હેક્સ્ચર, એલિ એફ. (1879–1952) : સ્વીડિશ અર્થશાસ્ત્રી અને ઇતિહાસકાર. તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારના આધુનિક સિદ્ધાંતનો પાયો નાંખ્યો છે. 1919માં તેમણે સ્વીડનના એક સામયિકમાં એક સંશોધનલેખ પ્રકાશિત કર્યો, જેને આધારે બર્ટિલ ઓહલીન નામના બીજા સ્વીડિશ અર્થશાસ્ત્રી(1899–1979)એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતો જે ખ્યાલ વિકસાવ્યો તે ‘હેક્સ્ચર–ઓહલીન પ્રમેય’ તરીકે ઓળખવામાં આવે છે. ઓહલીન પોતે હેક્સ્ચરના વિદ્યાર્થી હતા. તેમણે 1933માં ‘ઇન્ટરરીજનલ અને ઇન્ટરનૅશનલ ટ્રેડ’ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો નવો સિદ્ધાંત તારવ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો આધુનિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ડેવિડ રિકાર્ડોના ‘તુલનાત્મક ખર્ચ લાભ’ના સિદ્ધાંતને ઓહલીને સુધારેલું રૂપ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે. ઓહ્લીને તારવેલ આ સિદ્ધાંત એલિ હેક્સ્ચરના તે અંગેના અભિગમ પર રચાયેલો હોવાથી અર્થશાસ્ત્રમાં તે એક અભિનવ યોગદાન ગણાય છે. આ સિદ્ધાંત માટે બર્ટિલ ઓહલીનને વર્ષ 1977નું અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

એલિ એફ. હેક્સ્ચર

મૂળભૂત રીતે હેક્સ્ચર વાણિજ્યવાદ અને સ્વીડનના આર્થિક ઇતિહાસના શકવર્તી સંશોધન માટે વધુ જાણીતા બન્યા હતા, જોકે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અંગેનો તેમનો સૈદ્ધાંતિક અભિગમ અભિનવ અવશ્ય ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે