હેરોઇન (heroin) : અફીણમાંના સક્રિય ઘટક મૉર્ફિન(morphine)નો સંશ્લેષિત વ્યુત્પન્ન (derivative) અને ઘેન, બેશુદ્ધિ કે સંવેદનશૂન્યતા લાવનાર (narcotic) રાસાયણિક સંયોજન. તે એક પ્રતિબંધિત સંયોજન છે અને માત્ર સંશોધનાર્થે કે રાસાયણિક પૃથક્કરણ માટે ઔષધતંત્ર વિભાગની મંજૂરી દ્વારા જ મળી શકે છે. મૉર્ફિનના ડાઇએસિટાઇલિઝેશન (diacetylization) વડે તેને મેળવવામાં આવે છે. અણુસૂત્ર C21H23NO5 અથવા [C17H17NO(C2H3O2)2] મૉર્ફિન, કોડીન (codeine) અને હેરોઇન માટે સામાન્ય બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :
R = R´ = H મૉર્ફિન; R = CH3, R´ = H કોડીન; R = R´= COCH3 હેરોઇન કે ડાઇએસિટાઇલ મૉર્ફિન, દક્ષિણપૂર્વ એશિયામાં તે ‘ચાઇન વ્હાઇટ’ (chine white) તરીકે ઓળખાય છે. તે સ્મૅક (smack) તરીકે પણ જાણીતું છે.
હેરોઇન એ સફેદ, રંગવિહીન, કડવા સ્વાદવાળો સ્ફટિકમય પાઉડરરૂપ પદાર્થ છે. તેના એક ગ્રામને ઓગાળવા 1700 મિલિ. પાણી અથવા 31 મિલિ. આલ્કોહૉલની જરૂર પડે છે. ગ.બિં. 173° સે.; ઉ.બિં. 272થી 274° સે. (12 મિમી.) (C = 1.49 મિથેનૉલમાં).
અફીણના આલ્કેલૉઇડ માફક હેરોઇન પણ પીડાશૂન્યતા (analgesia) નિપજાવે છે; શ્વાસ ધીમા થઈ જાય છે તથા મધ્યચેતાતંત્ર (CNS) ઉપર ઊંડી અસરો નિપજાવે છે. સામાન્ય રીતે યુવાનોને આની લત પડી જાય છે. મોં વાટે લેવાથી તેની મોટા ભાગની અસર નાબૂદ થતી જણાય છે, તેથી બંધાણીઓ તેને નસ વાટે લેતા હોય છે. કેટલીક વાર નાક વાટે તેને શ્વાસમાં લેવાય છે.
મૉર્ફિન કરતાં તે વધુ જલદ રસાયણ છે. તેની લત છોડાવવી ખૂબ મુશ્કેલ છે અને તેનું સેવન બંધ કરતાં ઊલટી, શરીરમાં કળતર, અતિસાર, આંચકી તેમજ હૃદ્-તંત્રની નિષ્ફળતા જેવાં ચિહનો દેખાય છે. આનું જો નિયમન કરી શકાય તો 10 દિવસ બાદ આ લક્ષણો ખૂબ ધીમા પડી જાય; છતાં અવસાદ (depression) તો ચાલુ રહે છે. હેરોઇનના બંધાણી સારવાર દરમિયાન એને હેરોઇનને બદલે શરૂઆતમાં મિથેડોન (methadone) અપાય છે. આ પ્રકારના દર્દીઓ માટેનાં પુનર્વસન (rehabilitation) કેન્દ્રો લગભગ દરેક દેશમાં કાર્યરત હોય છે.
જ. પો. ત્રિવેદી