હૈદરઅલી (જ. 1722, બુડીકોટ, દક્ષિણ ભારત; અ. 7 ડિસેમ્બર 1782, ચિત્તુર, દક્ષિણ ભારત) : લશ્કરના ઘોડેસવારમાંથી બનેલો કાર્યદક્ષ સેનાપતિ અને મૈસૂરનો શાસક. રાજ્યના સર્વાધિકારી નંજરાજે, ગોળીબારમાં તેની હોશિયારી જોઈને 1749માં તેને 50 ઘોડેસવારોનો નાયક નીમ્યો. ત્રિચિનોપલી પરની ચડાઈમાં તેની બહાદુરી અને નીડરતાની કદર કરીને તેને 1500 ઘોડેસવાર, 3000ના પાયદળ તથા 4 તોપનો વડો નીમવામાં આવ્યો. તે પછી તેને ડિંડીગુલનો ફોજદાર (1755–57) નીમવામાં આવ્યો. તે મહત્વાકાંક્ષી હતો અને પોતાને મળેલી તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરતો. ઈ. સ. 1758માં મરાઠા લશ્કરે મૈસૂર પર આક્રમણ કર્યું ત્યારે હૈદરે સેનાપતિપદ સંભાળ્યું હતું. નંજરાજે અગાઉ કબૂલ કરેલા 32 લાખ રૂપિયા આપે, તો મરાઠા સૈન્ય પાછું જવા તૈયાર થયું. તેમાંની અડધી રકમ ફરજિયાત ફાળો કરીને આપવામાં આવી. બાકીની રકમ ચૂકવવાની હૈદરે ખાતરી આપી અને મરાઠાઓને સોંપી દીધેલા 13 જિલ્લા તેણે પોતાના અંકુશમાં લીધા. તેણે રાજ્યના દીવાન ખંડેરાવની મદદથી, મૈસૂર રાજ્યમાં વાસ્તવિક સત્તા ભોગવતા નંજરાજને દૂર કર્યો. હૈદરની સત્તા હેઠળ મૈસૂરનું અડધું રાજ્ય હતું; પરંતુ ત્યાંનો રાજા નબળો હોવાથી હૈદર વાસ્તવમાં આખા રાજ્ય પર શાસન કરવા લાગ્યો.
હૈદરઅલી
ઈ. સ. 1761’63 દરમિયાન તેણે હોસ્કોટ, દોદબલ્લાપુર અને સેરા જીત્યા. તેણે બેદનુર ઉપર ચડાઈ કરી, ત્યાંના સગીર રાજાને જેલમાં પૂરી બેદનુરમાં લૂંટ કરીને અઢળક સંપત્તિ મેળવી. પાછળથી બેદનુરને હૈદરનગર નામ આપવામાં આવ્યું. હૈદર સામ્રાજ્યવાદી હતો. પોતાનો પ્રદેશ વિસ્તારવા જતાં તેને મરાઠા સાથે સંઘર્ષ કરવો પડ્યો; પરંતુ ધારવાડના અગ્નિ (દક્ષિણ–પૂર્વ) ખૂણે આવેલ રાતેહલ્લી પાસે તેની હાર થઈ. મરાઠા સાથે સંધિ કરી તે મુજબ હૈદરે રૂપિયા 28 લાખ મરાઠાઓને આપ્યા અને તુંગભદ્રાની આગળના અને કૃષ્ણા તથા તુંગભદ્રા વચ્ચેના પ્રદેશો પાછા મેળવ્યા. નવેમ્બર, 1766માં પેશવા માધવરાવે ફરી મૈસૂર પર ચડાઈ કરી. હૈદરે સંધિની માગણી કરી. હૈદર, પેશવાને 33 લાખ રૂપિયા ખંડણી પેટે આપવા કબૂલ થયો અને પેશવાએ કબજે કરેલા મોટા ભાગના પ્રદેશો પાછા મેળવ્યા. તેમાં સેરા, ચીક બલ્લાપુર અને કોલર હતા; પરંતુ દોદબલ્લાપુર, હોસ્કોટ વગેરે પોતાની પાસે રાખ્યા.
મરાઠાઓનાં પ્રભાવક્ષેત્રોમાં હૈદરના સતત અતિક્રમણને લીધે પેશવા માધવરાવે 1769માં મૈસૂર પર ફરીથી ચડાઈ કરી; પરંતુ પેશવા બીમાર પડ્યો. તેના સરદાર ત્રંબકરાવે 5 માર્ચ, 1771ના રોજ ચીનકુર્લીની લડાઈમાં હૈદરને હરાવી, તેનું તોપખાનું, સરંજામ વગેરે કબજે કર્યાં. હૈદર અને તેનો પુત્ર ટીપુ કેદ થતાં બચી ગયા. હૈદરે મરાઠાઓને રૂપિયા 60 લાખ આપવા કબૂલ કર્યું. હૈદરના સદનસીબે નવેમ્બર, 1772માં પેશવા માધવરાવનું અવસાન થયું. તે પછી મરાઠા રાજ્યમાં અવ્યવસ્થા પ્રવર્તી. તેનો લાભ લઈને હૈદરે પોતાના ગુમાવેલા પ્રદેશો પાછા મેળવ્યા, તુંગભદ્રા સુધીના પ્રદેશો જીત્યા અને કૃષ્ણા નદી સુધી રાજ્ય વિસ્તાર્યું. તે પછી નારાયણરાવનું ખૂન થવાથી, મરાઠા રાજ્યમાં અરાજકતા પ્રવર્તી અને આંતરવિગ્રહ થયો. ફેબ્રુઆરી 1774થી એપ્રિલ 1776 દરમિયાન હૈદરે માધવરાવે જીતેલા પ્રદેશો કબજે કર્યા તથા બેલારી કુડ્ડાપા, ગૂટી તથા કર્નુલ ખાલસા કર્યાં. તેણે 1780માં કુર્ગ મેળવ્યું અને તુંગભદ્રાની દક્ષિણનાં મરાઠાઓનાં પ્રભાવક્ષેત્રો કબજે કર્યાં. મરાઠાઓના પ્રદેશોમાંથી હૈદરને દૂર કરવા હરિપંત તથા નિઝામના ઇબ્રાહીમખાનને સૈન્ય સાથે મોકલ્યા; પરંતુ તેઓ કંઈ અસરકારક થઈ શક્યા નહિ.
આ દરમિયાન તેના દરબારમાં ફ્રેન્ચોનો પ્રભાવ વધ્યો. તેના તંત્રમાં ફ્રેન્ચ અધિકારીઓ નીમવામાં આવ્યા. હૈદરે તે અગાઉ મે 1766માં મરાઠા અને નિઝામ વિરુદ્ધ અંગ્રેજો સાથે રક્ષણાત્મક સંધિની દરખાસ્ત મૂકી હતી; પરંતુ અંગ્રેજોએ તેના પર ધ્યાન આપ્યું નહિ. તેણે મરાઠા સાથે અલગ સંધિ કરી. નિઝામને પોતાની સાથે રાખીને અંગ્રેજો વિરુદ્ધ કરેલી લડાઈમાં ચંગમા અને ત્રિણોમલી પાસે હૈદર અને નિઝામનો પરાજય થયો. નિઝામ લડાઈમાંથી ખસી ગયો. હૈદરે લડાઈ ચાલુ રાખી. વણિયામ્બદી (ડિસેમ્બર, 1767), મુલ બાગલ (4 ઑક્ટોબર, 1768) અને અરિથાલુર(22 નવેમ્બર, 1768)માં થયેલી લડાઈઓમાં હૈદર જીત્યો નહિ; પરંતુ લડાઈ ચાલુ રાખી. તે અશ્વદળ સાથે ચેન્નાઈ (મદ્રાસ) પહોંચી ગયો. તેનાથી ભયભીત થયેલી ચેન્નાઈની બ્રિટિશ સરકારે 4 એપ્રિલ, 1769ના રોજ જીતેલા પ્રદેશો પરસ્પર પાછા સોંપવાની અને રક્ષણાત્મક જોડાણની સંધિ કરી; પરંતુ જાન્યુઆરી, 1770માં મરાઠાઓએ મૈસૂર પર ચડાઈ કરી, ત્યારે અંગ્રેજોએ મદદ ન કરી અને સંધિનો ભંગ કર્યો. આ અને બીજા અનુભવો પરથી તેને ખાતરી થઈ કે અંગ્રેજો કદી મદદરૂપ થશે નહિ, તેમની મૈત્રી પર આધાર રાખવો નહિ. ફ્રેન્ચોએ તેને શસ્ત્રસરંજામ આપ્યા. માર્ચ, 1779માં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ફ્રેન્ચોની સત્તા હેઠળનું અને હૈદરના રક્ષણ હેઠળનું મલબાર કિનારાનું માહે બંદર અંગ્રેજોએ કબજે કર્યું. અંગ્રેજો હૈદરના પ્રદેશમાં થઈને લશ્કર લઈ ગયા. તેથી જુલાઈ 1780માં, હૈદરે કર્ણાટક પર વિશાળ લશ્કર સાથે આક્રમણ કર્યું. અંગ્રેજો તેનાથી ભયભીત થયા. હૈદરે ત્યાં ભયંકર વિનાશ કર્યો. બેઇલી હેઠળની અંગ્રેજ ટુકડીને ઘેરીને હૈદરે કતલ કરી. બક્સરનો વિજેતા મેજર મન્રો, તોપખાનું છોડીને પીછેહઠ કરી ગભરાટમાં ચેન્નાઈ નાસી ગયો અને પોતાની આબરૂ કલંકિત કરી. છતાં 1 જુલાઈ, 1781ના રોજ પોર્ટો નોવોની, 27 સપ્ટેમ્બરના રોજ પોલીમોરની અને 27 ઑક્ટોબર, 1781ના રોજ સોલિંગરની લડાઈમાં અંગ્રેજ સરસેનાપતિ કર્નલ આયર કૂટે હૈદરને હરાવ્યો. આ પરાજયોથી હૈદરની પ્રતિષ્ઠા ઘટી. ઈ. સ. 1782માં હૈદરના પુત્ર ટીપુએ કોલેરુનની દક્ષિણે છાવણી નાખીને પડેલા બ્રિટિશ સૈન્યની ટુકડી પર એકાએક હુમલો કરી, કતલ કરી અને કર્નલ બ્રેથવેઇટને કેદ કર્યો. આ દરમિયાન હૈદર મરણ પામ્યો. યુરોપમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સંધિ થયા બાદ, 11 માર્ચ, 1784ના રોજ ટીપુએ મેંગલોરની સંધિ કરી.
હૈદરે સામાન્ય ઘોડેસવાર સૈનિકમાંથી પોતાનું રાજ્ય સ્થાપ્યું. તેણે રાજા કે સુલતાનનો ખિતાબ ધારણ કર્યો ન હતો. મૈસૂરના રાજા પ્રત્યે તે પેશવાના જેવો વર્તાવ રાખતો. પોતાના રાજ્યને તેણે મોટા જિલ્લાઓમાં વહેંચીને તેના વહીવટ વાસ્તે આમીલદારો નીમ્યા હતા. હૈદરની મૈસૂરની સરકાર આપખુદ રાજાશાહી જેવી હતી. દરેક ખાતા ઉપર તે પોતે દેખરેખ રાખતો. તેના રાજ્યમાં નિષ્પક્ષ ન્યાય આપવામાં આવતો. શક્તિશાળી વ્યક્તિઓને મહત્વના હોદ્દા પર નીમવામાં આવતી. શ્રીરંગપટ્ટમમાં 1774માં લાગેલી આગમાં રંગાસ્વામીના મંદિરનો કેટલોક ભાગ બળી ગયો. હૈદરે માત્ર એક મહિનામાં તે મંદિર ફરી બંધાવી આપ્યું. તેણે ‘દરિયા દોલત’ અને ‘લાલ બાગ’ બંધાવ્યાં તથા ‘ગંજમ શહર’ વસાવ્યું. તેની લશ્કરી વ્યવસ્થા કાર્યક્ષમ હતી. એંગ્લો-મૈસૂર યુદ્ધ (1767) થયું ત્યારે તેના લશ્કરમાં 210 યુરોપિયન અફસરો, 800 ઉત્તમ મુઘલ ઘોડેસવારો, 12,000 અન્ય ઘોડેસવારો, 5,000 હાથબૉંબ ફેંકનાર સૈનિકો, 8,000 હિંદી સિપાઈઓ તથા અન્ય હથિયારધારી સૈનિકો હતા. તેણે 1780માં કર્ણાટક પર આક્રમણ કર્યું ત્યારે તેની પાસે આશરે 90,000નું લશ્કર હતું. હૈદર પાસે નૌકાદળ પણ હતું અને પશ્ચિમ કાંઠે સદાશિવગઢથી કોચીન સુધી તેની હાક વાગતી. તેણે 1763–64માં બેદનુર તથા સોન્ડા જીત્યાં, તેથી હોનાવર, મેંગલોર, ભત્કલ અને સદાશિવગઢ બંદરો તેના કબજામાં આવ્યાં. તેની પાસે 1765માં 30 યુદ્ધજહાજો તથા મોટી સંખ્યામાં વાહનવ્યવહારનાં જહાજો હતાં. મલબાર જીતવામાં તેને પોતાનું નૌકાસૈન્ય ઘણું ઉપયોગી પુરવાર થયું હતું.
જયકુમાર ર. શુક્લ