હેગડે, રામકૃષ્ણ (જ. 29 ઑગસ્ટ 1926, ઉત્તર કન્નડ જિલ્લો, કર્ણાટક; અ. 12 જાન્યુઆરી 2004, બૅંગાલુરુ) : કર્ણાટકના કરિશ્માતી રાજનીતિજ્ઞ અને પ્રથમ બિનકૉંગ્રેસી મુખ્યમંત્રી. ઉત્તર ક્ન્નડ જિલ્લાના સિદ્ધાપુરાના ખ્યાતનામ ‘દાદામણિ’ કુટુંબનું તેઓ સંતાન હતા. આ શ્રીમંત કુટુંબ 1930ની ‘ના-કર’ની લડતમાં સક્રિય બન્યું અને બ્રિટિશ સરકારને કરવેરો ભરવાનો વિરોધ કર્યો. આથી બ્રિટિશ સરકારે ‘દાદામણિ’ કુટુંબની સમગ્ર સંપત્તિ જપ્ત કરી જેથી સારુંયે કુટુંબ ભારે આર્થિક હાલાકીનો ભોગ બન્યું, પણ તેથી ‘ના-કર’ની લડતમાં જોડાવાનો તેમનો નિર્ણય બદલાયો નહિ. આમ તેમનામાં બાળપણથી રાષ્ટ્રપ્રેમના સંસ્કાર સિંચાયા હતા. માતા સરસ્વતી અમ્મા અને પિતા મહાબલેશ્વર. તેમનાં વિધવા મોટાં બહેન મહાદેવી ત્યાગી ગાંધીવિચારધારાથી રંગાયેલાં હતાં અને પ્રારંભે કૉંગ્રેસ કાર્યકર રહ્યાં હતાં તેમજ સ્વાતંત્ર્ય બાદ સર્વોદય આંદોલનમાં ક્રિયાશીલ હતાં. આ મોટાં બહેનનાં કાર્યોનો પ્રભાવ સદૈવ હેગડે પર રહ્યો હતો.

રામકૃષ્ણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક પદવી મેળવી. કાયદાના સ્નાતક તરીકે ઇલ્લાહાબાદ યુનિવર્સિટીમાં તેઓ જોડાયા જ્યાં ભારતના પછીથી થયેલ રાષ્ટ્રપ્રમુખ ડૉ. શંકર દયાલ શર્મા જેવા પ્રાધ્યાપકો તેમને સાંપડ્યા હતા.

ઍડ્વોકેટ તરીકે કારકિર્દીનો આરંભ કર્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય બન્યા. કર્ણાટકના મુખ્યમંત્રી નિજલિંગપ્પાએ તેમની પ્રતિભા ઓળખી અને 1957માં તેમને રાજ્યના આયોજન મંત્રાલયના નાયબ અધ્યક્ષ નીમ્યા. આ સમયથી તેમણે બૅંગાલુરુમાં કાયમી વસવાટ કર્યો. બૅંગાલુરુ શહેર તેમને અત્યંત પ્રિય હતું અને તેના સૌંદર્યને જાળવી રાખવા તેઓ ઉત્સુક હતા તેથી 1986માં બગલોરમાં નવા ઉદ્યોગો ન નાંખવાની ઔદ્યોગિક નીતિ સ્વીકારવામાં આવી હતી, જે નીતિ નવી આવેલી સરકારે રદ કરી હતી. આ પછી તેઓ નિજલિંગપ્પાના પરમ વિશ્વસનીય સાથી બની રહ્યા. 1969ના કૉંગ્રેસના વિભાજન પછી પણ તેમણે આ વરિષ્ઠ કૉંગ્રેસી નેતાની પડખે રહેવાનું પસંદ કર્યું.

રામકૃષ્ણ હેગડે

ત્યાર બાદ પ્રાદેશિક રાજકારણમાં તેઓ સક્રિય હતા અને બૅંગાલુરુ જિલ્લાના કનકપુરીમાંથી અને બૅંગાલુરુ શહેરના બસવનગુડી અને પછી સિરસિ મતવિસ્તારોમાંથી વિધાનસભામાં ચૂંટાઈ આવેલા. અલબત્ત, 1991ની લોકસભાની બેઠક માટેની ચૂંટણી બાગલકોટ મતવિસ્તારમાંથી તેઓ લડ્યા હતા, જેમાં તેમને પરાજિત કરવામાં આવેલા.

રાજકીય અભ્યાસીઓના મતે 1975ની કટોકટી પૂર્વેના હેગડે કર્ણાટકના રાજકીય જીવનના કરિશ્માતી નેતા હતા. સાદાં ખાદીનાં કપડાં સાથે ગાંધીટોપીધારી આ નેતા પર નહેરુ યુગનો પ્રભાવ હતો. વ્યાપક વાંચનની ટેવ ધરાવતા પ્રામાણિક રાજકારણી અને ‘મૂલ્ય આધારિત રાજકારણ’ના પુરસ્કર્તા તરીકે તેમની ખ્યાતિ હતી. જૂન, 1975થી માર્ચ 1977ની કટોકટી દરમિયાન મીસા હેઠળની ધરપકડનો લાભ તેમને પણ મળ્યો હતો. આ પછીના સમયમાં તેમણે મૂલ્યોનો અત્યાગ્રહ કદાચ થોડો શિથિલ કર્યો હતો.

જાન્યુઆરી, 1983થી ઑગસ્ટ, 1988 સુધી મુખ્યમંત્રી તરીકે તેઓ કર્ણાટકના સુકાની રહ્યા. આ કાર્યકાળ દરમિયાન તેમણે ટૂંકા ગાળામાં પણ નોંધપાત્ર કામગીરી કરી. રાજ્યમાં લોકાયુક્તની સ્થાપના કરી, સ્થાનિક ઘટકોમાં મહિલાઓ માટે 25 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય લેવડાવ્યો તેમજ તેની ચૂંટણીમાં મતાધિકારની વયમર્યાદા 21માંથી 18ની કરી અને લઘુમતી પંચની રચના કરી પ્રગતિશીલ સરકારની દિશામાં રાજ્યને દોરી ગયા. 1989–90માં રાષ્ટ્રીય મોરચાની સરકારમાં તેઓ ભારતના આયોજન પંચના નાયબ અધ્યક્ષપદે હતા. વાજપેયી સરકારના વાણિજ્ય મંત્રી તરીકે તેમણે કામગીરી બજાવી હતી તેમજ થોડા સમય માટે ભારત-ફ્રેંચ કમિશનના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

અવસાન પૂર્વેના છ મહિનાથી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી.

રક્ષા મ. વ્યાસ