હોપેહ (Hopeh) : ઉત્તર ચીનમાં આવેલો પ્રાંત. તે Hubei (હુબેઇ) તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 38° 30´ ઉ. અ. અને 116° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2000 મુજબ આશરે 1,87,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પશ્ચિમના શાન્સી અને પૂર્વના ચિહલીના અખાતની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે ઇનર મૉંગોલિયાનો સ્વાયત્ત પ્રદેશ તથા દક્ષિણે શાનતુંગ અને હોનાન પ્રાંતો આવેલા છે. પાઓ-તિંગ તેનું પાટનગર છે.

ભૂપૃષ્ઠ : આ પ્રાંત ઉત્તર ચીનનાં મેદાનોના મેદાની ભાગ તથા પશ્ચિમી સરહદી ભાગથી બનેલો છે. હોપેહનાં મેદાનોના નામથી ઓળખાતા ઉત્તર ચીનનાં મેદાનોનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. તે ઉત્તર તરફ યેન પર્વતોથી ઘેરાયેલું છે. આ પર્વતો ઉત્તર ચીનનાં મેદાનોની ઉત્તર કિનારી (સીમા) રચે છે. અહીં બધે જ ટેકરીઓ આવેલી છે. તેમનાં શિખરો 1,500 મીટરની ઊંચાઈવાળાં છે. ચીનની દીવાલ આ શિખરભાગોમાં થઈને પસાર થાય છે. આ પર્વતોની પેલી પાર મૉંગોલિયન ઉચ્ચપ્રદેશ હોપેહ પ્રાંતના ઉત્તર ભાગથી મૉંગોલિયા સુધી વિસ્તરેલો છે. તેની ઊંચાઈ સ્થાનભેદે 1,300 મીટરથી 1,600 મીટર જેટલી છે. ઉચ્ચપ્રદેશની કિનારી ખરબચડા ભાગોથી બનેલી છે. તે માનવ-વસવાટને યોગ્ય નથી. અહીંની આબોહવા ખંડીય પ્રકારની છે.

હોપેહ

અર્થતંત્ર : આ પ્રાંતમાં ભારે ઉદ્યોગો આવેલા છે, કોલસાની ખાણો આવેલી છે. ઉદ્યોગો અને ખાણો એકમેક સાથે રેલમાર્ગોથી સંકળાયેલાં છે. તિયેનત્સિન અહીંનું બીજા ક્રમનું મોટું શહેર છે. તે ઉત્તર ચીનનું ઉદ્યોગોનું તથા વેપાર-વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક મથક પણ છે. પૅકિંગની જેમ આ પ્રાંતને પોતાનો અલગ વહીવટી જિલ્લો છે. આ વિસ્તારનું તે ત્રીજા ક્રમે આવતું શહેર પણ ભારે ઉદ્યોગોનું મથક છે, તે પોલાદ, સિમેન્ટ અને રેલવેની સાધનસામગ્રીની મરામતનું મથક છે. આ પ્રાંતના હલકા ઉદ્યોગોમાં કાપડ, કાગળ, આટાની મિલો અને સિરામિક્સનો સમાવેશ થાય છે. અગત્યનાં અન્ય શહેરો પ્રાંતીય પાટનગર પાઓ તિંગ, શિહ-ચિયા-ચુઆંગ તથા ઝડપથી વિકસતું જતું ઔદ્યોગિક શહેર પ્રાચીન સમયનું હાન તાન છે. ચાંગ-ચિયા-કોઉ ખાદ્યપ્રક્રમણનું કેન્દ્ર છે. તે ખાણ-યંત્રસામગ્રીનું ઉત્પાદન કરે છે. હોપેહ પ્રાંત, પૅકિંગ અને તિયેનત્સિનની અલગ મ્યુનિસિપાલિટી છે.

વસ્તી : આ પ્રાંતની વસ્તી ઈ. સ. 2000 મુજબ 6,02,80,000 છે. વસ્તીનો મોટો ભાગ  ચીની લોકોથી બનેલો છે. ચીની મુસ્લિમો અને મૉંગોલિયનોનું પ્રમાણ ઘણું ઓછું છે. પ્રાંતની 20 % વસ્તી શહેરી છે. પૅકિંગ તરફનો દરિયા સુધીનો વિસ્તાર ઔદ્યોગિક દૃષ્ટિએ વિકસેલો છે. અહીંનાં ઘણાંખરાં શહેરો ઔદ્યોગિક દૃષ્ટિએ વિકસેલાં છે. તિયેનત્સિન મુખ્ય બંદર છે. તાંગ કુ તથા ચિન-હુઆંગ-તાઓ પણ બંદરો છે. ચિન-હુઆંગ-તાઓ કોલસા માટેનું અલગ બંદર છે. ઉત્તર ચીનના મેદાનમાં લોકો હજારો વર્ષથી રહે છે. દેશનું પાટનગર પૅકિંગ પણ હોપેહમાં જ આવેલું છે. પૅકિંગ અને હોપેહના વહીવટ સ્વતંત્ર છે. સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિએ તે ઉત્તર ચીનનો ઘણો વિકસિત પ્રાંત છે. હોમોઇરેક્ટસ પૅકિએન્સિસ (પૅકિંગ-માનવ)-(4 લાખ વર્ષ અગાઉના માનવ)નું વતન રહેલું. તે માનવ-ઓજારો અને અગ્નિનો ઉપયોગ કરવાનું જાણતો હતો.

ઇતિહાસ : 1644થી 1911 સુધી હોપેહ પર માંચું વંશનું રાજ્ય હતું. તે પછી 1937 સુધી રાષ્ટ્રીય સરકારનું શાસન હતું. 1937માં જાપાનીઓએ હોપેહ કબજે કર્યું. 1945માં જાપાને તે પાછું સોંપી દીધું. 1946થી 1949ના આંતરયુદ્ધના અંત વખતે તે ચીની સામ્યવાદી દળોના હાથમાં આવી ગયું. પાઓ-તિંગ 1958 સુધી પાટનગર રહેલું; તે પછીથી તિયેનત્સિન અને 1967માં શિહ-ચિયા-ચુઆંગ-શિહ (પૅકિંગથી 256 કિમી. નૈર્ઋત્યમાં આવેલું સ્થળ) પાટનગર રહેલું.

ગિરીશભાઈ પંડ્યા