સિકિયાંગ (Si-Kiang, Hsi Chiang) : દક્ષિણ ચીનની સૌથી લાંબી, મહત્વની નદી. ભૌગોલિક સ્થાન : 22° 25´ ઉ. અ. અને 113° 23´ પૂ. રે. તે યુનાન(હુનાન)ના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે અને દક્ષિણ ચીની સમુદ્રમાં ઠલવાય છે. ચીનની યાંગત્ઝે, સંગારી અને હુઆંગ હો (પીળી નદી) કરતાં તે ટૂંકી છે. તેની સહાયક નદીઓમાં પેઈ (Pei) અને તુંગ(Tung)નો સમાવેશ થાય છે. શાખાનદીઓ સાથેનો તેનો સ્રાવ-વિસ્તાર 4,48,000 ચોકિમી. જેટલો છે, જ્યારે તેની લંબાઈ 1957 કિમી. જેટલી છે. ચીનમાં સૌથી વધુ જળપુરવઠો લાવતી નદીઓમાં યાંગત્ઝે પછી આ નદીનો ક્રમ આવે છે.

તેના મુખપ્રદેશ પર હૉંગકૉંગ, કૅન્ટોન અને મકાઉ બંદરો આવેલાં છે, તે પૈકી કૅન્ટોન ચીનનો સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર ગણાય છે. તેનો મુખપ્રદેશ ખૂબ ફળદ્રૂપ હોવાથી ત્યાં વર્ષમાં ત્રણ વાર ડાંગરનો પાક લેવાય છે. આ નદી નૌકાવહન માટે પણ ખૂબ ઉપયોગી છે. કૅન્ટોનથી વુચોવ સુધી, અર્થાત્, તેના મુખથી 300 કિમી.ના ઉપરવાસ સુધી જળમાર્ગ તરીકે તે ઉપયોગમાં લેવાય છે.

આ નદી દ્વારા નિર્માણ પામેલાં મેદાનોનો 40 % ભાગ 300થી 500 મીટરની ઊંચાઈએ તથા 50 % ભાગ 500થી 3000 મીટરની ઊંચાઈએ આવેલો છે; 5 % મેદાનો 300 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે. નદીના વહનમાર્ગમાં આવતો પહાડી ભાગ ચૂનાખડકોના બંધારણવાળો હોવાથી તેમાં જળધોધ, કોતરો અને ખીણોનું નિર્માણ થયેલું છે. કાંઠાના વિસ્તારોમાં પૂરને કારણે ધોવાણ થતું રહેતું હોવાથી કિનારાભાગો ઉગ્ર ઢોળાવવાળા જોવા મળે છે; કેટલીક જગાઓમાં ચૂનાખડકો ઓછાવત્તા પ્રમાણમાં ખવાણ પામેલા થઈ જવાથી ‘કાર્સ્ટ ભૂદૃશ્યાવલી’ પણ ઉદભવેલી છે.

આ નદીનો મુખ્ય પ્રવાહ દક્ષિણ પાન (P’an) નદીથી બનેલો છે, તેનું મૂળ 2,300 મીટર ઊંચાઈ ધરાવતા યુનાન-ક્વેઇચોવના ઉચ્ચપ્રદેશમાં રહેલું છે. પ્રારંભનો 800 કિમી. જેટલો ભાગ યુનાન પ્રાંતની અગ્નિ દિશાએ વહે છે. ત્યારબાદ તે ક્વાંગ સી પ્રદેશમાં પ્રવેશે છે અને આશરે 900 કિમી. માટે તે પ્રદેશમાં વહીને તે ત્સે હેંગ શહેર પાસે ઉત્તર પેઈ-પાન નદીને મળે છે, ત્યાં તે રેડ નદી (હન્ગ શુઈ હો) નામથી ઓળખાય છે. આ નદી આશરે 600 કિમી.નો પ્રવાહપથ પસાર કરીને ચીઉ તિયેન ઓ શહેર પાસે પહોંચે છે, ત્યાંથી તે પૂર્વ તરફ આગળ વધે છે. શિહ-લંગ શહેર નજીક લી-યુ-ચિયાંગ નદી વહે છે. તે ડાબા કાંઠાની મહત્વની શાખા નદી છે. તે ચિયેન નદી તરીકે ઓળખાય છે. આ નદી સાંકડા ખીણમાર્ગે આગળ વધીને વુ-હ-સુઆન અને કુઈ-પિયાંગ શહેર પાસેથી વહે છે. ત્યાં તેને જમણા કાંઠાની યૂ નામની શાખા નદી મળે છે. તે હ-સૂન નામથી જાણીતી છે. આ નદી પૂર્વમાં આશરે 400 કિમી. વહીને જુંગ નદીને મળે છે. ત્યારબાદ આ નદી વુચોવની દક્ષિણે ક્વાંગ તુંગ પ્રાંતમાં પ્રવેશે છે. ત્યાં તે સી (Hsi) નામ ધારણ કરે છે. તેનો ખીણપ્રદેશ અનેક કોતરોવાળો બની રહેલો છે. અહીં 77થી 87 મીટર પહોળાં અને આશરે 80 મીટર ઊંડાં સાન જુઆંગ અને લિન્ગ્યાંગ કોતરો આવેલાં છે. આ નદી પૂર્વમાં આશરે 240 કિમી. વહીને શાન-શૂઈ પાસે પેઈ નદીને મળે છે. ત્યાંથી તે દક્ષિણ તરફ વહીને કૅન્ટોન પાસે દક્ષિણ ચીની સમુદ્રમાં ઠલવાય છે. અહીં તૈયાર થયેલા મુખત્રિકોણમાં સી, પેઈ અને તુંગ નદીનો ફાળો વિશેષ મહત્વનો છે. ક્વાંગ તુંગ પ્રાંતના અગ્નિભાગમાં આવેલા મુખત્રિકોણનું ક્ષેત્રફળ આશરે 3,840 ચોકિમી. જેટલું છે. અહીં અનેક ખાડીઓ અને ઓછી ઊંચાઈ ધરાવતાં ફળદ્રૂપ કાંપના ફાંટા ટાપુઓ રૂપે જોવા મળે છે.

આ નદી ગીચ જંગલોથી આચ્છાદિત પહાડી વિસ્તારોમાંથી વહે છે. જંગલોમાં મુખ્યત્વે પાઇન, ફર અને વાંસનું પ્રમાણ વિશેષ છે. પૂર્વ ભાગમાં આવેલા ઓછી ઊંચાઈ ધરાવતાં મેદાનોમાં ડાંગર, મગફળી, શેરડી, શણ, તમાકુ અને ફળોની ખેતી લેવાય છે. આ નદીમાં મીઠાજળની માછલીઓનું પ્રમાણ વધુ છે. ચૂ નદીના મુખત્રિકોણમાં નાનાં કુદરતી તળાવો તૈયાર થયેલાં છે, તેમાંથી પણ માછલીઓ મળી રહે છે. પશ્ચિમ તરફના વિસ્તારમાં વાંદરાં અને રીંછ વધુ જોવા મળે છે.

પહાડી ભાગો કરતાં મેદાનો અને ખીણપ્રદેશોમાં છૂટીછવાઈ લોકવસ્તી વધુ જોવા મળે છે. આ વસાહત પાત્સે (Patse) નામથી ઓળખાય છે. નદીકાંઠે વસેલાં શહેરો વચ્ચે અંતર વધુ છે. અહીંનાં મહત્વનાં શહેરોમાં ક્વાંગ ચુઆન, ચિયેન-ચિયાંગ, લાઇ-પિન, કવેઇ-પિયાંગ, તેંગ-હ-સિયેન અને વુચોવનો સમાવેશ થાય છે. ચૂ નદીનો મુખત્રિકોણ ચીનના સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંનો એક ગણાય છે. અહીં સિંચાઈની સુવિધા ઊભી કરેલી હોવાથી ડાંગરની ખેતી વધુ લેવાય છે, આ ઉપરાંત ઘઉં, મકાઈ, જુવાર, કઠોળ અને બટાટાની ખેતી પણ થાય છે. તળાવોનું નિર્માણ કરીને મત્સ્યપ્રવૃત્તિ પણ વિકસાવવામાં આવી છે. કૅન્ટોન શહેરની આજુબાજુ અનેક ખાડીઓ આવેલી હોવાથી સ્થાનિક, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ લઈ શકાય છે. વુચોવ નજીક સમુદ્રની ઊંડાઈ 30 મીટર જેટલી છે. સી અને પેઈ નદીમાં ભરતી સમયે તેના મુખત્રિકોણમાં તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. અહીં 17મી સદીમાં 29, 18મી સદીમાં 26, 19મી સદીમાં 36 અને 20મી સદીમાં 1950ની સાલ સુધીમાં 24 વખત પૂર આવેલાં.

પરિવહન માટે આ નદી ખૂબ ઉપયોગી થઈ પડે છે. તેના લાંબા જળમાર્ગમાંથી હેઠવાસનો જળમાર્ગ પરિવહન માટે ઉપયોગમાં લેવાય છે. તે પૈકીનો ત્રીજા ભાગનો જળમાર્ગ સ્ટીમરોની અવરજવરની સુવિધા ધરાવે છે. મેદાની વિસ્તારમાં કૅન્ટોન અહીંનું સૌથી મોટું શહેર છે.

નીતિન કોઠારી