હેલિક્રિઝમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની એક પ્રજાતિ. તે અર્ધ-સહિષ્ણુ (half-hardy) એકવર્ષાયુ, સહિષ્ણુ બહુવર્ષાયુ અને ક્ષુપ-સ્વરૂપ ધરાવતી લગભગ 500 જાતિઓની બનેલી પ્રજાતિ છે. તે યુરોપ, એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની મૂલનિવાસી છે. ગ્રીક ભાષામાં ‘helios’નો અર્થ ‘સૂર્ય’ અને ‘chryos’નો અર્થ ‘સોનેરી’ એમ થાય છે. તે પરથી પ્રજાતિનું નામ ‘હેલિક્રિઝમ’ આપવામાં આવ્યું છે. ઘણી જાતિઓ મરૂદભિદ્ (xerophytic) છે અને રોમિલ સપાટી ધરાવે છે. સામાન્ય રીતે તેને ‘સદાજીવી પુષ્પ’ (everlasting flower) કે ગુજરાતીમાં અમરફૂલ કહે છે. પર્ણો એકાંતરિત, ભાગ્યે જ સંમુખ, ઘણી વાર મૃદુ-રોમિલ (downy) કે ઊની (woolly) હોય છે. પુષ્પો નલિકાકાર અને નિચક્રીય (involucral) નિપત્રો(bracts)ની કેટલીક હરોળ ધરાવે છે. પુષ્પ-મુંડક (flower head) મોટાં અને એકાકી હોય છે. નિચક્રીય નિપત્રો રૂપેરી હોતાં નથી; પરંતુ ઝિલ્લીરૂપ (scarious), ફેલાતાં, પ્રતિવક્રિત (recurved) કે ગુચ્છિત હોય છે. રોમગુચ્છ (pappus) રૂક્ષ અને ઉપપિચ્છાકાર (sub-plumose) હોય છે. કેટલીક જાતિઓનાં શુષ્ક પુષ્પ-મુંડક સદાજીવી હોય છે.
આ વનસ્પતિઓ ફળદ્રૂપ ગોરાડુ અને નિતારવાળી મૃદા તથા સૂર્યપ્રકાશમાં ખૂબ સારી રીતે થાય છે. ખાતર આપતાં વૃદ્ધિ અને પુષ્પનિર્માણ ઉત્તેજાય છે. તેમની વંશવૃદ્ધિ બીજ કે કટકારોપણ દ્વારા થાય છે.
Helichrysum bracteatum ઉદ્યાન-પુષ્પ કરતાં તૃણ-પુષ્પ (straw-flower) તરીકે વધારે જાણીતી જાતિ છે. આ પુષ્પો ઉદ્યાનની સીમાઓને સુશોભિત કરે છે. તેની જાતો એક જ રંગવાળી કે મિશ્ર રંગોવાળી મળી આવે છે અને તેઓ એકાદ મીટર ઊંચા શિયાળુ છોડ તરીકે થાય છે. ‘બ્રાઇટ બીકીની’ જાતનાં પુષ્પો સફેદ, પીળાં, ગુલાબી, લાલ અને નારંગી રંગનાં અને પ્લાસ્ટિક જેવી કડક પાંખડીઓવાળાં હોય છે. તેઓ 4થી 5 સેમી. વ્યાસવાળાં થાય છે અને અર્ધખીલેલા કમળ જેવાં લાગે છે. પુષ્પ તોડ્યાં પછી લાંબો વખત કેટલાક મહિનાઓ સુધી રૂપે રંગે એવાં ને એવાં જ રહે છે. અર્ધખીલેલા પુષ્પને તોડીને રાખવામાં આવે તો તે બરાબર ખીલીને ઘણો લાંબો સમય ટકે છે.
‘બ્રાઇટ બીકીની’ (Helichrysum bracteatum) અને ‘યલો સ્ટાર’ (H. subulifolium)
જેઓ એક જ રંગ પસંદ કરે છે તેમને માટે સલ્ફર પીળા માટે ‘ફ્રૉસ્ટેડ સલ્ફર’, કથ્થાઈ–નારંગી માટે ‘ન્યૂ ઑરેન્જ’, કિરમજી માટે ‘ન્યૂ રેડ’, આછા ગુલાબી માટે ‘સિલ્વરી રોઝ’ જાતો પણ સુલભ છે. આ બધી જાતોની ઊંચાઈ એકસરખી હોય છે.
subulifoliumની ‘યલો સ્ટાર’ જાત નાની અને 50 સેમી. જેટલી ઊંચી હોય છે તથા પીળાં પુષ્પો ધરાવે છે. H. crassianumનાં પુષ્પો સુંદર, નાનાં, ગુલાબી અને ગુચ્છમાં હોય છે. ‘ગૅબ્રિયલ પિંક’, ‘લિશ્ટ્રોઝા’ અને ‘સિલેક્ટ’ જાતો 50 સેમી. ઊંચી હોય છે. H. schwefellicht બહુવર્ષાયુ જાતિ છે અને Anaphalisની સાથે ખૂબ સામ્ય ધરાવે છે; પરંતુ તે સફેદને બદલે પીળાં પુષ્પો ધરાવે છે. તેનો પર્ણસમૂહ ભૂખરો હોય છે.
angustifolium DC syn. H. italicum G. Donને ‘કરી પ્લાન્ટ’ કહે છે. આ જાતિ ઉપક્ષુપીય અને 35 સેમી. સુધી ઊંચી હોય છે. પર્ણસમૂહ ભૂખરો, સાંકડો અને સોય જેવો હોય છે. તે રૂપેરી મૃદુરોમો વડે આવરિત હોય છે અને કઢી જેવી સુગંધી આપે છે. પુષ્પો ચળકતાં પીળાં, ગુચ્છિત અને 5.0 સેમી. વ્યાસ ધરાવે છે.
પુષ્પિત વનસ્પતિઓ બાષ્પશીલ તેલ ઉત્પન્ન કરે છે. તેની વિશિષ્ટ સુવાસ હોય છે; જે ગુલાબ અને કૅમમાઇલ (chamomile) જેવી હોય છે. આ છોડના પુષ્પીય પ્રરોહો અને પર્ણોનું નિસ્યંદન કરવામાં આવે છે અને 0.2 % તેલનું ઉત્પાદન થાય છે. આ તેલમાં નેરિલ એસિટેટ, d-a-પિનિન અને નેરોલ હોય છે. પેટ્રોલિયમ ઈથર દ્વારા વનસ્પતિદ્રવ્યનું નિષ્કર્ષણ કરતાં 1 % ઘટ્ટ પદાર્થ મળે છે; જે આછા બદામી રંગના મીણનો જથ્થો છે. તેને આલ્કોહૉલની ચિકિત્સા આપતાં 85 % આલ્કોહૉલ-દ્રાવ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે; જે ઘટ્ટ અને ઘેરા રંગનું પ્રવાહી હોય છે. તેમાંથી બાષ્પનિસ્યંદન દ્વારા બાષ્પશીલ તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. તે કૅપ્રિલિક ઍસિડ, યુજેનોલ, એસેટિક ઍસિડ અને વૅલેરિક ઍસિડ ધરાવે છે.
આ તેલનો ઉપયોગ નેરોલના અલગીકરણ માટે થાય છે. તેલમાં 30 %થી 50 % જેટલો નેરોલ હોય છે. તેનાં તાજાં કે સૂકાં પર્ણોનો સૂપ બનાવવા કે પકાવેલ માંસ કે શાકભાજીને કઢી જેવી સુગંધ આપવા ઉપયોગ થાય છે.
stoechas DC. ‘ગોલ્ડી-લૉક્સ’ સહિષ્ણુ, સદાહરિત ઉપક્ષુપ જાતિ છે અને તે દક્ષિણ યુરોપની મૂલનિવાસી છે. પ્રકાંડ શાખિત, ફેલાતું, રૂપેરી મૃદુ રોમિલ વડે આવરિત અને 30 સેમી. જેટલું ઊંચું હોય છે. પર્ણો નીચેની સપાટીએથી રૂપેરી, અદંડી, રેખીય અને કુંઠાગ્ર હોય છે. પુષ્પ-મુંડક ટૂંકા દંડવાળાં, સમશિખમંજરી (corymbose), ગુચ્છિત અને પીળા રંગનાં હોય છે.
પુષ્પીય પ્રરોહો અને પર્ણો બાષ્પશીલ તેલ ધરાવે છે. આ છોડના બાષ્પનિસ્યંદનથી 0.11 % નારંગી રંગનું તેલ મળે છે. તેલની સુગંધ ગુલાબ અને કૅમમાઇલને મળતી આવે છે. તે નેરોલ એસિટેટ, ફરફ્યુરાલ અને 1-L-પિનિન ધરાવે છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ