હોશંગાબાદ (Hoshangabad)

February, 2009

હોશંગાબાદ (Hoshangabad) : મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 77° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,037 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અનિયમિત લંબચોરસ જેવો છે. તેની ઉત્તરમાં નર્મદા નદીથી અલગ પડતા શિહોર અને રાયસેન જિલ્લા આવેલા છે, પૂર્વ તરફ નરસિંહપુર અને છિંદવાડા જિલ્લા, દક્ષિણ તરફ છિંદવાડા, બેતુલ અને હર્દા તથા પશ્ચિમ તરફ હર્દા અને શિહોર જિલ્લા આવેલા છે. જિલ્લામથક હોશંગાબાદ વાયવ્ય ભાગમાં શિહોર જિલ્લાની સીમા નજીક આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક હોશંગાબાદ પરથી અપાયેલું છે, જ્યારે જિલ્લામથકનું નામ માળવાના શાસક હુશંગ-શાહ ઘોરીના નામ પરથી પડેલું છે.

હોશંગાબાદ જિલ્લાનો નકશો

ભૂપૃષ્ઠ : આ જિલ્લો સાતપુડાના ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. પ્રાકૃતિક લક્ષણોના સંદર્ભમાં જોતાં, આ જિલ્લો પહાડી પટ્ટા તેમજ જંગલ આચ્છાદિત પ્રદેશથી ઘેરાયેલો મધ્યવર્તી ઉચ્ચપ્રદેશીય વિભાગ રચે છે. આ જિલ્લાને ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચી શકાય છે : (i) રેતીખડકોથી બનેલો ઉત્તર વિભાગ, (ii) ટ્રેપ ખડકોથી બનેલો મધ્યનો ઉચ્ચપ્રદેશીય વિભાગ અને (iii) દક્ષિણ તરફનો પહાડી વિભાગ.

જળપરિવાહ : ગંગાની જેમ પવિત્ર ગણાતી તથા મધ્યપ્રદેશની જીવનદોરી સમી નર્મદા આ જિલ્લાના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. શાહડોલ જિલ્લાની મૈકલ ટેકરીઓના અમરકંટક શિખરમાંથી તે નીકળીને પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને મંડલા, જબલપુર અને નરસિંહપુરમાંથી પસાર થઈને હોશંગાબાદ જિલ્લામાં પ્રવેશે છે અને શિહોર જિલ્લા સાથે સરહદ બનાવીને આગળ વધે છે.

ખેતીપશુપાલન : જિલ્લાનો ખેતીને પાત્ર કુલ વિસ્તાર અંદાજે 6 લાખ હેક્ટર જેટલો હોવા છતાં 4.5 લાખ હેક્ટર ભૂમિમાં વાવેતર થાય છે. 6 લાખ હેક્ટર પૈકીની 36 % ભૂમિને સિંચાઈની સુવિધા મળે છે. અહીંના મુખ્ય કૃષિપાકો ઘઉં, ડાંગર, જુવાર અને ચણા છે. જિલ્લામાં ગાયો અને ભેંસો મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લામાં મહત્વ ધરાવતા મોટા પાયાના ઉદ્યોગો નથી. અહીં કેટલીક તેલ-મિલો, લાટીઓ તથા લાકડાં અને લાકડાંની પેદાશોને લગતાં કારખાનાં આવેલાં છે. અગત્યના ગણાતા અહીંના ઉદ્યોગોમાં સોયાબીન-તેલ અને ખોળ બનાવતી કોચર ઑઇલ મિલ્સ લિ. તથા ખાતર બનાવતી એમ. પી. એગ્રો મોરારજી ફર્ટિલાઇઝર્સ લિ.નો સમાવેશ કરી શકાય.

જિલ્લામાં ધાન્ય પાકો તથા કઠોળનો જથ્થાબંધ વેપાર થાય છે. જિલ્લો વન્ય પેદાશોમાં સમૃદ્ધ હોઈ અહીંથી સાગ તેમજ અન્ય મૂલ્યવાન લાકડાં અને અન્ય પેદાશોની નિકાસ થાય છે.

પરિવહન : આ જિલ્લો સડકમાર્ગો અને રેલમાર્ગોથી સારી રીતે ગૂંથાયેલો છે. મધ્ય વિભાગીય રેલવેના દિલ્હી–મુંબઈ–ચેન્નાઈ બ્રૉડ ગેજ રેલમાર્ગ હોશંગાબાદમાંથી પસાર થાય છે. આ જિલ્લો ભોપાલ સહિત રાજ્યનાં મુખ્ય નગરો સાથે બસસેવાથી સંકળાયેલો છે.

પ્રવાસન : હરિયાળી સાતપુડા હારમાળા ઉપર ટેકરીઓથી ઘેરાયેલો, 1067 મીટરની ઊંચાઈ ધરાવતો પંચમઢીનો ઉચ્ચપ્રદેશ પ્રવાસન માટે જાણીતો છે. અહીંનું સ્થળદૃશ્ય ઊબડખાબડ ટેકરીઓથી, જંગલોથી તેમજ ખીણોથી રમણીય બની રહેલું છે. અહીંના લાલ રેતીખડકોના ઢોળાવો પરથી પરાવર્તિત થતા જાંબલી રંગથી અનેરું દૃશ્ય રચાય છે. ગિરિમથક પંચમઢી ભોપાલ, હોશંગાબાદ, નાગપુર, પિપરિયા અને છિંદવાડા સાથે બસમાર્ગે સંકળાયેલું રહે છે. અલ્લાહાબાદ થઈને જતા મુંબઈ–હાવરા રેલમાર્ગ પર આવેલું પિપરિયા નજીકનું રેલમથક છે. અપ્સરા વિહાર, ચૌરાગઢ, ધૂપગઢ, જટાશંકર મહાદેવ અને પાંડવ ગુફાઓ પંચમઢી પર આવેલાં આકર્ષણ કેન્દ્રો છે. જિલ્લામાં કાર્તિકીપૂર્ણિમા, વસંતપંચમી, શિવરાત્રી, નાગપંચમી તેમજ અન્ય તહેવારો ટાણે મેળા ભરાય છે તથા ઉત્સવો યોજાય છે.

વસ્તીલોકો : 2000 મુજબ આ જિલ્લાની વસ્તી 10,85,011 જેટલી છે. જિલ્લામાં પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં વધુ છે. ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 60 % અને શહેરી વસ્તીનું પ્રમાણ 40 % જેટલું છે. ગ્રામીણ વસ્તીના 42 % અને શહેરી વસ્તીના 78 % લોકો શિક્ષિત છે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. 12 જેટલી કૉલેજો અને 5 વ્યાવસાયિક શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. જિલ્લાનાં 12 % ગામડાંઓમાં તથા નગરોમાં દવાખાનાં અને ચિકિત્સાલયોની સગવડ છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને 10 તાલુકાઓ અને 10 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 14 નગરો અને 1554 (134 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : પરંપરાથી ચાલી આવતી લોકવાયકાઓ આ જિલ્લાના પ્રાચીન ઇતિહાસને મહાભારતના અગ્રણીઓ સાથે સાંકળે છે; પરંતુ ઉપલબ્ધ ઇતિહાસમાં તેના કોઈ ઉલ્લેખો મળતા નથી. નવમીથી બારમી સદી સુધી આ પ્રદેશ પર પરમાર રાજાઓ રાજ્ય કરતા હતા. આ વંશનો અહીં થઈ ગયેલો છેલ્લો રાજા ભોજ હતો. તે પછીથી અહીં તોમર અને ચૌહાણ વંશના સરદારોએ શાસન કરેલું. 1401માં માંડુના મુસ્લિમ શાસક ઘોરીએ આ સરદારોને હરાવ્યા હતા. માળવાના ઘોરી વંશના બીજા શાસક સુલતાન હોશંગશાહે અહીં 1405માં રાજ્ય કરવાનું શરૂ કર્યું. નર્મદાને કાંઠે તેણે કિલ્લો બાંધ્યો, અને આ સ્થળનું નામ હોશંગાબાદ પડ્યું. આ અગાઉ તેનું નામ નર્મદાપુરી હતું. હોશંગશાહે બેતુલ જીતી લીધું અને તેને માળવામાં ભેળવી દીધું. બેતુલ જવાના માર્ગ પર તે હોશંગાબાદ જિલ્લાની ભૂમિ પર મૃત્યુ પામ્યો.

ઘોરી વંશના પતન બાદ 1567માં અહીં મુઘલોનું શાસન શરૂ થયું. 18મી સદીની શરૂઆતમાં ભોપાલ રાજવંશનો સ્થાપક દોસ્ત મહમ્મદ હોશંગાબાદનો શાસક બન્યો. અઢારમી સદી દરમિયાન માંડલા અને સિંધિયાના ગોંડ સામ્રાજ્યના બાલાજી બાજીરાવ પેશ્વાનું પણ અહીં વર્ચસ્ સ્થપાયેલું.

19મી સદીની શરૂઆતમાં (1817) બ્રિટિશ સરકારના કર્નલ ઍડમ્સની દોરવણી હેઠળના લશ્કરી દળે હોશંગાબાદનો કબજો લઈ લીધો. 1803થી 1818ના ગાળામાં આ જિલ્લાના લોકોએ પીંઢારાઓનો અત્યાચાર વેઠેલો. 1947 સુધી અહીં બ્રિટિશ સરકારની સત્તા રહેલી. સ્વતંત્રતા બાદ આજનો પડોશી જિલ્લો નરસિંહપુર હોશંગાબાદનો તાલુકો હતો. 1956માં નરસિંહપુરનો અલગ જિલ્લો રચવામાં આવ્યો. 1956ના નવેમ્બરની પહેલી તારીખથી આજનો હોશંગાબાદ જિલ્લો અસ્તિત્વમાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા