હેમિલ્કાર બર્કા (જ. ઈ. પૂ. 285; અ. ઈ. પૂ. 228) : કાર્થેજનો જાણીતો સેનાપતિ અને રાજપુરુષ, સેનાપતિ હેનિબાલનો પિતા. ઈ. પૂ. 246–241 દરમિયાન સિસિલીમાં રોમનો સામેના પ્રથમ પ્યુનિક યુદ્ધ દરમિયાન તેઓ સેનાપતિ હતા. તેમણે જમીન ઉપરથી લડાઈમાં એવું સખત દબાણ કર્યું કે રોમનોએ નવો નૌકાયુદ્ધનો મોરચો ખોલવો પડ્યો. હેમિલ્કારનું લશ્કર રોમનો સામે અપૂર્વ બહાદુરીથી લડ્યું; પરંતુ કાર્થેજના નૌકાયુદ્ધમાં સખત પરાજય થયો. ઈ. પૂ. 241માં કાર્થેજે શાંતિ માટેની વિનંતી કરી. હેમિલ્કારે કરેલી સંધિની શરતો વાજબી હતી. આ પરાજયથી હેમિલ્કારની પ્રતિષ્ઠા ઝાંખી પડી; પરંતુ તે પછી થયેલા ભાડૂતી સૈનિકોના બળવાને તેમણે સખત હાથે કચડી નાખ્યો અને યશ મેળવ્યો.

હેમિલ્કાર બર્કા

ઈ. પૂ. 237થી હેમિલ્કારે સ્પેનમાં કાર્થેજની સત્તા હેઠળના પ્રદેશો પર તેમના મૃત્યુ પર્યન્ત વહીવટ કર્યો. તેમણે કાર્થેજના પ્રદેશમાં અને તેમની સત્તામાં વધારો કર્યો. તેમનાં કાર્યોથી આર્થિક સમૃદ્ધિ વધી, તે સમૃદ્ધિની બીજો પ્યુનિક વિગ્રહ લડવા માટે કાર્થેજને આવશ્યકતા હતી.

જયકુમાર ર. શુક્લ