હ્યુમ એલન ઑક્ટેવિયન

February, 2009

હ્યુમ, એલન ઑક્ટેવિયન (જ. 6 જૂન 1829, મોન્ટરોઝ, ફોરફારશાયર, સ્કૉટલૅન્ડ; અ. 31 જુલાઈ 1912, લંડન, ઇંગ્લૅન્ડ) : ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સ્થાપક – તેના પિતા. એલન હ્યુમના પિતા જૉસેફ હ્યુમ નીડર દેશભક્ત અને સુધારક હતા. કેટલોક સમય તેઓ ઇન્ડિયન સર્વિસમાં હતા. તે પછી તેઓ આમની સભાના ઉદ્દામવાદી સભ્ય બન્યા. એલનને પોતાના પિતા પાસેથી વારસામાં રાજકારણ માટેનો ઝોક, સમાજસુધારાની સમસ્યાઓ પ્રત્યે ઉદાર વલણ અને ન્યાયી કામને ટેકો આપવામાં નિર્ભયતાના ગુણ મળ્યા હતા. એલને યુનિવર્સિટી કૉલેજ હૉસ્પિટલમાં મેડિસિન અને સર્જરીનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પક્ષીવિદ્યા તથા વનસ્પતિશાસ્ત્રમાં રસ દાખવ્યો હતો.

ઈ. સ. 1849માં એલન ભારત આવ્યા અને બંગાળ સિવિલ સર્વિસમાં જિલ્લા અધિકારી તરીકે ઈ. સ. 1849થી 1867 સુધી સેવા આપી. ઈ. સ. 1856માં એલને ઇટાવામાં મફત શાળાઓની યોજના શરૂ કરી. ઈ. સ. 1857 સુધીમાં તે જિલ્લામાં 181 શાળાઓ શરૂ કરવામાં આવી. તેમાં 5,186 વિદ્યાર્થીઓ ભણતા હતા. 1863માં સગીર અપરાધીઓને જેલમાં મોકલવાને બદલે તેમના માટે અલગ શાળાઓ શરૂ કરવાનો તેમણે આગ્રહ સેવ્યો. તેમના સતત પ્રયાસોને લીધે ઇટાવા પાસે જુવેનાઇલ રિફૉર્મેટરી સ્થાપવામાં આવી. સામાજિક સુધારા વિશે તેમના વિચારો પ્રગતિશીલ હતા. તેમણે મહિલાઓના શિક્ષણની હિમાયત કરી હતી, દૂધપીતીનો રિવાજ તથા ફરજિયાત વૈધવ્ય પાળવાનો વિરોધ કર્યો હતો. તેઓ ખેતી, મહેસૂલ અને વેપાર ખાતાના સચિવ હતા ત્યારે તેમણે ‘એગ્રિકલ્ચરલ રિફૉર્મ્સ ઇન ઇન્ડિયા’ શીર્ષક હેઠળ ઉત્તમ ગ્રંથ લખ્યો હતો. તેમાં તેમણે ઉપયોગી સૂચનો કર્યાં હતાં; પરંતુ તેમનો અમલ થયો નહોતો.

એલન ઑક્ટેવિયન હ્યુમ

ઇન્ડિયન સિવિલ સર્વિસમાં હોવા છતાં, સરકાર ખોટી હોય તો તેની ટીકા કરતાં હ્યુમ કદી અચકાતા નહિ. હ્યુમની સ્પષ્ટ ટીકાઓને કારણે સરકારે તેમને ઇન્ડિયન સિવિલ સર્વિસમાંથી દૂર કર્યા. 1 માર્ચ, 1883ના રોજ તેમણે કૉલકાતા યુનિવર્સિટીના સ્નાતકોને એક પરિપત્ર પાઠવીને તેમનો અંગત આરામ છોડીને, તેમને તેમના દેશ તથા ખાસ તો તેના સ્વાતંત્ર્ય વાસ્તે સંઘર્ષ કરવા જણાવ્યું હતું. તેઓ અખિલ ભારતીય સંગઠન – કૉંગ્રેસ સ્થાપવા માગતા હતા; જેમાં દેશની પ્રગતિને લગતી રાજકીય ચર્ચાઓ થાય. તેમણે તે માટે લૉર્ડ ડફરિન સાથે અગાઉથી ચર્ચા કરી. મુંબઈમાં ડિસેમ્બર 1885માં દેશના વિવિધ પ્રાંતોમાંથી પ્રતિનિધિઓ નિમંત્રીને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના કરી. પ્રથમ અધિવેશનના પ્રમુખ વ્યોમેશચન્દ્ર બેનરજી હતા. કૉંગ્રેસનું બીજું અધિવેશન કૉલકાતામાં મળ્યું. તેમાં હ્યુમના પ્રભાવથી કૂચબિહાર અને દરભંગાના મહારાજા તથા હથવા અને ડુમરાવના રાજાઓએ નોંધપાત્ર દાન આપ્યાં હતાં.

1887માં હ્યુમ અને કૉંગ્રેસના નેતાઓએ તમિળ ભાષામાં વીર રાઘવ ચારિયાની લખેલ એક પ્રશ્નોત્તરી લોકોના સંપર્ક વાસ્તે વહેંચી. તેનાથી બ્રિટિશ અધિકારીઓને કૉંગ્રેસ માટે જે થોડીઘણી સહાનુભૂતિ હતી, તે પણ દૂર થઈ; પરંતુ તે પ્રશ્નોત્તરીના પરિણામે સામાન્ય લોકો 1887માં ચેન્નાઈમાં મળેલ કૉંગ્રેસની બેઠકમાં વધુ સંખ્યામાં હાજર રહ્યા. 1888માં ઇલાહાબાદમાં કૉંગ્રેસની ચોથી બેઠક મળી. તેમાં ડેલિગેટોની સંખ્યા 607થી વધીને 1248ની થઈ. એટલે તેની સ્થાપનાથી ટૂંકા ગાળામાં તેને લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા બનાવવાનું હ્યુમનું સ્વપ્ન સિદ્ધ થયું. હ્યુમને આટલાથી સંતોષ થયો નહિ. ઇંગ્લૅન્ડના લોકો કૉંગ્રેસ વિશે જાણે, બ્રિટિશ પાર્લમેન્ટ ભારતના લોકોની લાગણી અને માગણીની નોંધ લે એવી ઇચ્છાથી હ્યુમ ઇંગ્લૅન્ડ ગયા અને મિત્રો સાથે મંત્રણાઓ કરી. તેઓ જૉન બ્રાઇટ, લૉર્ડ રિપન અને આર. ટી. રીડ જેવા નામાંકિત લોકોને મળ્યા. આ ઉપરાંત તેમણે ભારતના સમાચાર ઇંગ્લૅન્ડમાં પ્રગટ થાય તે વાસ્તે ‘માંચેસ્ટર ગાર્ડિયન’, ‘માંચેસ્ટર એક્ઝામિનર’, ‘લીડ્ઝ મર્ક્યુરી’ વગેરે વર્તમાનપત્રો સાથે ગોઠવણ કરી. 1887માં દાદાભાઈ નવરોજી ઇંગ્લૅન્ડમાં કૉંગ્રેસના એજન્ટ તરીકે કામ કરવા કબૂલ થયા. બીજે વર્ષે વ્યોમેશચંદ્ર બેનરજી તે કાર્યમાં જોડાયા. વિલિયમ વેડરબર્ન અને વિલિયમ દિગ્બી(‘મદ્રાસ ટાઇમ્સ’ના પૂર્વ તંત્રી)એ લંડનમાં કૉંગ્રેસનો પ્રચાર શરૂ કર્યો. તેમાં હ્યુમ અને દાદાભાઈ નવરોજી માર્ગદર્શન આપતા હતા. ગોપાળ કૃષ્ણ ગોખલેએ હ્યુમના કાર્યને અંજલિ આપતાં કહ્યું, ‘ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસે તેની સ્થાપનાથી સાત વર્ષ દરમિયાન જે કર્યું છે તે મુખ્યત્વે મિ. હ્યુમનું કાર્ય છે.’ હ્યુમ 1893 સુધી તેના સેક્રેટરી રહ્યા. તેમણે 1894માં ભારત છોડ્યું. તે પછી પણ તેઓ દર વર્ષે સેક્રેટરી તરીકે ચૂંટાતા હતા. 1906માં 77 વર્ષની વયે તે હોદ્દાનું તેમણે રાજીનામું આપ્યું. હ્યુમનો કૉંગ્રેસના શરૂઆતનાં વર્ષોમાં એટલો પ્રભાવ હતો કે તેઓ પ્રમુખ બની શક્યા હોત; પરંતુ તેમણે ગૌણ સ્થાને રહેવાનું પસંદ કર્યું હતું. તેમના જીવનનાં છેલ્લાં 18 વર્ષ ઇંગ્લૅન્ડમાં રહીને તેમણે કૉંગ્રેસનું કામ કર્યું.

ભારત અને ભારતીયો  જેમને માટે તેમણે કામ કર્યું, તેઓ તેમની મહાનતા જાણતા હતા અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 28 ઑગસ્ટ 1912ના રોજ કૉલકાતાના ટાઉનહૉલમાં મળેલ તેમની શોકસભામાં રાસબિહારી ઘોષે કહ્યું કે, કૉંગ્રેસની સ્થાપનામાં તેમણે સૌથી વધુ હિંમત દર્શાવી હતી. ડિસેમ્બર 1912માં બંકીપુરમાં મળેલ કૉંગ્રેસની બેઠકે નોંધ લીધી કે ‘એલન ઑક્ટેવિયન હ્યુમ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સ્થાપક અને પિતા હતા. બંધારણીય સુધારાની રક્તવિહીન લડાઈઓ કેવી રીતે લડવી તે તેમણે આપણને શીખવ્યું. આપણે, આપણાં સંતાનો તથા તેમનાં સંતાનો એલન ઑક્ટેવિયન હ્યુમનું નામ આવનારી પેઢીઓ દ્વારા કૃતજ્ઞતા અને પૂજ્યભાવ દર્શાવીને યાદ રાખીશું.’

જયકુમાર ર. શુક્લ