હ્યુબેલ ડૅવિડ (Hubel David H.)

February, 2009

હ્યુબેલ, ડૅવિડ (Hubel, David H.) (જ. 27 ફેબ્રુઆરી 1926, વિન્ડસર, ઑન્ટેરિયો, કૅનેડા) : સન 1981ના રૉજર સ્પેરી અને ટૉર્સ્ટન વિસેલ સાથેના નોબેલ પુરસ્કારવિજેતા. તેમને આ સન્માન મોટા મગજની વિશિષ્ટ ક્રિયાશીલતા અંગેના સંશોધન માટે પ્રાપ્ત થયું હતું. અમેરિકામાં તેમના દાદા એક બાળક તરીકે પ્રવેશ્યા હતા. તેમના પિતા રાસાયણિક ઇજનેર હતા.

ડેવિડ હ્યુબેલ

 તેઓ કૅનેડા જઈને વસ્યા. 6થી 18 વર્ષની વય સુધી તેમણે સ્ટ્રેથકોના એકૅડેમીમાં અભ્યાસ કર્યો. સન 1947માં તેઓ ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે સ્નાતક થયા. તે વર્ષે તેઓ મેકગિલની મેડિકલ સ્કૂલમાં જોડાયા. તેમને ચેતાતંત્રમાં વિશેષ રસ પડ્યો. તેમને નિદાન અને ચિકિત્સામાં પણ રસ પડ્યો. 29 વર્ષની ઉંમરે તેઓ વૉલ્ટર રિડ આર્મી ઇન્સ્ટિટ્યૂટમાં ચેતા-મનશ્ચિકિત્સા (neuropsychiatry) વિભાગમાં સંશોધક તરીકે જોડાયા. તેમણે ઊંઘતી અને જાગતી બિલાડીઓના મગજના બાહ્યક(cortex)માંના ચેતાકોષોના ઉત્તેજન પર અભ્યાસ કર્યો. સન 1958માં તેઓ જ્હૉન હૉપકિન્સ હૉસ્પિટલમાં અને ત્યારબાદ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં જોડાયા, જ્યાં નવા ચેતાજીવવિજ્ઞાનના વિભાગની સ્થાપના થઈ હતી. ત્યારપછીનું બધું સંશોધનકાર્ય ત્યાં થતું રહ્યું. તેમને સંગીત અને નક્ષત્રદર્શનમાં પણ ઘણો રસ હતો.

શિલીન નં. શુક્લ