હો–ચી–મિન્હ (જ. 19 મે 1890, હોઆંગ ટ્રુ, મધ્ય વિયેટનામ; અ. 3 સપ્ટેમ્બર 1969, હાનોઈ) : વિયેટનામના ક્રાંતિકારી સામ્યવાદી નેતા અને ડેમોક્રૅટિક રિપબ્લિક ઑવ્ વિયેટનામ એટલે ઉત્તર વિયેટનામના પ્રમુખ 1945થી 1969 સુધી. તેમનું મૂળ નામ ગુયેન ધેટ થાન હતું. હોના લશ્કરે 1954માં વિયેટનામના ફ્રેન્ચ શાસકોને હરાવ્યા ત્યારે તેઓ લોકપ્રિય થયા. પચાસ અને સાઠીના દાયકાઓમાં હોની સામ્યવાદી સરકારે દક્ષિણ વિયેટનામની સામ્યવાદી વિરોધી સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરતા બળવાખોરોની મદદે લશ્કર મોકલ્યું. હોનું 1969માં અવસાન થયા પછી પણ તેના અનુયાયીઓએ બળવાખોરોને મદદ ચાલુ રાખી અને 1975માં સામ્યવાદી લશ્કરે દક્ષિણ વિયેટનામ જીતી પોતાના અંકુશ હેઠળ લીધું.

હો–ચી–મિન્હ

હો 1920માં સામ્યવાદી બન્યા હતા અને ફ્રેન્ચ કમ્યુનિસ્ટ પાર્ટી સ્થાપવામાં મદદ કરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત નજીક હતો ત્યારે હો વિયેટનામની સરકારના વડા બન્યા. તેમની સરકાર ફ્રાન્સના શાસનની વિરોધી હતી. ઈ. સ. 1946માં ફ્રેન્ચો અને વિયેટમિન તરીકે જાણીતા હોના લશ્કર વચ્ચે લડાઈ થઈ. વિયેટમિને ફ્રેન્ચોને 1954માં હરાવ્યા, ત્યારબાદ મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદે વિયેટનામનું બે રાષ્ટ્રોમાં વિભાજન કર્યું હતું. હો ચી મિન્હના નામ પરથી સાઇગોનને હો ચી મિન્હ નામ આપવામાં આવ્યું.

જયકુમાર ર. શુક્લ