હ્યુબર રૉબર્ટ (Huber Robert)

February, 2009

હ્યુબર, રૉબર્ટ (Huber, Robert) (જ. 20 ફેબ્રુઆરી 1937, મ્યુનિક, જર્મની) : જર્મન રસાયણવિદ અને 1988ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1960માં ટૅકનિકલ હાઈસ્કૂલમાંથી ડિપ્લોમા મેળવ્યા બાદ 1963માં તેઓએ સ્ફટિકવિજ્ઞાન(crystallo-graphy)નો અભ્યાસ શરૂ કર્યો અને મ્યુનિક ટૅકનિકલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

1972માં હ્યુબર જર્મનીમાં માર્ટિનસ્રાઇડ ખાતે મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયોકેમિસ્ટ્રીના અધ્યાપકગણમાં જોડાયા. અહીં જ તેઓએ ડીસેનહોફર અને માઇકલ સાથે ઇનામવિજેતા (prize winning) સંશોધન શરૂ કર્યું. તેઓ મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ અને મ્યુનિક ટૅકનિકલ યુનિવર્સિટીમાં વારાફરતી (alternately) સંશોધનકાર્ય કરતા રહ્યા હતા.

પ્રોટીન જેવા જટિલ અણુઓની પારમાણ્વિક સંરચના નક્કી કરવામાં ક્ષ-કિરણોના ઉપયોગ માટે હ્યુબર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા હતા.

રૉબર્ટ હ્યુબર

એક વખત પ્રોટીન શુદ્ધ સ્વરૂપમાં મેળવાય તે પછી સ્ફટિકમાંના પરમાણુઓ ક્ષ-કિરણોના પુંજનું કેવી રીતે વિવર્તન (diffraction) કરે છે તે તપાસીને પ્રોટીનની સંરચના નક્કી થઈ શકે છે. હ્યુબર અને તેમના સહસંશોધકોએ કેટલાક જીવાણુઓના પ્રકાશસંશ્લેષણ (photosynthesis) માટે જરૂરી એવાં પ્રક્રિયાકેન્દ્રો કહેવાતા પ્રોટીનસંકીર્ણની સંરચના નક્કી કરવા આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ પ્રક્રિયાકેન્દ્રો એ જીવવિજ્ઞાનમાં ઘણી મહત્વની પ્રોટીન સંરચનાઓ પૈકીનાં એક છે. કેન્દ્રમાંનાં વિવિધ પ્રોટીનોનાં સંકીર્ણો એ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના હાર્દરૂપ છે. 1985 સુધીમાં તો ત્રણે વૈજ્ઞાનિકોએ પ્રોટીનની સંપૂર્ણ સંરચના ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જોકે વનસ્પતિમાં જોવા મળતી પ્રકાશરાસાયણિક પ્રક્રિયા કરતાં જીવાણુઓમાંની પ્રક્રિયા સરળ હોય છે; પરંતુ આ વૈજ્ઞાનિકોના સંશોધનને પ્રતાપે પ્રકાશસંશ્લેષણની પ્રવિધિ અંગેની સમજમાં મહત્વનો વધારો થયો અને કોષપટલો (cell membranes) સાથે બંધાયેલા પ્રોટીન અણુનું ત્રિપરિમાણી ચિત્ર સ્પષ્ટ થયું. આ ક્ષેત્રમાંના સંશોધને સૂર્યપ્રકાશને સહજપ્રાપ્ય ઊર્જા(ખાંડ, સ્ટાર્ચ વગેરે)માં ફેરવતા કુદરતના પ્રક્રમો અંગે મૂળભૂત સમજ પૂરી પાડી છે.

પ્રોટીન જેવા વિરાટ અણુઓના ક્ષ-કિરણ વિશ્લેષણમાં મહત્વના યોગદાન બદલ હ્યુબરને રિચાર્ડ કુહન ચંદ્રક આપવામાં આવ્યો હતો.

હ્યુબર, તેમના વિદ્યાર્થી ડીસેનહોવર અને સહકાર્યકર માઇકલ હર્ટમુટને પ્રકાશસંશ્લેષણના હાર્દરૂપ પ્રોટીનસંકીર્ણની પારમાણ્વિક સંરચના નક્કી કરવા બદલ 1988ના વર્ષનું રસાયણવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્ર. બે. પટેલ