હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ

February, 2009

હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ : પ્રાચીન ભારતીય પ્રાકૃત ભાષાનું વ્યાકરણ. આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની સંસ્કૃત ભાષાના વ્યાકરણની ‘અષ્ટાધ્યાયી’ને સરળ રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ‘સિદ્ધહેમ’ વ્યાકરણ અથવા ‘હૈમશબ્દાનુશાસન’માં રજૂ કર્યું. પાણિનિએ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાના વ્યાકરણથી વેદની ભાષાના વ્યાકરણના નિયમો અલગ પડતા હતા તે નિયમો પણ તે તે સ્થળે ‘छन्दसि’ અર્થાત્ વેદની ભાષામાં આ નિયમ જુદો પડે છે એમ કહી તે બતાવેલા કે જેને ભટ્ટોજી દીક્ષિતે પોતાની ‘સિદ્ધાન્તકૌમુદી’માં ‘વૈદિકી પ્રક્રિયા’ નામના પ્રકરણમાં એકત્ર કર્યા છે.

હેમચંદ્રાચાર્ય જૈનધર્મી હતા એટલે વેદની ભાષાને લગતાં સૂત્રો દૂર કર્યાં અને સાત જ અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ પોતાના ગ્રંથમાં આપીને પ્રાકૃત ભાષા જેમાં જૈન ધર્મના ગ્રંથો લખાયેલા છે તે ભાષાઓનું વ્યાકરણ અંતિમ આઠમા અધ્યાયમાં આપ્યું અને પોતાના સમયમાં બોલાતી અપભ્રંશ ભાષાનું વ્યાકરણ જેમાં રજૂ કર્યું એે વ્યાકરણશાસ્ત્રમાં તેમનું મૂલ્યવાન પ્રદાન છે.

સંક્ષેપમાં, ‘સિદ્ધહેમ’ અથવા ‘હૈમશબ્દાનુશાસન’નો આ અંતિમ આઠમો અધ્યાય એ જ પ્રાકૃત વ્યાકરણ અને તે હેમચંદ્રે જ રચેલું છે. આગલા સાત અધ્યાયોની જેમ આઠમા અધ્યાયમાં પણ ચાર પાદ છે. તેના પર સંસ્કૃત ભાષામાં જ ‘પ્રકાશિકા’ નામની વૃત્તિ હેમચંદ્રે રચી છે.

આઠમા અધ્યાયમાં પ્રથમ પાદમાં કુલ 271 સૂત્રો છે. તેમાં આર્ષ પ્રાકૃત એટલે અર્ધમાગધી ભાષાનું વ્યાકરણ આપ્યું છે. તેમાં સંધિ, વ્યંજનાન્ત શબ્દો, અનુસ્વાર, લિંગાનુશાસન, વિસર્ગ, સ્વરમાં પરિવર્તન અને વ્યંજનમાં પરિવર્તન વિશેના નિયમો ચર્ચ્યા છે.

આઠમા અધ્યાયનો દ્વિતીય પાદ 218 સૂત્રોનો બનેલો છે. તેમાં આર્ષ પ્રાકૃતના યુક્તાક્ષર, યુક્તાક્ષરોમાં અક્ષરલોપ, વ્યંજનનું બેવડાવવું (દ્વિત્વ), સ્વરભક્તિ (વિશ્લેષ), વ્યત્યય અર્થાત્ સ્થિતિ-પરિવૃત્તિ, આદેશો, પ્રાકૃતના પ્રત્યયો, વિકલ્પો અને અવ્યયોની વાત કરી છે.

આઠમા અધ્યાયના તૃતીય પાદમાં 182 સૂત્રો છે. તેમાં આર્ષ પ્રાકૃતનાં નામો અને વિશેષણોનાં રૂપો, સર્વનામોનાં રૂપો, રૂપાખ્યાનના નિયમો, કારક અને ક્રિયાપદનાં રૂપો વિશેના નિયમોની રજૂઆત છે.

આઠમા અધ્યાયના અંતિમ ચતુર્થ પાદમાં 448 સૂત્રો છે અને તે સૌથી મોટો પાદ છે. તેમાં આર્ષ પ્રાકૃતના ધાત્વાદેશોની વિસ્તૃત ચર્ચા આરંભમાં આપી છે. તે પછી અન્ય પ્રાકૃત ભાષાના પ્રકારો શૌરસેની પ્રાકૃત, માગધી પ્રાકૃત, પૈશાચી પ્રાકૃત, ચૂલિકાપૈશાચી પ્રાકૃત અને અપભ્રંશ પ્રાકૃત — એ પાંચ પ્રકારોમાં જે આર્ષ પ્રાકૃતથી જુદા પાડનારા નિયમો રજૂ કરવામાં આવ્યા છે એની સાથે હૈમશબ્દાનુશાસન અને હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ સમાપ્ત થાય છે.

પોતાના આ પ્રાકૃત વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો આવે અને તેમ છતાં પોતાના ભક્ત રાજા કુમારપાળનું ચરિતનું વર્ણન કરતું ‘કુમારપાલચરિત’ નામનું આઠ સર્ગનું કાવ્ય બૉમ્બે સંસ્કૃત પ્રાકૃત સિરીઝમાં એસ. પી. પંડિતે સંપાદિત કર્યું છે અને તેની સાથે હેમચંદ્રીય પ્રાકૃત વ્યાકરણ પણ ડૉ. પી. એલ. વૈદ્યે પ્રસિદ્ધ કર્યું છે અને તેની બીજી આવૃત્તિ 1936માં પ્રકાશિત થઈ છે. ગુજરાતી ભાષાના મૂળભૂત સ્રોત અંગેના સંશોધન-સ્વાધ્યાયમાં પણ પ્રસ્તુત ગ્રંથનો ઉપયોગ ભાષાવિદો કરતા રહ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી