હોશિયારપુર : પંજાબ રાજ્યના ઈશાન ભાગમાં હિમાચલ પ્રદેશની સીમા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 32´ ઉ. અ. અને 75° 54´ પૂ. રે.ની આજુબાજુનો 3,403 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર લંબગોળ છે અને પૂર્વમાં સતલજ નદીથી ઉત્તરમાં બિયાસ નદી સુધી વિસ્તરેલો છે. ઉત્તર તરફ કાંગડા અને ઉના (હિ. પ્ર.), પૂર્વ તરફ રૂપનારાયણ, દક્ષિણ તરફ કપૂરથલા, જલંધર અને નવાશહર, તથા પશ્ચિમ તરફ ગુરુદાસપુર જિલ્લો આવેલો છે. આ જિલ્લાનું નામ જિલ્લાની મધ્યમાં આવેલા જિલ્લામથક હોશિયારપુર પરથી પડેલું છે.
પાંડવ ગુફાઓ, પંચમઢી
હોશિયારપુર જિલ્લાનો નકશો
ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપષ્ઠ ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે : (i) કતાર ધાર અને ચિંતપૂર્ણી હારમાળા વચ્ચેનો ખીણપ્રદેશ; (ii) શિવાલિકના પશ્ચિમ ઢોળાવો અને (iii) કાંપનાં મેદાનો. પૂર્વ તરફ શિવાલિક હારમાળાની કતાર ધાર અને સોલાસિંગી (સોળ શિંગડાંવાળી) ટેકરીઓ સળંગ ચાલી જાય છે, ભૂસ્તરીય દૃષ્ટિએ તે બાહ્ય હિમાલયની ટર્શિયરી રચનાના ખડકોથી બનેલી છે. અહીં શિવાલિક હારમાળાની પહોળાઈ 16 કિમી. જેટલી છે અને ઊંચાઈ 600 મીટરથી વધુ છે. આ પહાડી ભાગો જળવિભાજક રચે છે. બિયાસ નદીમાં નાના ટાપુઓ (બેટ) રચાયેલા છે.
જળપરિવાહ : જિલ્લાની ઉત્તર સરહદે બિયાસ અને દક્ષિણ સરહદે સતલજ નદી વહે છે. આ ઉપરાંત કપૂરથલા જિલ્લામાંથી કાલી બીન નદી તથા ઉત્તર તરફ જિલ્લા સરહદને સમાંતર સફેદ બીન નદી પસાર થાય છે. આ બંને નદીઓ સાંકડી અને ઊંડી તેમજ લીસા પટવાળી છે. સ્વાન નદી ઉના જિલ્લા (હિ. પ્ર.)માંથી નીકળીને બિયાસને મળે છે. ચોમાસા દરમિયાન તેમાં આવતાં પૂરને કારણે તેને પાર કરવી મુશ્કેલ બને છે, ઉનાળામાં તે સુકાઈ જાય છે. જિલ્લામાં મોટા પાયા પર સિંચાઈ માટે ઉપયોગી બની રહેતી શાહ નહેર, બિસ્ત દોઆબ નહેર અને કાંડી નહેર મહત્વની છે. ચોમાસા દરમિયાન ટેકરીઓમાંથી જોશબંધ વહી આવતા જળપ્રવાહો–ઝરણાં (આ પ્રકારના જળભરાવાઓને અહીં સ્થાનિક ભાષામાં છામ્બ કહે છે.) જમીનોને ધોઈ નાખે છે અને રેતી પાથરી મૂકી છે. આ જળપ્રવાહોને વ્યવસ્થિત વહાવવા માટે સોપાન પરંપરા બાંધવાની વ્યવસ્થા કરી છે.
ખેતી : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, ડાંગર, મકાઈ, શેરડી, કપાસ અને મગફળીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં જુવાર, બાજરો અને બટાટાનું વાવેતર પણ થાય છે. પંજાબ રાજ્યમાં હોશિયારપુર જિલ્લો બટાટાના ઉત્પાદનમાં અગ્રેસર છે. અહીં સુધારેલું બિયારણ પણ તૈયાર કરાય છે. કૃષિપેદાશોનું ઉત્પાદન વધે તે માટે રાસાયણિક ખાતરો, જંતુનાશકો વપરાય છે તથા અસરકારક સિંચાઈની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
પશુપાલન : જિલ્લાનાં સ્થાનિક પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની હોવાથી હરિયાણા અને રાજસ્થાનમાંથી પશુઓ; વિશેષે કરીને બળદની આયાત કરાય છે. દૂધનું ઉત્પાદન વધારવા તેમજ શ્વેત ક્રાંતિ લાવવા ગાયોની ઓલાદમાં સુધારો કર્યો છે. આ માટે પશુદવાખાનાં અને પશુ-ચિકિત્સાલયોની સંખ્યા વધારી છે. મરઘાં-બતકાંનાં ઉછેર અને વૃદ્ધિ માટે પ્રયાસો થઈ રહ્યા છે.
ઉદ્યોગો : આ જિલ્લામાં પરંપરાગત ચાલ્યા આવતા રાળ, ટર્પેન્ટાઇન, પાઇન તેલ, હાથીદાંતનું નકશીકામ, કાષ્ઠ-કોતરણી, પિત્તળનાં વાસણો, વાંસની ટોપલીઓ, હાથસાળ-વણાટનું કાપડ વગેરે જેવા જાણીતા બનેલા નાના પાયાના કુટિર-ઉદ્યોગોને પ્રોત્સાહન અપાય છે. એક વખત ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત ગણાતા આ જિલ્લામાં ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો છે. નવા સ્થપાયેલા ઉદ્યોગોમાં વર્ધમાન સ્પિનિંગ મિલ, યુનિવર્સલ ઍપ્લાયન્સિસ (હૉકિન્સ પ્રેશર કૂકર), દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ચાલતી દૂધની ડેરી (હોશિયારપુર), કાગળ, વીજળી ઉત્પાદનમથક (હોશિયારપુર) વગેરેનો સમાવેશ થાય છે.
વેપાર : હોશિયારપુર આજુબાજુ આવેલા પહાડી વિસ્તારોને જરૂરી માલસામાન-ચીજવસ્તુઓ પૂરી પાડતું હતું, તે હવે હિમાચલ પ્રદેશમાં ઉદ્યોગો વિકસ્યા હોવાથી ઓટ આવી છે. આજે આ જિલ્લામાં પાંચ જેટલાં મુખ્ય કૃષિ-બજારો ઊભાં થયાં છે.
પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી વ્યાપક પ્રમાણમાં વિકસાવીને ગામડાંને પણ સાંકળી દીધાં છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ 1A, રાજ્ય ધોરી માર્ગો 23, 24 અને 60 પસાર થાય છે. આ જિલ્લામાં ત્રણ રેલમાર્ગો આવેલા છે, તેમની લંબાઈ અનુક્રમે 15 કિમી., 35 કિમી. અને 26 કિમી. જેટલી છે, તે જિલ્લાનાં મુખ્ય મથકોને સાંકળે છે. ચોમાસા દરમિયાન સડકમાર્ગો પાર કરવામાં મુશ્કેલી પડતી હોવાથી પુલોનું નિર્માણ કરાયું છે.
પ્રવાસન : દાસવા, બાજવારા, શાહ નૂર જમાલ, હરિયાણા, ધોલબહા, પાગ બંધ અહીંનાં જોવાલાયક સ્થાનો છે. હોશિયારપુરથી 40 કિમી. અંતરે આવેલું દાસવા મહાભારતના સમયનું ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર છે. લોકવાયકા મુજબ, તે મહાભારત સમયનું રાજા વિરાટનું રાજધાનીનું સ્થળ હતું. અહીં પાંડવોના વખતનું તળાવ છે, જેમાં કમળ ઊગે છે. અહીંનો એક કિલ્લો 1884માં તોડી પડાયેલો, તેમ છતાં હજી તેનો એક ટાવર હયાત છે, આઇ-ને-અકબરીમાં તેનો ઉલ્લેખ મળે છે. એક વખતનું સમૃદ્ધ ગણાતું બાજવારા નગર હોશિયારપુરથી ત્રણ કિમી. અંતરે આવેલું છે. કિંવદન્તી પ્રમાણે, ગઝનીથી આવેલા ત્રણ વસાહતીઓએ તે વસાવેલું, તે પૈકીનો એક જાણીતો ગાયક બૈજુ બાવરા હતો. તેણે આ નગરને નામ આપેલું. આઇને-અકબરીમાં તેનો પણ ઉલ્લેખ મળે છે. તે ઘોડાઓ માટે જાણીતું હતું. શહેનશાહ અકબરના એક પ્રધાન ટોડરમલે આ શહેરના નિવાસીઓને શિક્ષા કરવા માટે તેના નાના નાના ભાગ પાડેલા. 1825માં રાજા રણજિતસિંહે એક રાજાએ બાંધેલો કિલ્લો કબજે કરેલો, જે બ્રિટિશ શાસન વખતે લશ્કરી જેલ તરીકે વપરાતો હતો, તે પછીથી તેને પાડી નાખવામાં આવેલો, તેના ભગ્નાવશેષ હજી આજે પણ જોવા મળે છે. બીજી એક વાયકા પ્રમાણે આ નગર અને કિલ્લો બાજીરાવ પેશ્વાએ સ્થાપેલાં. બાજીરાવના નામ પરથી ‘બાજવારા’ નામ આવેલું હોવાનું જણાય છે. શાહ નૂર જમાલ હોશિયારપુરથી 13 કિમી. અંતરે આવેલું છે. 1250ના અરસાની સંત જમાલની એક કબર અહીં જોવા મળે છે. કહેવાય છે કે ત્યાંના સ્થાનિક હિંદુઓએ તેને પથ્થરો મારીને મારી નાખેલો, તેથી શહીદ તરીકે તેની કબર બનાવેલી છે. એમ પણ કહેવાય છે કે આ સંત જમાલે અહીંની ભૂમિમાં સમાધિ લીધેલી. માર્ચ–એપ્રિલમાં અહીં ભરાતા ચાર-દિવસીય વાર્ષિક મેળા(ઉર્સ)માં ભારત–પાકિસ્તાનના મુસ્લિમો આવે છે. હોશિયારપુરથી 14 કિમી. અંતરે આવેલું હરિયાણા બ્રિટિશ શાસન દરમિયાન તાલુકામથક હતું. અહીં બે જૂની મસ્જિદો આવેલી છે, જે પૈકીની મુફતી મસ્જિદ અકબરના શાસનકાળ દરમિયાન (1597–98) હાજી સંબલખાને બાંધેલી. તેનાથી મોટી કાઝી મસ્જિદ પછીથી બંધાયેલી છે. આ નગરમાંથી શાકભાજીની નિકાસ થાય છે. હોશિયારપુરથી 27 કિમી. અને હરિયાણાથી 13 કિમી. અંતરે શિવાલિક ટેકરીઓમાં આવેલા ધોલબહામાં તાજેતરમાં કરાયેલાં પુરાતત્ત્વીય ઉત્ખનનોમાંથી ગાંધાર સમય(1000 ઈ. સ.)નાં કેટલાંક સુંદર શિલ્પો મળી આવ્યાં છે.
જિલ્લાના તલવાડા સ્થળથી ઉપરવાસમાં 6 કિમી. અંતરે બિયાસ નદી પર પાગ બંધ આવેલો છે. તે પાષાણોથી બાંધેલ ગ્રેવલ બંધ છે. તેના જળાશયમાંથી પંજાબ-રાજસ્થાનને સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે. ત્યાં વિદ્યુતમથક પણ સ્થાપ્યું છે. પ્રવાસીઓ ઘણી સંખ્યામાં આ બંધ જોવા માટે આવે છે. આ જિલ્લામાં જુદાં જુદાં સ્થળો પર મેળા ભરાય છે અને ઉત્સવોનું આયોજન થાય છે.
સરકારી કૉલેજ, હોશિયારપુર
વસ્તી–લોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 14,78,045 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. ત્યાં ગ્રામીણ વસ્તી 80 % છે અને શહેરી વસ્તી 20 % છે. જિલ્લામાં પંજાબી અને હિન્દી ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓ અને શીખોનું વસ્તી-પ્રમાણ વિશેષ છે, જ્યારે તેનાથી ઊતરતા ક્રમે ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈનોનું વસ્તીપ્રમાણ છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા વધુ છે. આર્ય સમાજ તરફથી અહીં ઘણી શિક્ષણસંસ્થાઓ ઊભી થઈ છે. જિલ્લામાં 16 જેટલી કૉલેજો આવેલી છે. અહીંનાં નગરોમાં દવાખાનાં અને ચિકિત્સાલયોની સગવડ સારા પ્રમાણમાં જોવા મળે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકાઓ અને 9 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 9 નગરો અને 1,443 (42 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : પહેલી શીખ-લડાઈની સમાપ્તિ થતાં જલંધર દોઆબના વિસ્તાર સહિત આ જિલ્લો બ્રિટિશ શાસન હેઠળ મુકાયો. શરૂઆતમાં આ જિલ્લો પાંચ તાલુકાઓથી બનેલો હતો. 1850, 1861, 1950, 1957, 1970 અને 1996માં જિલ્લાના તાલુકાઓ અને ગામડાંઓમાં ફેરબદલી થયા કરી. આજે આ જિલ્લામાં ત્રણ તાલુકા છે.
ગિરીશભાઈ પંડ્યા