હેલિકૉપ્ટર (વાયુદૂત helicopter)

February, 2009

હેલિકૉપ્ટર (વાયુદૂત, helicopter) : જમીન પરથી હવામાં સીધું ઉપર ચડી શકે કે હવામાંથી સીધું જમીન પર નીચે ઊતરી શકે તેવું હવાઈ જહાજ. સામાન્ય વિમાનમાં જોવા મળતી પાંખોને બદલે તે ઉપરના ભાગે ઊભા દંડ પર ગોઠવેલ લાંબાં, પાતળાં પાંખિયાં(blader)વાળો પંખો કે પરિભ્રામક (roter) ધરાવે છે. પંખાનો વ્યાસ 10થી 33 મીટર સુધીનો હોઈ શકે છે. હેલિકૉપ્ટરનું એન્જિન પાંખિયાંને ગોળ ગોળ ફેરવે છે, જેને કારણે તે કેટલીક હવાને નીચેની તરફ ધકેલે છે અને હેલિકૉપ્ટરને ઉપર ઊંચકે છે. પાંખિયાંને નમાવી પાયલટ હેલિકૉપ્ટરને ઉત્પ્રસ્થાન (take-off) કરાવી શકે છે, હવામાં એક ઠેકાણે સ્થિર રાખી શકે છે, આમતેમ ઘુમાવી શકે છે અથવા નીચે ઉતારી શકે છે. આગળ વધવા માટે પાંખિયાં એવી રીતે નમાવવામાં આવે છે કે તેઓ હવાને પાછળ તેમજ નીચેની તરફ ધકેલે છે. હેલિકૉપ્ટરની પૂંછડીના ભાગે પણ એક નાનો ફરતો પરિભ્રામક હોય છે, જે હેલિકૉપ્ટરને મુખ્ય પરિભ્રામકથી વિરુદ્ધ દિશામાં ફરતું અટકાવે છે અને તેને સમતુલિત કરે છે.

પ્રથમ વ્યાવહારિક એકલ-રોટર હેલિકૉપ્ટર (1939)

1937માં જર્મનીમાં હીનરિક ફૉર્કે બે પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવ્યું હતું. 1939માં ઇગોર સિકૉર્સ્કીએ પ્રમાણમાં નાનું પણ નિયંત્રણમાં રાખી શકાય તેવું એક પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવેલું જેના પરથી આધુનિક હેલિકૉપ્ટર વિકસાવાયાં છે. 1946માં લૉરેન્સ બેલે પણ એક પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર તૈયાર કરેલું, જેને સૌપ્રથમ વ્યાપારી હેલિકૉપ્ટર તરીકેનું લાઇસન્સ મળ્યું હતું.

મોટા ભાગનાં હેલિકૉપ્ટરોમાં એક મોટું પરિભ્રામક હોય છે; પણ વજન ઊંચકી જનારાં આવાં સાધનોમાં તે બે કે વધુ હોય છે.

હેલિકૉપ્ટર સામાન્ય વિમાન જેટલું ઝડપી હોતું નથી. તે ઘોંઘાટ પણ વધુ કરે છે; પરંતુ કદમાં નાનું હોવાથી તેમજ તેને ઉડાણપટ્ટી(run way)ની જરૂર ન હોવાથી તે કોઈ પણ જગાએથી, મકાનના છાપરા કે અગાસી પરથી પણ ઊંચે ઊડી શકે છે. ખાનગી હવાઈ જહાજ તરીકે કામ આપી શકે છે.

હેલિકૉપ્ટરોનો ઉપયોગ પહોંચી ન શકાય તેવી જગાએથી [દા. ત., અપતટીય (offshore) તેલસારણી] માણસો અને સાધનોના પરિવહન માટે, હવાઈ મથકો કે બે ગામો વચ્ચેની અવરજવર માટે, યુદ્ધના મેદાન પર સૈનિકો કે તોપો જેવાં સાધનોની હેરફેર માટે થાય છે.

મિશન માટે સંપૂર્ણ શસ્ત્રસજ્જ હેલિકૉપ્ટર

વળી તે હવામાં સ્થિર રાખી શકાતું તેમજ આમતેમ ફેરવી શકાતું હોવાથી પર્વતો, ખીણમાં કે દરિયામાં ફસાયેલા લોકોને બચાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. જોકે ખરાબ હવામાન તેને માટે તકલીફ ઊભી કરી શકે છે.

જિતેન્દ્ર જટાશંકર રાવલ