હેનસિયાટિક લીગ : 13મી સદીમાં સ્થાપવામાં આવેલ, જર્મનીનાં ઉત્તરનાં શહેરોના વેપારીઓનો સંઘ. જર્મનીમાં શાહી સત્તાનું પતન થવાથી આ શહેરો વાસ્તે સહિયારા રક્ષણની વ્યવસ્થા કરવી આવશ્યક બની. તે રાજકીય સંઘ ન હતો. 13મી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યની રાજકીય તકલીફો દરમિયાન ચાંચિયાગીરી, વધુ પડતી જકાતો અને ભેદભાવ રાખતા નિયમો સામે બાલ્ટિક જર્મન નગરોના બીજા વેપારી સંઘો પણ સ્થપાયા હતા. નબળા જર્મન રાજાઓ નહોતા આપી શકતા એવું વેપાર-રોજગારનું રક્ષણ આ સંઘ આપતું. આ સંઘને વિધિસરનું બંધારણ નહોતું. તેની સંચાલન સમિતિ વિવિધ શહેરોના વેપારીઓની બનેલી હતી. આ સંઘનાં મુખ્ય શસ્ત્રો વેપારી બહિષ્કાર કે વેપારી ઇજારો હતાં. કોઈ શહેર આ સંઘમાં જોડાવાનો ઇનકાર કરે તો, તે શહેરના વેપારીઓ તેમનો માલ નફાકારક બજારમાં વેચી શકતા નહિ. આ સંઘનું સૌથી મહત્વનું પ્રદાન દરિયો ખેડવાને લગતા નિયમો તથા વેપારી કાયદા હતા. મધ્યયુગના અંત સુધીમાં આ સંઘનું અસ્તિત્વ અદશ્ય થઈ ગયું. જુદા જુદા સમયે લગભગ 200 નગરો તેનાં સભ્ય હતાં. તેની સભ્ય-સંખ્યા બદલાતી રહેતી. ઈ. સ. 1447માં તેમાં 39 નગરોનું પ્રતિનિધિત્વ હતું અને 1669માં છેલ્લા સંમેલનમાં માત્ર નવ નગરના પ્રતિનિધિઓ હતા. તેમાં લ્યુબૅક શહેર મહત્વની ભૂમિકા ભજવતું હતું.
જયકુમાર ર. શુક્લ