હૉપ્કિન્સ ફ્રેડ્રિક ગોવલૅન્ડ (સર)

February, 2009

હૉપ્કિન્સ, ફ્રેડ્રિક ગોવલૅન્ડ (સર) (જ. 20 જૂન 1861, ઈસ્ટબોર્ન, ઇંગ્લૅન્ડ; અ. 1947) : સન 1923ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના ક્રિશ્ચિયન એઇકમૅન સાથેના વિજેતા. તેમને આ સન્માન વૃદ્ધિ-ઉત્તેજક પ્રજીવકો(growth stimulating vitamins)ની શોધ માટે પ્રાપ્ત થયું હતું. બાળપણમાં તેમના પિતા મૃત્યુ પામ્યા હતા અને તેમની માતાએ તેમને સૂક્ષ્મદર્શક ભેટ આપીને દરિયાકિનારાની જીવસૃષ્ટિના અભ્યાસ તરફ પ્રેર્યા હતા. તેમને વાચન અને કવિતા લખવાનો શોખ હતો, જે પાછલી ઉંમરે તેમણે કરેલાં વૈજ્ઞાનિક લખાણોને પણ પ્રભુત્વ પ્રદાન કરે છે. 1871માં તેઓ લંડન સ્કૂલમાં જોડાયા. સન 1874માં તેમને રસાયણશાસ્ત્રમાં પ્રથમ વર્ગ મળ્યો અને કૉલેજ ઑવ્ પ્રિસેપ્ટર્સમાં વિજ્ઞાન વિષય માટે ઇનામ પણ મળ્યું. 17 વર્ષની નાની ઉંમરે તેમણે બૉમ્બાર્ડિયર બીટલ પર એક સંશોધનપત્ર પ્રકાશિત કર્યો. વચ્ચે થોડો સમય વીમા-ક્લાર્ક અને કેમિસ્ટના આર્ટિકલ તરીકે કામ કરીને લંડનની રૉયલ સ્કૂલ ઑવ્ માઇન્સમાં રસાયણશાસ્ત્ર જાણવા જોડાયા. તેઓ વિષવિદ્યામાં પારંગત બન્યા. તેઓ 1888માં બી.એસસી. થયા અને લંડનમાં જ તબીબી વિદ્યાર્થી તરીકે ભણવાનું શરૂ કર્યું. તે અભ્યાસમાં તેમને શિષ્યવૃત્તિ, સુવર્ણચંદ્રક અને અન્ય સન્માનોલ્લેખ (honour) પ્રાપ્ત થયાં.

સર ફ્રેડ્રિક ગોવલૅન્ડ હૉપ્કિન્સ

1894માં 32મા વર્ષે તેઓ તબીબી સ્નાતક થયા અને 4 વર્ષ સુધી દેહધર્મવિદ્યા અને વિષવિદ્યા ભણાવતા રહ્યા. 1896માં તેમણે બ્રૂક સાથે પ્રોટીનના હેલોજન અનુરસાયણો (derivatives) વિશે પુસ્તક લખ્યું. 1898માં તેઓ કેમ્બ્રિજમાં દેહધર્મવિદ્યાના રસાયણશાસ્ત્રીય પાસામાં સંશોધન કરવા માટે જોડાયા. તે સમયે જૈવરસાયણવિદ્યા (bio-chemistry) એક અલગ વિષય તરીકે સ્વીકૃતિ પામેલી ન હતી. પાછળથી તેઓ કેમ્બ્રિજમાં અધ્યેતા (fellow) અને શિક્ષક (tutor) બન્યા. 1902માં તેઓ રીડર બન્યા અને 1914માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રધાનાસન(chair)ના હકદાર બન્યા.

તેમણે ટ્રિપ્ટોફેનને અલગ તારવીને તેની સંરચના દર્શાવી હતી. ક્રિશ્ચિયન એઇકમૅને બેરીબેરીનો રોગ અને પૉલિશ કરેલા ચોખા વચ્ચેનો સંબંધ દર્શાવ્યો હતો. ટ્રિપ્ટોફૅન પૉલિશ કરેલા ચોખા તથા બેરીબેરીના રોગ વચ્ચેના આંતરસંબંધોએ આ બંને વિજ્ઞાનીઓને નોબેલ પુરસ્કાર અપાવ્યો હતો.

તેમણે વૉલ્ટર ફ્લેચર સાથે સ્નાયુસંકોચન અને મૃત્યુ બાદ શબના સ્નાયુઓમાં આવતી અક્કડતા(rigor mortis)માં થતા ચયાપચયી ફેરફારો વિશે સંશોધન કર્યું. આ ઉપરાંત તેમણે ગ્લુટામિક ઍસિડ, ગ્લાયસિન અને સિસ્ટિનનો સમૂહ (ગ્લુટાથિયોન) શોધ્યો, ઝેન્થિન ઑક્સિડેઝ નામનો ઉત્સેચક શોધ્યો તથા યુરિક ઍસિડના ચયાપચયને સ્પષ્ટ કર્યો. તેમને 1925માં ‘નાઇટ’ તરીકેનું અને 1935માં ‘ઑર્ડર ઑવ્ મેરિટ’નું સન્માન પ્રાપ્ત થયું. આ ઉપરાંત પણ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં છે.

સન 1898માં તેઓ જેસી સ્ટીવન્સને પરણ્યા હતા, જેનાથી તેમને 2 પુત્રીઓ થઈ હતી.

શિલીન નં. શુક્લ