હેમિલ્ટન ઍલેક્ઝાન્ડર કૅપ્ટન

February, 2009

હેમિલ્ટન, ઍલેક્ઝાન્ડર કૅપ્ટન (જ. 1762; અ. 30 ડિસેમ્બર 1824) : ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લશ્કરી સેવામાં કૅપ્ટન. ત્યાંથી ઇંગ્લૅન્ડ પાછા ફર્યાની તારીખ નોંધાયેલી નથી. તેમણે બ્રિટિશ મ્યુઝિયમ તથા પૅરિસમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અમીન્સની સંધિ પછી, બીજી વાર ઇંગ્લૅન્ડને ફ્રાન્સ સાથે લડાઈ થઈ ત્યારે તેમને પૅરિસમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમણે ફ્રેન્ચ વિદ્વાનોને સંસ્કૃત ભાષા ભણાવી. તેમણે પૅરિસની નૅશનલ લાઇબ્રેરીમાં સંસ્કૃત ભાષાની હસ્તપ્રતોની સૂચિ બનાવી. તે લેંગલ્સ દ્વારા પ્રગટ કરવામાં આવી.

તેઓ મે 1806થી 1818 સુધી હેઇલીબરીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. તેમણે 1811માં સંસ્કૃત ભાષામાં ‘હિતોપદેશ’ પ્રગટ કર્યું. તેમણે 1815માં સંસ્કૃત વ્યાકરણના શબ્દો વિશે નિરૂપણ કરતો ગ્રંથ પ્રગટ કર્યો. 1820માં હિન્દુઓની સાલવારી વિશે તેમણે પુસ્તક લખ્યું. તેમણે પ્રાચીન ભારતીય ભૂગોળ વિશે લેખો લખ્યા અને તે લેખો ‘એડિનબર્ગ રિવ્યૂ’ નામના સામયિકમાં પ્રગટ કર્યા.

જયકુમાર ર. શુક્લ