સારગોન રાજાઓ : સારગોન 1લો (શાસનકાળ ઈ. પૂ. 1850) : મેસોપોટેમિયામાં ટાઇગ્રિસ અને યુફ્રેટિસ નદીઓના મુખપ્રદેશ પાસેનો સુમેર અને અક્કડનો રાજા. રાજા સારગોન 1લાએ પર્શિયાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધીના વિસ્તારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. દંતકથા એવી છે કે સારગોન સામાન્ય કુટુંબમાં જન્મ્યો હતો. તેણે કિશના રાજા ઉર-ઇલ્બા સામે ક્રાંતિની આગેવાની લીધી અને એગેડમાં તેનું હરીફ પાટનગર સ્થાપ્યું. ત્યાંથી તેણે ઉત્તર અને પૂર્વ તરફ પ્રદેશ વિસ્તાર કર્યો. દક્ષિણ બૅબિલોનિયા અને પર્શિયાના વાયવ્યના પ્રદેશો તેના અંકુશ હેઠળ આવ્યા. તે એગેડ વંશનો સ્થાપક હતો. તે વંશ ઈ. પૂ. 2470 સુધી અસ્તિત્વ ધરાવતો હતો.
સારગોન 2જો (શાસનકાળ ઈ. પૂ. 722-705) : એસિરિયાનો રાજા. તેણે રાજકીય કારણોસર આશરે બે હજાર વર્ષ પૂર્વેના એકેડિયન પૂર્વગામીનું નામ સ્વીકાર્યું હતું. તે આવેશવાળો અને પાષાણહૃદયી રાજા હતો. તેણે ઇઝરાયલના શહેર સમેરિયાનો ઈ. પૂ. 722માં નાશ કર્યો અને ત્યાંની દસ જાતિઓના લોકોને જેલમાં પૂર્યા. રાજા સારગોન 2જાએ રાફિયા પાસે, ઈ. પૂ. 720માં ઇજિપ્તના સૈન્યને હરાવ્યું તથા દક્ષિણ સીરિયા સુધી એસિરિયાનો અંકુશ વધાર્યો. તેણે ઈ. પૂ. 709માં બૅબિલોનિયાને સંપૂર્ણપણે પોતાના અંકુશમાં લીધું; તે તેના રાજ્ય-અમલ દરમિયાનની એક મહત્ત્વની સિદ્ધિ માનવામાં આવતી હતી.
જયકુમાર ર. શુક્લ