હ્યૂસ્ટન (Houston) : યુ.એસ.ના ટેક્સાસ રાજ્યનું મોટામાં મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 29° 45´ ઉ. અ. અને 95° 21´ પ. રે.. તે ટેક્સાસ રાજ્યના અગ્નિભાગમાં મેક્સિકોના અખાતથી આશરે 80 કિમી. અંતરે આવેલું છે. કિનારાથી અંદરના ભૂમિભાગમાં તે આવેલું હોવા છતાં પણ દુનિયાનાં મુખ્ય દરિયાઈ બંદરો પૈકીના એક તરીકે તેની ગણના થાય છે. હ્યૂસ્ટનની ‘શિપ કૅનાલ’ તેને મેક્સિકોના અખાત સાથે જોડે છે, તેથી છેક હ્યૂસ્ટન સુધી જહાજોની અવરજવર રહે છે, આ કારણે બંદર ખૂબ જ વ્યસ્ત રહે છે. અહીંથી આશરે 7.3 કરોડ મેટ્રિક ટન જહાજી માલસામાનની હેરફેર થાય છે. સેંકડો કામદારો અહીં કામ કરતા હોવાથી તે ધમધમતું ઔદ્યોગિક મથક બની રહ્યું છે.
હ્યૂસ્ટન શહેરનું દૃશ્ય
હ્યૂસ્ટન એક મુખ્ય ઔદ્યોગિક મથક હોવા ઉપરાંત નાણાકીય બાબતો તેમજ વેપાર-વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર પણ છે. ટેક્સાસમાં ખનિજતેલનાં ક્ષેત્રો આવેલાં હોવાથી અહીંના મહત્વના ઉદ્યોગોમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગ અને રિફાઇનરીનો ઉદ્યોગ સંયુક્તપણે પ્રથમ ક્રમે આવે છે. આ શહેર કૃત્રિમ ખાતરો, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક-કીટનાશકો તેમજ તેલક્ષેત્રનાં જરૂરી સાધનોનું ઉત્પાદન કરે છે. અન્ય પેદાશોમાં લોખંડ-પોલાદ, વીજસામગ્રી, વીજાણુસામગ્રી, કાગળની પેદાશો તથા સાફ કરેલા ચોખાનો સમાવેશ થાય છે. આ શહેર યુ.એસ.ના અવકાશી કાર્યક્રમોના મથક તરીકે પણ સેવા આપે છે. અહીંથી અવકાશી ઉડ્ડયનો નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન લિન્ડન બી. જ્હૉન્સન સ્પેસ સેન્ટર ખાતેથી થાય છે.
અમેરિકન સુશોભન કલાસંગ્રહ ધરાવતું મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ (લલિતકલા સંગ્રહાલય) અહીં આવેલું છે. અન્ય કલા-કેન્દ્રોમાં મેનિલ સંગ્રહાલય (1987) મુખ્ય છે. આ ઉપરાંત, માર્ક રોથકો દ્વારા તૈયાર કરાયેલાં 14 જેટલાં ચિત્રો ધરાવતું રોથકો શેપલ પણ આ શહેરમાં જ આવેલું છે. 1894નું ગ્રાન્ડ ઑપેરા હાઉસ તથા હ્યૂસ્ટન સિમ્ફની ઑરકેસ્ટ્રા પણ છે. 1912માં સ્થપાયેલ રાઈસ યુનિવર્સિટી તથા 1945માં સ્થપાયેલ એન્ડરસન કૅન્સર સેન્ટર સહિતનું ટેક્સાસ મેડિકલ સેન્ટર આ શહેરમાં આવેલાં છે. સર્વ હેતુલક્ષી ઍસ્ટ્રોડોમ – ઘૂમટવાળું વાતાનુકૂલિત સ્ટેડિયમ પણ અહીં આવેલું છે.
હ્યૂસ્ટનમાં આવેલું થિયેટર
ઇતિહાસ : અહીં શ્વેત લોકો વસવાટ માટે આવ્યા તે અગાઉ અખાતી કિનારા નજીકના આજના હ્યૂસ્ટનના સ્થળે કરનકાવા (Karankawa) ઇન્ડિયનો વસતા હતા. આ સ્થળ મૂળ ‘હેરિસબર્ગ’ નામે ઓળખાતું હતું. 1826માં તે સર્વપ્રથમ વસેલું. 1836માં ટેક્સાસના લશ્કરે પીછો કરવાથી મેક્સિકન લશ્કરે તેને તારાજ કરી મૂકેલું. ત્યારપછી તે કપાસનું મુખ્ય બંદર બન્યું અને 1907થી 1914 સુધીમાં અહીં તેલ મળી આવ્યા પછી ઘણી તેલકંપનીઓ કાર્યરત બની, તેલ-રિફાઇનરીઓ નિર્માણ પામી. 1914માં ‘શિપ કૅનાલ’ પૂર્ણ થયા પછી તેનું મહત્ત્વ ઝડપથી વધતું ગયું. કુદરતી વાયુની પાઇપલાઇન નંખાયા પછીથી તો તે તેલ-ઉત્પાદક મથક બની ગયું. બીજા વિશ્વયુદ્ધમાં તેલની માગ વધી ગઈ અને તેથી તે ઝડપથી વિકાસ પામતું ગયું. 1940માં યુ.એસ.નાં શહેરોમાં વસ્તીના સંદર્ભમાં હ્યૂસ્ટન 21મા ક્રમે હતું, તે 1980 સુધીમાં પાંચમા ક્રમે આવી ગયું. 2000માં તેની વસ્તી આશરે 19,53,631 જેટલી હતી.
1964માં હ્યૂસ્ટન નજીક ક્લિયર લેક સિટીમાં કાયમી ધોરણે સ્પેસક્રાફ્ટ સેન્ટર સ્થાપવામાં આવેલું. 1969માં આ કેન્દ્ર ખાતેના વૈજ્ઞાનિકો અને ઇજનેરોએ અહીંથી જ ચંદ્ર પર યાન મોકલેલું. તે પછીથી 1973માં તેને ઉપર મુજબનું નામ અપાયું છે.
1970ના દશકામાં વસ્તીવૃદ્ધિ થવાથી તેમજ ઔદ્યોગિક વિકાસ થવાથી હવા અને પાણીનાં પ્રદૂષણ વધ્યાં છે. 1970–80 દરમિયાન હ્યૂસ્ટનમાં વાહનવ્યવહારની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ન હતી, તેથી 1979માં જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવેલી.
ડિસેમ્બર 1997માં હ્યૂસ્ટનના મેયર તરીકે સૌપ્રથમ વાર એક આફ્રિકન અમેરિકન લી બ્રાઉન ચૂંટાયા.
જૂન 2001માં હ્યૂસ્ટન અને આસપાસના પ્રદેશોમાં વિનાશક પૂરથી 23 લોકો મરણ પામ્યા; 3,000 રહેઠાણો નાશ પામ્યાં તથા 5 અબજ ડૉલરનું નુકસાન થયું. તેમાં, ત્યાં આવેલા ટેક્સાસ મેડિકલ સેન્ટરને પુષ્કળ નુકસાન થયું હતું.
હ્યૂસ્ટનમાં આવેલી વિશ્વની સૌથી મોટી ઊર્જા કંપની એનરોન કૉર્પોરેશનનો ઘણો મોટો ગોટાળો જાહેર થયો. તેના શહેરના આર્થિક જીવન પર પ્રભાવ પડ્યો. ડિસેમ્બર 2001માં એનરોનના 5,000થી વધારે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. તે પછી પણ મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા; તથા તેના કેટલાક ઉચ્ચ વહીવટી અધિકારીઓને સજા થઈ.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર શુક્લ