હેલેનિસ્ટિક યુગ

February, 2009

હેલેનિસ્ટિક યુગ : પ્રાચીન સાંસ્કૃતિક જગતમાં પ્રભુત્વ ધરાવતી ગ્રીક સંસ્કૃતિનો સમયગાળો. તે યુગની શરૂઆત ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના ઈ. પૂ. 323માં થયેલ મૃત્યુથી થઈ તથા ગ્રીસમાં 200 વર્ષ અને મધ્યપૂર્વમાં આશરે 300 વર્ષ પર્યન્ત ટકી હતી. અગાઉના ગ્રીક ક્લાસિકલ અથવા હેલેનિક સમયગાળાથી તેને જુદો પાડવા ‘હેલેનિસ્ટિક યુગ’ શબ્દ વપરાય ન તથા કલાનાં ક્ષેત્રોમાં મહાન સિદ્ધિઓનો સમયગાળો હતો. ઉદાહરણ તરીકે, તે સમયે ગણિતશાસ્ત્રી યુક્લિડે ભૂમિતિના સિદ્ધાંતો વિકસાવ્યા અને આર્કિમિડીઝે ભૌતિકશાસ્ત્રના અનેક પાયાના નિયમો શોધ્યા. સેમોસના ખગોળશાસ્ત્રી ઍરિસ્ટ્રાક્સે જણાવ્યું કે પૃથ્વી સહિત બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થિનિસે પૃથ્વીના ઘેરાવાની લગભગ સાચી ગણતરી કરી.

ચિત્રકામ અને શિલ્પ વધુ વાસ્તવિક બન્યાં. આ યુગના શિલ્પકારોએ શ્રેષ્ઠ પ્રકારની મૂર્તિઓ બનાવી. આ યુગના તત્વજ્ઞાનીઓ લોકોને માનસિક શાંતિ કેવી રીતે મળે તેમાં રસ ધરાવતા હતા. સ્ટૉઇક્સ, એપિક્યુરિયન, સાઇનિક્સ વગેરે તત્વજ્ઞાનીઓના મહત્વના સમૂહો હતા.

અગાઉ ગ્રીસ સ્વતંત્ર નગરરાજ્યોમાં વિભાજિત થયેલ હતું. દરેક નગરરાજ્યમાં તે નગર અને તેની આસપાસના વિસ્તારનો સમાવેશ થતો હતો. હેલેનિસ્ટિક યુગમાં નગરરાજ્યોએ તેમની સ્વતંત્રતા ગુમાવી. તે રાજ્યો રાજાશાહીની સત્તા હેઠળ આવ્યાં, જેના રાજાઓ વિશાળ રાજ્યો પર શાસન કરતા હતા. કેટલાક રાજાઓ તેમની પાસે દૈવી અધિકારો હોવાનો દાવો કરતા હતા.

આ યુગના મુખ્ય રાજવંશો ઇજિપ્તના ટૉલેમી, મેસિડોનિયાના ઍન્ટિગોનીડ, સીરિયાના સેલ્યુસીડ અને પરગેમમ(પશ્ચિમ તુર્કી)ના અતાલીડ હતા. તેઓ એકબીજા સામે લડાઈઓ કરતા હતા. તેને લીધે ઈ. પૂ. 100 સુધીમાં હેલેનિસ્ટિક જગતના મોટા ભાગના પ્રદેશો રોમનોએ જીતી લીધા.

જયકુમાર ર. શુક્લ