશ સમુદ્રની સપાટીથી નીચો હોઈને ત્યાં પાણી ભરાય છે. માંગરોળથી ગોપનાથ સુધીનું દક્ષિણ કિનારાનું મેદાન ફળદ્રૂપ છે. તેનો ઊનાથી ચોરવાડ સુધીનો ભાગ નાઘેર તરીકે ઓળખાય છે. તેની ફળદ્રૂપ જમીનમાં નારિયેળી, આંબા, કેળ વગેરે ફળાઉ વૃક્ષો તથા કપાસ, બાજરી અને મગફળીનો મુખ્ય પાક થાય છે.

કચ્છમાં ઉત્તર, દક્ષિણ અને મધ્યમાં ટેકરીઓ આવેલી છે. તેમાંથી નાની નદીઓ નીકળે છે. કચ્છનો પશ્ચિમ અને ઉત્તર ભાગ દક્ષિણ અને પૂર્વ ભાગ કરતાં વધારે સૂકો છે. દક્ષિણનો કાંઠી તરીકેનો મુંદ્રાથી માંડવી સુધીનો મેદાનનો ભાગ ફળદ્રૂપ છે. બાજરી, જુવાર, કપાસ, એરંડા અને મગફળી આ વિસ્તારના મુખ્ય પાક છે. વરસાદ સરેરાશ 340 મિમી. જેટલો પડે છે.

ઈશાનનો પહાડી પ્રદેશ : ગુજરાતના ઈશાન ખૂણાથી અગ્નિ ખૂણા સુધીનો ઉચ્ચપ્રદેશ ભારતની પ્રાચીન ગિરિમાળા અરવલ્લી તથા વિંધ્ય-સાતપુડાની ગિરિમાળા અને પશ્ચિમઘાટની શાખારૂપ ડુંગરમાળાનો બનેલો છે. આ પૈકી અરવલ્લી સૌથી ઊંચો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના ડુંગરો તેના ભાગરૂપ છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીની ડુંગરમાળા વિંધ્ય અને સાતપુડાના પશ્ચિમી છેડા છે. સોનગઢ, વાંસદા, ધરમપુર તાલુકાના અને ડાંગ જિલ્લાના ડુંગરો પશ્ચિમઘાટના ભાગરૂપ છે. આ પ્રદેશનું ક્ષેત્રફળ 35,200 ચોકિમી. છે. આ ડુંગરમાળા ઉત્તર ભાગમાં 500 મી.થી, જ્યારે વડોદરા તથા ભરૂચ જિલ્લામાં 700 મી.થી વધારે ઊંચી નથી. ધરમપુરની વિલ્સન હિલ અને ડાંગના સાપુતારાના ડુંગરો 1000 મી.થી વધારે ઊંચાઈ ધરાવે છે. આ સમગ્ર પ્રદેશ જંગલવાળો તેમજ અસમતળ છે. ખીણો અને તળેટીનો ભાગ સમતળ અને ખેતીલાયક છે. આ પ્રદેશની જમીન ખડકાળ અને ઓછી ફળદ્રૂપ હોઈ પાણી સંગ્રહી શકે તેવી નથી. અહીં સ્થાનભેદે 1,000થી 2,000 મિમી. જેટલો વરસાદ પડે છે.

આબોહવા

ગુજરાતના મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થતું હોવાથી તેનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. તેથી ગુજરાતના દરિયાકિનારે આવેલાં સ્થળોને બાદ કરતાં મોટાભાગના પ્રદેશની આબોહવા ગરમ છે. કચ્છ અને સૌરાષ્ટ્રની ત્રણ બાજુએ તથા દક્ષિણ ગુજરાતની પશ્ચિમ બાજુએ સમુદ્ર હોવાથી અંદરના ભાગ કરતાં દરિયાકાંઠાનાં સ્થળોએ ગરમી અને ઠંડી ઓછી રહે છે.

મે મહિનામાં સૌથી વધુ ગરમી હોય છે. દરિયાકિનારાની પટ્ટીમાં આ માસમાં 31°થી 33° સે. તાપમાન રહે છે, જ્યારે અંદરના ઉત્તર અને મધ્ય ભાગમાં ગુરુતમ તાપમાન 40°થી 43° સે. સુધી રહે છે. ચોમાસાની શરૂઆત થતાં જૂનના મધ્ય ભાગથી તે ઘટવા લાગે છે. ચોમાસું પૂરું થયા બાદ દિવસનું તાપમાન ઑક્ટોબર સુધી વધતું રહે છે.

જાન્યુઆરી માસમાં સૌથી વધુ ઠંડી હોય છે. સરેરાશ ગુરુતમ તાપમાન રાજ્યના વાયવ્ય ભાગમાં 8°થી 10° સે. અને બાકીના ભાગમાં 11°થી 15° સે. રહે છે. ઉત્તર તરફના ઠંડીના મોજાને કારણે તાપમાન ખૂબ ઘટી જાય છે. નલિયા અને ડીસામાં તે ક્યારેક 5° સે. અથવા તો તેનાથી પણ ઓછું થઈ જાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે પવનની ગતિ કલાકના 8થી 16 કિમી. હોય છે. શિયાળા કરતાં પવનની ગતિ ઉનાળામાં વધારે હોય છે. ઓખા, માંગરોળ અને માંડવી વગેરે નજીક પવનનો ઉપયોગ પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે.

ગુજરાતમાં નૈર્ઋત્યના મોસમી પવનોથી જૂનના બીજા અઠવાડિયાથી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં 95 % વરસાદ થાય છે. જુલાઈ માસમાં સમગ્ર મોસમનો 41 % વરસાદ પડી જાય છે.

ગુજરાતનો એટલે 64 % વિસ્તાર અવારનવાર વરસાદની તંગી અનુભવે છે. સરેરાશ દર ત્રણ વરસે એક વરસ વરસાદની તંગીનો તથા પાંચ વરસે એકાદ વરસ દુકાળનો અનુભવ કોઈ ને કોઈ જિલ્લો કરે છે. તળ ગુજરાતમાં વરસાદી દિવસોની સરેરાશ સંખ્યા 42 અને સૌરાષ્ટ્રકચ્છમાં 23ની રહે છે.

દુકાળ : ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ ભીમદેવ સોલંકીના સમય(1200)નો મળે છે. મુસ્લિમ કાળમાં સુલતાન અહમદશાહના શાસન દરમિયાન 1459માં દુકાળ પડ્યો હતો અને ઘણા માણસો મરી ગયા હતા. 1577માં અકબરના શાસન દરમિયાન કચ્છમાં પડેલા દુકાળને કારણે ધનિકો અને જાગીરદારોને પણ કચ્છના મહારાવનો આશ્રય લેવો પડ્યો હતો. 1623માં જહાંગીરના સમયમાં અને 1631-32માં શાહજહાંના સમયમાં સંવત 1687નો ‘સત્યાશિયા’ તરીકે ઓળખાતો દુકાળ પડ્યો હતો. ગરીબો રોટલા માટે બાળકો વેચતા હતા. મરાઠા અમલ દરમિયાન 1761નો દુકાળ સંવત 1817નો ‘સતરા’ તરીકે જાણીતો હતો. 1790-91માં સંવત 1847નો ‘સુડતાળો’ કાળ પડ્યો હતો. ચાર આને મણ અનાજના રૂ. બે થઈ ગયા હતા. 1796માં સંવત 1852નો ‘બાવનો’ દુકાળ અને 1801માં સંવત 1857નો ‘સત્તાવનો’ દુકાળ પડ્યો હતો. 1813માં સૂરત અને કચ્છમાં દુકાળ પડ્યો હતો. 1868માં તીડોને કારણે દુકાળ પડ્યો હતો. 1880માં નદીઓમાં આવેલ પૂરને કારણે ખેતરો ધોવાઈ ગયાં હતાં. મારવાડથી આવેલા લોકો અનાજ માટે લૂંટફાટ કરતા હતા. બ્રિટિશ અમલ દરમિયાન 1820, 1826, 1838, 1846, 1861, 1864, 1869 અને 1877-78માં દુકાળો પડ્યા હતા. 1900માં સંવત 1956ના ‘છપ્પનિયા’ દુકાળમાં 22 લાખ લોકો મરી ગયા હતા. ઢોરોની હાનિ પણ ઘણી થઈ હતી. 1903-04, 1905, 1906, 1908 અને 1910માં ગુજરાતના વિવિધ ભાગોમાં દુકાળ જેવી સ્થિતિ હતી. 1923-24થી 1927-28 અને 1935-36થી 1939-40 દરમિયાન દુકાળ ને તંગી જોવા મળ્યાં હતાં. આઝાદી બાદ 1948-49માં 125 મિમી. કરતાં ઓછો વરસાદ પડતાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં દુકાળ પડ્યો હતો. 1949-50માં અતિવૃષ્ટિને કારણે લીલો દુકાળ પડ્યો હતો. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત દુકાળમુક્ત રહ્યું છે. તંગીવાળા પ્રદેશનું પ્રમાણ 63 % છે.

1956ના ભૂકંપમાં અંજારનગર તારાજ થઈ ગયું હતું. 1970માં ભરૂચનો વિસ્તાર ભૂકંપથી અસરગ્રસ્ત થયો હતો. 1975 અને 1998માં અનુક્રમે પોરબંદર ખાતે તેમજ કંડલાજામનગર વિસ્તારમાં આવેલાં વાવાઝોડાંથી ઘણું નુકસાન થયેલું. 2001ની 26મી જાન્યુઆરીના રોજ આવેલા ભીષણ ભૂકંપથી કચ્છ અને અમદાવાદ જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. જેમાં અંદાજે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,66,800 લોકો ઘવાયા હતા.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી

જંગલો

આબોહવા અને ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં જંગલો વૈવિધ્યવાળાં છે. તેમાં આફ્રિકા, મલાયા અને અગ્નિ એશિયાનાં વાનસ્પતિક તત્વો પથરાયેલાં છે. વળી તેની પોતાની વિશિષ્ટ સમૃદ્ધિ પણ છે.

ભારતમાં કુલ ભૂમિના આશરે 22 % વિસ્તારમાં જંગલો છે. 1952માં નક્કી કરાયેલી નીતિ મુજબ ડુંગરાળ વિસ્તારમાં 60 % અને મેદાની પ્રદેશમાં 20 % જંગલ-વિસ્તાર જોઈએ. ગુજરાતમાં આ પ્રમાણ 10 % જ છે. 18,839 હેક્ટરમાં જંગલો છે પણ ખરેખર તે 6 % જેટલો જ વિસ્તાર ધરાવે છે.

ગુજરાતમાં વનસ્પતિ-સંપત્તિની દૃષ્ટિએ એક ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલો કાંટાવાળાં વૃક્ષો ધરાવતો વિભાગ અને બીજો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનો મલબારને મળતો આવતો વિભાગ છે.

ગુજરાતનાં જંગલોને નીચેના સાત મુખ્ય ઘટકોમાં વહેંચી શકાય : (1) ઉષ્ણકટિબંધનાં ઋતુ-પ્રભાવિત જંગલો, (2) જલજ વનસ્પતિઓ, (3) સવાના : તૃણભૂમિ, (4) સમુદ્રકિનારાનાં મગ્રોવ (ચેર) વન, (5) ક્ષારસહિષ્ણુ પ્રદેશ, (6) સૂકા પ્રદેશો અને (7) સવાના : વનભૂમિ.

જ્યાં વરસાદ સારો પડે છે અને જે પ્રદેશો નદીની નજીક આવેલા છે ત્યાં ઉષ્ણ કટિબંધનાં સમૃદ્ધ ઋતુ-પ્રભાવિત જંગલો પથરાયેલાં છે. તે સૂરત અને વલસાડ જિલ્લામાં, ડાંગ અને ખાનદેશ જિલ્લાની નજીક આવેલા પ્રદેશોમાં, નર્મદાના કિનારા પર મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લાના કેટલાક ભાગોમાં, અરવલ્લી હારમાળાની ટેકરીઓ પર અને ગિરનારની ખીણોમાં જોવા મળે છે.

ગુજરાતનાં 80 % જંગલો સૂરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આવેલાં છે, બાકીનો વિસ્તાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલો છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાનાં જંગલોમાં બાવળ, ધવ, સલાર, શીમળો, ખાખરો, અર્જુન, સાદડ, બીલી, ટીમરુ, મહુડો, સાગ વગેરે છે. મહેસાણા જિલ્લામાં સતલાસણા વિભાગ સિવાય કુદરતી જંગલો નથી. અમદાવાદ જિલ્લામાં બાવળ, ખીજડો તથા ફળાઉ વૃક્ષો જોવા મળે છે.

ભરૂચનર્મદા જિલ્લામાં ખજૂરી અને તાડનાં પુષ્કળ વૃક્ષો ઉપરાંત ખેર, બાવળ, સાગ, શીમળો, હળદરવો, વાંસ વગેરે છે. પંચમહાલદાહોદ જિલ્લામાં સાગ, શીમળો, ટીમરુ, ખેર, ખજૂરી અને વડોદરા જિલ્લામાં સાગ, ખેર, ટીમરુ તથા ફળાઉ વૃક્ષો છે. ખેડા જિલ્લામાં રાયણ, ફળાઉ વૃક્ષો અને બાવળ જોવા મળે છે.

સૂરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સાગ, ખેર, બ્લૅકવૂડ, સાદડ, સ્તવન, બિયો, તણછ, વાંસ, ખજૂરી, તાડ, ટીમરુ વગેરે વૃક્ષો છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાસ કરીને ગીર અને ગિરનારનાં અને અન્ય વિસ્તારનાં જંગલોમાં સાગ, બાવળ, ગોરડ, ખેર વગેરે વૃક્ષો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં 4.33 % વિસ્તારમાં જંગલો છે. કચ્છમાં બાવળ, ગોરડ વગેરે કાંટાવાળાં વૃક્ષો અને ઘાસનાં બીડો વિશેષ છે. જેમાં બન્નીનો પ્રદેશ વધુ જાણીતો છે.

આ જંગલોમાંથી બહેડાં, કડુ, ઇન્દ્રજવ, અરીઠાં, મૂસળી, પિતપાપડો, ગોખરુ, ગરમાળો, અરડૂસી, હરડે વગેરે વૈદકીય ઔષધિઓ મળે છે. વાંસ મકાનના બાંધકામમાં તથા કાગળ બનાવવામાં વપરાય છે. મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદનાં જંગલો લાખ માટે મહત્વનાં છે.

હાલ સામાજિક વનીકરણ કાર્યક્રમ નીચે રસ્તાની બાજુએ તેમજ રેલવે-લાઇન, નહેરો વગેરેની બાજુએ પડતર જમીનમાં ઝડપથી ઊગતાં વૃક્ષોનું વાવેતર થાય છે. રણના કાંઠાના વિસ્તારમાં રણને વધતું તેમજ રેતી અને ક્ષાર ઊડતાં અટકાવવા ગાંડો બાવળ વગેરેનું વાવેતર થાય છે. માંડવી બંદર નજીક રેતી ઊડીને આગળ ન વધે તે માટે જયકૃષ્ણ ઇન્દ્રજીએ વેલાનું વાવેતર કરી રેતીનો ફેલાવો અટકાવ્યો હતો. કચ્છના નાના રણના કાંઠાવિસ્તારમાં તથા ખારી જમીનમાં ગાંડા બાવળનું વાવેતર વનખાતાએ હાથ ધરી કચ્છના રણને આગળ વધતું અટકાવ્યું છે અને એ હેતુથી સૂરજબારી બંધ બાંધવામાં આવ્યો છે. સમુદ્રની ભરતીવાળા ભાગમાં તમ્મરિયા કે ચેરનું વાવેતર કરી જમીનનું ધોવાણ અટકાવાયું છે. ખેડા અને મહેસાણા જિલ્લામાં નદીનાં કોતરોને નવસાધ્ય કરી વૃક્ષો વાવીને જમીનનું વધુ ધોવાણ અટકાવાયું છે.

ઉપરાંત, ઓખાના સાગરકાંઠે લીલ ને શેવાળ હોય છે. એક એક પગલે તેની નવી નવી પ્રજાતિ મળે છે.

ઈન્દુમતી શાહ

નદીઓ

ગુજરાતની નદીઓ ઉત્તર ભારતની નદીઓના જેટલો વિપુલ જળજથ્થો ધરાવતી નથી અને અમુક નદીઓને બાદ કરતાં બારે માસ વહેતી પણ નથી. ગુજરાતની મોટી નદીઓ ગુજરાત બહારના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી નીકળી આ રાજ્યમાં પશ્ચિમ કે દક્ષિણ બાજુ વહી સાગરને મળે છે. મહત્વની નદીઓ નર્મદા, તાપી, મહી, સાબરમતી, સરસ્વતી, બનાસ, ભાદર અને શેત્રુંજી છે. નાની નદીઓમાં ભોગાવો, મચ્છુ, આજી, સુકભાદર, વાત્રક, હાથમતી, માઝુમ, મેશ્વો, શેઢી, પૂર્ણા, અંબિકા, ઔરંગા વગેરે છે.

ગુજરાતની પશ્ચિમગામી નદીઓ ખંભાતના અખાતને અને અરબી સમુદ્રને મળે છે. સૌરાષ્ટ્રની નદીઓ કચ્છના અખાત, અરબી સમુદ્ર અને ખંભાતના અખાતને મળે છે. કચ્છની નદીઓ કચ્છના અખાતને કે રણને અને અરબી સમુદ્રને મળે છે. ઉત્તર ગુજરાતની રૂપેણ, બનાસ અને સરસ્વતી નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.

મુખ્ય નદીઓ

નર્મદા : બધી નદીઓ પૈકી નર્મદા સૌથી લાંબી છે. તે મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વતમાળાના મૈકલ પહાડના અમરકંટક (1,066.80 મી.) સ્થળેથી નીકળે છે. આ નદીની કુલ લંબાઈ આશરે 1,312 કિમી. છે, પણ ગુજરાતમાં તેની લંબાઈ 160 કિમી. છે. તેનો કુલ સ્રાવવિસ્તાર (catchment area) 88,796 ચોકિમી. છે. તેના એક બેટ ઉપર કબીરવડ આવેલો છે. તેને કિનારે ચાંદોદ, કરનાળી, શુક્લતીર્થ જેવાં તીર્થસ્થળો છે. રાજપીપળાની ટેકરીમાંથી નીકળતી કાવેરીને શુક્લતીર્થની સામેની ડાબી બાજુએથી ભૂખી નદી, ભરૂચથી 24 કિમી. દૂર મહેગામ પાસે જમણી બાજુથી મળે છે. મધ્યપ્રદેશમાંથી નીકળતી ઓરસંગ કરનાળી અને ચાંદોદ વચ્ચે તેને મળે છે. કરજણ, અંકલેશ્વર અને રાજપીપળાની વચ્ચે સરહદરૂપ ઉમરાવતી નદી પણ તેને મળે છે. દરિયાની ભરતીની અસર 40 કિમી. સુધી રહે છે અને 104 કિમી. સુધી તે વહાણવટા માટે ઉપયોગી છે. નર્મદા નદી પર નવાગામકેવડિયા કૉલોની નજીક 163 મીટરની ઊંચાઈના બંધનું કામકાજ થઈ ગયું છે આ બંધની લંબાઈ 1210 મીટર જેટલી છે. આ બંધ ઉપર 30 ‘રેડીયલ’ દરવાજા બેસાડવામાં આવ્યા છે. બંધની પાછળ વિશાળ સરદાર સરોવર આકાર પામ્યું છે. તેમાંથી તૈયાર કરાયેલી નર્મદા નહેર ગુજરાત, રાજસ્થાનને જરૂરી પાણી પૂરાં પાડશે.

તાપી : સૂર્યપુત્રી ‘તપતી’ કે ‘તાપી’નું મૂળ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર ઝરામાં રહેલું છે. તેની કુલ લંબાઈ 720 કિમી. છે. શરૂઆતમાં તે મધ્યપ્રદેશ અને વિદર્ભમાંથી વહે છે. છેલ્લા 144 કિમી. સુધી તે સૂરત જિલ્લાના કાંપના મેદાનમાં વહે છે અને ખંભાતના અખાતને મળે છે. આ નદી પર તાપી જિલ્લાના કાકરાપાર ખાતેના બંધનું સ્રાવક્ષેત્ર 60,450 ચોકિમી. છે અને વાર્ષિક સરેરાશ પ્રવાહ 17,365.3 મેઘમી (MCM) છે. ઉપરાંત સોનગઢ તાલુકામાં તાપીના ઉપરવાસના ભાગમાં ઉકાઈ બંધ પણ બંધાયો છે.

મહી : મધ્ય ગુજરાતની મહત્વની નદી છે. તેનો ટૉલેમીએ ‘Mophis’ તરીકે ઉલ્લેખ કર્યો છે. લોકભાષામાં તે મહીસાગર તરીકે ઓળખાય છે. આ નદી મધ્યપ્રદેશમાંથી રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાં થઈને મહીસાગર, ખેડા, વડોદરા અને આણંદ જિલ્લામાં વહે છે અને ખંભાતના અખાતને મળે છે. તે આણંદ અને ભરૂચ  જિલ્લા વચ્ચેની સરહદ રૂપે થોડા વિસ્તાર સુધી વહે છે. આ નદી ઉપર ખેડા જિલ્લામાં વણાકબોરી તથા પંચમહાલમાં કડાણા ખાતે બે બંધો આવેલા છે. રાજસ્થાનમાં વાંસવાડા નજીક મહી ઉપર ‘માહી’ બંધ આવેલો છે.

સાબરમતી : મેવાડના ઢેબર સરોવરના નજીકના વિસ્તારમાંથી તે નીકળે છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં થઈને વહે છે. તેની લંબાઈ 321.87 કિમી. છે. તેને ખારી, ભોગાવો, મેશ્વો, માઝુમ, વાત્રક, સુકભાદર, શેઢી, હાથમતી અને અંઘલી નદીઓ મળે છે. અમદાવાદની દક્ષિણે ધોળકાથી નૈર્ઋત્યે વૌઠા નજીક સાત નદીઓનો ક્રમશ: સંગમ થતો જાય છે. વૌઠામાં કાર્તિક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. સાબરમતી ઉપર મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકાના ધરોઈ નજીક બંધ બંધાયો છે. સાબરમતીના હેઠવાસમાં અમદાવાદ ખાતે વાસણા બૅરેજનું નિર્માણ થયું છે. ગુજરાતમાં આ નદી સૌથી લાંબું લહેણ ધરાવે છે.

બનાસ : બનાસનું પ્રાચીન નામ પર્ણાશા છે. તે રાજસ્થાનના શિરોહી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળે છે અને આબુનાં ચરણ પખાળી ચંદ્રાવતીની બાજુમાં થઈને ડીસા પાસે વહીને પશ્ચિમ તરફ બે મુખ રૂપે ફંટાઈને કચ્છના રણમાં સમાઈ જાય છે. આ નદી પર દાંતીવાડા ખાતે બંધનું નિર્માણ થયું છે.

સરસ્વતી : દાંતા તાલુકાના ચૉરીના ડુંગરમાંથી નીકળી ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર અને પાટણ પાસેથી વહીને કચ્છના રણને મળે છે. આ નદી પર ભાટવાસ ખાતે મુક્તેશ્વર બંધનું નિર્માણ થયું છે.

મેશ્વો : રાજસ્થાનમાંથી નીકળતી આ નદી શામળાજી નજીકથી પસાર થાય છે. ત્યાં મેશ્વો બંધ બાંધેલો છે. પરિણામે દેવની મોરીનાં સ્થાપત્યો ડૂબમાં ગયાં છે.

અન્ય નદીઓ

દક્ષિણ ગુજરાતની નદીઓ : સૂરત અને વલસાડ જિલ્લાઓમાં પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક અને દમણગંગા મુખ્ય બારમાસી નદીઓ છે.

પૂર્ણા : પીંપલનેરના ડુંગરમાંથી નીકળે છે. તે 80 કિમી. લાંબી છે. તેના કાંઠા ઉપર મહુવા, નવસારી અને જલાલપુર આવેલાં છે. નવસારી પાસે પૂર્ણા બે ફાંટામાં વહેંચાઈ જાય છે.

અંબિકા : વાંસદાની ટેકરીમાંથી તે નીકળે છે અને તે 64 કિમી. લાંબી છે. પૂર્ણાથી દક્ષિણે 24 કિમી. દૂર સમુદ્રને મળે છે.

ઔરંગા : ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે. તે 19.2 કિમી. સુધી પશ્ચિમ દિશામાં અને ત્યારપછી નૈર્ઋત્ય તરફ વહીને અંબિકાથી દક્ષિણે 12.8 કિમી. દૂર સમુદ્રને મળે છે. વલસાડ ઔરંગા ઉપર આવેલું છે.

પાર : આ નદી 80 કિમી. લાંબી છે અને પારડી તાલુકાને વલસાડ તાલુકાથી જુદો પાડે છે. ઔરંગાથી દક્ષિણે 9.6 કિમી. દૂર તે સમુદ્રને મળે છે.

કોલક : દમણ તાલુકાને પારડીથી અલગ પાડે છે. તેમાં મુખથી 12.8 કિમી. દૂર કોલક સુધી ભરતીની અસર વર્તાય છે. નદીનો પટ સાંકડો છે અને દર વરસે રેતીના ઢગમાં ફેરફાર થાય છે. નદીના ખડકાળ પટમાંથી કાલુ માછલીઓ મળે છે. કોલક નજીક નદીનો પટ 150 મી. પહોળો છે.

દમણગંગા : ગુજરાતની દક્ષિણ સરહદે આ નદી આવેલી છે. ચોમાસામાં અહીં ઘોડાપૂર આવે છે. દમણનો પ્રદેશ તથા ધરમપુર તાલુકાનો કેટલોક ભાગ તેનો પીઠપ્રદેશ (hinterland) છે. નદીના મુખ અને સમુદ્રથી 8 કિમી. સુધી દમણની હદ છે. ભરતીની અસર 13 કિમી. સુધી જણાય છે. ચોમાસા દરમિયાન નદીના મુખ નજીક નાનાં વહાણો આશ્રય લે છે. નાની ભરતી વખતે 0.60 મી. પાણી હોય છે; પણ ભરતીનું પ્રમાણ 3.65 મી.થી 5.48 મી. હોય છે. તેનું સ્રાવક્ષેત્ર 23,18.08 ચોકિમી. છે. સરેરાશ વાર્ષિક પાણીનો જથ્થો 3,509 મેઘમી. (MCM) છે.

ખેડા જિલ્લાની નદીઓ : મહી ઉપરાંત શેઢી, વાત્રક, મેશ્વો, ખારી વગેરે નદીઓ ખેડા જિલ્લામાં આવેલી છે. સેટિકા કે શેઢી વીરપુરથી અગ્નિ દિશામાં આવેલા પંચમહાલ જિલ્લાના ધામોદના ડુંગરામાંથી નીકળે છે. તેની લંબાઈ 96 કિમી. છે. તેને લૂણી ઉપરાંત કપડવંજ અને કઠલાલ પાસેથી વહેતી મહોર નદી મળે છે. થામણામાં શેઢીના તીરે સિદ્ધ નાગાર્જુન અને ગાલવ ઋષિના આશ્રમો હતા. ડાકોર નજીક શેઢી વહે છે. તે વાડાસિનોર, ઠાસરા, આણંદ, નડિયાદ, માતર અને મહેમદાવાદ તાલુકામાં વહે છે. વાત્રક કે વાર્ત્રઘ્ની રાજસ્થાનના ડુંગરપુરના ડુંગરમાંથી નીકળી મહી નદીને સમાંતર વહીને પુનાદરા આગળ ખેડા જિલ્લામાં દાખલ થાય છે. આ નદીનો પદ્મપુરાણમાં વાર્ત્રઘ્ની તરીકે ઉલ્લેખ છે. વૃત્રની હત્યા કરવાથી ઇન્દ્રને લાગેલી બ્રહ્મહત્યાનું નિવારણ વાર્ત્રઘ્ની અને સાબરમતીના સંગમતીર્થ(વૌઠા)માં થયું હતું. આ નદીનું મહાભારતમાં વેત્રવતી નામ મળે છે. ખેડા પાસે શેઢી નદી વાત્રકને મળે છે. પુનાદરા પાસે તે કપડવંજ તાલુકામાં દાખલ થાય છે. માંડવા પાસે તેને માઝુમ નદી મળે છે. તે આંતરસુબા નજીકથી વહે છે. તેના કાંઠા ઉપર ઉત્કંઠેશ્વર કે ઊંટડિયા મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે. શિવરાત્રિ અને જન્માષ્ટમીના દિવસે અહીં મેળો ભરાય છે. તે કપડવંજ, મહેમદાવાદ અને માતર તાલુકામાંથી વહે છે અને 125 કિમી. લાંબી છે. મેશ્વો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ડુંગરમાંથી નીકળે છે અને મહેમદાવાદ તાલુકામાંથી વહે છે. મહેમદાવાદ તાલુકાના સમાદ્રા ગામે તે વાત્રકને મળે છે.

સૌરાષ્ટ્રની નદીઓ : સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં બે ગિરિમાળા છે. સૌરાષ્ટ્રની ઘણીખરી નદીઓ તેમાંથી નીકળે છે. તે પૈકી ભાદર, શેત્રુંજી, ભોગાવો, સુકભાદર, મચ્છુ, આજી, ઘેલો, કાળુભાર વગેરે મુખ્ય છે.

ભાદર : આ નદીનું ઉદગમસ્થાન રાજકોટ જિલ્લામાં આવેલ જસદણથી ઉત્તરે આવેલ આણંદપરનો ચોટીલો છે. તેની લંબાઈ 193.12 કિમી. છે. પ્રથમ 19 કિમી. સુધી તેનો પ્રવાહ દક્ષિણગામી છે. જસદણથી જેતપુર સુધીનો નદીનો પ્રવાહ ઝડપી છે. જેતપુરથી કુતિયાણા સુધી તેનો પ્રવાહ પશ્ચિમગામી છે. અહીં પટ રેતાળ અને પહોળો છે. તેને જમણી બાજુથી કરનળ નદી મળે છે. વાંસાવડી, ગોંડળી, ઉતાવળી, ફોફળ, મોજવેણુ, મીણસર અને ઓઝત જેવી નદીઓને લીધે આ નદી પુષ્ટ થાય છે. કુતિયાણા સુધી ભરતીની અસર જણાય છે. પોરબંદરથી 30 કિમી. દક્ષિણે આવેલ નવીબંદર પાસે તે અરબી સમુદ્રને મળે છે. કુતિયાણા અને નવીબંદર વચ્ચે નદીનું પાણી ખારું છે. ચોમાસામાં તેની રેલથી ઘેડના પ્રદેશમાં પાણી પથરાઈ જાય છે અને ચોમાસા પછી કપાસ, ઘઉં વગેરેનું વાવેતર થાય છે. આ નદી ઉપર જસદણ, આટકોટ, નવાગઢ, ધોરાજી, ઉપલેટા, ગણોદ અને નવીબંદર આવેલાં છે. જેતપુર નજીક શ્રીનાથગઢ ખાતે બંધ બંધાયો છે. નદીનું સ્રાવક્ષેત્ર 7,158 ચોકિમી. છે. સમગ્ર થાળાનો 60 % પ્રમાણે પાણીનો સરેરાશ કુલ વાર્ષિક જથ્થો 42.5 મેઘમી (MCM) છે.

શેત્રુંજી : શેત્રુંજી ગીરની ધુંડી ટેકરીમાંથી નીકળે છે. તેની લંબાઈ 172.8 કિમી. છે. લાખાપાદર નજીકથી નીકળેલ નદી લેવ કે ગાગડિયો 3.21 કિમી. બાદ શેત્રુંજીને મળે છે. કરજાબાથી ઉત્તરે 1.60 કિમી. દૂર તે ભાવનગર જિલ્લામાં પ્રવેશે છે. શેઢાવદર પાસે ભાવનગર-કુંડલા માર્ગ પરથી તે પસાર થાય છે. ત્યાંથી તે કાંક્રચ પાસે થઈને વહે છે. કાંક્રચથી સૂરોખારવાળી અને લીલિયા-કુંડલા તાલુકાની ખારાપાટવાળી જમીનને કારણે શેત્રુંજીનું પાણી ખારું થઈ જાય છે. ધારી પાસે ખોડિયાર માતાના સ્થાનક નજીક અને પાલિતાણા પાસેના રાજસ્થળી નજીક એમ બે બંધો આ નદી ઉપર સિંચાઈ માટે બંધાયા છે.

ભોગાવો : આ નામની બે નદીઓ છે. આ બંને નદીઓ ચોટીલા પાસેના ડુંગરોમાંથી નીકળે છે.

વઢવાણ ભોગાવો : આ નદી ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરમાંથી નીકળે છે. તે ચોટીલા, સાયલા, મૂળી, વઢવાણ અને લીંબડી તાલુકાનાં 31 ગામો પાસેથી પસાર થઈને નળ સરોવરને મળે છે. તેની લંબાઈ 100.8 કિમી. જેટલી છે. આ નદી ઉપર ગૌતમગઢ પાસે નાયકા અને સુરેન્દ્રનગર નજીક ધોળી ધજા બંધ છે.

લીંબડી ભોગાવો : ભીમોરાના ચોટીલા તાલુકાના ડુંગરમાંથી આ નદી નીકળે છે અને ચોટીલા, સાયલા, વઢવાણ અને લીંબડી તાલુકાનાં બધાં થઈને 19 ગામો પાસેથી વહે છે. તેની કુલ લંબાઈ 112.65 કિમી. છે. સાયલા તાલુકાના થોરિયાળી ગામ પાસે આ નદી ઉપર બંધ બંધાયો છે. આ નદી સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના ભૌગોલિક એકમોને સાંકળે છે.

મચ્છુ : આ નદી ચોટીલા તાલુકાના આણંદપુર-ભાડલા ગામ પાસેથી નીકળે છે. તેની લંબાઈ 112.5 કિમી. છે. આ નદીના કાંઠે વાંકાનેર અને મોરબી શહેરો (રાજકોટ જિલ્લો) આવેલાં છે. તે માળિયા (મિયાણા) પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.

સુકભાદર : ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળી ધંધૂકા પાસેથી વહીને ધોલેરા પાસે તે ખંભાતના અખાતને મળે છે.

ઘેલો : સૌરાષ્ટ્રના મધ્યવર્તી ફૂલઝર નજીકના ડુંગરમાંથી ઘેલો નદી નીકળે છે. તે રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વહે છે. આ નદી ઉપર ઘેલાસોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ અને વલભીપુર આવેલાં છે. તે ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ 90.12 કિમી. છે. તેનો પાણીનો કુલ જથ્થો 42.5 મેઘમી. (MCM) છે.

કાળુભાર : સમઢિયાળા નજીક મધ્ય સૌરાષ્ટ્રના રાયપુરના ડુંગરમાંથી તે નીકળે છે. ભાવનગર જિલ્લાના મધ્ય અને પૂર્વ વિભાગનું પાણી આ નદીમાં આવે છે. તે ભાવનગરની ખાડીને મળે છે. તેની લંબાઈ 95 કિમી. છે.

કચ્છની નદીઓ : કચ્છની ઉત્તરવાહિની નદીઓ રણમાં લુપ્ત થાય છે, જ્યારે બીજી નદીઓ અરબી સમુદ્રને મળે છે. કોરી ખાડી મૂળ સિંધુનો ફાંટો હતો. 1819ના ધરતીકંપને કારણે સિંધુનો આ પ્રવાહ લુપ્ત થયો. કચ્છની ખારી, મઢ, તેરા, રુદ્રમાતા વગેરે નદીઓ 48 કિમી. લાંબી છે. રુદ્રમાતા તથા અન્ય નદીઓ ઉપર બંધ બાંધી સિંચાઈનાં તળાવો બનાવ્યાં છે. ચોમાસાના બે માસ જ નદીમાં પાણી રહે છે.

પર્વતો

ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદે ડુંગરોની હારમાળા આવેલી છે. અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને પશ્ચિમ ઘાટ જેવી ગુજરાત બહારની ગિરિમાળાના છેડારૂપ આ પર્વતો છે.

ઉત્તરમાં આબુનું સર્વોચ્ચ શિખર (ગુરુશિખર) સમુદ્રની સપાટીથી 1,696 મી. ઊંચું છે. તે વાસ્તવમાં રાજસ્થાનમાં આવેલું છે. પણ સાંસ્કૃતિક ષ્ટિએ વિમલશાહ અને વસ્તુપાલનાં દેલવાડાનાં મંદિરોને લીધે તે ગુજરાતના અંગરૂપ છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આવેલી આરાસુર વગેરેની ગિરિમાળા અરવલ્લીનો ફાંટો છે અને તે પ્રી-કૅમ્બ્રિયનકાળના જૂના ખડકોની બનેલી છે. આરાસુર ગિરિમાળા 160.93 કિમી. લાંબી છે. ગબ્બર તરીકે ઓળખાતા ગ્રૅનાઇટથી બનેલા ડુંગર ઉપર અંબાજીનું મૂળ સ્થાનક છે.

બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં ગુરુનો ભાંખરો નામનો ડુંગર જલોત્રા પાસે છે. અમીરગઢ પાસે જાસોરનો ડુંગર છે. તે પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેને સાતપડો પણ કહે છે. અહીં ગ્રૅનાઇટ અને નાઇસ (gneiss) ખડકો જોવા મળે છે. તે 1,066.80 મી. ઊંચો છે. જાસોરની દક્ષિણે 1.6 કિમી. દૂર ‘ચીકલોદર માતા’નો ડુંગર છે. તેનું શિખર 757 મી. ઊંચું છે.

મહેસાણા જિલ્લામાં ઉત્તરે તારંગાની ટેકરી છે. તે 365.76 મી. ઊંચી છે. અહીં કુમારપાળના સમયનું અજિતનાથનું જૈન મંદિર છે. સાબરકાંઠાનો ઉત્તર અને પૂર્વ તરફનો ભાગ ડુંગરાળ છે. તે પૈકી ગ્રૅનાઇટથી બનેલો ઈડરનો ડુંગર પ્રસિદ્ધ છે. તેની ઊંચાઈ 243.84 મી. છે. અરવલ્લીના ભાગરૂપ આ ડુંગરો ખેડબ્રહ્મા અને ઈડરથી માલપુર તાલુકા સુધી ફેલાયેલા છે. ઈડરના ડુંગર ઉપર જૈન મંદિરો તથા ભગ્ન કોટના અને મંદિરના અવશેષો જોવા મળે છે.

પંચમહાલમાં હાલોલ તાલુકામાં પાવાગઢ અને દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રતનમાળના ડુંગરો આવેલા છે. વિંધ્ય અને સાતપુડાના પશ્ચિમ છેડાનો ભાગ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં આવેલો છે.

ડાંગમાં સહ્યાદ્રિ કે પશ્ચિમ ઘાટના ભાગરૂપ ડુંગરોની હારમાળા આવેલી છે. આખો જિલ્લો ડુંગરાળ છે. આ જિલ્લામાં આવેલું સાપુતારા (1100 મીટર) શિખર આવેલું છે. જે ઊંચાઈની દૃષ્ટિએ દ્વિતીય ક્રમે આવે છે. ગુજરાતમાં હવાખાવાના મથક તરીકે જાણીતું બન્યું છે.

સૌરાષ્ટ્રના પર્વતો : સૌરાષ્ટ્રમાં બે ગિરિમાળાઓ આવેલી છે. એક નૈર્ઋત્યથી ઈશાન તરફ લંબાયેલી છે, જ્યારે બીજી દક્ષિણમાં પૂર્વ-પશ્ચિમ આવેલી છે. પહેલી ગિરિમાળા 240 કિમી. લાંબી છે, જે પોરબંદરથી 29 કિમી. દૂર બરડાની ગિરિમાળા રૂપે 48 કિમી.ના પરિઘમાં ફેલાયેલી છે. બીજી હારમાળા 160 કિમી. લાંબી છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે તે ઉજ્જયંત કે રૈવતગિરિ તરીકે જાણીતો છે. તે 1174.4 મી. ઊંચો છે. તેનાં પાંચ શિખરો છે : ગોરખનાથનું (1117.40 મી.), અંબામાતાનું (1066.6 મી.), ઓઘડનું, દત્તાત્રેયનું (1066 મી.) અને કાળકાનું શિખર (1004.3 મી.). ગિરનાર પર્વત તરફ જતાં રસ્તામાં ઉપરકોટનો કિલ્લો અને અશોક વગેરેના શિલાલેખો છે. દાતારની ટૂક 846.77 મી. ઊંચી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ડુંગરો ઈશાન ખૂણાની ગિરિમાળાના ભાગરૂપ છે. ચોટીલા નજીકનો ચામુંડા માતાના મંદિરવાળો શંકુ આકારનો ડુંગર 365.76 મી. ઊંચો છે. નૈર્ઋત્ય ભાગમાં કેટલીક ટેકરીઓ અને ડુંગરો છે તે થાંગા અને માંડવના ડુંગરો તરીકે ઓળખાય છે. તે ધ્રાંગધ્રા સુધી ફેલાયેલા છે.

ભાવનગર જિલ્લામાં ચમારડી પાસે થાપો અને ઈસાળવા ડુંગરો છે. શિહોર નજીક શિહોરી માતા, સાતશેરી વગેરેના ડુંગરો શહેરની ત્રણ બાજુએ આવેલા છે. પાલિતાણા નજીક જૈનોનાં મંદિરો ધરાવતો શેત્રુંજો ડુંગર 572 મી. ઊંચો છે. તેની દક્ષિણે મોરધાર, મિતિયાળા વગેરેના ડુંગરો છે, જે સાવરકુંડલા તાલુકામાં આવેલા છે. મહુવાની ઉત્તરે લોંગડી વગેરે નાના ડુંગરો આવેલા છે. ભાવનગરથી પૂર્વ તરફ ખોખરા તથા દક્ષિણ તરફ તળાજાના ડુંગરો આવેલા છે તે 100 મી.થી 300 મી. જેટલા ઊંચા છે.

કચ્છના ડુંગરો : કચ્છમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ધાર  એમ ત્રણ હારમાળા છે. ઉત્તર ધાર પચ્છમ, ખડીર અને પ્રાંથળમાં થઈને જાય છે. તેનો કાળો ડુંગર (437 મી.) સૌથી ઊંચો છે.

મધ્ય ધાર કચ્છના વાયવ્ય ભાગમાં લખપત અને વાગડ વચ્ચે પૂર્વ-પશ્ચિમ આવેલી છે. જોગીકા ભીટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસના ડુંગરો તેના ભાગરૂપ છે.

દક્ષિણ ધાર માતાના મઢ પાસેથી નીકળી રોહાનો ડુંગર, ધબવો વગેરેથી શરૂ થાય છે. મધ્યમાં માંડવા લકી, ખાત્રોડ વગેરે દક્ષિણ ધારમાં આવેલા છે. ધીણોધરનો પવિત્ર ડુંગર 388 મી. ઊંચો છે. લિગ્નાઇટ કોલસા ધરાવતો ઉમિયા ડુંગર 274 મી. અને ઝુરા 316 મી. ઊંચો છે. ભુજની વાયવ્યે આવેલ વરાર 349 મી. ઊંચો છે. આ ડુંગરો પર વૃક્ષોની સંખ્યા ઓછી છે.

શિવપ્રસાદ રાજગોર

ભૂસ્તર

ભારતીય ઉપખંડના મુખ્ય ત્રણ ભૂસ્તરીય એકમો છે : (1) બાહ્ય દ્વીપકલ્પીય વિસ્તાર, (2) સિંધુ-ગંગા-બ્રહ્મપુત્રનો મેદાની વિસ્તાર અને (3) દ્વીપકલ્પીય વિસ્તાર. ગુજરાત પ્રદેશ દ્વીપકલ્પીય વિસ્તારના વાયવ્યતરફી અગ્ર ભૂમિભાગ તરીકે અલગ પડી આવે છે.

ગુજરાતનું સમગ્ર ભૂમિશ્ય તે પ્રદેશની ભૂપૃષ્ઠરચના પર અને ભૂપૃષ્ઠરચના ત્યાંના તળ-ખડકોના વિતરણ પર આધારિત છે. ગુજરાત રાજ્યનો મોટો ભૂમિભાગ કાંપના મેદાની આવરણથી છવાયેલો છે, તો મધ્ય કચ્છ, મધ્ય સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા તેમજ સૂરત, નવસારી, વલસાડ, ડાંગના ઈશાન તરફી વિસ્તારો પહાડી પ્રદેશોને આવરી લે છે. કચ્છમાં આવેલું નાનું-મોટું રણ શુષ્ક-અર્ધશુષ્ક વેરાનભૂમિનો ખ્યાલ આપે છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી તેમની સહાયક નદીઓ સહિત રાજ્યની પૂર્વીય જળપરિવાહ-રચનાનું માળખું બનાવે છે. રાજ્યની મુખ્ય તળભૂમિનો ઉત્તર, ઈશાન અને પૂર્વ વિભાગ ઊંચાણવાળો પહાડી પ્રદેશ હોઈ પ્રાદેશિક ઢોળાવ સમુદ્રતરફી બની રહેલો છે. આખાયે રાજ્યની પશ્ચિમ સરહદ અરબી સમુદ્ર અને તેના ફાંટારૂપ ખંભાતના અખાત તેમજ કચ્છના અખાતથી ઘેરાયેલી છે.

ગુજરાતની ખડકરચનાઓને ભૂસ્તરીય કાળક્રમના સંદર્ભમાં મૂલવતાં તે આર્કિયનથી અર્વાચીન સુધીની હોવા છતાં તે પૈકીના આખાયે પેલિયોઝોઇક યુગના તેમજ ટ્રાયાસિક કાળના ખડકોથી વંચિત છે. અર્થાત્ કૅમ્બ્રિયન, ઑર્ડોવિસિયન, સાઇલ્યુરિયન, ડેવોનિયન, કાર્બનિફેરસ, પર્મિયન અને ટ્રાયાસિક કાળના ખડકો, તત્કાલીન ભૌગોલિક સંજોગોની પ્રતિકૂળતાઓને કારણે જમાવટ પામેલા ન હોઈ, જોવા મળતા નથી.

પ્રી-કૅમ્બ્રિયન યુગ (આજથી 60 કરોડ વર્ષ અગાઉનો 400 કરોડ વર્ષ સુધીનો કાળગાળો) : અતિ પ્રાચીન કાળના આ યુગના ખડકો ગુજરાત રાજ્યનો આશરે 29,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે અને પાયાના ખડકસમૂહો રચે છે. આ પૈકીનો એક પ્રકાર બૅન્ડેડ નાઇસિક કૉમ્પ્લેક્સ (BGC) તરીકે જાણીતો છે. તે મધ્ય મેવાડથી દક્ષિણ તરફ ગુજરાતમાં વિસ્તરેલો છે. કેટલાક જટિલ ખડકસમૂહો છોટાઉદેપુર, બોડેલી અને સંખેડાની આસપાસ જોવા મળે છે. પ્રી-કૅમ્બ્રિયન કાળની અરવલ્લી રચનાના ચાંપાનેર-શ્રેણીના તેમજ નિમ્ન કડાપ્પાની દિલ્હીરચનાના ખડકોનું વિતરણ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ તેમજ વડોદરા જિલ્લાના ભાગોમાં થયેલું છે. નાઇસ, શિસ્ટ, ક્વાટર્ઝાઇટ, ફીલાઇટ, કૅલ્શિફાયર, કૅલ્કનાઇસ, સ્ફટિકમય ચૂનાખડકો, આરસપહાણ, ગ્રૅન્યુલાઇટ વગેરે તેમાં જોવા મળતા વિશિષ્ટ ખડકપ્રકારો છે. આ પ્રી-કૅમ્બ્રિયન ખડકો ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ અને ગૅબ્રો તેમજ ડૉલેરાઇટનાં અંતર્ભેદનોથી ભેદાયેલા પણ છે.

આકૃતિ 2 : ગુજરાતનો ભૂસ્તરીય નકશો

તાંબા-જસત-સીસાનાં ધાતુખનિજ, સલ્ફાઇડ નિક્ષેપો, મગેનીઝનાં ધાતુખનિજો, ગ્રૅફાઇટ, ચિનાઈ માટી, ઍસ્બેસ્ટૉસ, સ્ટીએટાઇટ આ ખડકો સાથે સંકળાયેલાં છે; એટલું જ નહિ, ગ્રૅનાઇટ, રેતીખડકો, ચૂનાખડકો અને આરસપહાણ જેવા ઇમારતી પથ્થરો પણ આર્થિક ઉપયોગિતાની દૃષ્ટિએ મહત્વના બની રહેલા છે.

કૅમ્બ્રિયનથી ટ્રાયાસિક : ઉપર જણાવ્યા મુજબ કૅમ્બ્રિયનથી ટ્રાયાસિક કાળગાળાની ખડકરચનાઓ ગુજરાતભરમાં ક્યાંય જોવા મળતી નથી; અર્થાત્, આજથી 170 કરોડ વર્ષ અગાઉ થયેલી અરવલ્લી ગિરિનિર્માણક્રિયા પછીથી દ્વીપકલ્પીય વિસ્તારનો ગુજરાત વિભાગ દરિયાઈ અસર હેઠળથી બહાર નીકળી જતાં સ્થાયી ભૂમિભાગ તરીકે રહેલો. પરિણામે તે દરમિયાનની ભૂસ્તરરચનાઓનો ગુજરાતમાં અભાવ વરતાય છે.

જુરાસિક કાળ : મેસોઝૉઇક યુગના જુરાસિક કાળગાળા દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં મોટા પાયા પર દરિયાઈ અતિક્રમણ થયેલું, જેને પરિણામે ઘણી જાડાઈના સ્તરોની કણજમાવટ થઈ. ગુજરાતની જુરાસિક રચનાના ખડકોમાં કાગ્લૉમરેટ, રેતીખડકો, ચૂનાખડકો, શેલ અને માર્લનો સમાવેશ થાય છે. આ રચનાની ચારી શ્રેણીના ઢોસા ઊલાઇટ અને ગોલ્ડન ઊલાઇટનું વિશિષ્ટ મહત્વ છે. કચ્છના જુરાસિક ખડકો જીવાવશેષયુક્ત છે; જેમાં બ્રૅકિયોપૉડ, દુનિયાભરમાં જાણીતા થયેલા સિફેલોપૉડ, લેમેલિબ્રૅન્કના પ્રાણી-અવશેષો તેમજ સાયકડ, કૉનિફર્સ અને ફર્ન પ્રકારના વનસ્પતિ-અવશેષોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં બાંધકામ માટે જાણીતો ધ્રાંગધ્રાનો રેતીખડક ઇમારતી પથ્થર તરીકે ઉપયોગમાં લેવાય છે. એ જુરાસિક કાળનો ગણાય છે અને કેટલાક વનસ્પતિ-અવશેષોવાળો છે. ગુજરાતના જુરાસિક ખડકો કોલસો, સિલિકા રેતી, ચિનાઈ માટી અને અગ્નિજિત માટી જેવી વળતરદાયક પેદાશો પણ ધરાવે છે.

સૌરાષ્ટ્રમાં મળી આવતી આ જૂનામાં જૂની ભૂસ્તરરચના માટે ભૂસ્તરવિદોમાં મતમતાંતર પ્રવર્તે છે. અમુક નિષ્ણાતો સૌરાષ્ટ્રમાં તેના અસ્તિત્વને નકારી કાઢતાં કહે છે કે આ કહેવાતા જુરાસિક ખડકો ખરેખર ક્રિટેશિયસ વયના છે. જી.એસ.આઈ. દ્વારા 420 મીટરની ઊંડાઈ સુધીના પાતાળકૂવાના શારકામમાં નીચે તરફ જુરાસિક ખડકો મળ્યા જ નથી. આ ઉપરથી કહેવાય છે કે સૌરાષ્ટ્રના ‘ઊમિયા’ અને ‘ભુજ’ સ્તરોને જુરા-ક્રિટેશિયસ કાળના ગણવાનું યોગ્ય લેખાય.

ક્રિટેશિયસ કાળ : બાઘ-શ્રેણીના દરિયાઈ ઉત્પત્તિજન્ય ક્રિટેશિયસ ખડકો તેમજ એ જ કાળના અથવા થોડાક નવા સમયના લેમેટા-શ્રેણીના નદીજન્ય અને નદીનાળજન્ય નિક્ષેપો પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડા જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં વઢવાણ નજીક મળી આવે છે. રેતીખડકો, ચૂનાખડકો અને માર્લ આ સમૂહના ખડકપ્રકારો છે. આ ખડકો અસંગતિ (unconformity) સહિત આર્કિયન ખડકરચનાની ઉપર અને ડેક્કન ટ્રૅપ ખડકોની નીચે રહેલા છે. તે જીવાવશેષયુક્ત છે, જેમાં લેમેલિબ્રૅન્ક, ગૅસ્ટ્રોપૉડ, ઍકિનૉઇડ જેવા અપૃષ્ઠવંશી તેમજ કેટલાક પૃષ્ઠવંશી પ્રાણી-અવશેષોનો સમાવેશ થાય છે. આ કાળના ખડકોમાંથી તાજેતરમાં તત્કાલીન અસ્તિત્વ ધરાવતાં સરીસૃપો(dinosaur)નાં ઈંડાં અને અસ્થિ કચ્છ તેમજ ખેડા જિલ્લામાંથી શોધી કાઢવામાં આવેલાં છે. હિંમતનગર રેતીખડક, સોનગીર રેતીખડક અને નિમાર રેતીખડક ક્રિટેશિયસ કાળના છે, જેનો બાંધકામમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત, ચિનાઈ માટી અને અગ્નિજિત માટી પણ તેની વળતરરૂપ પેદાશો છે.

ડેક્કન ટ્રૅપ રચના : જુરાસિક કે ક્રિટેશિયસ રચનાના ખડકોથી ઉપર તરફ પરંતુ ઈયોસીન ખડકોથી નીચે અસંગતિ સહિત ફાટપ્રસ્ફુટિત જ્વાળામુખીજન્ય લાવાના થરોથી બનેલા ડેક્કન ટ્રૅપ રચનાના ખડકો રહેલા છે. આ રચનાના ખડકો રાજ્યનો લગભગ 57,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. જ્વાળામુખીજન્ય આ રચનાના ખડકો સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ અને સૂરત જિલ્લાના ભાગોમાં જોવા મળે છે. વડોદરા નજીક પાવાગઢની ટેકરીઓમાં તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નજીક ગિરનારની ટેકરીઓમાં આ ખડકો મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા પૂરા પાડે છે અને તેમાં ઍસિડિકથી બેઝિક બંધારણવાળા પ્રકારો બનેલા છે. ડેક્કન ટ્રૅપ રચનાના ખડકો સાથે ફ્લોરાઇટ (આંબાડુંગર), બૉક્સાઇટ (જામનગર અને કચ્છ) અને બૅન્ટોનાઇટ (કચ્છ અને સૌરાષ્ટ્ર) જેવી વળતરરૂપ પેદાશો સંકળાયેલી છે. બૅસાલ્ટ એ આ રચનાનો મુખ્ય ખડકપ્રકાર ગણાય છે, જે માર્ગબાંધકામ માટેની કપચી તરીકે અને આર.સી.સી.ના કામ માટે ઉપયોગમાં લેવાય છે. જ્વાળામુખીજન્ય અન્ય ખડકોમાં રહાયોલાઇટ, ફેલ્સાઇટ, ઍન્ડેસાઇટ, પિચસ્ટોન વગેરેનો સમાવેશ કરી શકાય.

આંતરટ્રૅપ સ્તરોમાંથી સરીસૃપ પ્રાણીઓના અસ્થિ-અવશેષો તેમજ મોટા કદનાં વિહંગોનાં ઈંડાં કચ્છના અંજાર તાલુકાના વીરીગામ પાસેથી મળી આવ્યાં છે. તેનું વય આજથી 6.5 કરોડ વર્ષ અગાઉનું અંદાજવામાં આવ્યું છે.

કેનોઝૉઇક યુગની ટર્શિયરી-ક્વાર્ટર્નરી રચનાઓ : પેલિયોસીનથી પ્લાયોસીન કાળગાળાના ટર્શિયરી રચનાના ખડકો સૂરત, ભરૂચ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મળી આવે છે. આ રચનાઓ ટ્રૅપ ખડકોની ઉપર તરફ રહેલી છે. કાગ્લૉમરેટ, રેતીખડક, શેલ અને ચૂનાખડકો આ યુગના મુખ્ય ખડકપ્રકારો છે અને તે ફોરામિનિફર, લેમેલિબ્રૅન્ક, ગૅસ્ટ્રોપૉડ, એકિનૉઇડ અને પરવાળાં જેવા જીવાવશેષોથી યુક્ત છે. ખંભાતના અખાતમાં ભાવનગર નજીક પીરમના ટાપુમાં મળી આવતા ટર્શિયરી કાળના ખડકોમાંથી બકરી, ડુક્કર, રહાઇનોસીરસ અને મેસ્ટોડોન જેવાં સસ્તન પ્રાણીઓના જીવાવશેષો મળી આવેલા છે. આ રચનાઓ ખનિજતેલ, કુદરતી વાયુ, લિગ્નાઇટ, ચિરોડી, અકીક, સિડેરાઇટ અને ફૉસ્ફોરાઇટ જેવી આર્થિક દૃષ્ટિએ મહત્વની પેદાશો સારા પ્રમાણમાં ધરાવે છે. સૌરાષ્ટ્રની કિનારાપટ્ટી પર મળતો મિલિયોલાઇટ  ચૂનાખડક  ચૉક  પ્લાયસ્ટોસીન કાળનો ગણાય છે, જ્યારે ગુજરાતની તળભૂમિમાં જોવા મળતાં કાંપ, રેતી વગેરે અર્વાચીન સમયનાં છે.

ગુજરાતના ભૂસ્તર-યુગો

ગિરીશભાઈ પંડ્યા

ગુજરાતમાં ભૂકંપ : ભૂરચનાની દૃષ્ટિએ ગુજરાતનાં મેદાનો હિમાલયની તળેટીના મેદાની પ્રદેશનાં અંગ જેવાં કે તેનાં સમકાલીન છે. ગુજરાતનો કચ્છ, જામનગર અને ભાવનગર-ભરૂચના દરિયાકાંઠાનો પ્રદેશ ભૂકંપને પાત્ર પટ્ટીમાં આવે છે. ભૂકંપને લીધે ગુજરાતની ભૂમિ-સપાટી ખૂબ ધીમી ક્રિયા દ્વારા ઊંચીનીચી થતી રહી છે. નળકાંઠો, ભાલપ્રદેશ અને સોરઠનો ઘેડપ્રદેશ ભૂકંપને કારણે સમુદ્રીય ફાંટામાંથી ઉપર આવીને ખેડવાલાયક ભૂમિમાં પલટાયો છે. કચ્છનું રણ પણ આ રીતે સમુદ્રતળમાંથી ઊંચું આવેલું છે.

ગુજરાતમાં 1819, 1956, 1970 તથા 2001ના ભૂકંપો ખૂબ વિનાશક અને વ્યાપક હતા. 1819ના ભૂકંપથી જામનગર જિલ્લાના જોડિયાનો સંપૂર્ણ નાશ થયો હતો. જૂન, 1819થી નવેમ્બર, 1819 દરમિયાન કચ્છે ભૂકંપના એકસો આંચકા અનુભવ્યા હતા. ભુજ, અંજાર, મોથોરા, તેરા, કોઠારા, નલિયા, માંડવી અને લખપતમાં મળીને 1,543 ઘર અને 500 માણસો નાશ પામ્યાં હતાં. સિંધુની શાખા કોરી નદીનો પ્રવાહ બદલાઈ ગયો હતો, ધરાતળ ઊંચું આવી જતાં સિંધુનો પ્રવાહ કચ્છથી દૂર ગયો હતો અને ‘અલ્લાહ જો બંધ’ બની ગયો હતો. આ ઉપરાંત 5,180 ચોકિમી. વિસ્તાર 3.5 મી. બેસી ગયો હતો.

21 જુલાઈ, 1956ના રોજ અંજાર અને તેની નજીકના 10 કિમી. વિસ્તારમાં ભારે ભૂકંપ અનુભવાયો હતો. કંડલા, ભરૂચ તથા રાજકોટમાં પણ તેની અસર વરતાઈ હતી. આ ભૂકંપથી અંજાર શહેર નાશ પામ્યું હતું અને 120 માણસો મરી ગયા હતા. ભરૂચ અને તેની આસપાસનાં 133 ગામોએ 23મી માર્ચ, 1970ના રોજ રાત્રે સાડા સાત વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. આથી 150થી 175 ઘર પડી ગયાં હતાં, 2,000 થી 2,500 ઘરને થોડી અસર થઈ હતી, 26 માણસો મરી ગયા હતા અને 126ને ઈજા થઈ હતી.

2001ના જાન્યુઆરીની 26મી તારીખે સવારે થયેલા ભીષણ ભૂકંપથી કચ્છનો પ્રદેશ, સૂરજબારી વિભાગ તથા અમદાવાદ શહેરને ઘણું નુકસાન થયું હતું. 1819 પછીનો આ ભારે ભૂકંપ હતો, તેમાં મોટા પાયા પર જાનહાનિ અને માલમિલકતને નુકસાન પહોંચ્યું હતું.  તે સમયે આશરે વીસ હજાર માનવીઓ મૃત્યુ પામ્યા અને લાખો લોકો ઘવાયા હતા. 2006 સુધીમાં તેના આશરે 1,200થી વધુ પશ્ર્ચાત્કંપ થયા કરેલા.

ગરમ પાણીના ઝરા : ગુજરાતમાં ગરમ પાણીના ઝરા કચ્છમાં મહોર નજીક, સૌરાષ્ટ્રમાં ગીરમાં તુલસીશ્યામ તથા ભાવનગર નજીક ઘોઘા ખાતે; સાબરકાંઠામાં હરસોલ, ભરૂચ જિલ્લામાં કાવી, ખેડા જિલ્લામાં લસુંદ્રા અને પંચમહાલમાં ટૂવા પાસે; વલસાડ જિલ્લાના વાંસદા તાલુકામાં દેવકી ઉનાઈ અને ધરમપુરના જંગલવિસ્તારમાં આવેલા છે.

આ ઝરાનાં પાણીમાં સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, કૅલ્શિયમ સલ્ફેટ, કૅલ્શિયમ કાર્બોનેટ અને સિલિકોન ઑક્સાઇડ મુખ્ય છે. પંચમહાલના ટૂવા અને વલસાડ જિલ્લાના દેવકી ઉનાઈના ઝરામાં ગંધક વાયુની તીવ્ર વાસ આવે છે. ભૂપૃષ્ઠના ઊંડાણમાંથી ઝરાનું પાણી આવતું હોવાથી તે ગરમ હોય છે. આ ઝરાના પાણીનો ચામડીના રોગો મટાડવા માટે ઉપયોગ થાય છે.

શિવપ્રસાદ રાજગોર

ખનિજો

ગુજરાતમાં અકીક, ભૂતડો (બૅન્ટોનાઇટ), બૉક્સાઇટ, કૅલ્શાઇટ, ચિનાઈ માટી, ડૉલોમાઇટ, અગ્નિજિત માટી (ફાયર ક્લે), ફ્લોરાઇટ, ચિરોડી, મગેનીઝ, રંગીન માટી (ochre), ક્વાટર્ઝ, સિલિકા, સ્ટીએટાઇટ, તેલ, કુદરતી વાયુ, લિગ્નાઇટ, રેતી, ચૉક, ગોલકમૃદ-બોલ ક્લૅ, બીબાઢાળક રેતી (મોલ્ડિંગ સૅન્ડ) તથા ચૂનાખડકો અને રેતીખડકો ખનિજરૂપે મળે છે.

ખનિજ તેલ, લિગ્નાઇટ, બૉક્સાઇટ અને ફ્લોરાઇટ મુખ્ય ખનિજો છે. ગુજરાત ખનિજ વિકાસ નિગમ બૉક્સાઇટ, લિગ્નાઇટ અને ફ્લોરાઇટનું ખોદકામ કરાવી વેચાણ કરે છે. ઉપર જણાવેલાં બાકીનાં ખનિજો મધ્યમ વળતરદાયક છે. રેતીખડકો અને ચૂનાખડકો બાંધકામ તેમજ સિમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. બનાસકાંઠાના અંબાજી નજીકના ડુંગરોમાંથી તાંબું, જસત અને સીસું ધરાવતાં ધાતુખનિજો મળી આવ્યાં છે.

શિવપ્રસાદ રાજગોર

પ્રાણીજીવન

પ્રાકૃતિક અને ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાતને બે ભાગમાં વહેંચી શકાય : દ્વીપકલ્પ અને મુખ્ય ભૂમિ. કચ્છ અને સૌરાષ્ટ્ર દ્વીપકલ્પો છે અને તે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા છે. કચ્છના પશ્ચિમ-દક્ષિણ કિનારા

તરફ કચ્છનો અખાત આવેલો છે, જ્યારે તેની ઉત્તર તરફની શેષ સીમા રણથી ઘેરાયેલી છે. મુખ્ય ભૂમિની પશ્ચિમ સીમા તરફ અરબી સમુદ્ર છે. ગુજરાતનો દરિયાકિનારો 1,600 કિમી. જેટલો લાંબો છે. તે ખંડીય છાજલી(continental shelf)યુક્ત હોવાને કારણે સમુદ્રનો અપતટ (off-shore) પ્રદેશ ફળદ્રૂપ છે અને સજીવ સંપત્તિથી સમૃદ્ધ છે. ગુજરાતમાં પ્રાણીઓનો ઉલ્લેખ પ્રાણીવિકાસના ક્રમમાં નીચે મુજબ કરેલ છે :

દ્વીપકલ્પનાં પ્રાણીઓ (કચ્છના રણના પ્રાણીજીવો) : કચ્છની વાયવ્ય સીમાએ નારાયણ સરોવર છે. જોકે એક સમયનું આ વિશાળ સરોવર આજે લગભગ ખાડીમાં ફેરવાઈ ગયેલું છે. નારાયણ સરોવર અને તેને ફરતો આવેલો ભૂવિસ્તાર પ્રાણીઓ માટે અભયારણ્ય (sanctuary) તરીકે જાહેર કરવામાં આવેલો છે. ત્યાંના બાવળના જંગલમાં વાસ કરતા છીંકારા (gazelle), શલ્કી કીડીખાઉ (scaly anteater – pangolin), હયન તારો (caracal), વરુ (Indian wolf), ઘોરડ અથવા ઘોરાલ (Indian bustard) જેવાં પ્રાણીઓની જાત લુપ્ત થવાની અણીએ પહોંચેલી છે. કચ્છની ઉત્તર સીમાએ આવેલ મોટા રણનો વિસ્તાર દરિયાઈ ભરતીના અને સ્થાનિક નદીઓના પાણીથી ભરાઈ જાય છે અને તેનાં છીછરાં પાણીમાં નાના કદનાં પ્રાણી અને શેવાળ અત્યંત વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ચોમાસાને અંતે આ પ્રદેશમાં કાદવ કીચડના ટીમ્બા બનાવીને ખોબા આકારના માળા બાંધી બચ્ચાને ઉછેરે છે.  આ વિસ્તારમાં સુરખાબ (flamingo) પોતાનું અનોખું નગર વસાવે છે. સુરખાબના લાંબા પગ, તેની લાંબી ડોક, નીચે વળેલી ચાંચ અને તેની ગુલાબી-રતૂમડી પાંખોને લીધે તે સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. ભારત પાકિસ્તાનના સીમા વિસ્તારમાં માનવરહિત ટાપુઓ ઉપર લાખોની સંખ્યામાં તે જોવા મળે છે.

આકૃતિ 3 : કચ્છના અખાતમાં દેખાતાં કેટલાંક અપૃષ્ઠવંશી પ્રાણીઓ : સ્તરકવચી (1અ) સામાન્ય કરચલો, (1આ) સાધુ કરચલો, (2) ઝીંગો (સ્તરકવચી), (3) પૉલિક્લેડ (પૃથુકૃમિ), (4) નલિકા કૃમિનાં સૂત્રાંગો (નૂપુરક), (5) સર્પપુચ્છા (શૂળત્વચી), (6) નગ્ન ઝાલરી (મૃદુકાય), (7) કેટલાંક કોષ્ઠાંત્રીઓ : (અ) ફિરંગી મનવાર, (આ) ઑરેલિયા, (ઇ) ગોગોંનિયા (દરિયાઈ ફેન), (ઈ) દરિયાઈ પેન (pen), (ઉ) હૅલિસિસ્ટસ, (ઊ) સમુદ્રફૂલો, (8અ) જેલી પ્રાણી, (8આ) સમુદ્રફૂલ (સૅરિઍન્થસ)

નાના રણનું મુખ્ય આકર્ષણ એટલે ઘુડખર (wild ass). આ પ્રાણી મધ્યાહ્નનું 45° સે. તાપમાન સહન કરી શકે છે. તે ગરમી ઓછી થતાં ખોરાકની શોધમાં આસપાસ આવેલા વનપ્રદેશ અને ગ્રામીણ વિસ્તારમાં પ્રવેશે છે. તે અત્યંત ચપળ અને ખડતલ પ્રાણી છે. ખેતરના પાક અને ઘાસને નુકસાન કરતું ઘુડખર ખેડૂતો અને શિકારીઓનો ભોગ બને છે. ઘુડખરની ઘટતી સંખ્યા ધ્યાનમાં રાખીને આ રણનો વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

દરિયાઈ પ્રાણીઓ : કચ્છનો અખાત બે દ્વીપકલ્પો વચ્ચે આવેલો હોવાથી પર્યાવરણનાં વિપરીત પરિબળોથી મુક્ત છે. તે છીછરો હોવા ઉપરાંત તેનો દરિયાકિનારો વૈવિધ્યપૂર્ણ છે. દાખલા તરીકે દ્વારકાબેટનો હનુમાન દાંડી નામે ઓળખાતો ભાગ કાદવયુક્ત છે, જ્યારે ઓખાની આસપાસ આવેલો કિનારો રેતી અને રેતીમિશ્રિત ખડકોવાળા દરિયાઈ શેવાળથી છવાયેલો અને પ્રવાળયુક્ત છે. પરિણામે જાતજાતનાં દરિયાઈ પ્રાણીઓ આંતર-ભરતી (intertidal) વિસ્તારમાં વસતાં હોય છે. કચ્છના અખાતની આ વિશેષતાને લીધે સરકારે આ

પ્રદેશને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (Marine National Park) તરીકે જાહેર કરેલ છે. દુનિયાભરના જૈવવૈજ્ઞાનિકો માટે આ અનોખો ઉદ્યાન ગણાય છે. કચ્છના અખાતમાં વાસ કરતાં મુખ્ય પ્રાણીઓનો ટૂંકો પરિચય નીચે મુજબ છે :

વાદળી (sponge) : મોટેભાગે વાદળી પથ્થરને ચોંટેલી જોવા મળે છે. અંગુલિ-વાદળી (finger sponge, Challinospilla), જાંબુડિયા વાદળી (purple sponge, heliotrope), અશ્વવાદળી (horse sponge, Hippospongia) અને ગોલ વાદળી (Tetilla) જેવી વાદળીઓ જ્યાંત્યાં પ્રસરેલી હોય છે.

કોષ્ઠાંત્રી (coelenterates) : રેતીમય કિનારા પર અનેક સ્થળે બિંબદેહી (discosoma) સમુદ્રફૂલ (sea anemone) પ્રસરેલાં હોય છે. તેનો વ્યાસ આશરે 12થી 15 સેમી. જેટલો હોય છે. હનુમાન દાંડીના કાદવમય વિસ્તારમાં દેખાવે અતિશય મનોહર સમુદ્રફૂલ સૅરિઍન્થસ જોવા મળે છે. જાતે નિર્માણ કરેલ એકાદ

મીટર જેટલી લાંબી નળીમાં તે રહેતાં હોય છે. સહેજ પણ સ્પર્શ થતાં તરત જ તે નળીના તળિયે ખસે છે. ફૉરૉનિડા સમુદાયનાં પ્રાણીઓ સૅરિઍન્થસની નળીની બાહ્ય સપાટીએ ચોંટેલાં કોઈક વાર દેખાય છે.

કોષ્ઠાંત્રી સમુદાયની જેલી ફિશ આ પાણીની ઉપલી સપાટીએ તરતી હોય છે. ઓખાના દરિયાકિનારે શેવાળની વચ્ચે અથવા ખાબોચિયાંમાં સ્પંદન કરતું કૅસિયોપિયા સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. તે જ પ્રમાણે ઘણી વાર જેલીની ગોળ અને ચપટી તકતી જેવી દેખાતી ઇક્વેરિયા જેલીફિશ ભરતી વખતે પાણીની

બહાર ફેંકાયેલી જોવા મળે છે. નાની વનસ્પતિ જેવાં દેખાતાં ઑબેલિયા, લિટોકાર્પસ, કે પ્લ્યૂમુલેરિયા જેવાં કોષ્ઠાંત્રીઓ શેવાળની આસપાસ નાના છોડની માફક પ્રસરેલાં દેખાય છે. તે હિપ્નોટૉક્સિન નામના વિષનો સ્રાવ કરે છે, જે શરીરને ખંજવાળ ઉપજાવે છે. આ પર્યાવરણમાં જાળ જેવા આકારનાં ગોગૉર્નિયા કોષ્ઠાંત્રીઓ પણ ક્વચિત્ જોવા મળે છે.

ટિનોફોરા : નાના કદના એવા આ સમુદાયનાં પ્લ્યૂરોબ્રકિયા અને બિરોઈ પ્રાણીઓ પાણીમાં તરતાં હોય છે.

પૃથુકૃમિ (Platyhelminthes) : આ સમુદાયનું અસ્તિત્વ પૉલિક્લૅડ કૃમિ પૂરતું મર્યાદિત છે. તે પથ્થરની નીચે અથવા શેવાળની વચ્ચે જોવા મળે છે.

નૂપુરકો (annelids) : નેરિસ નૂપુરક કૃમિ રેતીમાં દટાયેલાં જોવા મળે છે. કેટલાંક નૂપુરકો પોતે બાંધેલાં નળાકાર-નિવાસોમાં રહેતાં હોય છે. સેબેલ્લા, સૅબેલેરિયા, ટેરેબેલ્લા, ડેન્ડ્રોનીરિસ, પ્લૅટીનીરિસ અને યૂનિડના નિવાસો રેતીમાં દટાયેલા હોય છે. સામાન્ય રીતે પોતાના નિવાસમાંથી પોતાનાં સૂત્રાંગોને બહાર પ્રસરાવી, તે દરિયામાં સુંદર, રંગબેરંગી પુષ્પવાટિકા રચે છે !

સ્તરકવચી (crustacea) : સંધિપાદ સમુદાયના સ્તરકવચી વર્ગનાં ઘણાં પ્રાણીઓ દરિયામાં વાસ કરતાં હોય છે. કચ્છના અખાતના કળણમાં ઊગતાં સુંદરી વૃક્ષો દરિયાઈ સ્તરકવચી અને અન્ય પ્રાણીઓ માટે આદર્શ પર્યાવરણ પૂરું પાડે છે. ત્યાં વિવિધ જાતના જિંગા વાસ કરતા હોય છે. આર્થિક દૃષ્ટિએ અગત્યનાં એવાં જંબો (tiger prawn), વાંધિયો, સાંઢિયો તેમજ જાતજાતની સમડી અને કોલમીના નામે ઓળખાતા જિંગાનો ઉછેર આવાં કળણોમાં મોટા પાયા પર કરવાના પ્રયાસ ચાલુ છે. ઉપરાંત અનેક જાતના જિંગા ખંડીય છાજલી પ્રદેશના દરિયાના તળિયે વાસ કરતા હોય છે. સાધુ કરચલો (hermit crab) શંખને પોતાનું નિવાસસ્થાન બનાવે છે. તે જ પ્રમાણે આંતરભરતી વિસ્તારમાં ફરતા અન્ય કરચલામાં ફીડલ-કરચલો, પિલુમ્નસ અને ચૅરિબ્ડસ જેવાનો સમાવેશ થાય છે. હિપ્પા, સ્ક્વિલા, કૉકો (sand lobster) જેવાં સ્તરકવચીઓ કચ્છના અખાતમાં જોવા મળે છે.

કવચધારી મૃદુકાય (mollusca) સમુદાયનાં પ્રાણીઓ દરિયાકિનારે ધીમે ધીમે પ્રચલન કરતાં, કાદવમાં ખૂંપેલાં, પથ્થરને ચોંટેલાં કે પાણીમાં તરતાં જોવા મળે છે. બેટ દ્વારકાનો હનુમાન દાંડી કિનારાનો મોટો વિસ્તાર કાદવમય છે. આ કાદવમાં ખૂંપેલાં રેઝર-છીપ (solen), કાચપટી (window pane oyster) અને કર્ણછીપ (pinna) વિપુલ પ્રમાણમાં વાસ કરતાં હોય છે. રેતી અને ખડકવાળા વિસ્તારમાં આવેલાં પટેલા, વીનસ, માયા અને કોડી જેવાં પ્રાણીઓનાં કવચો ઘણાં આકર્ષક હોય છે. પિરોટન તથા પોશિત્રા જેવા દ્વીપોના કિનારે પવિત્ર શંખ (conch, Xanchus) સારા પ્રમાણમાં વસે છે. ગદા આકારવાળાં શંખના જેવાં દેખાતાં મ્યુરેક્સનાં કવચો પણ સૌ કોઈનું ધ્યાન ખેંચતાં હોય છે. ખડકને ચોંટેલી રહેતી કાસારા-છીપ (edible oyster) અને મોતી-છીપ(pearl oyster)નો ઉછેર સિક્કાના દરિયાકિનારે કરવામાં આવે છે. ખડક કે શેવાળવાળા છીછરા પાણીમાં દરિયાઈ સસલાં (sea hare) અને દેખાવે અતિશય સુંદર નગ્ન ઝાલરો (nudibranchs) ફરતાં હોય છે. મેલેબિ રેંગી, ઇયોલિસ તથા દરિયાઈ લીંબુ (Doris) નામે ઓળખાતી નગ્ન ઝાલરો ચપટી હોય છે. નગ્ન ઝાલરોને સહેજ પણ સ્પર્શ કરવાથી તે પોતાના શરીરને છિન્નભિન્ન કરી નાખે છે.

ખડકખોદ (rock-borer) છીપ લિથોકૅગસ પથ્થર કે પરવાળામાં દર ખોદીને ત્યાં રહે છે. નૌ-કૃમિ (ship-worm) જેવાં મૃદુકાયો હોડીને ચોંટી હોડીમાં કાણાં પાડે છે. મુક્તપણે તરતાં મૃદુકાયોમાં અષ્ટસૂત્રાંગી (octopus), સેપિયા અને લોલિગો મહત્વનાં છે. ખાદ્ય પ્રાણી તરીકે સેપિયાની નિકાસ કરવામાં આવે છે.

શૂળચર્મી (echinodermata) સમુદાયનાં પ્રાણીઓ માત્ર દરિયામાં વસતાં હોય છે. કચ્છના અખાતમાં તે નોંધપાત્ર પ્રતિનિધિત્વ ધરાવે છે. ચલિતશૂળ (echinoid) વર્ગનું પ્રાણી ગોળાકાર અને ચપટું હોય છે. તે રેતીકિનારે વાસ કરે છે. તારકિતકાય (asteroid) શૂળચર્મી પાંચ ભુજવાળા તારા જેવાં દેખાય છે. સામાન્યપણે સમુદ્ર-તારા (sea-star) નામથી ઓળખાતાં શૂળત્વચી પ્રાણીઓ પથ્થર કે પરવાળાની નીચે અથવા પરવાળામાં દર બનાવીને વસે છે. પશ્ચિમ-ભારત તારા (West Indian stars), લાલ રંગના રુધિર તારા (bloodstar – Henricia) અને ઍન્થીનિયા, કચ્છના અખાતમાં જ્યાંત્યાં નજરે પડે છે. સર્પપુચ્છ (ophiuroidea) વર્ગનાં શૂળચર્મીઓના ભુજ સાપની પૂંછડીની જેમ ગતિ કરે છે. તે પણ પથ્થરની નીચે અથવા પરવાળામાં દર બનાવીને રહે છે. ઑફિયોનેરિસ, ઑફિયોથ્રિક્સ, ઑફિયોફૉલિસ સર્પપુચ્છો પણ કચ્છના અખાતનાં વતની છે. પિચ્છતારક (crinoidea) શૂળચર્મીઓ દેખાવે ફૂલ જેવાં હોય છે. ઘણુંખરું શેવાળ કે છીછરાં પાણીમાં વાસ કરતું દરિયાઈ કમળ (sea lily) ખીલેલા પુષ્પની જેમ પાણીને તળિયે પ્રસરેલું હોય છે. કાકડી જેવાં દેખાતાં (holothuroid) શૂળચર્મી સમુદ્ર-કર્કટ (sea-cucumber) શેવાળ કે રેતીવાળાં છીછરાં પાણીમાં જ્યાંત્યાં પ્રસરેલાં જોઈ શકાય છે.

કેટલાંક ગૌણ સમુદાય(minor phyla)નાં પ્રાણીઓ પણ કચ્છના અખાતમાં વસે છે. અગાઉ જણાવેલ ફૉરૉનિડ પણ એક ગૌણ સમુદાયનું પ્રાણી છે. કાદવમાં ખૂંપીને સ્થાયી જીવન પસાર કરનાર લિંગ્યુલા બ્રૅકિયોપૉડા ગૌણ સમુદાયનું (minor phyla) પ્રાણી છે. પિરોટન દ્વીપમાં છીછરાં પાણીમાં વાસ કરનાર બોનેલિયા ઍક્યિુરૉઇડિયા ગૌણ સમુદાયનું પ્રાણી છે. તેનું મુખ્ય શરીર બદામ જેવા આકારનું છે, જ્યારે શેષ ભાગ પટ્ટી આકારનો હોય છે. તેનો મુક્ત છેડો દ્વિશાખી હોય છે. નર બોનેલિયાનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. તે કદમાં સૂક્ષ્મ હોય છે અને માદાના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે. સાઇપનક્યુલૉઇડિયા ગૌણ સમુદાયનું સાઇપનક્યુલૉઇડ દરિયાકિનારે પાણીમાં તરતું હોય છે. બાણ જેવા આકારનું બાણકૃમિ (Sagitta) પણ એક ગૌણ સમુદાયનું પ્રાણી છે.

ભૂમિ પરનાં પ્રાણીઓ : (કીટકો) : 60 % જેટલી પ્રાણીસૃષ્ટિ માત્ર કીટકોની બનેલી છે. તેથી જ્યાંત્યાં કીટકો જોવા મળે છે. તેમાંનાં કેટલાંક માનવ-વસાહતમાં રહી ત્યાં પોતાનું જીવન પસાર કરે છે. ઘણા કીટકો માનવને નુકસાન પહોંચાડે છે. દાખલા તરીકે ઘરમાખી મરડો, અતિસાર, કૉલેરા, ટાઇફૉઇડ જેવા ચેપી રોગોનો ફેલાવો કરે છે. એનૉફિલીસ માદા મચ્છરને લીધે મલેરિયાના જંતુ માનવના લોહીમાં પ્રવેશે છે. માદા ક્યુલેક્સ હાથીપગાનાં કૃમિઓનું સંચારણ કરે છે. આ સિવાય ચાંચડને લીધે મરકીના જંતુ માનવશરીરમાં પ્રવેશે છે. ઇતરડી ખરજવા માટે જવાબદાર છે. ચમરી (silver fish) કપડાં અને કાગળને કોતરી ખાય છે. ઘણા કીટકો પાલતુ જાનવરને નુકસાનકારક હોય છે; દાખલા તરીકે, ઘોડામાખ (horse fly) ઘોડા અને અન્ય પ્રાણીઓનું લોહી ચૂસે છે અને સુરા (સડાનો રોગ) જેવા જંતુનો ફેલાવો કરે છે. માદા ઊધઈ જમીનની અંદર રહે છે અને ત્યાં ઈંડાં મૂકે છે. ઊધઈનાં બચ્ચાં આસપાસમાં આવેલાં વૃક્ષો, ઘરનાં ઇમારતી લાકડાં અને ફર્નિચરને કોતરીને ઉપર જતાં હોય છે. તે લાકડાનો ભૂકો કરી નાખે છે. ઘણા કીટકો ખેતરમાં પાકને પણ નુકસાન કરતા હોય છે. કપાસ, કેળાં, ચીકુ અને અન્ય વનસ્પતિઓને નુકસાન પહોંચાડનાર કીટકો હોય છે. ઉપયોગી કીટકોની સંખ્યા હાનિકારક કીટકો કરતાં ઘણી મોટી છે. મધમાખી મધ અને મીણ આપે છે. રેશમ-ફૂદાં રેશમ આપે છે. પતંગિયાં અને મોટાભાગના કીટકો પરાગનયન દ્વારા ફૂલમાં ફલીકરણ કરાવે છે. કેટલાક કીટકો નુકસાનકારક જીવાતનું ભક્ષણ કરીને પાક્ધો રક્ષણ આપે છે. પતંગિયાં અને ભમરાને કોણ નથી જાણતું ? સંધ્યા-સમયે પ્રકાશ પાડનાર આગિયા (fire fly) પણ એક કીટક છે. ધૂળમાં શંકુ આકારનો ખાડો કરી દરમાં ઢળી પડેલી જીવાતોનું ભક્ષણ કરનાર ભૂવો કે ઘુઘો (Antlion) ગામડાનાં બાળકોને માટે રમતનું સાધન બને છે.

ભૂમિ ઉપરનાં અપૃષ્ઠવંશીઓ : (1) વાણિયો, (2) મચ્છર, (3) કરોળિયો, (4 અ) તીડ, (4 આ) પતંગિયું, (5 અ) મધમાખી, (5 આ) માખી

જમીન પર વાસ કરનાર અન્ય જીવોમાં કરોળિયા, કાનખજૂરો, વીંછી કે વંદા જેવા જીવ પણ એક યા બીજા કારણસર માનવનું ધ્યાન ખેંચે છે.

કાસ્થિ-મત્સ્યો : (1) મુશી, (2) ગાય-નાક કિરણ માછલી, (3) વીજળિક માછલી, (4) સ્કેટ, (5) પટારા

મેરુદંડી (chordata) સમુદાયનું પ્રમેરુદંડી (protochordata) ઍમ્ફિયૉક્સસ રેતીમાં દટાયેલું હોય છે. તેને શોધી કાઢવું મુશ્કેલ હોય છે. પરંતુ તે પ્રાણીવિદોની નજરમાંથી છટકી શકતું નથી. પુચ્છમેરુ (hemichordata) અનુસમુદાયનાં ઍસિડિયા પ્રાણીઓ દાડમના પારદર્શક બીજના આકારનાં હોય છે. તે સંયુક્ત ઍસિડિયા (compound ascidians) સમૂહમાં વાસ કરે છે અને પથ્થરને ચોંટેલાં હોય છે. ગુદાદ્વાર વાટે તે પાણીના ફુવારા ઉડાડે છે. એકલપણે વાસ કરનાર મોટા કદનાં ઍસિડિયા, હર્ડમાનિયા છીછરાં પાણીમાં રહેતાં હોય છે, જ્યારે નાના કદનાં લાર્વેશિયા પાણીમાં તરતાં માલૂમ પડે છે.

દરિયાઈ મત્સ્યો : (1) પાપલેટ, (2) પંકમીન, (3) વામ, (4) જળઘોડો, (5) દડો-માછલી, (6) જીભ માછલી, (7) દોરા-માછલી, (8) મરળ, (9) જિરા (flying fish)

ગુજરાતનો દરિયાકિનારો આશરે 1,600 કિમી. લાંબો છે. તેની આસપાસની ખંડીય છાજલી(continental shelf)ને લીધે અપતટ (offshore region) માછલીઓથી સમૃદ્ધ છે. પાણીમાં પ્રવેશ કર્યા વિના કિનારેથી પણ જાતજાતની માછલીઓ નજરે પડે છે; દાખલા તરીકે, કાદવવાળા દરિયાકિનારે પાણીની બહાર સર્પગતિની માફક પ્રચલન કરનાર પંકમીન(mud-skipper)ને જોઈ શકાય છે, જ્યારે ખડકવાળો કિનારો હોય તેવાં છીછરાં પાણીમાં કંદુકમીન (globe fish) અચૂક દેખાશે. કાકુ માછલી નામે ઓળખાતી આ માછલી નિરુપદ્રવી છે. જોકે સંકટસમયે ફૂલીને બિહામણું સ્વરૂપ ધારણ કરીને છટકી જવાનો તે પ્રયાસ કરે છે. છીછરાં પાણીના શેવાળયુક્ત તળિયે મેડક-માછલી (toad fish) અને જીભ જેવી માછલી (sole fish) દેખાય છે. સહેજ ધ્યાનપૂર્વક નિહાળવાથી ત્યાં કદાચ જળઘોડા(horse-fish)ને પણ જોઈ શકાય. લાંબું નીચલું જડબું અને લાકડી જેવા આકારની કુંગા માછલી (Hemirhampus) પણ આ પર્યાવરણમાં વસે છે. રેતી અને ખડકવાળા દરિયાકિનારે સાવચેતીપૂર્વક ફરવું પડે છે. વીજળીમીન (electric fish) અને કાસ્થિમીન ક્યારે વીજળીક આંચકો આપે અથવા કંટકમીન (sting ray fish) ક્યારે ડંખે તે કહેવાય નહિ !

મીઠા પાણીનાં મત્સ્યો : (1) મૃગલ, (2) ડાઇ (કાર્લી), (3) બૂમલા (બૉમ્બે ડક સમુદ્રનિવાસી), (4) શિંગાળા, (5) ચાકસી, (6) ઢેબરી

આંતરભરતી વિસ્તારથી સહેજ દૂરના (આશરે 5થી 15 મીટર ઊંડાઈ) વિસ્તારમાં માછીમારો આર્થિક દૃષ્ટિએ અગત્યની માછલીઓ પકડતા હોય છે. ધોળ (jew fish), દોરા-માછલી (thread-fin fish), ખગ્ગા, બિડાલમીન (tachysurus) જેવી ભરતી વખતે ફસાયેલી એકાદ મીટર લાંબી માછલી જાળમાં પકડાય છે. આ વિસ્તારમાં પાપલેટ (pomfret), બૂમલા (Bombay duck) જેવી માછલીઓ પણ વિશિષ્ટ જાળની મદદથી પકડવામાં આવે છે. અપતટ વિસ્તારની આર્થિક દૃષ્ટિએ અગત્યની માછલીઓ, 1થી 1.5 મીટર લાંબી ઇલ માછલી, નારો (Gymnothorax) અને સિલ્વર કાગર (Muraenesox) સારા પ્રમાણમાં તરતી હોય છે. ઓછાવત્તા પ્રમાણમાં પટ્ટીમીન (Trichiurus), ડાઇ (silver bar), બેકટી (lates), ખાડાવો (horse mackerel), ઢોમા (Otolithus), રાવસ (Polynemus sp.), સુરમાઈ (Cybium) અને જિરા (flying fish) પકડાય છે.

દરિયામાં જીવતી ક્લુપિડ કુળની ચાકસી (Hilsa) માછલી ઈંડાં મૂકવા મીઠાં જળાશયોમાં જાય છે. ચોમાસાની શરૂઆત થતાં ચાકસી નર્મદા નદીમાં પ્રવેશીને શુક્લતીર્થ કે સહેજ આગળ સુધી પ્રવાસ ખેડી ત્યાં ઈંડાં મૂકે છે. ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં માછીમારો કરોડોની સંખ્યામાં ચાકસી માછલી પકડતા હોય છે. મોરવા (white bait), પાલવા (giant herring), પાલવી (slender herring), કાટી (razor-edge), પાલ્લી (bony bream) અને માંદેલી (anchovy) જેવી આર્થિક દૃષ્ટિએ અગત્યની ક્લુપિડ માછલીઓ પણ અપતટ વિસ્તારમાં પકડાય છે.

મીઠાં જળાશયનાં પ્રાણીઓ (માછલીઓ) : ગુજરાતમાં સાબરમતી, વાત્રક, મહી, નર્મદા, તાપી જેવી અનેક નદીઓ વહે છે. ગામડાં તેમજ શહેરી વિસ્તારમાં નળ સરોવર, બોખ (પ્રાંતિજ), ચંડોળા અને આજવા જેવાં અનેક નાનાંમોટાં તળાવો ઉપરાંત દાંતીવાડા, કરજણ, ઉકાઈ, આજી અને રણજિતસાગર જેવાં મીઠાં પાણીનાં માનવસર્જિત જળાશયો આવેલાં છે. આ બધાં જળાશયોમાં માછલીઓ સારા પ્રમાણમાં વસે છે. ખાસ કરીને સાઇપ્રિનિડે અને સાઇલ્યુરિડે (બિડાલમીન) કુળની માછલીઓ વિપુલ પ્રમાણમાં તરતી જોવા મળે છે. કટલા, રોહુ (rohita), મગરી (mrigal) અને સાયપ્રિનસ માછલીઓ મત્સ્યોદ્યોગની દૃષ્ટિએ અગત્યની છે. તેમનો એ માટે ઉછેર કરવામાં આવે છે. પહાડી (wallago), શિંગાળા (Mystus), શિંગી (Heteropneustes). કાટિયા (Mystus sp.) જેવી બિડાલમીનો (cat fishes) પણ મત્સ્યોદ્યોગની દૃષ્ટિએ અગત્યની છે. ઉપરાંત કુદના, ઢેબરી (Barbus), ભેલાજી (Labeo fimbriatus), કુર્ચા (Labeo gonius) અને બાડસ (tor) જેવી સાયપ્રિનસ માછલી મીઠાં જળાશયોમાં પ્રસરેલી હોય છે. અન્ય કુળની માછલીઓમાં પાત્રા (Notopterus), મરળ (snake fish), બામ (Mastecembalus), મોડા (goby), ચાલ (chela), અને ટિલાપિયા માછલીઓ મત્સ્યોદ્યોગની દૃષ્ટિએ મહત્વની ગણાય છે.

સરીસૃપ પ્રાણીઓ 

સરીસૃપ વર્ગનાં પ્રાણીઓમાં કાચબાનો સમાવેશ થાય છે. ધીમી ગતિએ જમીન પર ચાલનાર રામ કાચબા(Testudo)ને સૌ કોઈએ જોયા હશે. તેનું કવચ જાડું અને ઘુમ્મટ આકારનું હોય છે. કવચની પ્રત્યેક તકતીના મધ્યભાગમાં એક પીળું ટપકું હોય છે અને ત્યાંથી કિરણોની જેમ રેખાઓ પ્રસરેલી હોય છે. એમીડિડે કુળના કાચબા મીઠાં જળાશયોમાં વાસ કરે છે. મહી નદીમાં વાસ કરતા કેટલાક કાચબાનાં કવચ 1 મીટર જેટલાં લાંબાં હોય છે. કેટલાક ગ્રામવાસીઓ તેનો ઉપયોગ પારણા તરીકે કરતા હોય છે. મીઠાં જળાશયો અને દરિયામાં વાસ કરતા મૃદુકવચી (soft shell) લીલા કાચબા(leather back)નું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, તેથી આ કાચબાનો મોટા પાયે શિકાર થાય છે.

માનવમાં ભીતિ પેદા કરનાર સાપ પોતે સ્વભાવે બીકણ હોય છે. મોટાભાગના સાપ બિનઝેરી હોય છે. જમીન પર વસતા નાગ, કાળોતરા (krait) અને ફૂરસા (viper) સર્પો ઝેરી હોય છે. ગુજરાતમાં દેખાતા નાગના ફણાની પૃષ્ઠ બાજુએ બે કાચવાળાં ચશ્માં જેવી આકૃતિ હોય છે. કાળોતરાની પીઠ પર આડી કમાનો જેવા પટ્ટા આવેલા હોય છે. આશરે 60–70 સેમી. લાંબા ફૂરસા સૂરત, ભરૂચ, ખેડા, ઉત્તર ગુજરાત અને કચ્છના રણ અને સૂકા વિસ્તારમાં રહે છે. સહેજ ઉશ્કેરાટથી પણ ફૂરસા કરડવા પ્રેરાય છે. ગુજરાતના બિનઝેરી સર્પો

ધામણ (rat snake), લીલો સાપ, અજગર અને આંધળી ચાકણ (sand boa) નાનાંમોટાં વૃક્ષો પર વાસ કરતાં હોય છે. બધા સાપો સામાન્યપણે ગરોળી, ઉંદર, મોટા કીટકો અને દેડકાં જેવાં નાનાં કે મોટા કદનાં પ્રાણીઓનું ભક્ષણ કરે છે.

તળાવોમાં વસતા મગર પણ સરીસૃપ વર્ગનાં પ્રાણી છે. જમીન પર રહેનાર સરડા અને તેના સંબંધીઓ સામાન્ય રીતે કાચિંડા (garden lizards) તરીકે ઓળખાય છે. બાગબગીચા, વાડી, વૃક્ષો કે વાડ પર હરતાફરતા કાચિંડા ગુજરાતમાં જ્યાંત્યાં પ્રસરેલા હોય છે. ઘરગરોળી(house lizard)ને માનવ-વસાહતમાં રહેવું ગમે છે. વનવૃક્ષો પર દેખાતો કાચિંડો કે કાકીડો (chamaeleon) પર્યાવરણને અનુરૂપ ચામડીનો રંગ બદલતો હોય છે. પાટલા-ઘો (Varanus) જમીન ઉપર વાસ કરતી હોય છે. ઉત્તર ગુજરાતમાં સાપ જેવું દેખાતું પગવિહીન સરીસૃપ બ્રાહ્મણી (glass lizard) કાચિંડાના કુળનું પ્રાણી છે.

દેશની પ્રગતિનું નબળું પાસું એટલે દૂષિત પર્યાવરણ. પર્યાવરણમાં થયેલા પ્રતિકૂળ ફેરફારોને લીધે ઘણાં વન્ય પ્રાણીઓની હાલત નષ્ટપ્રાય થઈ ગઈ છે અને જીવસંપત્તિનો મોટા પાયા પર નાશ થઈ રહ્યો છે. સદભાગ્યે, આ વિનાશને અટકાવવા વન્ય જીવોના સંરક્ષણાર્થે અનેક પગલાં ભરાવા માંડ્યાં છે. વન્ય જીવો ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે તે માટે તેના વસવાટવાળા વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો તરીકે જાહેર કરાયા છે. કચ્છમાં આવેલ નારાયણ સરોવર, ત્યાંનું રણ અને ત્યાંનો અખાત જેવાં રાષ્ટ્રીય ઉદ્યાનો ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર વન્ય જીવ અભયારણ્ય, હિંગોળગઢ પ્રકૃતિ-શિક્ષણ અભયારણ્ય, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ખીજડિયા પક્ષી અભયારણ્ય, રાણાવાવ, બરડા સિંહ અભયારણ્ય છે. નળ સરોવરમાં પક્ષી અભયારણ્ય સ્થપાયું છે. ઉપરાંત જેસોર (જિ. બનાસકાંઠા), રતનમહાલ (જિ. દોહાદ) અને પિપલોદ(જિ. ભરૂચ)માં રીંછ અભયારણ્ય છે. ગાંધીનગર (ઇંદ્રોડા) ખાતે હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટે સંશોધનકેન્દ્ર (GEER Foundation)  સ્થાપવામાં આવ્યું છે.

પક્ષીઓ

ગુજરાતનાં પક્ષીઓને કાયમી રહેવાસી (permanent residents) અને સ્થળાંતરી (migratory) એમ બે પ્રકારમાં વહેંચી શકાય. મોટાભાગનાં સ્થળાંતરી પક્ષીઓ ઉચ્ચતર અક્ષાંશ-વસાહતોની અતિશય ઠંડીને ટાળવા ગુજરાતમાં પ્રવેશે છે. આમાંનાં મોટેભાગે જળચર જીવન ગુજારનારાં છે.

શહેરવાસી માત્ર કાગડા કે ચકલીના કંઠધ્વનિથી પરિચિત હશે; પરંતુ પરાવિસ્તારમાં વસંત ઋતુના પરોઢિયે નર કોયલનો મધુર અવાજ જરૂર સાંભળવા મળે. ક્યારેક પીળક(golden oriole)નો (ટી ઓ ઓ ઓ ટી ઓ ઓ ઓ એવો) અવાજ પણ સાંભળવા મળે. સૂર્યોદય સાથે બુલબુલ, સક્કરખોર (sun bird), ચકદીલ (fantail fly catcher), શોબિગા (iora), ફુત્કી (ashy long tail warbler) વગેરે પક્ષીઓ પણ સુમધુર કંઠથી ગાતાં હોય છે. દિવસ દરમિયાન સંધ્યાસમયે કે રાત્રે ગાનાર પક્ષીઓની સંખ્યા પણ કંઈ ઓછી નથી. પોપટ, સૂડો (parakeet), દૈયડ (magpie robin), નીલકંઠ (blue cheek bee-eater) જેવાં પક્ષીઓ ગમે ત્યાં ગાતાં હોય છે. કૂકડો પણ સૂર્યોદય સમયે પોતાની હસ્તી પ્રગટ કર્યા વગર રહેતો નથી. જમીન પર અથવા મકાનોની ટોચે બેસીને ટહુકનાર મોર તો ઢેલની સાથે અવશ્ય ધ્યાન ખેંચે. તેનાં આકર્ષક પીછાં, સ્વાદિષ્ટ માંસ અને ખેતરમાં પાક્ધો ચણવાની આદતને કારણે તે ઘણી વાર શિકારીઓનો ભોગ બને છે. ભારત સરકારે મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે ગૌરવવંતું સ્થાન આપ્યું છે અને સુરક્ષિત પક્ષી જાહેર કર્યું છે.

ટેલિફોન કે ટેલિગ્રાફના તાર પર હારમાં બેઠેલા પતરંગા(green bee-eater)ની કીટક પકડવાની આદત ધ્યાનપાત્ર છે. કીટક નજરમાં આવતાંની સાથે તીરની માફક શીઘ્ર ગતિએ ઉડ્ડયન કરીને તેને તે ચાંચ વડે ઝડપે છે. જાતજાતનાં અબાબીલો (swift અને swallow) અને માખીમાર (fly catcher) હવામાં ઉયન કરતા કીટકોને અધ્ધર જ પકડતાં હોય છે. કાદવની ગોળીઓ કરી માળો બાંધનાર નાનાં તારોડિયાં(Indian cliff swallow)નું સ્થાપત્યકામ નિહાળવા જેવું હોય છે. શિયાળામાં પાંદડાંને સીવીને માળો બાંધનાર દરજીડો (tailor bird) કે ઘાસમાંથી તાંતણા બનાવી માળો બાંધનાર સુગરી (weaver bird) પણ અનેક જગ્યાએ જોવા મળે છે. લક્કડખોદ (woodpecker) તો ઝાડમાં કાણું પાડીને માળો બનાવે છે. પાતળો, સોટી જેવો દેખાતો કોશિયો (black drongo, king crow) પૂંછડીને હલાવતો જ્યાંત્યાં નજરે પડે છે. તે લડાયક વૃત્તિનો હોય છે.

ગુજરાતનાં કેટલાંક અગત્યનાં જળચર પક્ષીઓ

(કા. = કાયમી રહેવાસી; સ્થ. = સ્થળાંતરી)

 

કુળ અને પક્ષીનું નામ

  પ્રકાર  
  1  

2

 
1. ડૂબકીઓ (grebes)
1.1 શ્યામગ્રીવ (black necked) સ્થ.
1.2 ડૂબકી (little grebe) કા.
2. પેણ (pelicans)
2.1 ગુલાબી (rosy) સ્થ.
2.2 રૂપેરી (spotted bill) સ્થ.
3. કાજિયા અથવા જળ-કાગડા (cormorants; snake-birds) 3.1 જળ-કાગડો (cormorant) કા.
3.2 નાનો જળ-કાગડો (little cormorant) સર્પગ્રીવ (darter) કા.
4. બગલા (herons, egrets and bitterns) 4.1 કર્બુર બગલો (grey heron) કા.
4.2 કાળો બગલો (pond heron) કા.
4.3 ઢોર-બગલો (cattle egret) કા.
4.4 નાનેરો બગલો (smaller egret) કા.
4.5 કિલોચિયો (little egret) કા.
4.6 રાત-બગલો (night heron) કા.
4.7 પીળો પાન બગલો (yellow bittern) કા.
5. ઢોંક (storks) 5.1 ઢોંક બગલો (ધોકડું) painted stork કા.
5.2 લગ લગ (white-necked stork) કા.
5.3 નાનો જમાદાર (lesser stork) સ્થ.
5.4 બનારસ ઢોંક (black-necked stork) કા.
6. કાંકણસાર અને ચમચા (ibises and spoonbills) 6.1 ધોળી કાંકણસાર (white ibis) કા.
6.2 કાળી કાંકણસાર (black ibis) કા.
6.3 ચમચો (spoonbill) કા.
7. સુરખાબ (flamingoes) 7.1 સુરખાબ કા.
7.2 વામનદેહી સુરખાબ (lesser flamingo) સ્થ.
8. હંસ, રાજહંસ, બતક (geese, swans, ducks) 8.1 નાની સિસોટી (lesser whistling duck) કા.
8.2 ચક્રવાક (ruddy shell duck) સ્થ.
8.3 પરાસ (pin tail) સ્થ.
8.4 નાની બતક (common teal) સ્થ.
8.5 ટીલીવાળી બતક (spot bill teal) કા.
8.6 મુરઘાબી (falcated teal) સ્થ.
8.7 ફરાઓ (wigeon) સ્થ.
8.8 કરોડિયો (garganey) સ્થ.
8.9 ગયણો (shoveller) સ્થ.
8.10 તામણી (white-eyed pochard) સ્થ.
8.11 ચોંટેલી કાબરી બતક (tufted pochard) સ્થ.
8.12 દરિયાઈ બતક (sea duck) સ્થ.
8.13 ગીરની બતક (cotton teal) કા.
8.14 નુક્તા (comb duck) કા.
9. કુંજ (સારસ) (cranes) 9.1 સારસ (sarus) કા.
9.2 કરકરા (demoiselle crane) સ્થ.
9.3 કુંજ (eastern common crane) સ્થ.
10. સંતાકૂકડી (rails) 10.1 બેલિયનની સંતાકૂકડી (eastern baillions crane) સ્થ.
10.2 ટપકીલી (spotted crane) સ્થ.
10.3 તપખીરી (brown crane) કા.
10.4 કોરા (water duck) કા.
10.5 જલમરઘી (moorhen) સ્થ.
11. ભગતડ (coots) 11.1 ભગતડ (coot) કા.
12. જળમાંજર (jacanas) 12.1 જળમાંજર (phaesant tail) કા.
13. ઘોમડા (gulls and terns) 13.1 પીળા પગવાળો ઘોમડો સ્થ.
13.2 કથ્થાઈ માથાનો ઘોમડો સ્થ.
13.3 ઘોમડા-ઘોમડી સ્થ.
13.4 દરિયાઈ ઘોમડી કા.
13.5 નાની ઘોમડી કા.

ખાદ્ય કચરો, મૂએલાં ઢોર, કૂતરાં, બિલાડાં જેવાંનાં માંસને આરોગનાર ગીધ પરિસરને સ્વચ્છ રાખે છે. તે દૃષ્ટિએ એ પરોપકારી પ્રાણી છે. ગીધના પિતરાઈ ગરુડ, બાજ અને સમડી શિકારી પક્ષી તરીકે જાણીતાં છે. નિશાચર ઘુવડ પણ શિકારી પક્ષી છે. મોટેભાગે આ પ્રાણીઓ માનવને હાનિકારક એવાં પ્રાણીઓનું ભક્ષણ કરતાં હોય છે. જોકે તેમાંનાં કેટલાંક ક્વચિત્ કૂતરાં, બિલાડાં જેવાં પ્રાણીઓને પણ ઝપટમાં લઈ લે છે.

સસ્તન પ્રાણીઓ (mammals)

ઉદ્યોગીકરણને કારણે અરણ્યો ઘટતાં વિવિધતા તેમજ સંખ્યાની દૃષ્ટિએ સસ્તનોની સંખ્યા પણ ઘટવા માંડી છે. આશરે 60–70 વર્ષ પૂર્વે અમદાવાદના પરાવિસ્તારમાં હરતાંફરતાં રોઝ (નીલગાય), શિયાળ, શાહુડી (porcupine), નોળિયા, વણિયર જેવાં પ્રાણીઓ જોવા મળતાં તે આજે લગભગ અદૃશ્ય બન્યાં છે; પરંતુ ઉત્તર ગુજરાતના જંગલમાં વાસ કરતો દીપડો કોઈક વાર રસ્તો ભૂલી જતાં કૂતરાં, કૂકડા, બકરાં જેવાં પ્રાણીઓનો શિકાર કરવા અમદાવાદ જેવા શહેરમાં પ્રવેશે તે અસાધારણ ઘટના ગણાય.

અસલી ચિત્તો આજે ભારતમાંથી સાવ લુપ્ત થઈ ગયો છે. દીપડાનો સમાવેશ બિલાડીના કુળ(fam. Felidae)માં થાય છે. આ જ કુળનું બીજું પ્રાણી સિંહ ગીરના જંગલમાં વસે છે. આ જ કુળના વાઘનું અસ્તિત્વ ડાંગના જંગલ પૂરતું મર્યાદિત છે. ઘોઘર બિલાડો (jungle cat) અને રણના બિલાડા પોતાના પર્યાવરણમાં રહેતા હોય છે. જોકે કોઈક વાર ઘોઘર બિલાડો શિકારની શોધમાં આસપાસનાં ગામડાંમાં પ્રવેશે છે ખરો. જંગલી બિલાડીની એક અન્ય જાત ડાંગ અને આસપાસના વિસ્તારમાં રહેતી હોય છે. જંગલી બિલાડો રાતો વનબિલાડો (caracal/red lynx) કચ્છમાં નજરે પડે છે.

માંસાહારી કૂતરાં અને તેના નજદીકના સમુદાયનો સમાવેશ કુળ canidae-માં થાય છે. આમાંનાં વરુ (wolf), શિયાળ (jackal), નાર (wild dog) અને લોંકડી (fox) ગુજરાતનાં જંગલોમાં રહેતાં હોય છે. વણિયર (small civet), તાડનું વણિયર, જરખ (hyaena), રીંછ (sloth bear) અને નોળિયા જેવાં અન્ય માંસાહારી પ્રાણીઓ પણ ગુજરાતનાં વતની છે. કોઈક વાર સાબરમતી નદીમાં દેખાતી જળબિલાડી (otter) માછલીઓ ખાઈને જીવે છે. શેળો, શાહુડી, છછુંદર (મધ્ય અને દક્ષિણ ગુજરાત) અને શલ્કી કીડીખાઉ(scaly ant eater)નો મુખ્ય આહાર એટલે કીડીઓ. શલ્કી કીડીખાઉને ઊધઈ બહુ ભાવે છે. તેની જીભ સહેજ લાંબી અને ચીકણી હોય છે, જે રાફડામાં ઘુસાડે છે અને તેને ચોંટેલી કીડીઓને ખાય છે. તે નિશાચર પ્રાણી છે.

ગુજરાતમાં જાતજાતનાં ચામાચીડિયાં જોવા મળે છે. તે બધાં નિશાચર છે. વડવાગોળ (flying fox) વૃક્ષોની ડાળીઓ પર ઊંધું લટકીને દિવસ દરમિયાન વિશ્રાંતિ લે છે. ફળોના રસ તેમનો મુખ્ય ખોરાક છે. જૂનાં મકાનો, દીવાલની તડ અને ઝાડની બખોલ જેવાં સ્થળોએ વાસ કરતાં નાનાં ચામાચીડિયાં  બૅટ (Pipistrellus) રાત્રે વિહાર કરતા કીટકોને ખાતાં હોય છે.

ઘાસવાળાં વનોમાં જીવન ગુજારતાં સસલાંની સંખ્યા આજે સાવ ઘટી ગઈ છે. ઉંદર અને ખિસકોલી જેવાં રોડેન્શિયા કુળનાં સસ્તનો માનવવસ્તીની આસપાસ મોટી સંખ્યામાં નજરે પડે છે. ખિસકોલીની પીઠ પર પાંચ પટા આવેલા હોય છે.

ખોરાકની શોધમાં ઘરમાં તે ઘણી વાર પ્રવેશે છે. ત્રણ પટાવાળી ખિસકોલી મુખ્યત્વે જંગલોમાં અને મોટાં વૃક્ષો પર દોડતી નજરે પડે છે. ઘર, ખેતર, રણ કે જંગલ જેવાં રહેઠાણોમાં જાતજાતના ઉંદર જોવા મળે છે. Mus પ્રજાતિનો ઉંદર (house mouse) કદમાં નાનો અને ઝડપથી દોડી જતો નજરે પડે છે. જર્બિલ (gerbil) નામે ઓળખાતા કેટલાક ઉંદરો ભેજવાળી જગ્યાએ, જ્યારે રણના જર્બિલ ઉંદરો કચ્છ અને ઉત્તર ગુજરાતના રણપ્રદેશમાં વાસ કરતા હોય છે.

ટોળામાં ફરનાર અને ચામડી પર સુંદર ટપકાં ધરાવતાં ચીતળ અને કદમાં ચીતળ કરતાં મોટાં એકરંગી સાબર, આમ હરણની બે જાતો મુખ્યત્વે ગુજરાતના ગીર, ગિરનાર અને ડાંગ પ્રદેશમાં જોવા મળે છે.

હરણનાં શિંગડાં વિવિધ શાખાવાળાં હોય છે. હરણ જેવાં દેખાતાં કાળિયાર, કૃષ્ણમૃગ(black buck)નાં શિંગડાં શાખાવિહીન હોય છે. ઘાસ એનો આહાર હોય છે. વગર થાક્યે તે કલાકના 50થી 70 કિલોમીટરની ગતિએ દોડી શકે છે. હાલમાં કાળિયારનું અસ્તિત્વ ભાવનગર જિલ્લાના વેળાવદર અભયારણ્ય પૂરતું મર્યાદિત છે. અભયારણ્યની બહાર વિશાળ સંખ્યામાં કાળિયાર ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ખાખરિયા ટપ્પામાં (ધરમપુર-વિસતપુરના વગડામાં) મુક્ત રીતે હરતાં-ફરતાં જોવા મળે છે. ગ્રામ-પ્રજા તેમનું સંરક્ષણ કરે છે. કાળિયારની ઘટતી જતી સંખ્યાને કારણે વેળાવદરને સુરક્ષિત સ્થાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

શાખાવિહીન શિંગડાંવાળાં પ્રાણી antelope-ના નામે ઓળખાય છે. નાનું અને શાખાવિહીન એવું એક બીજું antelope તે છીંકારું (chinkara) છે, જે છીંક ખાય છે. ગુજરાતમાં તે છૂટાંછવાયાં જોવા મળે છે. તે બીકણ પણ મળતાવડું પ્રાણી છે. માણસનો સહવાસ તેને ગમે છે.

કાળિયારનું નજદીકનું સંબંધી નીલગાય (રોઝ) ઘોડા અને ગાયના સંકરણથી થયેલા સંતાન જેવું દેખાય છે. ખેતરોમાં કે અરણ્યોમાં નિર્ભયપણે ફરનાર નીલગાયની ગણના અગાઉ એક પવિત્ર પશુ તરીકે કરવામાં આવતી હતી, પરંતુ આજે તેની સંખ્યા સાવ ઘટી ગઈ છે. હરણ જેવા દેખાતા ચોશિંગા(four-horned antelope)ને ચાર શિંગડાં હોય છે. કાળિયારમાં દેખાતાં બે સામાન્ય શિંગડાં ઉપરાંત આંખની ઉપર નાનાં શૂળ જેવાં શિંગડાંની એક જોડ ચૌશિંગામાં જોવા મળે છે.

બે જાતનાં વાનર ગુજરાતમાં વસે છે. હનુમાન વાંદરું (common langur) અને ટૂંકી પૂંછડીવાળું માંકડું (rhesus monkey / Macaca) કચ્છ સિવાયના પ્રદેશમાં જોવા મળે છે. મોટેભાગે તે પોતાનો સમય વૃક્ષો પર વિતાવે છે. માંકડું મુખ્યત્વે ગુજરાતના પૂર્વ ભાગમાં વસે છે અને વધારે સમય જમીન પર પસાર કરે છે.

જ્યાંત્યાં માનવના હસ્તક્ષેપને લીધે ઘણાં વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ આજે ભયમાં મુકાયું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સિંહ, વાઘ, ચિત્તો, રીંછ, ઘુડખર, સાબર, ચીતળ, કાળિયાર, હરણ, છીંકારાં અને ચોશિંગા જેવાં પ્રાણીઓને સુરક્ષિત પ્રાણીઓ તરીકે જાહેર કર્યાં છે અને તેમના વસવાટને અભયારણ્યનો દરજ્જો અપાયો છે. જોકે હવે અભયારણ્યોના દરજ્જામાં સુધારા-વધારા જરૂરી બન્યા છે.

જળચર સસ્તન પ્રાણીઓ : મીઠાં જળાશયોમાં વસતી અને જમીન પર પણ ફરતી જળબિલાડીનું અસ્તિત્વ ઘણુંખરું પ્રાણી સંગ્રહાલય પૂરતું મર્યાદિત હોય છે. જોકે તે કોઈક વાર સાબરમતી નદીમાં જોવા મળે છે. કદાચ મહી, નર્મદા અને તાપીમાં પણ રહેતાં હોય. માછલાં તેમનો મુખ્ય આહાર છે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારાની સાવ નજદીક ઘણી વાર ડૉલ્ફિનોને 10–12ના ટોળામાં તરતી જોઈ શકાય. કદમાં મોટી અને ખુલ્લા દરિયામાં વાસ કરતી વહેલ કોઈક વાર દરિયાકિનારે અને નદીના મુખ પાસે ફસાયેલી દેખાય છે. ભરતી દરમિયાન કિનારા પાસે આવેલાં આ જળચરો પાણીના અભાવે દરિયામાં પાછાં જઈ શકતાં નથી. કચ્છના અખાતમાં કેટલીક વાર દરિયાઈ ગાય (dugong/sea-cow) પણ જોવા મળે છે.

ગુજરાતનાં અભયારણ્યો

સમગ્ર ભારતમાં ઈ. સ. 2006માં 500 અભયારણ્યો અને 95 જેટલા નૅશનલ પાર્ક આવેલા હતા. જ્યારે ગુજરાતમાં 23 અભયારણ્યો અને 4 નૅશનલ પાર્ક આવેલા છે. ગુજરાતમાં આવેલાં અભયારણ્યો, તેમનો

વિસ્તાર અને તેમાં જોવા મળતા પ્રાણીજીવો આ પ્રમાણે છે : (1) સિંહના રક્ષણ અને સંવર્ધન માટે ગીર-સોમનાથ જિલ્લામાં આવેલું ગીરનું અભયારણ્ય પ્રખ્યાત છે. આ અભયારણ્ય 1153.42 ચોરસ કિમી. વિસ્તારમાં વિસ્તરેલું છે. તેમાં એશિયાઇ સિંહ, દીપડા, ઝરખ, સાબર, નીલગાય, ચિત્તલ, કાળિયાર, ચીંકારા, જંગલી બિલાડી, જિંગલી ભૂંડ, મગર વગેરે જોવા મળે છે. આજે આ અભયારણ્યમાં સિંહની વસ્તી વધી ગઈ હોવાથી તેને  સ્થળાંતર કરાવવાની એક તબક્કે સરકારની વિચારણા હતી. મધ્યપ્રદેશે પણ થોડાક સિંહોની માંગણી ગુજરાત પાસે કરી છે. (2) વિવિધ સ્થળાંતરિય પક્ષીઓ માટે 120,82 ચોરસ કિમીમાં વિસ્તરેલું અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે નળસરોવરનું પક્ષીઓ માટેનું અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યમાં યાયાવર પક્ષીઓ (migrated birds) તથા જળચર પક્ષીઓ જોવા મળે છે. (3) કચ્છના

નાના રણમાં 4953.70 ચોરસ કિમી વિસ્તારમાં ઘુડખર માટેનું અભયારણ્ય રચવામાં આવ્યું છે, જેમાં ઘુડખર, નીલગાય, રણ લોંકડી, ચીંકારા અને વરુ જોવા મળે છે. (4) બનાસકાંઠા જિલ્લામાં રીંછ માટે 180.66 ચોરસ કિમી વિસ્તારમાં જેસોર રીંછ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. તેમાં રીંછ, નીલગાય અને ઝરખ પણ જોવા મળે છે. (5) એશિયાઈ સિંહ માટે 192.31 ચોરસ કિમી. વિસ્તારમાં પોરબંદર પાસે બરડો અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે તૃણભક્ષી પ્રાણીઓ જોવા મળે છે. (6) કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના પિરોટન ટાપુ વિસ્તારમાં 295.03 ચોરસ કિમી. વિસ્તારમાં પરવાળા, દરિયાઈ જળચર પ્રાણીઓ અને માછલાં માટે, જામનગરનું દરિયાઈ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. (7) વાઘ અને સાબર માટે ડાંગ જિલ્લાના પૂર્ણા વિસ્તારમાં બરડીપાડાનું અભયારણ્ય રચાયું છે, જેમાં મુખ્યત્વે આજે દીપડા, હરણ અને વાંદરા જોવા મળે છે. (8) રીંછ માટે નર્મદા જિલ્લામાં શુલપાણેશ્વરનું અભયારણ્ય છે,

જે 607.70 ચોરસ કિમી. વિસ્તારમાં વિસ્તરેલું છે. (9) કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર વિસ્તારમાં 444.23 ચોરસ કિમી. વિસ્તારમાં ચીંકારા માટેનું અભયારણ્ય રચવામાં આવ્યું છે. (10) જામનગર જિલ્લાના ખીજડીયા વિસ્તારમાં 6.05 ચોરસ કિમી.માં પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. (11) દાહોદ જિલ્લાના રતનમહાલના 55.65 ચોરસ કિમી.ના વિસ્તારમાં રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે. (12) કચ્છના મોટા રણના વિસ્તારમાં સુરખાબના રક્ષણ માટે, કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય 7506.22 ચોરસ કિમી. વિસ્તારમાં રચવામાં આવ્યું છે. તેમાં સુરખાબ ઉપરાંત નીલગાય પણ જોવા મળે છે. (13) પોરબંદર જિલ્લામાં 0.09 ચોરસ કિમી. વિસ્તારમાં પોરબંદર પક્ષી અભયારણ્ય આવેલું છે, જેમાં વિવિધ રંગી સ્થળાંતરિત પક્ષીઓ જોવા મળે છે. (14) બનાસકાંઠા જિલ્લામાં બાલારામ-અંબાજીના 542.08 ચોરસ કિમી. વિસ્તારમાં રીંછ, નીલગાય અને ઝરખ માટેનું અભયારણ્ય આવેલું છે, જે ખાણ ઉદ્યોગને લીધે થોડુંક મુશ્કેલીમાં છે. (15) જામનગર જિલ્લામાં 3.33 ચોરસ કિમી.માં વિસ્તરેલું એવું જળચર પક્ષીઓ માટેનું ગાગા અભયારણ્ય આવેલું છે. (16) કચ્છ જિલ્લામાં કચ્છ ઘોરાડ અભયારણ્ય તરીકે ઓળખાતું એવું અભયારણ્ય 2.03 ચોરસ કિમી.માં આવેલું છે, જેમાં ઘોરાડ ઉપરાંત ચીંકારા પણ જોવા મળે છે. (17) અમરેલી જિલ્લામાં 39.64 ચોરસ કિમી.માં સિંહ, દીપડા અને ચીંકારા માટેનું પાણીયા અભયારણ્ય આવેલું છે. (18) રાજકોટ જિલ્લામાં 15.01 ચોરસ કિમી.માં નીલગાય અને ચીંકારા માટેનું રામપુરા અભયારણ્ય છે. (19) રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ ખાતે 6.54 ચોરસ કિમીમાં ચીંકારા અને નીલગાયની વસ્તી ધરાવતું હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. (20) પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્ય અને (21) મહેસાણા જિલ્લામાં થ્રોળ ખાતે 6.99 ચોરસ કિમી. જળચર પક્ષીઓ માટેનું અભયારણ્ય આવેલું છે. (22) જૂનાગઢ જિલ્લામાં ગીરનાર વાઈલ્ડ લાઇફ નૅશનલ પાર્ક 178.87 ચોરસ કિમી. વિસ્તારમાં આવેલી છે, જેમાં સિંહ, દીપડા, સાબર અને ચિત્તલ જોવા મળે છે. (23) અમરેલી જિલ્લામાં મિતિયાલા અભયારણ્ય 18.22 ચોરસ કિમી. છે, જેમાં સિંહ, દીપડા, ચિત્તલ, ચિંકારા અને સાબર છે.

મ. શિ. દૂબળે

રા. ય. ગુપ્તે