હેરોચે, સર્જ (Haroche, Serge)

February, 2009

હેરોચે, સર્જ (Haroche, Serge) (જ. 11 સપ્ટેમ્બર 1944, કાસાબ્લાન્કા, મોરોક્કો) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે સર્જ હેરોચે તથા ડેવિડ જે. વાઇનલૅન્ડને પ્રાપ્ત થયો હતો.

સર્જ હેરોચે

સર્જ હેરોચેનાં માતા અને પિતા યહૂદી મૂળના હતાં. જેઓ મોરોક્કોમાં સ્થાયી થયાં હતાં. પિતા વકીલ હતા. સર્જ હેરોચેનું બાળપણ મોરોક્કોમાં પસાર થયું અને 1956માં 12 વર્ષની ઉંમરે તેઓ ફ્રાંસમાં સ્થાયી થયા.

હેરોચે મુખ્યત્વે પરમાણુ ભૌતિકશાસ્ત્ર તથા ક્વૉન્ટમ પ્રકાશિકી ક્ષેત્રે સંશોધનો કર્યાં છે. તેઓ વિશેષ રૂપે પ્રાયોગિક નિરીક્ષણો દ્વારા ક્વૉન્ટમ અસંગતતા (અસમ્બદ્ધતા) દર્શાવવા માટે જાણીતા છે. આ કાર્ય તેમણે 1996માં તેમના સહકાર્યકર્તાઓ સાથે ઈકોલે નોર્માલે સુપિરિયેર, પૅરિસમાં સિદ્ધ કર્યું હતું.

1967થી 1971 દરમિયાન તેમણે ક્લૉડ–કોહેન તનુજીના માર્ગદર્શન હેઠળ પ્રકાશિત પરમાણુઓ (dressed atoms) પર પીએચ.ડી. માટે મહાનિબંધ તૈયાર કર્યો અને ત્યાર બાદ લેસર સ્પેક્ટ્રોમિતી માટે નવી પદ્ધતિઓ વિકસાવી.

તેમણે CNRS ફ્રાંસ તથા અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય હાથ ધર્યાં છે. તે ઉપરાંત અમેરિકાની MIT (મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી), યેલ યુનિવર્સિટી તથા હારવર્ડ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય પણ કર્યું છે. 2001થી તેઓ કૉલેજ દ ફ્રાંસમાં પ્રાધ્યાપક તથા ચૅર ઑવ્ ક્વૉન્ટમ ફિઝિક્સનું પદ ધરાવે છે. તેઓ યુરોપિયન તથા અમેરિકન ફિઝિકલ સોસાયટીમાં ‘ફેલો’ તરીકે સભ્યપદ ધરાવે છે.

1988માં સર્જ હેરોચેને લેસર વિજ્ઞાન માટેનું આઇન્સ્ટાઇન ઇનામ આપવામાં આવ્યું.

1992માં તેમને હમ્બોલ્ટ પુરસ્કાર તથા 1993માં આલ્બર્ટ માઇકલસન ચંદ્રક પ્રાપ્ત થયા. 2007માં તેમને ચાર્લ્સ ટાઉન્સ પુરસ્કાર તથા 2009માં CNRS સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા.

પૂરવી ઝવેરી