હેલસિન્કી : ફિનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. સ્વીડિશ નામ હેલસિંગફોર્સ. તે ફિનલૅન્ડના દક્ષિણ કાંઠે ફિનલૅન્ડના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 60° 10´ ઉ. અ. અને 24° 58´ પૂ. રે.. તે દેશનાં મુખ્ય બંદરો પૈકીનું એક છે તેમજ વેપાર-વાણિજ્યનું અને સાંસ્કૃતિક મથક પણ છે.

આ શહેરની આજુબાજુનો અખાત પહોળો અને રમણીય છે. શહેરમાં વૃક્ષોની હારથી શોભતા માર્ગો છે. જૂનાં અને નવાં સ્થાપત્યોથી શહેરની વિવિધતા અને શોભા વધી રહે છે. જૂના શહેરના મધ્ય ભાગમાં સેનેટ ચૉક આવેલો છે; ચૉકની ચારે બાજુ ઓગણીસમી સદીની સ્થાપત્યશૈલીવાળી ઘણી ઇમારતો છે. શહેરમાં સંસદભવન, ગવર્નમેન્ટ પૅલેસ, અઢારમી સદીનું ટાવર ધરાવતું લુથેરાન કેથીડ્રલ, ઓગણીસમી સદીની શરૂઆતમાં જર્મન સ્થપતિ કાર્લ લુડવિગ એન્જેલ દ્વારા નિર્માણ પામેલી ઘણી ઇમારતો તથા 1900ની આજુબાજુના અરસાની રાષ્ટ્રશૈલી મુજબની બીજી ઇમારતો આવેલી છે. ઇલિયલ સારીનેન દ્વારા બનાવાયેલું રેલમથક પણ જાણીતું છે.

 

મુખ્ય ચર્ચ, હેલસિન્કી

શહેરના મોટા ભાગના નિવાસીઓ ઍપાર્ટમૅન્ટોમાં રહે છે. વીસમી સદીના મધ્યકાળથી ઘણાં ઍપાર્ટમૅન્ટોને કાર્યાલયોમાં ફેરવી નાખવામાં આવ્યા છે, આ કારણે ઘણાખરા (20 %) નિવાસીઓ જુદાં જુદાં પરાંઓમાં રહેવા ગયા છે. પરાંનું આયોજન સુંદર રીતે કરવામાં આવેલું છે. શહેરમાં બે યુનિવર્સિટીઓ છે, તે પૈકી યુનિવર્સિટી ઑવ્ હેલસિન્કી મુખ્ય છે; બીજી ટૅકનિકલ યુનિવર્સિટી છે. આ ઉપરાંત અહીં ઉદ્યાનો, ઘણાં થિયેટરો, આર્ટ-ગૅલરીઓ અને સંગ્રહાલયો પણ છે. નજીકના ટાપુઓમાં નૌકાવિહાર, સ્કીઇંગ, તરણ તેમજ અન્ય રમતોની સુવિધાઓ પણ છે.

શહેરના મોટા ભાગના લોકો સરકારી નોકરીઓ કરે છે, બીજા વેપાર-વાણિજ્યમાં, પરિવહન-ક્ષેત્રે તેમજ અન્ય સેવાઉદ્યોગોમાં કામ કરે છે. ઉત્પાદકો પરાં તરફ વળ્યા હોવાથી શહેરમાં ઉદ્યોગોનું તેમજ તેમાં રોકાયેલા લોકોનું પ્રમાણ ઘટ્યું છે, તેમ છતાં હેલસિન્કી ફિનલૅન્ડ માટેનો ઔદ્યોગિક વિસ્તાર તો ગણાય છે. અહીંના ઉદ્યાગોમાં જહાજબાંધકામ, ઇજનેરી ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ મુખ્ય છે. મુખ્ય પેદાશોમાં કપડાં, સિરેમિક્સ, યંત્રસામગ્રી, કાગળ, પ્લાયવૂડ અને ખાંડનો સમાવેશ થાય છે. બંદરને શિયાળામાં હિમભંજક યંત્રો દ્વારા ખુલ્લું રાખવામાં આવે છે.

હેલસિન્કીનો હાર્દ વિસ્તાર

1550માં સ્વીડનના રાજા ગુત્સાવસ પહેલાએ તેની સ્થાપના આજના હેલસિન્કીથી ઉત્તર તરફના સ્થળે કરેલી. ત્યારથી તે ફિનલૅન્ડ માટે રાજધાનીનું સ્થળ બની રહેલું છે. સોળમીથી અઢારમી સદી સુધી ફિનલૅન્ડ અને રશિયા વચ્ચે ઘણી લડાઈઓ થયેલી, તેમાં હેલસિન્કી બે વાર તો લગભગ પૂરેપૂરું તારાજ થઈ ગયેલું. 1809માં તે રશિયાને સોંપાયું તે પછી તે 1812માં મોટી જાગીરનું પાટનગર બની રહેલું. 1812માં ઝાર ઍલેક્ઝાન્ડર પહેલાએ તેને પાટનગર તરીકે ઘોષિત કરેલું; એટલું જ નહિ, તેણે વ્યવસ્થિત આયોજન દ્વારા આ શહેરનું નવનિર્માણ કરાવેલું. સેનેટ ચૉકની આજુબાજુમાં આજે જોવા મળતી ઘણી ઇમારતો તે કાળની છે. 1900 સુધીમાં તે એક ઔદ્યોગિક નગર બની ગયેલું, ત્યારે તેની વસ્તી એક લાખથી ઉપર થઈ ગઈ હતી. 1917માં તે રશિયાઈ શાસનમાંથી મુક્ત થઈ સ્વતંત્ર બન્યું. તે પછીથી તેની વસ્તી અને વેપારી મહત્વ વધ્યાં છે. આ શહેરમાં વિશાળકાય પિયાનો આકારનું એક પરિષદ-મથક બાંધીને 1975માં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેથી આજે હેલસિન્કી આંતરરાષ્ટ્રીય પરિષદોનું મથક બની રહેલું છે. 2010 સુધીમાં આ શહેરની વસ્તી આશરે 50,31,000 સુધીની અંદાજવામાં આવી છે.

હેલસિન્કી ચુકાદાઓ કે હેલસિન્કી પ્રક્રિયાના ટૂંકા નામથી જાણીતી હેલસિન્કી પરિષદ અહીં (1973–75) યોજાઈ હતી. જોકે તેની કેટલીક બેઠકો જિનીવા ખાતે પણ યોજાયેલી. તેનો સૌથી અગત્યનો ઉદ્દેશ પૂર્વ અને પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધવાનો હતો જેમાં અમેરિકા અને કૅનેડા જેવાં બિનયુરોપીય રાજ્યો પણ સામેલ થયાં હતાં. 1 ઑગસ્ટ, 1975માં અમેરિકા, કૅનેડા, સોવિયેત સંઘ અને અન્ય 32 દેશો તેમાં જોડાયા હતા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના અંત પછી 1945માં પૂર્વ યુરોપના વિવિધ દેશોની જે નવી સરહદો રચાઈ હતી તેને આ પરિષદ દ્વારા પરોક્ષ રીતે માન્યતા સાંપડી હતી. પરિષદના પરિણામ રૂપે યુરોપની સલામતી, અર્થકારણ અને માનવ-અધિકારો(નાગરિકોના વિચાર અને ધાર્મિક સ્વાતંત્ર્ય સહિત)નો સમાવેશ કરતો હેલસિન્કી ફાઇનલ ઍક્ટ અસ્તિત્વમાં આવ્યો. તેનો મુખ્ય હેતુ ઠંડા યુદ્ધથી ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય તંગદિલી ઘટાડવાનો હતો. હેલસિન્કી ફાઇનલ ઍક્ટનું અધિકૃત નામ કૉન્ફરન્સ ઑન સિક્યૉરિટી ઍન્ડ કૉ-ઑપરેશન ઇન યુરોપ (CSCE) હતું. પહેલાં પંદર વર્ષ સુધી ભાગ્યે જ કોઈ વાસ્તવિક સિદ્ધિ આ ઍક્ટથી હાંસલ થઈ શકેલી. 1991માં પ્રાગ (Prague) ખાતે તેનું સચિવાલય કામ કરવા લાગ્યું.

1979માં સોવિયેત સંઘે અફઘાનિસ્તાનના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરતા વાસ્તવમાં સભ્ય દેશો વચ્ચે પરસ્પર આરોપો મુકાયા અને તણાવ-ઘટાડાની ખાસ કોઈ કામગીરી થઈ નહિ. આર્થિક અને સાંસ્કૃતિક સહકાર વધારવા, પત્રકારોના અધિકારોને રક્ષણ પૂરું પાડવા તથા શૈક્ષણિક આદાનપ્રદાનને પ્રોત્સાહિત કરવા અંગે સભ્ય દેશો વચ્ચે સંમતિ હોવા છતાં આમ બન્યું હતું.

1991માં સોવિયેત સંઘના વિઘટન પછી એકધ્રુવી વિશ્વને કારણે તે વધુ અસરકારક બની શક્યું. આંતરરાષ્ટ્રીય તણાવ ઘટાડવાનો હેતુ તે પછી કંઈક અંશે સિદ્ધ કરી શકાયો. અલબત્ત, તે માટે પરિષદના પ્રયાસો કરતાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ જવાબદાર હતી.

ગિરીશભાઈ પંડ્યા

રક્ષા મ. વ્યાસ