સિકૉર્સ્કી, ઇગૉર (ઇવાન) (. 1889, કીવ, યુક્રેન; . 1972) : અમેરિકાના હવાઈ ઉડ્ડયનના ઇજનેર અને હેલિકૉપ્ટરના શોધક. તેમણે 1909થી જ હેલિકૉપ્ટર બાંધવાના પ્રયોગો આદર્યા; પરંતુ પૂરતા અનુભવ તથા નાણાકીય સાધનોના અભાવે પોતાની કામગીરી અભરાઈએ ચઢાવી અને પોતાનું ધ્યાન હવાઈ જહાજ પરત્વે કેન્દ્રિત કર્યું.

1913માં તેમણે 4 એંજિનવાળું પહેલવહેલું ઍરોપ્લેન બાંધ્યું અને તેમાં ઉડ્ડયન કર્યું. 1919માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા અને 1928માં અમેરિકન નાગરિક બન્યા. તેમણે સિકૉર્સ્કી ઍરો એન્જિનિયરિંગ કૉર્પોરેશનની સ્થાપના કરી (1923); ત્યારપછી તે કંપની યુનાઇટેડ ઍરક્રાફ્ટ કૉર્પોરેશન સાથે ભેળવી દીધી.

ઇગૉર (ઇવાન) સિકૉર્સ્કી

તેમને ઉડ્ડયનક્ષેત્રે સૌથી વિશેષ સંખ્યામાં ઍવૉર્ડ અને ચંદ્રકો મળ્યા છે. તેમણે સંખ્યાબંધ ફ્લાઇંગ-બોટનું નિર્માણ કર્યું. તેમાં ‘અમેરિકન ક્લિપર’ (1931) બહુ ખ્યાતનામ છે. 1939માં તેમણે સર્વપ્રથમ હેલિકૉપ્ટરનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું – તેનું નામ હતું VS-300.

મહેશ ચોકસી