હૈદર કુલીખાન

February, 2009

હૈદર કુલીખાન (18મી સદીનો પૂર્વાર્ધ) : ઈ. સ. 1721–22 દરમિયાન મુઘલ શહેનશાહનો ગુજરાતનો સૂબેદાર. ઈ. સ. 1715માં ગુજરાતના સૂબેદાર નીમવામાં આવેલ અજિતસિંહે તેને ગુજરાતનો દીવાન નીમ્યો હતો. તે એક બાહોશ સેનાપતિ હતો. પછીથી તેને ખંભાત અને સૂરતના મુત્સદ્દી (નવાબ) તરીકે નીમવામાં આવ્યો હતો. તેને વડોદરા, ભરૂચ, નાંદોદ અને અરહર-માતરનો ફોજદાર પણ બનાવવામાં આવ્યો હતો. તેણે સૂરતમાં રહેવાનું પસંદ કર્યું અને બાકીનાં સ્થળોએ પોતાના નાયબો નીમ્યા હતા. ઈ. સ. 1716માં સોરઠની ફોજદારી પણ તેને આપવામાં આવી હતી.

ઈ. સ. 1717માં ખાન દૌરાન મુઘલ શહેનશાહનો ગુજરાતનો સૂબેદાર નિમાયો. તે દિલ્હી દરબારમાં ઘણો પ્રભાવશાળી અને નામાંકિત અમીર હોવાથી પોતે દિલ્હીમાં જ રહ્યો અને ડિસેમ્બર 1717માં તેણે હૈદર કુલીખાનને ગુજરાતમાં પોતાના નાયબ તરીકે નીમ્યો. તેથી તે સૂરતથી પોતાના સૈન્ય સાથે કૂચ કરીને અમદાવાદ આવ્યો. તે પછી તેણે વડોદરા પરગણામાં અને મહીપ્રદેશમાં ઉપદ્રવ કરતા કોળીઓને અંકુશમાં લીધા.

તેના ટૂંકા નાયબપદ દરમિયાન ગુજરાતમાં ઈ. સ. 1718માં ‘ચુમોતેરિયો’ દુકાળ (સંવત 1774માં) પડ્યો. આ દુકાળની અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અસર થઈ. અનાજના ભાવ ખૂબ ઊંચા ગયા. ચાર શેર (એક શેર = 430 ગ્રામ) બાજરીનો ભાવ એક રૂપિયો આપવા છતાં, બાજરી મળતી ન હતી. હૈદર કુલીખાનના હુકમથી બધું અનાજ અમદાવાદ લાવી, દીવાન રઘુનાથદાસને ત્યાં ભેગું કરવામાં આવ્યું અને ત્યાંથી વેચવામાં આવતું. આ દુકાળમાં મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા. કેટલાક લોકોને એક કે બે રૂપિયામાં પોતાનાં સંતાનોને વેચવા પડ્યાં હતાં.

જૂન 1718માં તે દિલ્હી ગયો. ત્યાં સૈયદ ભાઈઓની સત્તાના પતનમાં તેણે કીમતી સેવાઓ આપી. તેથી તેને ‘મુઇઝુદ્દૌલા’નો ખિતાબ આપી, મે 1721માં ગુજરાતનો સૂબેદાર નીમવામાં આવ્યો. તે વખતે મુહમ્મદશાહ મુઘલ શહેનશાહ હતો. હૈદર કુલીખાને પોતાના વતી ગુજરાતનો વહીવટ કરવા, ઉમરાવ માસૂમ કુલીખાનને ‘શુજાતખાન’નો ખિતાબ આપી, પોતાના નાયબ તરીકે મોકલ્યો.

દિલ્હીમાં વજીર તરીકે નિમાયેલા નિઝામ-ઉલ્-મુલ્કે પોતાનો હોદ્દો સંભાળી લેતાં, વજીરપદ મેળવવાની આશા રાખીને બેઠેલ હૈદર કુલીખાન નિરાશ થયો અને એપ્રિલ 1722માં ગુજરાતમાં આવવા નીકળ્યો. ખેડા જિલ્લાના ઠાસરા નજીકના ડભાલી ગામના મુસ્લિમો સાથે તેના સૈનિકોને ઝઘડો થતાં તેણે આખા ગામને બાળી નાખ્યું, ગામના લગભગ બધા લોકોની ઘાતકી કતલ કરી. તે પછી 3 જુલાઈ, 1722ના રોજ તે અમદાવાદ આવ્યો. પોતે એક સ્વતંત્ર શાસક હોય એ રીતે વહીવટ કરવા લાગ્યો. શાહી ફરમાનથી મનસબદારોને તથા બીજા અધિકારીઓને આપવામાં આવેલી જાગીરો, તેણે જપ્ત કરીને પોતાના નજીકના માણસોમાં વહેંચી આપી. મુઘલ બાદશાહને તેની જાણ થતાં, બાદશાહે જાગીરોની બાબતમાં દરમિયાનગીરી ન કરવા તેને હુકમ કર્યો. તેણે હુકમની અવગણના કરી. જ્યારે દિલ્હી પાસેની તેની જમીનો ટાંચમાં લેવામાં આવી, ત્યારે તેણે નમતું આપ્યું.

હૈદર કુલીખાને મુઘલ શહેનશાહના કેટલાક વિશેષાધિકાર ભોગવવા માંડ્યા. શાહી તબેલા વાસ્તે સૂરતથી ખરીદેલા અરબી ઘોડા દિલ્હી જતાં અમદાવાદ આવ્યા ત્યારે તેણે પોતાના માટે કેટલાક ઘોડા રાખી લીધા. બીજા ઘોડા પોતાના મિત્રોને આપ્યા. તેણે પોતાના કેટલાક અધિકારીઓને પાલખીમાં બેસીને ફરવાનો હક આપ્યો; જે ફક્ત શાહી પરિવારના સભ્યને કે ઉચ્ચ ઉમરાવને જ હતો. તેણે જાહેરમાં ફરિયાદો સાંભળવાનું શરૂ કર્યું. તે બહાર જતો ત્યારે શહેનશાહ જેવો ભપકો રાખીને નીકળતો. પોતાનું સ્થાન મજબૂત કરવા, તેણે મોટી સંખ્યામાં આરબો, સીદીઓ તથા ફ્રેન્ચોને નોકરીમાં રાખ્યા. તેના વિશે બાદશાહને ફરિયાદો પહોંચી ગઈ હતી. તે લુણાવાડા અને ડુંગરપુરના રાજાઓ અને સાબરકાંઠાના સરદારો પાસેથી ખંડણી ઉઘરાવીને પાછાં આવતાં એને જાણ થઈ કે તેના વિરુદ્ધ ફરિયાદો થઈ છે અને બાદશાહ તેના ઉપર ગુસ્સે થયા છે. તેણે અમદાવાદ જઈને ઘણાં જુલમી પગલાં પાછાં ખેંચી લીધાં; પરંતુ તેને સૂબેદારપદેથી દૂર કરીને નિઝામ-ઉલ્-મુલ્કને નીમવામાં આવ્યો હતો (ઑક્ટોબર, 1722). હૈદર કુલીખાન દિલ્હી ગયો (1723) ત્યારે બાદશાહે તેને આવકાર્યો અને તેની શક્તિઓનો લાભ લેવા મારવાડના મહારાજા અજિતસિંહે કરેલ બંડ સામે યુદ્ધનું સંચાલન કરવા અજમેરના સૂબેદાર તરીકે નીમ્યો.

હૈદર કુલીખાન સૂરતનો નવાબ (મુત્સદ્દી) હતો ત્યારે મરાઠાઓના સતત ભયથી, શહેર તથા આસપાસનાં પરાંઓ સહિતની વસ્તીને આવરી લેતો ‘આલમપનાહ’ નામથી પાકો કોટ ઈ. સ. 1717માં બંધાવવો શરૂ કર્યો. તે કામ 1721 સુધી ચાલ્યું હતું.

જયકુમાર ર. શુક્લ