હ્યુમ, ડૅવિડ (જ. 26 એપ્રિલ 1711, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 25 ઑગસ્ટ 1776, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ) : સ્કૉટલૅન્ડમાં યુરોપીય જ્ઞાનપ્રકાશયુગ–પ્રબોધનયુગ(1700–1770)ના મુખ્ય પ્રવક્તા. હ્યુમ તત્વચિન્તક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. આધુનિક પાશ્ચાત્ય તત્વચિન્તનમાં લૉક અને બર્કલી સાથે હ્યુમનો સમાવેશ અનુભવવાદી (empiricist – અવલોકનવાદી – પ્રત્યક્ષવાદી) તત્વચિન્તકોના જૂથમાં કરવામાં આવે છે. લૉક અનુભવવાદી હતા. છતાં ઈશ્વર અંગેના જ્ઞાનનો તેઓ સ્વીકાર કરતા હતા. બર્કલી અનુભવવાદી હતા પણ તેઓ બાહ્ય પદાર્થોના (ભૌતિક દ્રવ્યનો) જ્ઞાતાનિરપેક્ષ અસ્તિત્વનો નિષેધ કરનારા idealist  ચૈતન્યવાદી – ચિન્તક હતા.

હ્યુમ ન તો બાહ્ય ભૌતિક દ્રવ્ય(matter)ના કે ન તો માનસિક દ્રવ્ય(mental substance)ના જ્ઞાનના દાવાનો સ્વીકાર કરે છે; અવલોકનથી જ જ્ઞાન મળે છે તેમ માનનારા હ્યુમ સંશયવાદી ચિન્તક (sceptic) હતા. તેમની દૃષ્ટિએ, કાર્યકારણસંબંધમાં અનિવાર્યતા અનુભવાતી નથી; સ્વત્વ (self) એક સ્થાયી તત્વ તરીકે તેની જુદી જુદી અવસ્થાઓથી અલગ રીતે ક્યારેય અનુભવી શકાય તેમ નથી; જ્ઞાનના સાધન તરીકે વ્યાપ્તિકરણ પોતે જ એક સમસ્યા છે અને ઈશ્વરની સાબિતીઓ નિષ્ફળ ગઈ છે. ન તો તર્કબુદ્ધિસ્થાપિત ઈશ્વરવિચાર કે ન તો દિવ્યવાણી –આધારિત ઈશ્વરવિચારને કોઈ પ્રકારનું સમર્થન મળી શકે છે. નૈતિકતાવિષયક વિધાનો પણ મૂલ્યાંકન કરનારની કર્તાનાં કાર્યો અંગેની સ્વીકૃતિ કે અસ્વીકૃતિની લાગણીઓ જ વ્યક્ત કરે છે. તર્કબુદ્ધિ(Reason)ની તેમાં કોઈ અનિવાર્ય ભૂમિકા જ નથી. હ્યુમના ઉગ્ર અવલોકનવાદ પ્રમાણે જ્ઞાનવિચાર હોય, નૈતિકતા અંગેનો વિચાર હોય કે પછી ધર્મ અંગેનો વિચાર હોય, કોઈ પણ ક્ષેત્રમાં અનુભવનિરપેક્ષ (a-priori) જ્ઞાન, કેવળ તર્કબુદ્ધિજન્ય જ્ઞાન, સ્થાપી શકાય તેમ જ નથી અને કેવળ અનુભવો ઉપર જ ધ્યાન આપો તો તમે અનુભવોના આન્તરિક આશ્રય રૂપે મન કે આત્માને સ્થાપી ન શકો અને તેના બાહ્ય આશ્રય રૂપે બાહ્ય જગતના ભૌતિક દ્રવ્યને સ્થાપી શકો નહિ. વ્યવહારમાં આપણા અનુભવોને એકીભૂત કરતું self, તેના બાહ્ય આધારરૂપ thing અને જ્ઞાનમાં કાર્યકારણસંબંધ તેમજ વ્યાપ્તિના વિચારો વગર ચાલે તેમ તો નથી, તેવું હ્યુમ સ્વીકારે છે; પણ અનુભવથી કે તર્કબુદ્ધિથી આમાંનો કોઈ વિચાર સ્થાપી શકાતો નથી. કેવળ શુદ્ધ તર્કબુદ્ધિથી નહિ પણ અવલોકનથી તો જરૂર નિશ્ચિત જ્ઞાન મળશે તેવી આશાથી શરૂ થયેલો અનુભવવાદ અંતિમ રૂપે સંશયવાદમાં પરિણમ્યો છે અને ચમત્કારોના અલૌકિકતાવાદનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કરનાર હ્યુમે તેમની કૃતિઓ જુદા જુદા વિષયો અંગેના નિબંધ રૂપે રચી છે.

ડૅવિડ હ્યુમ

હ્યુમ પ્રમાણે મનુષ્યવિષયક વિજ્ઞાન એ જ બીજાં બધાં વિજ્ઞાનોનો આધાર છે અને તેવાં વિજ્ઞાનની પદ્ધતિ છે –  અવલોકન.

હ્યુમની મુખ્ય કૃતિઓ :

– A Treatise of Human Nature (1739–1740)

– An Enquiry concerning Human Understanding (1748)

– An Enquiry concerning the Principles of Morals (1751)

સ્કૉટિશ જ્ઞાનપ્રકાશયુગના આ મુખ્ય ચિન્તક પ્રકૃતિવાદી, સંશયવાદી અને અનુભવવાદી હતા અને તેમનું મુખ્ય પ્રદાન જ્ઞાનવિચારમાં, તત્વવિચારમાં, મનવિષયક તત્વજ્ઞાનમાં અને ધર્મવિષયક તત્વજ્ઞાનમાં હતું.

વીસમી સદીના પૂર્વાર્ધમાં સ્થપાયેલા તાર્કિક પ્રત્યક્ષવાદ (logical positivisim) ઉપર હ્યુમના વિચારોનો ખૂબ વ્યાપક પ્રભાવ હતો. હ્યુમે ઓગણીસમી સદીમાં તત્વમીમાંસા(metaphysics)ની અશક્યતા દર્શાવી. તો વીસમી સદીના તેને અનુસરનારા તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ metaphysics તત્વમીમાંસાને અર્થવિહીન વાક્યવ્યાપાર તરીકે ઘટાવ્યું છે.

વિચારો અને અનુભવો : (જેમ્સ ફીશરના મતે) અવલોકનવાદી (empiricist) હ્યુમ પ્રમાણે આપણા તમામ જ્ઞાનનું મૂળ આપણા અસલી મૂળ-અનુભવો(impressions)માં રહેલું છે. આ અનુભવોમાં સંવેદનો અને અનુભૂતિઓનો સમાવેશ થાય છે. આપણા તમામ વિચારો (ideas) એ આ મૂળ અનુભવોની નકલ રૂપે કે પ્રતિકૃતિ રૂપે (copies) જ ઘટાવી શકાય છે. વિચારો અનુકૃતિઓ છે, જ્યારે સંવેદનો/અનુભૂતિઓ એ મૂળ અનુભવો છે. વિચારો ઓછા સજીવ (lively) છે, જ્યારે મૂળ અનુભવો અત્યન્ત સજીવ સચોટ છે. વૃક્ષનો મારો પ્રત્યક્ષાનુભવ (impression) એ વૃક્ષના મારા વિચાર કરતાં વધારે સજીવ છે, વધારે પ્રભાવક છે.

સ્મૃતિ અને કલ્પના એ માનસિક શક્તિઓ આપણા વિચારોના મૂળમાં છે. કલ્પિત પદાર્થોના વિચારોના મૂળમાં પણ અસલી સંવેદનાત્મક અનુભવો પ્રવર્તે છે. સોનાના પર્વતની કલ્પના સોનું અને પર્વત એ બે ઇન્દ્રિયગમ્ય પદાર્થોના અનુભવો વગર શક્ય નથી. કલ્પનાના મૂળમાં અનુભવો જ હોય છે.

આપણી કલ્પના ત્રણ પ્રકારનાં સાહચર્યો(associations)ને આધારે અનુભવમાંથી નવા વિચારોને સર્જે છે –  સમાનતા, સમીપતા અને કાર્યકારણસંબંધ. ચિત્ત અને તે જેનું ચિત્ત છે તે વ્યક્તિ વચ્ચે સાદૃશ્યગત સાહચર્ય છે.

હ્યુમની વિચારપદ્ધતિ મુજબ તત્વજ્ઞાનની કેટલીક મહત્વની સમસ્યાઓ વિશે વિચારતાં તમને જણાશે કે તેનો કોઈ ઉકેલ નથી અથવા તો તેમાં નિશ્ચિત જ્ઞાન શક્ય નથી. દા. ત., કાર્યકારણસંબંધ, સ્વતત્વ, વ્યાપ્તિકરણ વગેરે આવી સમસ્યાઓ પછી તમે એ વિશ્લેષણ કરો કે તમારા વિચારો આ સંદર્ભમાં કયા મૂળ અનુભવોમાંથી ઉદભવ્યા છે. જો તમે જે તાત્વિક વિચારો રજૂ કરો છો તેને અંગે તેને લગતા મૂળ અનુભવને શોધી ન શકો તો તમે તેને અંગે જુદો જ ખુલાસો આપી શકો છો. દા. ત., આપણા અનુભવોથી અલગ તેના આશ્રયરૂપ સ્વત્વ(self)નો મૂળ અનુભવ આપણને થતો નથી; તેથી, સ્વત્વના આપણા વિચારનો બીજો કોઈ ખુલાસો આપવો પડે તેવી જ રીતે, કાર્યકારણસંબંધમાં આપણને અનિવાર્યતા(necessity)નો કોઈ મૂળ અનુભવ (impression) નથી થતો તે જોતાં બનાવોનો નિયમિત સંબંધ, રૂઢિ, ટેવ, અપેક્ષા વગેરેને આધારે આપણે આપણા આ વિચારનો ખુલાસો કરી શકીએ. આપણાં સંવેદનોથી અલગ કોઈ બાહ્ય પદાર્થના આપણા ખ્યાલમાં પણ, તેને અનુરૂપ મૂળ અનુભવ શોધી શકાશે નહિ. આ રીતે હ્યુમ metaphysicsના બધા ખ્યાલો અસમર્થિત ગણે છે. (ઇન્ટરનેટ એનસાઇક્લોપીડિયા ઑવ્ ફિલૉસૉફી)

કાર્યકારણ સંબંધ : હ્યુમની દૃષ્ટિએ

હ્યુમે બનાવો વચ્ચેના કાર્યકારણસંબંધ વિશે નિયમિતતાવાદી સિદ્ધાન્ત (regularity theory) રજૂ કર્યો છે. આપણે ઘટના A અને ઘટના B ને વારંવાર સંયોજિત રીતે અનુભવતા હોઈએ છીએ. આપણે ઘટના A બને પછી ઘટના B એવો કાળક્રમ અનુભવીએ છીએ અને વારંવાર તેવા અનુભવો થયા જ કરે છે. તેથી, ઘટના A બને ત્યારે આપણા મનમાં ઘટના B બનશે તેવી અપેક્ષા ઉદભવે છે. એટલે કે અવલોકનો ઉપર આધારિત અપેક્ષા ટેવ કે રૂઢિ એ કાર્યકારણ અંગેની અનિવાર્યતાના આપણા અનુભવનું મૂળ છે. કારણમાં કોઈ force, power કે energy કે કોઈ necessityને સીધી રીતે આપણે અનુભવતા જ નથી. કાર્યકારણસંબંધમાં જે અનિવાર્યતા દેખાય છે તે ન તો અવલોકનોથી કે ન તો તર્કબુદ્ધિથી સ્થપાયેલી હોય છે. હ્યુમ કાર્યકારણસંબંધોને contingent  પરાયત્ત  માને છે. તેમાં કોઈ તાર્કિક અનિવાર્યતા હોતી નથી. દરેક ઘટનાને કારણ છે તેવું આપણે જરૂર માનીએ છીએ. હ્યુમ કાર્યકારણસંબંધોની અનિવાર્યતાલક્ષી સમજૂતીનો અસ્વીકાર કરે છે. કાર્યકારણસંબંધનો વિચાર શુદ્ધ તર્કથી અસમર્થિત છે.

હ્યુમે રજૂ કરેલો વ્યાપ્તિનો પ્રશ્ન : ‘કેટલાક હંસ સફેદ છે’ તેના ઉપરથી ‘બધા હંસ સફેદ છે’ તેવું વ્યાપ્તિલક્ષી અનુમાન (induction) હ્યુમ મુજબ ન તો તર્કબુદ્ધિ(reason)થી કે ન તો અવલોકનોથી (empirically) નિશ્ચિતતાથી સ્થાપી શકાય છે. અમુક વર્ગનાં કેટલાંક દૃષ્ટાંતોનાં અવલોકનોને આધારે તે જ વર્ગનાં તમામ દૃષ્ટાંતોને લાગુ પડતા ગુણધર્મો વિશે સર્વદેશીય વિધાન કેવી રીતે નિશ્ચિતતાથી સ્થાપી શકાય તે પ્રશ્નને વ્યાપ્તિની સમસ્યા (problem of induction) તરીકે સમકાલીન તત્વજ્ઞાનમાં સમજવામાં આવે છે. આ પ્રશ્નનું મૂળ હ્યુમની તે અંગેની વિચારણામાં છે. નિગમનલક્ષી (deductive) અનુમાનમાં આ પ્રશ્ન નથી. કારણ કે ત્યાં આધારવિધાનમાંથી જ તાર્કિક રીતે ફલિતવિધાન ફલિત થતું હોય છે. તેમાં આધારવિધાન કરતા કશું જ વધારે કહેવામાં આવતું નથી; જ્યારે વ્યાપ્તિલક્ષી અનુમાનમાં ફલિતવિધાન આધારવિધાનમાંથી તાર્કિક અનિવાર્યતા(logical necessity)થી ફલિત થતું નથી. તેમાં આધારવિધાન કરતાં ઘણું વધારે કહેવાયું હોય છે અને તેમાં આધારવિધાન સત્ય હોય તોપણ ફલિતવિધાન અસત્ય હોઈ શકે છે.

વ્યાપ્તિ અનુમાનોનું પ્રામાણ્ય દર્શાવવા માટે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કે કાર્યકારણનો નિયમ આગળ કરવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે ‘ભવિષ્ય ભૂતકાળ જેવું હશે’ અને ‘સરખાં કારણોનાં સરખાં પરિણામો હશે’ એવાં વિધાનો પોતે જ વ્યાપ્તિલક્ષી અનુમાનોથી સ્થાપવાં પડે તેમ છે. વ્યાપ્તિલક્ષી અનુમાનોના તમે જે આધારો દર્શાવશો તે બધા આધારોને તમારે વ્યાપ્તિલક્ષી અનુમાનનાં પરિણામો તરીકે પણ માનવાં પડે તેવી આપત્તિ આવે છે.

હ્યુમ કહે છે કે આપણે આવાં અનુમાનોને વ્યવહારમાં રૂઢિથી કે ટેવથી સ્વીકારી લેતા હોઈએ છીએ તે જુદી વાત છે.

હ્યુમે રજૂ કરેલી સમસ્યાના ઘણા ઉકેલો રજૂ થયા છે. વીસમી સદીના વિજ્ઞાનલક્ષી તત્ત્વચિન્તક કાર્લ પોપરે જોકે સ્વીકારી લીધું કે વ્યાપ્તિની સમસ્યાનું કોઈ સમાધાન નથી અને વૈજ્ઞાનિક પદ્ધતિમાં વ્યાપ્તિનું કોઈ સ્થાન જ નથી. ખરેખર તો ધારણાઓ રજૂ થાય અને નિગમનાત્મક તર્કથી તેમાંથી ફલિતવિધાનો તારવવામાં આવે અને અવલોકનોથી તેની ચકાસણી થાય એ જ સાચી વૈજ્ઞાનિક પદ્ધતિ છે તેવું પોપર માને છે. વ્યાપ્તિવાદ પોપરને માન્ય નથી.

સ્વત્વ વિશે હ્યુમ (Hume on Self) : હ્યુમ સ્વત્વ કે આત્મા નામના કોઈ નિત્ય સ્થાયી દ્રવ્ય(substance)નો સ્વીકાર કરતા નથી. આપણે જ્યારે આપણી પોતાની સભાનતાનું અવલોકન કરીએ ત્યારે આપણને કોઈ ને કોઈ અવસ્થા(state)નો જ અનુભવ થતો હોય છે  જેમ કે રંગનો કે સ્વાદનો કે સ્પર્શનો અનુભવ થતો હોય કે પછી સ્મૃતિનો કે કલ્પનાનો કે વિચારનો અનુભવ થતો હોય. આવા અનુભવવિશેષોથી ઇતર અને તેના આશ્રયરૂપ કોઈ સ્વત્વ કે selfનો હ્યુમની દૃષ્ટિએ આપણને કોઈ મૂળ અનુભવ થતો જ નથી. તેને માટેનો કોઈ મૂળપ્રત્યક્ષ (impression) હોતો જ નથી. આપણે જેને ‘સેલ્ફ’ કહીએ છીએ તે વિવિધ અનુભવોનું પોટલું (bundle) જ છે. અનુભવો સતત પરિવર્તનશીલ અવસ્થાઓ હોય છે. તેની વચ્ચે કેટલાંક સાહચર્યો (associations) સ્થપાતાં જાય છે અને તેને લીધે વ્યક્તિગત એકરૂપતા(personal identity)નો આપણને અનુભવ થાય છે. પ્રત્યક્ષાનુભવોની શ્રેણીને આપણે સ્થિર એકત્વયુક્ત આશ્રય તરીકે માની લઈએ છીએ.

નૈતિકતા વિશે હ્યુમનો મત : નૈતિકતાના વિચારમાં utility – ઉપયોગિતા – શબ્દ પ્રથમ વાર હ્યુમે પ્રયોજ્યો અને પાછળથી મિલ બેન્થામ વગેરે ચિન્તકોએ ઉપયોગિતાવાદી નૈતિક વિચાર રજૂ કર્યો.

આત્માની અમરતા સાથે કે ઈશ્વરની આજ્ઞાઓ સાથે કે પવિત્ર ગ્રંથોના ઉપદેશો સાથે જોડ્યા વગર જ હ્યુમે સ્વતંત્ર રીતે નૈતિકતા વિશેના વિચારો રજૂ કર્યા છે.

– આપણાં તમામ મુખ્ય નૈતિક મૂલ્યોને તર્કબુદ્ધિથી કે અનુભવનિરપેક્ષ ચિન્તનથી સ્થાપવામાં આવ્યાં હોતાં નથી. નૈતિક મૂલ્યો પરંપરા કે રૂઢિઓ પર આધારિત છે.

– કાર્યનો કર્તા, તેના કાર્યથી પ્રભાવિત વ્યક્તિ અને કર્તાના કાર્યનાં પરિણામોનું મૂલ્યાંકન કરનાર સાક્ષી, એ ત્રણ બાબતોને હ્યુમ નૈતિકતાના વિચારમાં સાંકળી લે છે. જો કર્તાના કાર્યથી પ્રભાવિત વ્યક્તિને સંતોષ કે સુખ થાય તો કર્તાના કાર્યનું મૂલ્યાંકન કરનાર સાક્ષી પણ તે કાર્યને અનુમોદન  approval  આપે છે. જો કર્તાનાં કાર્યોથી પ્રભાવિત વ્યક્તિને નુકસાન કરે તો તેના સાક્ષીને પણ કર્તાનાં કાર્યો વિશે અસંતોષની કે પ્રતિકૂળતાની લાગણી થાય છે.

– નૈતિક મૂલ્યાંકનો કાર્યની સ્વીકૃતિ કે અસ્વીકૃતિના ભાવ કે લાગણીઓને વ્યક્ત કરે છે. નૈતિક નિર્ણયો/વિધાનો મુખ્યત્વે લાગણીઓની અભિવ્યક્તિઓ છે.

– હ્યુમ મુજબ તથ્યનિરૂપક(factual)માંથી કર્તવ્યલક્ષી વિધાનો તારવી શકાય નહિ (James Fieser : Internet Encyclopedia of Philosophy 2006).

ધર્મ વિશે હ્યુમનો દૃષ્ટિકોણ : હ્યુમ ધર્મવિષયક કે ઈશ્વરવિષયક તમામ વિચારતંત્રોને અસમર્થિત માને છે. ધર્મવિચાર કે ઈશ્વરવિચાર હ્યુમ મુજબ ન તો અવલોકનોથી કે ન તો તર્કબુદ્ધિથી સ્થાપી શકાય તેમ છે. હ્યુમ આ અંગે સંશયવાદી છે. તેઓ ચમત્કારોનો સ્વીકાર કરતા નથી. વિચારના, સંવેદનના કે અનુભૂતિના એક પણ સ્તરે આપણે ઈશ્વર વિશે કશું જાણી શકતા જ નથી. ઈશ્વરનાં ગુણધર્મો અને લક્ષણો વિશે નિરાંતે વિસ્તારથી વાત કરનારા લોકો વિશે હ્યુમને આશ્ચર્ય જ થાય તેવું છે. ઈશ્વરનો આપણો વિચાર (idea) કોઈ અસલી મૂળ અનુભવ(impression)માંથી ઉદભવ્યો જ નથી. ઈશ્વરની તર્કબુદ્ધિથી રજૂ કરવામાં આવેલી સાબિતીઓ હ્યુમ પ્રમાણે કશું સ્થાપી શકે તેમ નથી. મનુષ્યોએ સર્જેલી વસ્તુઓ(ટેબલ)નો કર્તા મનુષ્ય છે, માટે સર્જિત સૃષ્ટિનો કર્તા ઈશ્વર છે તેવું હ્યુમ મુજબ ફલિત થતું નથી. જગતમાં અનિષ્ટો પ્રવર્તે છે તે જોતાં સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વરમાં માનવામાં અનેક આપત્તિઓ છે.

હ્યુમ પ્રાકૃતિક ધર્મ, તર્કસ્થાપિત ઈશ્વરવિચાર કે પવિત્ર ગ્રંથ આધારિત ઈશ્વરવિચારને સ્વીકારતા નથી.

વંશશ્રેષ્ઠતાવાદ (Racism)

હ્યુમનો મત : એરિક મોરટને ‘જર્નલ ઑવ્ આફ્રિકન ફિલૉસૉફી’-(2002)માં એક લેખમાં હ્યુમના શ્વેત વંશ પ્રત્યેના પક્ષપાતી વલણને અને હબસીઓ પ્રત્યેનાં તેમનાં પૂર્વગ્રહયુક્ત વલણોને અંગે કેટલીક રજૂઆતો કરી છે.

યુરોપીય પ્રબોધનયુગના સ્કૉટલૅન્ડના મુખ્ય પ્રવક્તા હ્યુમ હતા અને જર્મનીના મુખ્ય પ્રવક્તા કાન્ટ હતા. બંનેએ મનુષ્યના સર્વદેશીય સ્વરૂપ(universal human nature)નો વિચાર આગળ કર્યો હતો. તેનો અર્થ એ થયો કે રંગભેદ, વંશભેદ, પ્રદેશભેદ, સ્ત્રીપુરુષભેદ વગેરે બાબતો માનવીનું સ્વરૂપ કે સત્વ (essence) નિર્ધારિત કરવા માટે બિલકુલ મહત્વની નથી. સ્વાભાવિક રીતે મનુષ્યનું સર્વદેશીય સ્વરૂપ નક્કી કરવામાં રંગભેદ કે વંશભેદને મહત્વનું સ્થાન ન જ મળે.

Inquiry નામના ગ્રંથમાં હ્યુમે આ વાત સ્વીકારી. જોકે, 1753ના એક નિબંધની પાદટીપ(foot-note)માં, તેમણે એવો દાવો કર્યો છે કે નિગ્રો ગોરા લોકો કરતાં ઊતરતી કક્ષાના (inferior) લોકો છે. તેમનામાં વિજ્ઞાન, સંસ્કૃતિ, કલા વગેરે જેવું કશું નથી અને તેવું કશું શક્ય પણ નહિ બને. civilization હબસીઓ માટે શક્ય જ નથી. હ્યુમ મુજબ સુસંગત રીતે સર્વત્ર જોવા મળતા વંશો વચ્ચેના આવા મૂળભૂત કાયમી તફાવતો છે તે કુદરતી જ છે. વંશોની માનસિક ક્ષમતાઓ જ મૂળભૂત રીતે જુદી પડે છે.

જર્મન ચિન્તક કાન્ટે (1724–1804) હ્યુમના વિચારો વિસ્તૃત રીતે રજૂ કરીને કહ્યું કે માનવજાત તેની વધુ ને વધુ પૂર્ણતા તો શ્વેતવંશના લોકોમાં જ મૂર્ત કરે છે. (Philosophical Misadventures. htm)

19મી સદીના જર્મન તત્વચિન્તક હેગલે તો એમ જ કહ્યું કે આફ્રિકા વિશ્વના ઇતિહાસની બહાર જ છે. ત્યાં ન તો ધર્મ છે, ન તો કાનૂન છે કે ન તો કોઈ રાજકીય સામાજિક વ્યવસ્થા છે. આફ્રિકાના સંદર્ભમાં હેગલે barbarism અને savagery જેવા શબ્દો પ્રયોજ્યા છે.

અલબત્ત, વીસમી સદીના મહત્વના પાશ્ચાત્ય ચિન્તકોમાં આ જાતનો યુરોપકેન્દ્રિતતાવાદ કે વંશશ્રેષ્ઠતાવાદ જોવા મળતો નથી. યુરોપમાં તેમજ સમગ્ર પાશ્ચાત્ય તત્વચિન્તનમાં હવે કોઈ પણ પ્રકારના તફાવતોને અસમાનતાઓમાં કે ઉચ્ચાવચતાક્રમમાં ફેરવી નાખવાના પ્રયત્નો માન્ય થતા નથી. રંગભેદનીતિનો સર્વત્ર હવે વિરોધ થતો રહ્યો છે. મુદ્દો એટલો જ છે કે સર્વદેશીય માનવ-સ્વરૂપ(human nature)ની નિષ્પક્ષ વિચારણા કરતા પ્રબોધનયુગના યુરોપીય ચિન્તકો(લૉક, હ્યુમ, કાન્ટ, હેગેલ)માં પણ તે સમયે આ જાતના વંશભેદ ઉપર આધારિત વંશશ્રેષ્ઠતાના દાવાઓ રજૂ થયા હતા. વિચારોના ઇતિહાસનાં નિરૂપણોમાં આ જાતના તેમના દૃષ્ટિકોણનો ઉલ્લેખ તો થવો જ જોઈએ, પછી ભલે અત્યારના યુરોપીય ચિન્તકો વંશશ્રેષ્ઠતાવાદી કે યુરોપકેન્દ્રિત ન હોય. [On the teaching of western philosophy in African Universities : htm (વેબસાઇટ)]

મધુસૂદન બક્ષી