હૈદરાબાદ (ભારત)

February, 2009

હૈદરાબાદ (ભારત) : આંધ્રપ્રદેશનું પાટનગર, ભારતનાં મોટાં શહેરો પૈકીનું છઠ્ઠા ક્રમે આવતું શહેર તથા મહત્વનું વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 17° 25´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.. વિસ્તાર : 562 ચોકિમી.. તે મુંબઈથી અગ્નિકોણમાં આશરે 600 કિમી.ને અંતરે તથા ચેન્નાઈથી વાયવ્યમાં આશરે 500 કિમી.ને અંતરે આવેલું છે.

હૈદરાબાદનું ભૂપૃષ્ઠ અસમતળ છે. અહીં ટેકરીઓ તથા નાનાં નાનાં અસંખ્ય (10 જેટલાં) તળાવો આવેલાં છે. બનઝારા, જ્યૂબિલી, ગોલકોંડા, નવાબત પહાડ, તિરુમાલાગિરિ અને મૌલા અલીની જાણીતી ટેકરીઓ છે; તેમની સરેરાશ ઊંચાઈ 500થી 600 મીટરની છે. હુસેન સાગર અને મીર આલમ અહીંનાં મુખ્ય જળાશયો છે. હુસેન સાગર હૈદરાબાદ અને સિકંદરાબાદને અલગ પાડે છે. દક્ષિણ તરફના મધ્યભાગમાં પશ્ચિમથી પૂર્વ તરફ મુસી નદી પસાર થાય છે. હૈદરાબાદ જૂનું શહેર છે, જ્યારે ઘણા મોટા વિસ્તારમાં પથરાયેલું સિકંદરાબાદ નવું વિકસેલું જોડકું શહેર છે. આ સ્થળ બંને બાજુના દરિયાથી દૂર અંતરિયાળમાં આવેલું હોવાથી તેની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી રહે છે.

હૈદરાબાદ

ઉનાળાનાં દિવસ-રાત્રિનાં તાપમાન અનુક્રમે 40° સે. અને 20° સે. તથા શિયાળાનાં દિવસ-રાત્રિનાં તાપમાન અનુક્રમે 22° સે. અને 13.8° સે. જેટલાં રહે છે. વરસાદ મધ્યમસરનો (900 મિમી. જેટલો) પડે છે.

અર્થતંત્ર : હૈદરાબાદ આંધ્રપ્રદેશનું અગત્યનું વેપારી મથક છે. અહીં આટાનાં, કાચનાં સાધનોનાં, બંદૂકોનાં, કાગળનાં, રેલવે રોલિંગ સ્ટૉકનાં, ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીનાં તથા સુતરાઉ અને રેશમી કાપડનાં કારખાનાં આવેલાં છે. આ શહેર ચાર મુખ્ય ઔદ્યોગિક વિભાગોમાં વહેંચાયેલું છે. આસામાબાદ રસાયણો અને સિગારેટનું મથક છે. સનતનગર અને કોજતપલ્લીમાં આવેલાં કારખાનાંઓમાં ધાતુકામ, રેફ્રિજરેટર અને ઘડિયાળોનું ઉત્પાદન થાય છે. મૌલા અલી અને નચારામમાં બિસ્કિટ, રસાયણો અને ઔષધીય પેદાશો બને છે. રામચંદ્રપુરમમાં વીજળી અને વીજાણુનાં ભારે સાધનોનું ઉત્પાદન લેવાય છે. હૈદરાબાદ વેપારી મથક હોવાથી અહીંની સડકો, રેલમાર્ગો અને હવાઈમાર્ગો મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈ સાથે જોડાયેલા છે.

વહીવટી વ્યવસ્થા : હૈદરાબાદ આંધ્રપ્રદેશનું પાટનગર હોવાથી રાજ્યની વિધાનસભા તેમજ અન્ય વહીવટી સંકુલો અહીં આવેલાં છે. આ ઉપરાંત આ શહેર હૈદરાબાદના વહીવટી જિલ્લાનું મુખ્ય મથક પણ છે. અહીંની મ્યુનિસિપલ કાઉન્સિલ શહેરની બધી જ જરૂરી સુવિધાઓની જવાબદારી સંભાળે છે.

પરિવહન : હૈદરાબાદ તેની આજુબાજુનાં રાજ્યો સાથે તેમજ ભારતનાં મુખ્ય શહેરો સાથે પાકા રસ્તાઓથી અને બ્રૉડ ગેજ રેલમાર્ગોથી સંકળાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 7 નાગપુર–બૅંગ્લોર તથા નં. 9 સોલાપુર–વિજયવાડાને સાંકળે છે. અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક મુંબઈ કે દિલ્હીનાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકો સાથે હરીફાઈ કરી શકે એવું બનાવાયું છું.

શહેરી વિભાગો અને જોવાલાયક સ્થળો : શહેરના ઉત્તર વિભાગમાં સનતનગર, સિકંદરાબાદ, બેગમપેટ, બોવેનપલ્લી બઝાર, હવાઈમથક; પૂર્વ વિભાગમાં નહેરુનગર, મુશિરાબાદ, લાલાપેટ, ઓસ્માનિયા યુનિવર્સિટી, સ્ટેટ આર્કાઇવ્ઝ, જાહેર પુસ્તકાલય, શહેરી મધ્યસ્થ પુસ્તકાલય, ગાંધી હૉસ્પિટલ; દક્ષિણ વિભાગમાં અંબરપેટ, બ્રિટિશ લાઇબ્રેરી, ગાંધીભવન, ધારાકીય સભાગૃહ (લેજિસ્લેટિવ ઍૅસેમ્બ્લી), જવાહર બાલભવન, સ્ટેટ મ્યુઝિયમ, સ્ટેડિયમ, ઓસ્માનિયા જનરલ હૉસ્પિટલ, રેસ કોર્સ, સાલારજંગ મ્યુઝિયમ, જામા મસ્જિદ, મક્કા મસ્જિદ, જહન્નુમા, શિવરામપલ્લી, નૅશનલ પોલીસ એકૅડેમી, એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, આસ્માનાગઢ ફૉર્ટ, વેંકટેશ્વર મંદિર, આસિફનગર; પશ્ચિમ વિભાગમાં લંગર હાઉસ, કુત્બશાહી બાદશાહોની કબરો, ગોલકોંડા ફૉર્ટ, બનઝારા હિલ્સ, ઍડ્મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ, રાજભવન, ઑર્થોપિડિક હૉસ્પિટલ, સંજીવરેડ્ડીનગર, મેન્ટલ હૉસ્પિટલ, ગવર્નમેન્ટ હૉસ્પિટલ અને લાલ મસ્જિદ આવેલાં છે.

મક્કા મસ્જિદ

ગોલકોંડા કિલ્લો

હૈદરાબાદની મધ્યમાં આવેલી ચાર મિનાર નામની ઇમારત દક્ષિણ ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ અને ભવ્ય છે, વાસ્તવમાં તે હૈદરાબાદની ઓળખનું એક પ્રતીક બની રહેલી છે. તેની નીચેના ભાગમાં વિશાળ કમાનોવાળા દરવાજા છે, ઉપર તરફ ચાર ખૂણે ચાર મિનારા છે. તેના દરવાજાઓમાંથી શહેરમાં જવા-આવવાના માર્ગો પસાર થાય છે. પથ્થરમાંથી બનાવેલી આ ભવ્ય ઇમારતની ઊંચાઈ તેના તળભાગથી આશરે 50 મીટર જેટલી છે. સોળમી સદીમાં પ્લેગની સમાપ્તિની ઉજવણી નિમિત્તે 1591માં મુસ્લિમ શાસક મુહમ્મદ કલી કુત્બશાહે આ ચાર મિનાર બંધાવેલો. ચાર મિનારની નજીકમાં દુનિયાભરમાં મોટામાં મોટી ગણાતી મક્કા મસ્જિદ આવેલી છે. તેમાં 10,000થી વધુ નમાજીઓનો સમાવેશ થઈ શકે છે. તેનું બાંધકામ મુહમ્મદ કલી કુત્બશાહના શાસન વખતે શરૂ થયેલું; પરંતુ તે 1687 સુધી પૂરું થયેલું નહિ. ઉપલબ્ધ નોંધ મુજબ, આ બાંધકામ માટે ગ્રૅનાઇટના દરવાજાઓની કમાનો તેમજ દળદાર પથ્થરોનાં ચોસલાં 10 કિમી. દૂરની ખાણોમાંથી કુલ 1400 બળદોની ટીમ દ્વારા આ સ્થળે ખેંચીને લાવવામાં આવેલાં.

હૈદરાબાદથી પશ્ચિમ તરફ આશરે 10 કિમી. અંતરે ગોલકોંડા કિલ્લાનાં ખંડિયેરો આવેલાં છે. આ કિલ્લો ગ્રૅનાઇટના પથ્થરોથી બાંધેલો, તે એક આખી ટેકરીની બાજુને આવરી લે છે. તે વહીવટી કેન્દ્ર અને માર્કેટનું સ્થળ હતો. ગોલકોંડા વર્ષો સુધી નજીકની ખાણોમાંથી મળતા હીરાનું માર્કેટ બની રહેલું. આ કિલ્લો 16મી અને 17મી સદી દરમિયાન બાંધવામાં આવેલો, ત્યારે મુસ્લિમ કુત્બશાહી બાદશાહોનું શાસન હતું; તેમ છતાં આ કિલ્લાનું મૂળ બાંધકામ તે પહેલાંના હિન્દુ કાળગાળા સુધી લઈ જઈ શકાય તેમ છે.

અહીંનું બિરલા મંદિર આધુનિક શૈલીનું હિન્દુ મંદિર છે, તે હુસેન સાગર સરોવર નજીક ઊંચાઈ પર બાંધેલું છે. આજે તે ખૂબ જ જાણીતું હિન્દુ તીર્થ યાત્રાધામ બની રહેલું છે.

બિરલા મંદિર

ભારતભરમાં ખ્યાતિ પામેલું સાલારજંગ મ્યુઝિયમ શહેરના દક્ષિણ ભાગમાં મુસી નદીના કાંઠે આવેલું છે. નિઝામના મુખ્ય પ્રધાન મીર યુસુફ અલી સાલારજંગે તે તૈયાર કરાવેલું, તેમાં વિવિધ પ્રકારની વસ્તુઓના 35,000 જેટલા નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે. હૈદરાબાદના નહેરુ પ્રાણીઉદ્યાનમાં પ્રાણીઓની જુદી જુદી જાતિઓ જોવા મળે છે. દુનિયામાં ભાગ્યે જ જોવા મળતા સફેદ મોર અહીંની વિશેષતા ગણાય છે.

સાલારજંગ મ્યુઝિયમ

વસ્તી–લોકો : હૈદરાબાદ ખૂબ જ ગીચ વસ્તી ધરાવતું શહેર છે. 2001 મુજબ આ શહેરની કુલ વસ્તી 38,29,753 જેટલી છે. તે ઇસ્લામી સંસ્કૃતિનું કેન્દ્ર ગણાય છે. કુલ વસ્તી પૈકી આશરે 66 % લોકો હિન્દુ અને 33 % લોકો મુસ્લિમ છે. ખ્રિસ્તી અને અન્ય ધર્મના લોકો તદ્દન ઓછી લઘુમતી ધરાવે છે. વસ્તીનો આશરે 50 % ભાગ તેલુગુભાષી; આશરે 37 % લોકો ઉર્દૂભાષી અને આશરે 13 % લોકો અન્યભાષી છે. અહીંનો શિક્ષિત વર્ગ અંગ્રેજી ભાષા પણ જાણે છે.

આ શહેરમાં ઘણાં સંગ્રહાલયો અને કૉલેજો છે. અહીં આવેલી ત્રણ યુનિવર્સિટીઓ પૈકીની ઓસ્માનિયા યુનિવર્સિટી ખૂબ જાણીતી છે. શહેરમાં આવેલી સંશોધન સંસ્થાઓ પૈકી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એશિયન સ્ટડીઝ અને અબ્દુલ કલામ આઝાદ ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય છે; વળી અહીં ભૂભૌતિકશાસ્ત્ર, ભારે રસાયણો અને પોષણ જેવા વિષયો પર પણ સંશોધન ચાલે છે. સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી અને ઑરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી અહીંનાં મુખ્ય પુસ્તકાલયો છે.

હૈદરાબાદમાં ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી(IIIT)ની સંસ્થા, બાયોટૅક રિસર્ચ, ફાર્મસીઓ, માઇક્રોસૉફ્ટનાં ઇન્ફોસિસ ઑરેકલ(Infosys Oracle)નાં કાર્યાલયો આવેલાં હોવાથી તેને ‘હાઇટૅક સિટી’(Hightech City)ની ઉપમા અપાઈ છે, તેથી જ તેને સાયબરાબાદ નામ યથાર્થ રીતે અપાયેલું છે.

હૈદરાબાદ શહેરને ચોખ્ખું રાખવા અહીંની મ્યુનિસિપાલિટી પૂરતા પ્રયાસો કરે છે, તે માટે તેની 65 % સેવાઓ ખાનગી કૉન્ટ્રેક્ટ દ્વારા પૂરી કરાય છે, જોકે ત્યાંના જાગ્રત નાગરિકો પણ પૂરતો સહકાર આપે છે. કેટલાંક વર્ષો અગાઉ આ શહેરને Indian Clean Cityનો ઍવૉર્ડ પણ મળેલો. આ શહેરને બાગબગીચા, ઉદ્યાનો અને વૃક્ષોથી હરિયાળું બનાવાયું છે.

ઇતિહાસ : નિઝામુલ્મુલ્ક તરીકે જાણીતા મીર કમરુદ્દીન ચિનકિલિચખાને ઈ. સ. 1725માં હૈદરાબાદમાં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. તેણે હૈદરાબાદ રાજ્યને મજબૂત બનાવ્યું. તે મહાન સેનાપતિ, મુત્સદ્દી અને વહીવટદાર હતો. તે અસફજાહનો ઇલકાબ પણ ધરાવતો હતો. તેણે હૈદરાબાદમાં નિઝામ વંશ સ્થાપ્યો. ઈ. સ. 1748માં તેના મૃત્યુ બાદ થયેલ વારસાવિગ્રહના અંતે તેનો પુત્ર સલાબતજંગ ફ્રેન્ચોની મદદથી નિઝામ બન્યો. તેના ભાઈ નિઝામઅલીએ 1761માં તેને પદભ્રષ્ટ કર્યો. અંગ્રેજોએ હૈદરાબાદના લશ્કરને પાછું કાઢી, નિઝામઅલીને રક્ષણ આપી કેટલાક પ્રદેશો કબજે કર્યા. મૈસૂરના હૈદરઅલીના પક્ષમાં ભળીને, મછલીપટ્ટમની સંધિ(1768)માં નિઝામે અંગ્રેજોનું વર્ચસ્ સ્વીકાર્યું. સહાયકારી યોજના મુજબ ઈ. સ. 1798થી બ્રિટિશ રેસિડેન્ટ અને સહાયકારી સૈન્ય તેના પ્રદેશોમાં રાખવામાં આવ્યું. નિઝામે તેના લશ્કરને સારા પ્રમાણમાં ઘટાડવું પડ્યું. નિઝામે સહાયકારી લશ્કરના ખર્ચ પેટે અંગ્રેજોને કેટલાક પ્રદેશો આપવા પડ્યા. સિકંદરજાહ(1803–1829)ના સમયમાં અરાજકતા વ્યાપી અને સ્થાનિક બળવા દબાવી દેવા અંગ્રેજોના લશ્કરની મદદ લેવી પડી. નાસીરુદ્દૌલા 1829માં ગાદીએ બેઠો. તેણે અંગ્રેજોની દરમિયાનગીરી દૂર કરાવી. 1857ના વિપ્લવ દરમિયાન નિઝામ બ્રિટિશ સરકારને વફાદાર રહ્યો હતો. તેના બદલા રૂપે ડિસેમ્બર 1860માં એક નવી સંધિ કરીને નિઝામનું રૂપિયા 50 લાખનું દેવું રદ કરવામાં આવ્યું અને તેના કેટલાક પ્રદેશો અંગ્રેજોએ પરત કર્યા. ઈ. સ. 1911માં છેલ્લા નિઝામ મીર ઉસમાન અલીખાન (જ. 6 એપ્રિલ 1886) ગાદીએ બેઠા. તેઓ દુનિયામાં સૌથી વધારે શ્રીમંત ગણાતા હતા. તેમણે 1918માં ઓસ્માનિયા યુનિવર્સિટી સ્થાપી. રાજ્યમાં રેલવે અને રસ્તાની સગવડ કરી તથા સિંચાઈ માટે નહેરો કરાવી. ભારત સ્વતંત્ર થયા બાદ નિઝામે સ્વતંત્ર રહેવાનો પ્રયાસ કર્યો; પરંતુ તેમના રાજ્યની ચારે બાજુએ ભારતના પ્રદેશો આવેલા હોવાથી સંરક્ષણ સલામતીને ખાતર તે ભારત સાથે જોડાય તે યોગ્ય હતું. તેની વસ્તીના 85 ટકા લોકો હિંદુ હતા. ભારતે 15 સપ્ટેમ્બર, 1948ના રોજ હૈદરાબાદમાં લશ્કર મોકલી તેનો કબજો લીધો. નિઝામને પેન્શન આપવામાં આવ્યું.

સિકંદરાબાદ : આંધ્રપ્રદેશના પાટનગર હૈદરાબાદનું જોડિયું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 23´ ઉ. અ. અને 78° 29´ પૂ. રે.. તે હૈદરાબાદની અડોઅડ ઉત્તર તરફ આવેલું છે તથા હુસેન સાગર દ્વારા હૈદરાબાદથી અલગ પડે છે.

અહીંની આબોહવા પ્રમાણમાં ગરમ રહે છે. ઉનાળાનાં મહત્તમ અને લઘુતમ તાપમાન 40° સે. અને 22° સે. તથા શિયાળાનાં મહત્તમ અને લઘુતમ તાપમાન 22° સે. અને 14° સે. જેટલાં રહે છે. અહીં જે થોડોઘણો વરસાદ પડે છે તે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પડી જાય છે. પાછા વળતા ઈશાની પવનો ક્યારેક થોડો વરસાદ આપી જાય છે. અહીંનો સરેરાશ વરસાદ 900 મિમી. જેટલો પડે છે.

અહીં બ્રિટિશ શાસન દરમિયાન, ભારતની તે સમયની સૌથી મોટી ગણાતી લશ્કરી છાવણી ઊભી કરવામાં આવી હતી. 1806માં હૈદરાબાદના નિઝામવંશના સિકંદર જહા(અસફ જહા ત્રીજા)એ સિકંદરાબાદ વસાવેલું. આજે આ નગર મધ્ય રેલવિભાગનું જંક્શન બની રહેલું છે; આ ઉપરાંત તે જથ્થાબંધ વેપાર અને વાણિજ્યનું મથક બન્યું છે. અહીંનાં જાણીતાં ધાર્મિક સ્થળોમાં સેંટ જ્હૉનના ચર્ચ તેમજ સેંટ મૅરીના કેથીડ્રલ(1847)નો સમાવેશ થાય છે. આજે પણ આ નગર ખ્રિસ્તી સંપ્રદાયનું એક મહત્ત્વનું મથક છે. અહીં મહત્વનાં શૈક્ષણિક સંકુલો વિકસ્યાં હોવાથી તે ‘સાયબરાબાદ’ નામથી પણ જાણીતું બન્યું છે.

હુસેનસાગરના કાંઠા પર ‘જિબ્રાલ્ટર રૉક’ પર ભગવાન બુદ્ધની 16 મીટર ઊંચી પ્રતિમા ગોઠવી છે. આ રાજ્યના કેટલાક પ્રતિભાશાળી નાગરિકોનાં પૂરા કદનાં બાવલાં પણ અહીં જોવા મળે છે. આ શહેરમાં જનારને હિન્દુ-મુસ્લિમ સંયુક્ત સંસ્કૃતિ વિકસી હોવાનો ખ્યાલ આવે છે. 2001 મુજબ સિકંદરાબાદની વસ્તી 2,04,182 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

જયકુમાર શુક્લ