હોસબલે દત્તાત્રેય

July, 2023

હોસબલે દત્તાત્રેય (જ. 1 ડિસેમ્બર 1954, શિમોગા, સોરાબા, કર્ણાટક) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામંત્રી(સરકાર્યવાહ).

તેઓ મૈસુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક થયા છે. તેઓ 1968માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા અને ત્યારબાદ 1972માં તેની સંલગ્ન વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેઓ 1978માં પૂર્ણ-સમયના કાર્યકર્તા બન્યા હતા. 1978માં તેમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે 15 વર્ષથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યું. તેમણે આસામના ગુવાહાટીમાં યુવા વિકાસ કેન્દ્રની સ્થાપનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

તેઓ માર્ચ 2021થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વર્તમાન મહાસચિવ છે. 1975થી 1977 સુધી કટોકટીના સમયગાળા દરમિયાન મીસા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ઈન્ડિયા પોલિસી ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી છે. તેઓ કન્નડ અને અંગ્રેજી માસિક અસીમાના સ્થાપક સંપાદક હતા. તેઓ કન્નડ, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા જાણે છે.

તેઓ 2003માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આવ્યા અને 2004માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-બૌદ્ધિક પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ, 2009માં, તેઓ સહ-સરકાર્યવાહ બન્યા હતા. જેમનો પ્રચારક તરીકેનો મોટાભાગનો સમય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વીત્યો હોય એવા એ પ્રથમ સર-કાર્યવાહ છે.

અનિલ રાવલ