સારડા, હરવિલાસ (. 3 જૂન 1867, અજમેર, રાજસ્થાન; . 1952) : પ્રખર સમાજસુધારક, વિદ્વાન અને બાળલગ્નપ્રતિબંધક ધારાના જનક. તેમના પિતા હરનારાયણ સારડા અજમેરની ગવર્નમેન્ટ કૉલેજના ગ્રંથાલયી અને વડાકારકુન હોવા ઉપરાંત સંસ્કૃતના વિદ્વાન હતા. એથી ફાજલ સમયમાં તેઓ ઉપનિષદ, ગીતા અને યોગવસિષ્ઠ જેવા સંસ્કૃત ગ્રંથોના અભ્યાસમાં રત રહેતા અને તેના પઠન-પાઠનનો લાભ કુટુંબીઓ તથા પરિચિતોને આપતા. માતા ચંદ્રાબાઈ કુટુંબપરાયણ અને ધર્મિષ્ઠ મહિલા હતાં. તેમણે 1876માં કાઝીબાઈ સાથે લગ્ન કર્યાં અને તેમનું અવસાન થતાં ફરી બે વાર લગ્ન કર્યાં હતાં.

પ્રારંભે, તેમણે અજમેરની સિટી સ્કૂલમાં શાલેય શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ થોડો સમય અજમેરની ગવર્નમેન્ટ કૉલેજ અને પછી આગ્રાની આગ્રા કૉલેજમાં જોડાઈને અંગ્રેજી વિષય સાથે 1888માં સ્નાતક થયા. તેમના જીવન પર પિતાના વિચારો અને સંસ્કૃત સાહિત્યની સાથે સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારોની ઘેરી અસર હતી. આર્યસમાજ, અજમેરના સ્થાપક દયાનંદ વારંવાર ત્યાંની મુલાકાત લેતા અને રોકાતા. તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાનું હરવિલાસ સારડાને ખૂબ ગોઠતું. પાછળથી તેમણે આર્યસમાજના વિવિધ હોદ્દાઓ પર રહી ઘણી કામગીરી બજાવી હતી.

1889માં ગવર્નમેન્ટ કૉલેજમાં વરિષ્ઠ શિક્ષક તરીકે જોડાઈ તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારબાદ જિલ્લા અદાલતમાં અનુવાદક તરીકે સેવાઓ આપી, જેમાં દીવાની અદાલતના અંગ્રેજી ચુકાદાઓનો તેઓ ઉર્દૂમાં અનુવાદ કરતા. 1894માં થોડો સમય જેસલમેરના રાજાના શિક્ષક તરીકે કામ કરવા સાથે તેમણે અદાલતના અનુવાદ-કાર્યમાં નામના ઊભી કરી હતી. આ વર્ષો દરમિયાનની ગુણવત્તાસભર કારકિર્દીને કારણે તેમને 1906થી જ્યુડિશિયલ સર્વિસીઝ(ન્યાયલક્ષી સેવાઓ)માં મૂકવામાં આવ્યા; જેમાં તેમણે નાયબ ન્યાયાધીશ, રજિસ્ટ્રાર, નાયબ મૅજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ ન્યાયાધીશ એમ વિવિધ હોદ્દાઓ પર 1924ના નિવૃત્તિકાળ સુધી સેવાઓ આપી અને ન્યાયપરાયણતાને વળગી રહી કામગીરી બજાવી.

અજમેરના જાહેર જીવનમાં તેમણે ખૂબ રસ લીધો. ત્યાં ડી.એ.વી. શાળા સ્થાપિત કરી તેમજ તેનો છેક અનુસ્નાતક કક્ષાની કૉલેજમાં વિકાસ કર્યો. વિધવાઓ અને ગરીબો માટે કામ કરતી પરોપકારિણી સભાના તેઓ ચૂંટાયેલા અધ્યક્ષ હતા. અખિલ ભારતીય વૈશ્યસભા જેવી અન્ય સંસ્થાઓના પણ અધ્યક્ષપદે તેમણે સેવાઓ આપી હતી. અજમેર મ્યુનિસિપાલિટીમાં ચૂંટાવા ઉપરાંત તેઓ 1924થી 1930 સુધી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીના સભ્ય ચૂંટાયેલા. જાહેર સેવા અને નિસ્વાર્થ કાર્યોના લગાવને કારણે તેમનાં કેટલાંક કૃત્યો કાળના પ્રવાહ પર કાયમી ચિહ્નો અંકિત કરી ગયાં. આ દરમિયાન સામાજિક અને રાજકીય કારકિર્દીના નિષ્કર્ષ રૂપે દેશની સામાજિક બદીઓની જડ બાળલગ્નપ્રથામાં હોવાનું તેમનું તારણ હતું. આથી 1925માં તેમણે લેજિસ્લેટીવ એસેમ્બલીમાં બાળલગ્નપ્રતિબંધક ધારો દાખલ કરી હિંદુ લગ્નપ્રથામાં પરિવર્તનનો આરંભ કર્યો. આ ધારો છેક સપ્ટેમ્બર, 1929માં મંજૂર થયો અને ટૂંકમાં, ‘સારડા (શારદા નહિ) ઍક્ટ’ તરીકે જાણીતો બન્યો જેનો અમલ 1 એપ્રિલ, 1930થી થયો હતો. સામાજિક સુધારાના ક્ષેત્રે તેમનું આ પાયાનું અને દૂરગામી પ્રદાન હતું. આ સાથે તેમણે 1925માં હિંદુ વિધવાઓ માટે મિલકત અંગેનો વારસાધારો (Hindu Widow’s Inheritance of Property Bill) દાખલ કરી વિધવાઓના વારસા-હક્કની ભલામણ કરેલી. જોકે આ ખરડો તે સમયે કાયદો બની શકેલો નહિ. એ જ રીતે સમગ્ર ભારતમાં મુક્ત અને ફરજિયાત શિક્ષણની તેમણે ભલામણ કરી અસાધારણ દૂરંદેશીનો પરિચય કરાવેલો. સામાજિક દૂષણો સામે ઝૂઝી, નવી દિશાઓનો ઉઘાડ કરી, નવા ભારતનો પાયો નાંખવા તેઓ ઉત્સુક હતા. ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનના ગાંધીવાદી તબક્કાનો આરંભ થાય તે સાથે તેમણે આદરેલા આ કાર્ય અને દિશાને માપવામાં આવે તો નિ:શંક આ અપ્રતિમ પહેલ જણાય.

સરકારે તેમની જાહેર સેવાઓની કદર રૂપે 1921માં ‘રાય બહાદુર’ અને 1929માં ‘દીવાન બહાદુર’ના ખિતાબો દ્વારા તેમની સેવાઓની કદર બૂઝી હતી.

ધાર્મિક છતાં પ્રખર રાષ્ટ્રવાદી, બહુમુખી પ્રતિભા ધરાવતા સારડા હિંદના તેજસ્વી સાંસ્કૃતિક વારસાના પુરસ્કર્તા હતા. ઈશ્વરપ્રેમ અને માનવતાની સેવા તેમના ચરમ આદર્શ હતા. શિક્ષણ, તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ તેમના ઊંડા રસના વિષયો હતા.

વિશાળ વાચનના સંદર્ભમાં તેમણે સત્તરેક કૃતિઓ રચી હતી. ‘હિંદુ સુપીરિયૉરિટી’ (1907), ‘અજમેર : હિસ્ટૉરિકલ ઍન્ડ ડિસ્ક્રિપ્ટિવ’, ‘શંકરાચાર્ય ઍન્ડ દયાનંદ’ તેમની જાણીતી કૃતિઓ છે. 550 ગ્રંથોની અભ્યાસ-યાદી ધરાવતી તેમની ‘હિંદુ સુપીરિયૉરિટી’ કૃતિ વ્યાપક અભ્યાસનિષ્ઠાની શાહેદી પૂરતી યશોદાયી કૃતિ છે. પાશ્ર્ચાત્ય સમકાલીનો કરતાં હિંદુઓની સિદ્ધિઓ મહાન હતી તે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા તેમણે તેમાં દર્શાવ્યું છે.

રક્ષા મ. વ્યાસ