હોક્ષા એન્વર

February, 2009

હોક્ષા, એન્વર (જ. 16 ઑક્ટોબર 1908, ગિરોકાસ્ટર, ઑટોમન સામ્રાજ્ય; અ. 11 એપ્રિલ 1985, તિરાના, આલ્બેનિયા) : આલ્બેનિયાના વડાપ્રધાન અને સામ્યવાદી પક્ષના નેતા. આલ્બેનિયા બીજા વિશ્વયુદ્ધ પછીથી કોઈ ને કોઈ સ્વરૂપમાં વર્તમાનપત્રોમાં ચમકતું રહ્યું જ છે. હોક્ષા 1908માં એક મધ્યમ વર્ગના મુસલમાન કુટુંબમાં જન્મ્યા હતા. 1930થી 1936માં પૅરિસમાં અભ્યાસ કરતા કરતા તેઓ સામ્યવાદી જૂથોના સંપર્કમાં આવ્યા. એક સામ્યવાદી વર્તમાનપત્ર સાથે પણ તેઓ સંકળાયા હતા. આલ્બેનિયા પાછા આવી તેમણે શાળામાં ફ્રેન્ચ ભાષાના શિક્ષક તરીકે કામ કર્યું.

એન્વર હોક્ષા

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આલ્બેનિયામાં સામ્યવાદીઓ સક્રિય બન્યા. 1941માં ત્યાં સામ્યવાદી પક્ષ સ્થપાયો. હોક્ષા પક્ષની કેન્દ્રીય સમિતિના સભ્ય બન્યા અને પક્ષના કામચલાઉ મહામંત્રી બન્યા. 1944માં તેઓ સરકારના વડાપ્રધાન બન્યા.

પાડોશી યુગોસ્લાવિયા બીજા વિશ્વયુદ્ધ પછી મજબૂત પરિસ્થિતિમાં આવ્યું. (યુગોસ્લાવિયાના સ્થાનિક સામ્યવાદી નેતાઓએ હિટલરનો સામનો કર્યો હતો.) આવા સંજોગોમાં એક આઝાદ દેશ તરીકે જીવવા હોક્ષાએ યુગોસ્લાવિયા અને સોવિયેત સંઘ તથા યુગોસ્લાવિયા અને ચીન વચ્ચેની હરીફાઈનો ઉપયોગ કર્યો. બીજી બાજુએ યુગોસ્લાવિયાએ આલ્બેનિયાના સામ્યવાદી નેતા કોકી ક્ષોક્ષે(Koci Xoxe)નો ઉપયોગ હોક્ષા સામે કર્યો. 1948માં ટીટો અને સ્ટાલિન વચ્ચેની હરીફાઈનો લાભ લઈ હોક્ષાએ કોકીને દૂર કર્યા અને ફાંસીએ ચડાવ્યા. આ પછીથી આલ્બેનિયાએ સોવિયેત સંઘ અને સ્ટાલિનતરફી નીતિ અપનાવી. 1953માં સ્ટાલિનનું મૃત્યુ થતાં અને ક્રુશ્ચૉફે ઉદારતાવાદી નીતિ અપનાવતાં સરમુખત્યાર હોક્ષાને વલણ બદલવું પડ્યું; પરંતુ સોવિયેત સંઘ અને ચીન વચ્ચે વધતી હરીફાઈનો લાભ લઈ હોક્ષાએ ચીનતરફી નીતિ અપનાવી. આ નીતિ પણ ખાસ સફળ થઈ નહિ અને હોક્ષા જીવનનાં છેલ્લાં વર્ષોમાં આલ્બેનિયા માટે સાથી વગરના રહ્યા.

મહેન્દ્ર ઠા. દેસાઈ