હૅલિફૅક્સ (Halifax) (ઇંગ્લૅન્ડ)

February, 2009

હૅલિફૅક્સ (Halifax) (ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના યૉર્કશાયર પરગણાના પશ્ચિમ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 53° 44´ ઉ. અ. અને 1° 52´ પૂ. રે.. તે કૅલ્ડર નદીના કાંઠા પર વસેલું છે. લીડ્ઝથી નૈર્ઋત્યમાં અને બ્રેડફૉર્ડથી દક્ષિણમાં આવેલું આ સ્થળ ઊની કાપડના શહેર તરીકે જાણીતું છે. અહીં કાપડનો વેપાર પંદરમી સદીથી ચાલ્યો આવે છે. આજના ઉદ્યોગોમાં અહીં કાપડ-ઉદ્યોગ, ગાલીચા, ઊની કાપડ અને કપડાં તથા ઇજનેરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. 2001 મુજબ આ શહેરની વસ્તી 83,056 છે.

હૅલિફૅક્સ (Halifax) (કૅનેડા) : કૅનેડાના નૉવાસ્કોશિયાનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 44° 43´ ઉ. અ. અને 63° 38´ પૂ. રે.. તે કૅનેડાનાં મુખ્ય ઐતિહાસિક શહેરો પૈકીનું એક ગણાય છે. આ શહેરને વિશાળ બારું મળેલું હોવાથી તે કૅનેડાના પૂર્વ કિનારા તરફનું વ્યસ્ત બંદર બની રહેલું છે; આ ઉપરાંત તે કૅનેડાનું મુખ્ય નૌકામથક પણ છે.

ટાઉન-હૉલ, હૅલિફૅક્સ

હૅલિફૅક્સનું અર્થતંત્ર આ વિસ્તારમાં આવેલાં છ લશ્કરી મથકો તથા બંદર ખાતે થતી રહેતી માલસામાનની હેરફેર પર નિર્ભર છે. 1960ના દશકામાં અહીં વેપારી મથક પણ ઊભું કરવામાં આવેલું છે. આ ઉપરાંત અહીંના ઉદ્યોગોમાં તેલ-શુદ્ધીકરણના કારખાનાનો અને ખાદ્યપ્રક્રમણના એકમનો પણ સમાવેશ થાય છે. સમુદ્રવિજ્ઞાનનું મુખ્ય મથક પણ અહીં સ્થાપવામાં આવેલું છે.

કૅનેડાની સર્વપ્રથમ પ્રતિનિધિ સરકાર અહીં 1958માં સ્થપાયેલી. કૅનેડાનું જૂનામાં જૂનું સંસદભવન ‘પ્રોવિન્સ હાઉસ’ હજી આજે પણ શહેરના મધ્યભાગમાં ઊભું છે. 2001 મુજબ આ શહેરની વસ્તી 1,19,292 છે, જ્યારે બૃહત વિસ્તારની વસ્તી 3,59,183 (2001) છે.

બ્રિટિશ વસાહતીઓએ 1749માં હૅલિફૅક્સની સ્થાપના કરેલી. ગ્રેટબ્રિટનને અહીં ફ્રાન્સ સાથે સંઘર્ષો થતા હોવાથી ઉત્તર અમેરિકામાં પોતાનું વર્ચસ્ જળવાઈ રહે તે હેતુથી લશ્કરી મથક પણ બાંધેલું છે.

ગિરીશભાઈ પંડ્યા