હેલેનિક સંસ્કૃતિ

February, 2009

હેલેનિક સંસ્કૃતિ : પ્રાચીન ગ્રીસ અથવા હેલેનીઝ દ્વારા વિકસાવેલી સંસ્કૃતિ. તેની સૌપ્રથમ રજૂઆત હોમરનાં ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોમાં થઈ છે અને તે હોમર યુગ કહેવાય છે. તેનો પ્રશિષ્ટ સમયગાળો ઈ. પૂ. 5મી તથા 4થી સદીઓનો છે. તે સમયે રાજકીય અને સામાજિક જીવનમાં સજીવતા, ઉત્સાહ હતાં. તેનાથી ઍથેન્સની લોકશાહી પ્રથા વિકસી. તે સમયગાળા દરમિયાન સૉક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલનું તત્વજ્ઞાન વિકાસ પામ્યું. હીરોડોટસ અને થુસીડાઇડીસના ઇતિહાસ લખાયા. ઇસ્ક્લિસ, સૉફોક્લિસ, યુરિપિડીસ અને ઍરિસ્ટૉફેનિસનાં નાટકો લખાયાં. ફિડિયાસ અને પ્રેક્સાઇટિલિસે શ્રેષ્ઠ મૂર્તિઓનું સર્જન કર્યું. તે સમયે વક્તૃત્વકલા, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાનો અને અન્ય સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો હતો. ઍલેક્ઝાંડરના પર્શિયાના વિજય પછી, હેલેનિક અને બીજી સંસ્કૃતિઓનું ઝડપથી મિશ્રણ થયું હતું. તે સમયગાળો હેલેનિસ્ટિક યુગ તરીકે ઓળખાય છે.

પ્રાચીન ગ્રીસમાં પાશ્ચાત્ય વિજ્ઞાન, તત્વજ્ઞાન તથા કલાની શરૂઆત થઈ હતી તેથી હેલેનિક સંસ્કૃતિ આદર્શરૂપ અને ઐતિહાસિક સંસ્કૃતિ માનવામાં આવે છે. તેમાં આખરી સ્વીકાર્ય બાબત માટે સત્તા કરતાં વિવેક, ડહાપણ કે બુદ્ધિને મહત્વ આપવામાં આવે છે. હોમર યુગના દેવો માનવોનાં સદગુણો અને નબળાઈઓથી અલગ નથી. લોકશાહીના આદર્શોનું સૌપ્રથમ પ્રદર્શન પૅરિક્લિસના સમયના એથેન્સમાં થયું હતું. તેથી હેલેનિક સંસ્કૃતિ આદર્શરૂપ મનાય છે.

જયકુમાર ર. શુક્લ