હોપ્ટમાન ગેરહાર્ટ (જોહાન રૉબર્ટ)

February, 2009

હોપ્ટમાન, ગેરહાર્ટ (જોહાન રૉબર્ટ) (જ. 15 નવેમ્બર 1862, બેડ સાલ્ઝબ્રુન, સિલેશિયા, પ્રુશિયા; અ. 6 જૂન 1946, એગ્નેટેન્ડૉર્ફ, જર્મની) : જર્મન કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. 1912ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. સમાજનું હૂબહૂ ચિત્ર રજૂ કરતાં તેમનાં વાસ્તવિક નાટકો રંગભૂમિ પર આજે પણ ભજવાય છે. પૂર્વ જર્મનીના સહેલાણીઓ માટેનાં આકર્ષક સ્થાનમાં તેમનો જન્મ થયેલો. પિતા રૉબર્ટ હોપ્ટમાન હોટલ વીશીના માલિક હતા. માતાનું નામ મેરી સ્ટ્રેહલર હતું. બ્રેસ્લોની શાળામાં નપાસ થતાં ગેરહાર્ટને કાકાને ત્યાં મોકલ્યા. પાછળથી બ્રેસ્લોની આર્ટ અકાદમીમાં શિલ્પકલા શીખવા માટે દાખલ થયા. યુનિવર્સિટી ઑવ્ જીનામાં એક વર્ષ માટે કલાનો ઇતિહાસ ભણવા રહ્યા.

રોમમાં કલાનો અભ્યાસ કર્યો. ‘પ્રોમેથિયસ’ના પાત્ર ઉપર રોમૅન્ટિક કવિતાની રચના કરી. શ્રીમંત પિતાની પુત્રી મેરી થિનેમાન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. તેમને ચાર બાળકો હતાં. તેઓ બર્લિનમાં રહેતા. મેરીને સાહિત્યની સમજ ઓછી પણ પતિને માટે સન્માનની લાગણી હતી. સરોવરને કિનારે એર્કનર ગામમાં તેમણે ઘર બંધાવ્યું. ‘ફેશ્ચિંગ’ (1887) અને ‘બેહનવૉર્ટર થીફ’ (1888) તેમના વાર્તાસંગ્રહો છે.

‘ડાય કુન્શ્ટ’ (1891) વાસ્તવિક કથા છે. ‘વૉર સોનેનોફગેન્ગ’ (1889) પ્રથમ વાસ્તવિક નાટક છે. તેમનાં શરૂઆતનાં નાટકો પર હેન્રિક ઇબ્સનની અસર છે. ‘ડાય વેબર’ નાટકે તેમને કીર્તિ અપાવી. લેખકને સામાન્ય માણસો પ્રત્યે સહાનુભૂતિ હતી અને તેમના પર થતા અત્યાચાર અને જુલમને તેઓ જાતે અનુભવતા હતા. 70 પાત્રોના નાટકમાં કોઈ એક નાયક નથી.

ગેરહાર્ટ હોપ્ટમાન (જોહાન રૉબર્ટ)

‘દેર બાઇબર પેલ્ઝ’ (1893) હાસ્યપ્રધાન નાટક છે. ‘હેનેલ્સ હિમેલફાર્હટ’(1894)માં વાસ્તવિક શૈલી નથી. તેની નાયિકા એક બાળકી છે. ‘ફ્લોરિયન ગૅયર’ (1896) 16મી સદીના ખેડૂતોના બંડની કથા વ્યક્ત કરતું નાટક છે. ‘ડાય વેર્સુન્કેન ગ્લૉક’ (1897) કલાકારનું જીવન અભિવ્યક્ત કરતું નાટક છે. ‘ફર્હમાન હેન્ચેલ’ (1899), ‘માઇકલ ક્રેમર’ (1900) અને ‘રોઝ બર્ન્ડ’ (1903) કરુણાંતિકાઓ છે. મેરી થીનમાનની સાથે 1904માં લગ્નનો વિચ્છેદ કર્યા પછી માર્ગારેટ માર્શ્ર્ચોક સાથે લગ્ન કર્યું.

ગ્રીસના પ્રવાસનું પરિણામ તેમણે લખેલી ‘ગ્રીચિશેર ફ્રૂહલિંગ’ (1908) નામની ડાયરી છે. ‘ડેર નાર ઇન ક્રિસ્ટો ઇમેન્યુએલ ક્વિન્ટ’ (1910) અને ‘ડાય ઇન્સેલ દેર ગ્રોસેન મટર’ (1912) નવલકથાઓ છે. ‘કૈઝર કાર્લ્સ ગીઝેલ’ (1908) અને ‘દેર બોગેન દેસ ઓડિસિયસ’ (1914) પણ નવલકથાઓ છે.

હોપ્ટમાન જર્મનીના સમાજના પ્રથમ હરોળના સાહિત્યકાર છે. ઇબ્સન, સ્ટ્રિન્ડબર્ગ અને શૉ જેવા સાહિત્યકારો સાથે તેમનું નામ પણ આદરપૂર્વક લેવાય છે.

હોપ્ટમાન પોતાના સર્વશ્રેષ્ઠ નાટક તરીકે ‘ટિલ યુલેનસ્પીગેલ’(1928)ને ઓળખાવે છે. ‘દાસ એબેનચ્યોર મીનર યુજેંદ’ (1937) તેમના 26 વર્ષનાં સંભારણાંની કથા છે. નાઝીના વર્ચસ્ નીચેના જર્મનીમાં હોપ્ટમાન રહેલા. ‘શિલર પ્રાઇઝ’ પારિતોષિક માટે તેમના નામની વારંવાર ભલામણ થઈ હતી; પરંતુ તે લેવા માટે ત્યારની સરકારે તેમને અનુમતિ આપી નહોતી. 1942માં તેમનાં લખાણોનું સંપાદન 17 ગ્રંથોમાં કરવામાં આવ્યું હતું. ન્યુમોનિયાને લીધે એગ્નેટેન્ડૉર્ફવાળા ઘરમાં તેમનું અવસાન થયું. તેમની અધૂરી કૃતિ ‘દેર ન્યૂ ક્રિસ્ટોફોરસ’ (1943) અત્યંત દુ:ખ સહન કરતી માનવતાની વાત કહે છે.

‘બીફોર ડેબ્રેક’, ‘ધ કમિંગ ઑવ્ પીસ’, ‘લોનલી લાઇવ્ઝ’, ‘ધ વીવર્સ’, ‘ધ બીવર કોટ’, ‘હેનેલ’, ‘ધ સન્કન બેલ’, ‘ફ્લોરિયન ગેયર’, ‘ડ્રેમેન હેન્શ્ચેલ’, ‘થ્રી પ્લેઝ’, ‘ધ ફૂલ ઇન ક્રાઇસ્ટ ઇમેન્યુએલ ક્વિન્ટ’, ‘ધ રેટ્સ’, ‘એટલાન્ટિસ’ અને ‘ગ્રૅબ્રિયલ શિલિંગ્ઝ ફ્લાઇટ’ હોપ્ટમાનની કૃતિઓનાં અંગ્રેજીમાં થયેલાં ભાષાંતરો છે.

હ્યુગ એફ. ગાર્ટને અંગ્રેજીમાં ‘ગેરહાર્ટ હોપ્ટમાન’ (1954) પ્રસિદ્ધ કર્યું છે. ‘હોપ્ટમાન સેન્ટિનરી લેક્ચર્સ’નું સંપાદન કે. જી. નાઇટ અને એફ. નૉર્મને 1964માં કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી