હૅલફૉર્ડ જ્હૉન મૅકિન્ડર

February, 2009

હૅલફૉર્ડ, જ્હૉન મૅકિન્ડર (જ. 15 ફેબ્રુઆરી 1861, લૅન્કેશાયર; અ. 6 માર્ચ 1947) : બ્રિટનના ખૂબ જાણીતા ભૂગોળવિદ. 1887માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં 26 વર્ષની નાની વયે તેઓ રીડર તરીકે નિયુક્ત થયેલા. 1895માં બ્રિટિશ ઍસોસિયેશનમાં સર્વપ્રથમ વાર સંશોધનલેખ રજૂ કર્યો હતો.

જ્હૉન મૅકિન્ડર હૅલફૉર્ડ

તેઓ રેટ્ઝેલના નૃવંશ-ભૂગોળ વિશેના વિચારોથી પ્રભાવિત થયા હતા. 1899માં તેમણે ઑક્સફર્ડ ખાતે રૉયલ જ્યૉગ્રૉફિકલ સોસાયટીની સ્થાપના કરી. 1902માં ઈસ્ટ અમેરિકાનાં સંશોધનો તેમજ કેન્યા માઉન્ટન પર પ્રકાશિત થયેલા તેમના લેખોથી તેઓ વધુ જાણીતા બન્યા. બ્રિટન અને બ્રિટનના સમુદ્રો પર પણ તેમણે કામ કરેલું. 1904માં  તેમણે રૉયલ જ્યૉગ્રૉફિકલ સોસાયટીમાં ‘The Geographical Pivot of History’ પર પ્રવચન આપ્યું હતું. આ સમયગાળામાં તેમણે હાર્ટલૅન્ડનો સિદ્ધાંત પણ રજૂ કર્યો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919માં તેમણે ‘Democratic Ideals and Reality’ નામનું પુસ્તક પ્રગટ કરેલું. તેમના જીવનકાળ દરમિયાન તેમણે અનેક પદ ગ્રહણ કરેલાં, તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ડિયરેક્ટર રહેલા. 1905થી 1908 દરમિયાન તેમણે લંડન યુનિવર્સિટીમાં ભૂગોળના પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપેલી. 1910થી 1922 સુધી સંસદસભ્ય રહેલા; આ ઉપરાંત તેઓ ઇમ્પીરિયલ શિપિંગ કમિટીના સભ્યપદે પણ રહ્યા હતા.

નીતિન કોઠારી