હૉગલૅંડ, ડેનીસ રૉબર્ટ (જ. 2 એપ્રિલ 1884, ગોલ્ડન, કોલોરાડો, યુ.એસ.; અ. 5 સપ્ટેમ્બર 1949, ઑકલડ, કૅલિફૉર્નિયા) : નામાંકિત અમેરિકીય વનસ્પતિ-દેહધર્મવિજ્ઞાની અને વનસ્પતિ તથા મૃદા (soil) આંતરક્રિયા(interaction)ના નિષ્ણાત.
ડેનીસ રૉબર્ટ હૉગલૅંડ
હૉગલૅંડે તેમના જીવનનાં પ્રથમ આઠ વર્ષ તેમના જન્મસ્થાન ગોલ્ડનમાં ગાળ્યાં. 1907માં તેમણે મુખ્ય વિષય રસાયણવિજ્ઞાન સાથે સ્નાતકની પદવી વિશેષ નિપુણતાસહ પ્રાપ્ત કરી. 1908માં તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલેની પ્રાણીપોષણની પ્રયોગશાળામાં શિક્ષક અને મદદનીશ તરીકેનું સ્થાન ગ્રહણ કર્યું; જ્યાં ટૂંકા સમયના થોડા અપવાદ બાદ કરતાં તેમણે જીવનપર્યંત સેવાઓ આપી. પ્રાણીપોષણ અને જીવરસાયણના ક્ષેત્રમાં 1908થી 1913 સુધી રહ્યા. પ્રા. ઈ. વી. મૅક્કૉલમ (કૃષિ રસાયણ વિભાગ, વિસ્કોન્સિન યુનિવર્સિટી) સાથે કાર્ય કરવા માટે તેમણે સ્નાતક શિષ્યવૃત્તિ સ્વીકારી અને 1913માં તેમણે ‘યુરીઆના સંશ્લેષણમાં સોડિયમ બૅન્ઝોએટની અસર’ શોધનિબંધ દ્વારા અનુસ્નાતક પદવી મેળવી. તે જ વર્ષે તેમણે પ્રા. મૅક્કૉલમ સાથે ‘ડુક્કરની અંતર્જાત (endogenous) ચયાપચય-(metabolism)ની ક્રિયામાં વિવિધ પરિબળો દ્વારા થતા ફેરફારો’ પર ત્રણ સંશોધનપત્રોની શ્રેણી પ્રસિદ્ધ કરી. તે પછીના વર્ષે તેઓ બર્કલેમાં કૃષિરસાયણના મદદનીશ પ્રાધ્યાપક બન્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન દેશો દેશો વચ્ચે વ્યાપારિક અવરોધ ઉત્પન્ન થયો ત્યારે પોટાશનાં ખાતરો માટે અમેરિકાના જર્મની પરના અવલંબન તરફ ધ્યાન દોરાયું. તેથી હૉગલૅંડે પૅસિફિકના કિનારે થતાં મહાકાય દરિયાઈ અપતૃણો(kelps)માંથી પોટૅશિયમનો સ્રોત પ્રાપ્ત કરવા સંશોધનાત્મક અભ્યાસ હાથ ધર્યો. આ સંશોધનોનાં પરિણામો એટલાં પ્રોત્સાહક નહોતાં; પરંતુ તેથી તેમને વનસ્પતિઓ દ્વારા થતાં આયનોનાં શોષણ અને સંચયમાં જીવનભરનો રસ જાગ્યો અને સમય જતાં આ વિષયે તેમને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવી. દરિયાઈ પાણીમાં રહેલા પોટૅશિયમ અને આયોડિનની સાંદ્રતા કરતાં દરિયાઈ અપતૃણોમાં તેમનાં શોષણ અને સંચય માટેની અનેકગણી ક્ષમતાથી તેઓ અત્યંત પ્રભાવિત હતા. તેમણે હાઇડ્રોજન આયનની સાંદ્રતાની વનસ્પતિની વૃદ્ધિ પર થતી અસર વિશે પણ સંશોધન કર્યાં. તે સમયે કૃષિશિક્ષણમાં એક સ્વીકૃત માન્યતા હતી કે વનસ્પતિ માત્ર તટસ્થ માધ્યમમાં કે સહેજ ઍલ્કેલાઇન માધ્યમમાં વૃદ્ધિ સાધી શકે છે. તેમણે શોધી કાઢ્યું કે જવના છોડ 5.0 pH વાળા (ઍસિડિક) પોષક દ્રાવણમાં ખૂબ સારી વૃદ્ધિ કરી શકે છે. તેમણે વ્યક્તિગત ચર(variable)ને અલગ તારવી શકાય તેવી ચુસ્તપણે નિયંત્રિત પ્રાયોગિક પરિસ્થિતિમાં વનસ્પતિ-સંવર્ધનની પદ્ધતિઓ વિકસાવી. તેમણે વનસ્પતિ-ઉછેરની જલસંવર્ધન-પદ્ધતિમાં સૂચવેલું પોષક માધ્યમ આજે પણ સાર્વત્રિક રીતે ‘હૉગલૅંડના દ્રાવણ’ તરીકે પ્રસિદ્ધ છે.
1922માં તેઓ મૃદા-રસાયણ વિભાગ અને વનસ્પતિદેહધર્મવિદ્યા વિભાગના એકીકરણથી નવા બનેલા વનસ્પતિપોષણ વિભાગના અધ્યક્ષ બન્યા. ડૉ. નૅથેનિયલ ગાર્ડનરના સૂચનથી તેમણે નાઇટેલા નામની મીઠા પાણીની લીલમાં સંશોધનો કર્યાં અને દર્શાવ્યું કે વનસ્પતિ દ્વારા થતું આયનોનું શોષણ પારગમ્યતા (permeability) નામની ભૌતિક ક્રિયા દ્વારા થતું નથી; પરંતુ તે એક ચયાપચયિક (metabolic) પ્રક્રિયા છે. તેમણે અકાર્બનિક દ્રાવ્ય પદાર્થોના ઊર્ધ્વ વહન અને તેમના વિતરણનો વિવિધ પદ્ધતિઓ દ્વારા અભ્યાસ કર્યો. તેમણે કૅલિફૉર્નિયામાં ફળના પાકો ઉપર ઝીંક, પોટૅશિયમ અને ફૉસ્ફેટની ન્યૂનતાઓ સાથે સંબંધિત સંશોધનો પણ કર્યાં છે. તેમનો અભ્યાસ સૂચવે છે કે ફળપાકો માટે નાઇટ્રોજન પછી ઝીંક દ્વિતીય ક્રમે આવતું આવશ્યક તત્ત્વ છે અને ખનિજ પોષકોની ન્યૂનતાથી કેટલાક રોગો થાય છે. આમ, તેમણે સમગ્ર જીવન કૃષિવિદ્યાકીય સંશોધનો પાછળ સમર્પિત કર્યું.
વૈજ્ઞાનિક સંશોધનોમાં તે આદર્શ સહકાર્યકર હતા અને વિચારોના મુક્ત વિનિમયને પ્રેરતા. તેમના સહકાર્યકરોના પ્રદાનને તેઓ વિનમ્ર ભાવે સ્વીકારતા અને તેમને યશ આપતા.
1929માં ‘અમેરિકન સોસાયટી ઑવ્ પ્લાન્ટ ફિઝિયોલૉજિસ્ટ્સ’ દ્વારા પ્રથમ સર્વોચ્ચ ‘સ્ટીફન હૅલ્સ પુરસ્કાર’ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા. તેમણે આ સોસાયટીનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું.
1934માં તે ‘નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ’ના સભ્ય બન્યા. વિજ્ઞાનની અન્ય ઘણી સંસ્થાઓમાં તેમણે સભ્ય કે અધ્યક્ષ તરીકેની સેવાઓ આપી; જેવી કે વેસ્ટર્ન સોસાયટી ઑવ્ સોઇલ સાયન્સ (1924); ‘વેસ્ટર્ન સોસાયટી ઑવ્ નૅચરાલિસ્ટ્સ’ (1931); બૉટનિકલ સોસાયટી ઑવ્ અમેરિકા, અધ્યક્ષ, પૅસિફિક વિભાગ (1929); ‘અમેરિકન ઍસોસિયેશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સ’ અધ્યક્ષ, પૅસિફિક વિભાગ (1941).
તેમણે ‘સૉઇલ સાયન્સ’, ‘અમેરિકન જર્નલ ઑવ્ બૉટની’ અને ‘પ્લાન્ટ ફિઝિયૉલૉજી’ના સલાહકાર સંપાદક તરીકે સેવા આપી. ઍન્યુઅલ રિવ્યૂ ઑવ્ બાયોકેમિસ્ટ્રીની સલાહકાર સમિતિ અને યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍગ્રિકલ્ચર સલિ’નિટિ લૅબોરેટરી, રીવર સાઇડ, કૅલિફૉર્નિયા તથા સૉઇલ, પ્લાન્ટ ઍન્ડ ઍનિમલ ન્યૂટ્રિશન લૅબોરેટરી, કૉર્નેલ યુનિવર્સિટીની સહયોગીઓની સમિતિના સભ્ય તરીકે તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું.
1940માં અમેરિકન ઍસોસિયેશન ફૉર ઍડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સે ફિલાડેલ્ફિયાની સભામાં તેમના નોંધપાત્ર સંશોધનપત્ર માટે $ 1000નો પુરસ્કાર આપ્યો. 1942માં હાર્વર્ડ યુનિવર્સિટીએ જ્હૉન એમ. પ્રેથર વ્યાખ્યાનશ્રેણીમાં તેમને વ્યાખ્યાન આપવા નિમંત્ર્યા. 1942માં તેમની યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના સહકાર્યકરોએ ‘સંશોધન વ્યાખ્યાતા’ તરીકેનું બિરુદ આપ્યું. 1950માં સ્વીડન ખાતે યોજાનાર સાતમી ઇન્ટરનૅશનલ બૉટનિકલ કૉંગ્રેસના વનસ્પતિ દેહધર્મવિદ્યા વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા; પરંતુ તે પૂર્વે તેમનો દેહાંત થતાં આ આંતરરાષ્ટ્રીય સન્માનથી વંચિત રહ્યા.
હૉગલૅંડનું સ્વાસ્થ્ય સારું નહોતું; છતાં ફરજપાલનની ઉદાત્ત ભાવનાને લીધે તે પોતાના સ્વાસ્થ્ય વિશે વિચાર કર્યા સિવાય સેવા બજાવતા રહ્યા. જીવનનાં છેલ્લાં ચાર વર્ષ તેઓ ગંભીર માંદગીમાં પટકાયા. મૃત્યુના થોડા મહિનાઓ પૂર્વે તેમણે દૃષ્ટિ ગુમાવી. થોડાક મહિનાઓ બાદ કરતાં તેમણે હિંમત અને દૃઢ નિશ્ચય સાથે જીવનભર સતત કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. તે 1 જુલાઈ 1949ના રોજ નિવૃત્ત થયા અને બે માસ પછી મૃત્યુ પામ્યા.
તેમણે 1920માં જેસી એસ્માઇલી સાથે લગ્ન કર્યાં. તેમનાં પત્નીને 1933માં એકાએક ન્યુમોનિયા થયો અને તે અવસાન પામ્યાં. તેથી તેમના પર ત્રણ પુત્રોના ઉછેરની જવાબદારી આવી પડી.
પ્રા. હૉગલૅંડના જીવનનો વૈજ્ઞાનિક પ્રભાવ તેમના મૃત્યુ પછી પણ તેમના વિદ્યાર્થીઓ અને મિત્રોના હૃદયમાં ઊંડી લાગણી સાથે ચાલુ રહ્યો છે.
બળદેવભાઈ પટેલ