હેગ (Hague) : હોલૅન્ડનું પાટનગર, નેધરલૅન્ડ્ઝનું સરકારી મથક. નેધરલૅન્ડ્ઝનું પાટનગર ઍમસ્ટર્ડૅમ ખાતે આવેલું છે. વાસ્તવમાં હેગ એ દેશના રાજવીનું સત્તાવાર નિવાસસ્થાન છે. હેગનું સત્તાવાર નામ ગ્રેવનહેગ (અર્થ : અમીરવાડો) અથવા ડેન હાગ છે. ભૌગોલિક સ્થાન : 52° 05´ ઉ. અ. અને 4° 22´ પૂ. રે..

હેગનું સ્થાન દર્શાવતો નકશો

હેગ ઉત્તર સમુદ્રથી અંદરના ભૂમિભાગમાં, આશરે 5 કિમી.ને અંતરે, નેધરલૅન્ડ્ઝના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું છે. મોટા ભાગનાં બીજાં ડચ શહેરોની સરખામણીએ તે સમુદ્રસપાટીથી ઠીકઠીક ઊંચાઈ પર આવેલું છે. ઍમસ્ટર્ડૅમ અને રોટર્ડૅમ સાથે તે નહેરોથી સંકળાયેલું છે. 2000 મુજબ તેની વસ્તી 4,40,743 અને મહાનગરની વસ્તી 6,10,245 છે.

 

હેગની બિનેનહૉફ (સંસદ)

હેગનું અર્થતંત્ર મુખ્યત્વે સરકાર હસ્તક છે. સરકાર પોતે જ લોકોને નોકરીઓ આપે છે. સરકારી તંત્રના વિકાસ માટે અહીં ઘણી ઇમારતો અને કાર્યાલયો નવેસરથી બાંધવામાં આવેલાં છે. અહીં ઉદ્યોગો ઘણા ઓછા છે; પરંતુ અહીં જે મોટી પેઢીઓ આવેલી છે, તેમનાં કાર્યાલયો કાર્યરત રહે છે, કેટલીક બહારની પેઢીઓનાં મુખ્ય મથકો પણ અહીં રાખેલાં છે.

હેગ ખૂબ જ રમણીય નગર છે, તેમાં વિશાળ ઉદ્યાનો તેમજ વૃક્ષોથી શોભતી શાંત શેરીઓ જોવા મળે છે. અહીંની વિશાળ મહેલો જેવી જૂની ઇમારતો અને ભવ્ય આવાસો યાદ અપાવે છે કે આ શહેર અન્ય ડચ શહેરો પર વર્ચસ્ ધરાવતા વેપારીઓ કરતાં ઉમરાવો અને સરકારી અધિકારીઓની વધુ અસર હતી. હેગમાં ત્રણ શાહી મહેલો આવેલા છે, તેમાં ‘હુઇસ ટેન લૉશ’ (વન્ય આવાસ – House in the Woods) અથવા દેશના રાજવીના નિવાસસ્થાનનો પણ સમાવેશ થઈ જાય છે. શહેરના જૂના મધ્યભાગમાં સંસદની ઇમારતો છે, તે બિનેનહૉફ (Binnenhof) નામથી ઓળખાય છે. મૌરિત્સુઇસ નામનું કલાસંગ્રહાલય–સત્તરમી સદીની શાહી ચિત્રદીર્ઘા (Royal Picture Gallery) બિનેનહૉફથી બીજા ક્રમે આવે છે. હેગમાં મધ્યયુગની યાદ અપાવતાં ઘણાં દેવળો પણ છે. બિનેનહૉફમાં નાઇટ્સનો ગૉથિક હૉલ (1280) આવેલો છે, ત્યાં દર વર્ષે સંસદની કાર્યપ્રણાલીની શરૂઆત કરવામાં આવે છે. અહીં સોળમી સદીનો ટાઉનહૉલ પણ છે. હેગની નજીક ઉત્તર તરફ શેવેનિન્જન (Scheveningen) નામનું માછીમારોનું નગર આવેલું છે; વળી જેને માટે વિલ્હેમ બીજાએ અને વિન્સ્ટન ચર્ચિલે દાન આપેલાં તે નેધરલૅન્ડ્ઝનું મોટામાં મોટું ગણાતું દરિયાકાંઠા પરનું વિહારધામ પણ અહીં નજીકમાં જ આવેલું છે.

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત

વીસમી સદીની શરૂઆતમાં, દુનિયાના આગળ પડતા દેશોની આંખો આશાસ્પદ રીતે હેગ પર ઠરી હતી, શાંતિચાહક લોકોની ધારણા હતી કે હેગ દુનિયાભર માટે તટસ્થ પાટનગર બની શકે તેમ છે. બધા જ દેશોના પ્રતિનિધિઓ ત્યાં ભેગા થઈને તકરારો, ઝઘડા, સંઘર્ષો અને યુદ્ધોની પતાવટ કે યુદ્ધો થતાં રોકવાની બાબત માટે અહીં વાટાઘાટો કરી શકે તેમ છે. આ સ્વપ્નને સાકાર કરવા એક ભવ્ય શાંતિમહેલ (Peace Palace) 1913માં અહીં બાંધવામાં આવેલો છે. અમેરિકન ઉદ્યોગપતિ ઍન્ડ્ર્યુ કાર્નેગીએ આ મહેલ માટે નાણાં આપેલાં. આ મહેલ આજે પણ લવાદી માટેની કાયમી અદાલત તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત તરીકે ઉપયોગમાં લેવાય છે અને આવા બીજા હેતુઓ માટેના મુખ્ય મથકની ગરજ સારે છે.

ઇતિહાસ : મૂળભૂત રીતે જોતાં, હેગ એ હોલૅન્ડના અમીર(count)નું પોતાની માલિકીનું શિકાર સ્થળ હતું. 1248માં અહીં એક કિલ્લો બાંધવામાં આવેલો. 1250માં તે અમીરનું નિવાસસ્થાન બન્યો. સોળમી સદીમાં નેધરલૅન્ડ્ઝ સ્વતંત્ર બન્યું ત્યારે હેગ સ્ટેટ–જનરલનું મુખ્ય મથક બન્યું. 1585માં અહીં જ સંસદની સ્થાપના થયેલી. નવા ડચ પ્રજાસત્તાકમાં બધા જ પ્રાંતો ભળ્યા અને તેનો વહીવટ સંસદને હસ્તક આવ્યો. સત્તરમી સદીથી આ શહેર યુરોપીય રાજકીય મુત્સદ્દીગીરીનું મથક બની રહેલું છે. ઇંગ્લૅન્ડ, સ્વિડન અને હોલૅન્ડના ત્રણ દેશોના તથા ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને હોલૅન્ડના ત્રણ દેશોના જોડાણના સહીસિક્કા અનુક્રમે 1668માં અને 1717માં અહીં હેગ ખાતે જ થયેલા. રશિયન ઝારના સૂચનથી 1899માં આ શહેરમાં એક શાંતિપરિષદ પણ યોજાયેલી, તે પછીથી હેગ કાયમ માટે આંતરરાષ્ટ્રીય પરિષદો માટેનું મથક બની રહેલું છે. 1907માં યુરોપીય રાષ્ટ્રોના પ્રતિનિધિઓ, પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તે અગાઉ તે અંગેની સમસ્યાઓના ઉકેલો લાવવા હેગ ખાતે મળેલા; પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ નીવડેલા. પછીથી 1940માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેરનો કબજો જર્મન દળોએ લઈ લીધેલો. યુદ્ધથી આ શહેરને ઘણી તારાજી વેઠવી પડેલી. જર્મનોએ શેવેનિન્જન ખાતે રક્ષણાત્મક હરોળ ઊભી કરેલી અને હેગ ખાતેથી V–2 રૉકેટો પણ છોડેલાં. જોડાણવાળા દેશોએ 1945માં જર્મનો પાસેથી હેગને મુક્ત કરાવ્યું તે અગાઉ હેગ પર પચાસ વાર બૉંબમારો થયેલો.

ગિરીશભાઈ પંડ્યા