હેનીબાલ (જ. ઈ. પૂ. 247, કાર્થેજ, ઉત્તર આફ્રિકા; અ. ઈ. પૂ. 183, લિબિસા, બિથિનિયા) : ઉત્તર આફ્રિકામાં કાર્થેજનો સેનાપતિ અને મુત્સદ્દી. પ્રાચીન સમયમાં કાર્થેજ વ્યાપારી અને સમૃદ્ધ નગર હતું. પ્રાચીન જગતના મહાન શક્તિશાળી સેનાપતિઓમાં હેનીબાલની ગણતરી થાય છે. એણે અનેક યુદ્ધોમાં વિજયો મેળવ્યા હતા. વિવિધ જાતિઓના લોકોનું એણે પોતાની સત્તા નીચે સંગઠન સાધ્યું હતું. એના સૈનિકો એના પર વિશ્વાસ રાખી વિકટ માર્ગમાં પણ એને અનુસરતા હતા. એનો પિતા હેમિલ્કાર બર્કા કાર્થેજના લશ્કરનો સેનાપતિ હતો. હેમિલ્કાર રોમનોનો કટ્ટર દુશ્મન હતો. એણે એના પુત્ર હેનીબાલ પાસે બાલ્યાવસ્થામાં ધાર્મિક સ્થાનમાં લઈ જઈને શપથ લેવડાવ્યા હતા કે એ કદી રોમનોનો મિત્ર બનશે નહિ. કાર્થેજ અને રોમ એકબીજાના કાયમી દુશ્મન હતા. કાર્થેજિયનો વેપારી હોવાથી લશ્કરમાં સામેલ થતા ન હતા; પરંતુ ભાડૂતી લશ્કર રાખી દુશ્મનો સામે લડતા હતા.

હેનીબાલ

હેનીબાલ યુવાન હતો ત્યારે એના પિતા હેમિલ્કાર સાથે સ્પેન પરનાં આક્રમણોમાં સામેલ હતો. રોમ અને કાર્થેજ વચ્ચેના પ્રથમ પ્યુનિક વિગ્રહ(ઈ. પૂ. 265–241)માં હેમિલ્કાર કાર્થેજના લશ્કરનો સેનાપતિ હતો. એના અવસાન પછી એના જમાઈને સેનાપતિ બનાવવામાં આવ્યો, પરંતુ એક સ્પૅનિશ ગુલામે એનું ખૂન કરતાં ઈ. પૂ. 221માં હેનીબાલ યુવાન વયે કાર્થેજનો સેનાપતિ બન્યો.

હેનીબાલ સ્પેનમાં નવા નવા પ્રદેશો પર જીત મેળવતો હતો; પરંતુ ઈ. પૂ. 219માં હેનીબાલે સ્પેનમાં આવેલા સાગુન્ટમ રાજ્ય પર હુમલો કર્યો ત્યારે સાગુન્ટમે રોમની મદદ માગી. એટલે રોમે ઈ. પૂ. 218માં કાર્થેજ સામે યુદ્ધ જાહેર કર્યું, જે બીજા પ્યુનિક વિગ્રહ તરીકે ઓળખાય છે. આ વિગ્રહ ઈ. પૂ. 201 સુધી ચાલ્યો. આ વિગ્રહમાં શરૂઆતથી અંત સુધી હેનીબાલે મહત્વનો ભાગ ભજવ્યો હતો તેથી તે ‘હેનીબાલિક વિગ્રહ’ તરીકે પણ ઓળખાય છે.

આ વિગ્રહની શરૂઆતમાં હેનીબાલે સ્પેનમાંથી ફ્રાન્સ થઈને આલ્પ્સની બરફ આચ્છાદિત ઊંચી પર્વતમાળા ઓળંગીને ઇટાલીની મુખ્ય ભૂમિમાં પ્રવેશ કર્યો. એનું આ કાર્ય પ્રાચીન યુગનું અભૂતપૂર્વ સાહસ ગણાય છે. 60,000નું એનું સૈન્ય આલ્પ્સ ઓળંગ્યા પછી ખુવારીને કારણે 26,000નું બની ગયું. છતાં એ અડગ ઉત્સાહ ધરાવતો હતો. એના સૈન્યમાં થોડા હાથીઓનો સમાવેશ થતો હતો. રસ્તામાં એણે રોમનોના દુશ્મન એવા ગૉલ જાતિના લોકોમાંથી લગભગ 15,000 સૈનિકોની નવી ભરતી કરી. નાના વિજયો મેળવ્યા પછી ઈ. પૂ. 216માં દક્ષિણ ઇટાલીમાં આવેલા કેન્નેના મોટા યુદ્ધમાં એણે લશ્કરની વિશિષ્ટ વ્યૂહરચનાથી એક જ દિવસમાં રોમન સૈન્યના 50,000 સૈનિકોને મારી નાખીને ભવ્ય વિજય મેળવ્યો; પરંતુ એ પછી પરિસ્થિતિએ પલટો લીધો. રોમન સેનાપતિ પબ્લિયસ કોર્નેલિયસ સિપિયોએ સ્પેનમાંથી કાર્થેજિયનોને હાંકી કાઢી ઈ. પૂ. 204માં આફ્રિકા ઉપર ચડાઈ કરી. તેથી કાર્થેજવાસીઓએ ઈ. પૂ. 203માં હેનીબાલને ઇટાલીથી આફ્રિકા પાછો બોલાવ્યો. રોમન સેનાપતિ સિપિયોએ ઈ. પૂ. 202માં ઉત્તર આફ્રિકાના ઝામા નામના સ્થળે હેનીબાલને હરાવ્યો. ઈ. પૂ. 201માં રોમના વિજય સાથે આ બીજા પ્યુનિક વિગ્રહનો અંત આવ્યો.

આ યુદ્ધને અંતે રોમનોએ કાર્થેજની સ્વતંત્રતા માન્ય રાખી. એના નેતા તરીકે હેનીબાલ એનો વહીવટ કરતો હતો; પરંતુ કાર્થેજે આ યુદ્ધમાંના પરાજયના કારણે એના આફ્રિકા બહારનાં બધાં સંસ્થાનો ગુમાવવા પડ્યાં, રોમને મોટો યુદ્ધદંડ આપવો પડ્યો અને બીજી અપમાનજનક શરતો સ્વીકારવી પડી. થોડા સમયમાં હેનીબાલને જાણવા મળ્યું કે રોમનો એને રોમની શરણાગતિ સ્વીકારવા ફરજ પાડશે. તેથી તે કાર્થેજ છોડીને રક્ષણ મેળવવા સિરિયાના રાજા એન્ટિઓક્સ 3જાના શરણે ગયો. ઈ. પૂ. 189માં એન્ટિઓક્સ 3જાનો રોમનો સામે પરાજય થતાં તે વર્તમાન તુર્કસ્તાનમાં આવેલા બિથિનિયા નામના પ્રદેશમાં નાસી ગયો; પરંતુ ત્યાં પણ રોમનોએ એની શરણાગતિનો આગ્રહ ચાલુ રાખતાં તેણે આત્મહત્યા કરી.

આમ, બીજા પ્યુનિક વિગ્રહમાં રોમ સામે કાર્થેજનો પરાજય થયો. વિશાળ લશ્કર સાથે આલ્પ્સ પર્વતમાળા ઓળંગવાનું અશક્ય કાર્ય એણે શક્ય કરી બતાવ્યું હતું. એને કારણે હેનીબાલ પ્રાચીન જગતના એક મહાન અને શૂરવીર સેનાપતિ તરીકે ઇતિહાસમાં સ્થાન ધરાવે છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી