હેલ, સેલાસી (જ. 23 જુલાઈ 1892, હેરર, ઇથિયોપિયા; અ. 27 ઑગસ્ટ 1975, એડિસ અબાબા) : 1930થી 1974 સુધી ઇથિયોપિયાનો સમ્રાટ. તે અગાઉ તફારી મેકોનન નામથી ઓળખાતો હતો. સમ્રાટ બન્યા પછી તેણે હેલ સેલાસી 1 ખિતાબ ધારણ કર્યો. રાજા સોલોમન અને શેબાની રાણી(Queen of Sheba)ના વંશનો હોવાનો તે દાવો કરતો. તેણે આપખુદ રાજાની જેમ શાસન કર્યું અને ગુલામી-નાબૂદી સહિત ઘણા સુધારા કર્યા.

સેલાસી હેલ

તેણે 1931માં દેશને બંધારણ આપ્યું. 1935માં બેનિટો મુસોલિનીના ફાસીવાદી લશ્કરે ઇથિયોપિયા પર આક્રમણ કર્યા બાદ હેલ સેલાસીને દુનિયાના બીજા દેશોની સહાનુભૂતિ અને પ્રશંસા મળ્યાં. તેણે લીગ ઑવ્ નૅશન્સ – રાષ્ટ્રસંઘની મદદ વાસ્તે વિનંતી કરી; પરંતુ રાષ્ટ્રસંઘ પાસે તે માટે કોઈ સત્તા નહોતી. મુસોલિનીએ ઇથિયોપિયાને ઇટાલીની સત્તા હેઠળનો પ્રદેશ કરી દીધો અને હેલ સેલાસી ઇંગ્લૅન્ડ નાસી ગયો અને 1941 સુધી ત્યાં રહ્યો. દ્વિતીય વિશ્વવિગ્રહ દરમિયાન બ્રિટિશ લશ્કરે ઇથિયોપિયાને મુક્ત કર્યું અને તેને ગાદીએ બેસાડ્યો. વિશ્વયુદ્ધ પશ્ચાત્ તેણે દેશને આધુનિક બનાવવાની યોજનાનો પુન: અમલ કર્યો; છતાં તેણે તેનું આપખુદ શાસન ચાલુ રાખ્યું અને તેની સામે વિરોધીઓ પેદા થયા. 1960થી તેની સામે આકસ્મિક બળવા થતા રહ્યા અને તેના ફલસ્વરૂપે તે વધુ આપખુદ બન્યો. આખરે 1974માં સત્તા હસ્તગત કરવામાં લશ્કરને સફળતા મળી. તેની સત્તા છીનવી લેવામાં આવી, તે પછી તેને ગાદી પરથી દૂર કરવામાં આવ્યો અને તેના રહેઠાણમાં અટકાયત હેઠળ રાખવામાં આવ્યો.

હેલ સેલાસીને શિક્ષણમાં ખૂબ રસ હતો. તેણે નવી ટૅકનિકલ તથા માધ્યમિક શાળાઓ અને હેલ સેલાસી 1 યુનિવર્સિટીની સ્થાપના કરી. તેણે ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે મોટી રકમોનો ખર્ચ કર્યો. તેણે 1963માં એડિસ અબાબામાં આફ્રિકાનાં રાજ્યોના વડાઓની એક પરિષદ બોલાવી. તેમાં આફ્રિકાની એકતા વાસ્તે ઑર્ગેનિઝેશન ઑવ્ આફ્રિકન યુનિટીની સ્થાપના કરી હતી.

જયકુમાર ર. શુક્લ