હેગલ જ્યૉર્જ વિલ્હેલ્મ ફ્રેડરિક

February, 2009

હેગલ, જ્યૉર્જ વિલ્હેલ્મ ફ્રેડરિક (જ. 27 ઑગસ્ટ 1770, સ્ટુટગાર્ડ, જર્મની; અ. 14 નવેમ્બર 1831, બર્લિન, જર્મની) : આધુનિક ચૈતન્યવાદી (idealist) ચિન્તક. 1788થી 1793 સુધી તેમણે ખ્રિસ્તી ઈશ્વરવિદ્યા(Theology)નો અભ્યાસ ટ્યૂબિનગેનમાં કર્યો હતો. પ્રખ્યાત જર્મન કવિ હોલ્ડરલિન (1770–1843) અને ચિન્તક શૅલિંગ (1755–1854) આ અભ્યાસમાં તેમના સાથીદારો અને મિત્રો હતા. ત્યારપછી સ્વિટ્ઝર્લૅન્ડમાં બર્નેમાં ત્રણ વર્ષ સુધી અને ફ્રૅન્કફર્ટમાં ચાર વર્ષ સુધી તેમણે ખાનગી શિક્ષક તરીકે કામ કર્યું હતું. 1801માં તેઓ જેના યુનિવર્સિટીમાં જોડાયા. 1807માં જેના છોડ્યા પછી હેગલે બામબેર્ગમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. 1808થી 1815 સુધી હેગલે ન્યૂરેમબર્ગની એક શિક્ષણસંસ્થામાં આચાર્ય તરીકે સેવાઓ આપી. 1816થી 1818 સુધી તેમણે હાઇડેલબર્ગ યુનિવર્સિટીમાં અને 1818થી 1831 સુધી બર્લિન યુનિવર્સિટીમાં અધ્યાપન-સંશોધનનું કાર્ય કર્યું હતું.

જ્યૉર્જ વિલ્હેલ્મ ફ્રેડરિક હેગલ

હેગલની મુખ્ય કૃતિઓમાં નીચેની કૃતિઓનો સમાવેશ થાય છે :

(i) ફિનૉમિનૉલૉજી ઑવ્ સ્પિરિટ

(ii) સાયન્સ ઑવ્ લૉજિક

(iii) ફિલૉસૉફી ઑવ્ રાઇટ (right)

(iv) ફિલૉસૉફી ઑવ્ હિસ્ટરી

હેગલનું મુખ્ય પ્રદાન તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન, કલાવિચાર, સૌંદર્યવિચાર, જ્ઞાનવિચાર અને ઇતિહાસવિચારમાં ઘણું નોંધપાત્ર રહ્યું છે. 19મી સદી અને ખાસ તો વીસમી સદીમાં હેગલની વિચારપદ્ધતિ અને તત્વવિચારણાથી અનેક પાશ્ચાત્ય તત્વચિન્તકો અનેક રીતે પ્રભાવિત થયા છે. શૅલિંગ, કિર્કગાર્ડ, શોપનહૉઅર, નિત્સે, રસેલ, કાર્લ પોપર વગેરે ચિન્તકોએ હેગલના ચિન્તનનો વિરોધ કર્યો છે. ફ્યુઅરબાખ, માર્કસ બ્રેડલી, બૉસાંકે, રાયસ, ડ્યૂઈ, સાર્ત્ર, દેરિદા વગેરેએ પોતપોતાની રીતે હેગલની સમીક્ષા પણ કરી છે અને તેમના કેટલાક સિદ્ધાન્તોને કે તેમના વ્યાપક અભિગમને સ્વીકાર્યો પણ છે. રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસમાં તેમના ચિન્તનની વ્યાપક અસર પડી છે. હેગલના ચિન્તન વગર કદાચ કાર્લ માકર્સનું ચિન્તન તે સ્વરૂપમાં શક્ય બન્યું ન હોત.

હેગલ અંતિમ સત્ કે પરમતત્વને નિરપેક્ષ ચેતનતત્વ (Absolute Spirit) તરીકે સ્વીકારે છે. તેમના સિદ્ધાન્તને તેથી નિરપેક્ષ ચૈતન્યવાદ (Absolute Idealism) તરીકે સમજવામાં આવે છે. હેગલ પરમતત્વને સ્વનિર્ધારિત (self determined) થતાં અને વિકસતા (self developing) સર્વવ્યાપી બુદ્ધિતત્વ (Idea Reason) તરીકે માને છે. સૃષ્ટિને સૃષ્ટિની બહાર રહીને આધાર આપતાં સ્વતંત્ર તત્વ તરીકે હેગલ પરમતત્વનો વિચાર કરતા નથી. આ તત્ત્વ પ્રકૃતિમાં અને માનવચેતનામાં જુદે જુદે તબક્કે અભિવ્યક્ત થઈને  મૂર્ત થઈને સ્વસભાનતા તરફ મનુષ્યની ચેતના અને સ્વાતંત્ર્ય દ્વારા નવા રૂપે પાછું વળે છે. સત્નો વિચાર કેવળ વિગતહીન, સામગ્રી-સંભારહીન એવા સમરૂપ, અભિન્ન, અપરિવર્તનશીલ, સ્થિર તત્વ તરીકે હેગલની દૃષ્ટિએ અસ્વીકાર્ય છે. શુદ્ધ સત્નો વિચાર શુદ્ધ અસતના વિચાર તરફ જાય છે અને તેનો ઉચ્ચ સમન્વય પરિણામ  વ્યાપાર(becoming)માં પરિવર્તનમાં થાય છે. પરમતત્વના પોતાના સ્વરૂપનો વિચાર એ તત્વમીમાંસા છે; પણ પોતાનાથી ઇતર તરીકે તે પ્રકૃતિ દ્વારા કઈ રીતે પ્રવર્ત્યું છે તેનો વિચાર પ્રાકૃતિક તત્વચિન્તનમાં થાય છે. મનુષ્યની ચેતના અને તેનું સ્વાતંત્ર્ય એ કોઈ આકસ્મિક પ્રાકૃતિક ઘટનાઓ નથી, પણ પરમતત્વની પ્રકૃતિ તરફથી ચેતના તરફની ગતિનાં પરિણામો છે.

હેગલ પ્રમાણે જે સમગ્રતા છે કે સમષ્ટિરૂપ છે તે જ પારમાર્થિક સત્ છે. આંશિક, પરિમિત કે અપૂર્ણનું સત્ય પણ આંશિક જ છે. ખંડને અખંડ તરીકે, અંશને અંશી તરીકે ઘટાવી શકાય જ નહિ; તે તો મિથ્યાદૃષ્ટિ જ છે. અંશ અને અંશી વચ્ચે સજીવતંત્રના અવયવો વચ્ચે જેવો સંબંધ હોય છે તે પ્રકારનો સંબંધ હોય છે. એક દૃષ્ટિએ વિચારીએ તો ટેબલ ટેબલ જ છે; બીજી દૃષ્ટિએ વિચારીએ તો ટેબલ વૃક્ષના લાકડા રૂપે પહેલાં હતું અને ભવિષ્યમાં તે કદાચ રાખરૂપે હશે. એટલે વસ્તુ જે છે તે જ છે તેમ નહિ; પરંતુ તે કયા પૂર્વવર્તી તબક્કાઓનું પરિણામ હશે અને તેનું કયું સ્વરૂપ તેનાં ઉત્તરવર્તી પરિણામોમાં હશે તે રીતે વિચારવું પડે. કેવલ-નિત્યત્વવાદ કે કેવલ-અનિત્યત્વવાદ હેગલને માન્ય નથી. પરિવર્તનપ્રક્રિયામાં પૂર્વવર્તી તબક્કામાં રહેલી વસ્તુ નવા તબક્કામાં ઊંચકાઈ જાય છે. પરિવર્તનમાં વસ્તુને કે પરિસ્થિતિને તેનાં મૂળ સ્વરૂપે પાર કરી જવામાં આવે છે અને છતાં નવા સ્વરૂપે તે જળવાઈ રહે છે.

પૂર્વવર્તી પરિસ્થિતિને પાર કરી જવાની અને તેને ઉપર લઈને નવા રૂપે જાળવવાની ક્રિયાને હેગલ ‘આઉફહેબુંગ’ (AuFhebung) એ જર્મન શબ્દથી સમજાવે છે.

હેગલે દ્વંદ્વાત્મક વિરોધાશ્રિત પદ્ધતિ(dialectical method)નો નવો અભિગમ રજૂ કર્યો છે. હેગલ મુજબ દરેક વિચારની અંદર કે દરેક વસ્તુસ્થિતિની અંદર જ તેનાં વિરોધી તત્વો પડેલાં હોય છે અને તેને લીધે દરેક વિચાર કે દરેક વસ્તુસ્થિતિ તેના વિરોધી વિચાર તરફ કે તેનાથી વિરોધી વસ્તુસ્થિતિ તરફ જાય છે, પરિવર્તિત થાય છે. તેથી જ ઇતિહાસના જે તબક્કે જે કંઈ વિચારો કે જે કંઈ વાસ્તવિક પરિસ્થિતિ હોય છે તે વિચારો કે તેવી વાસ્તવિક પરિસ્થિતિઓ તે તબક્કાના અનુસંધાનમાં વાજબી હોય છે. તર્કસંગત (rational) હોય છે. આમ, જે વાસ્તવિક (real) છે તે તર્કસંગત જ છે; પરંતુ જે તબક્કે જે સિદ્ધાંત કે જે પરિસ્થિતિ વાજબી હોય છે તે તે તબક્કાઓમાં પરિવર્તન પણ આવતું હોય છે, તેથી કોઈ તબક્કાએ સ્થગિત થઈને તેને આખરી સત્ય તરીકે માની શકાય જ નહિ.

પરંપરાગત તર્કશાસ્ત્ર તમે ‘A’નો સ્વીકાર કરો પછી ‘A નહિ’ તરફ થયો અને પછી ‘A નહિ એવું નહિ’ એમ કહો તો ફરી પાછા તમે ‘A’ ઉપર જ આવો છો, કારણ કે not non–A = A; પરંતુ દ્વંદ્વાત્મક પદ્ધતિ સતત ઉપર જતી વળાંકો લેતી ભમરિયા આકારની સર્પિલ (spiral) ગતિ છે. હેગલ ‘contradiction’ શબ્દ પ્રયોજે છે. તેનો હેગલના તર્કશાસ્ત્રમાં ‘નિષેધ’, ‘ભેદ’, ‘વિરોધ’, ‘સંબંધ’ એવો અર્થ થાય છે. પરંપરાગત તર્કશાસ્ત્રમાં A = A અને not non –A = A એવો નિયમ છે, હેગલનું ડાયલેક્ટિક્સ તેનાથી જુદું છે. તેમાં મૂળ પરિસ્થિતિ અને વિરોધી પરિસ્થિતિ, મૂળ વિચાર (thesis) અને વિરોધી વિચાર (anti-thesis) – એ નવા ઊંચા પ્રગતિકારક સમન્વય (synthesis) તરફ જાય છે. દરેક વસ્તુસ્થિતિની અંદર તેનાં વિરોધી તત્વો પડેલાં હોય છે. દરેક વાદની અંદર જ તેનો પ્રતિવાદ થાય તેવી બાબત પડેલી હોય છે. તેથી મૂળ પરિસ્થિતિને અતિક્રમીને તેનાથી ભિન્ન પરિસ્થિતિ તરફ સતત પરિવર્તન થાય છે. દ્વંદ્વાત્મક વિરોધાશ્રિત, નિષેધાશ્રિત સમન્વય પદ્ધતિ (dialectical method) માત્ર કોઈ વિચારપદ્ધતિ જ નથી, પણ વસ્તુતત્વમાં કે વાસ્તવિક પરિસ્થિતિમાં પરિવર્તનની પણ આવી જ પ્રક્રિયા છે. સંઘર્ષ, વિરોધ કે નિષેધ માત્ર વિચારોના સ્તરે જ નથી; પણ પરિસ્થિતિઓના સ્તરે પણ છે, તેથી જ નિષેધ, ભેદ, સંઘર્ષ કે વિરોધ વગર કોઈ વૈચારિક કે વાસ્તવિક પ્રગતિ શક્ય નથી. મૂળના નિષેધ વગર ગતિ નથી અને મૂળ તેમ જ નિષેધને ઉચ્ચ સ્તરે સમન્વિત કર્યા સિવાય પ્રગતિ નથી.

જ્ઞાનમાં દ્વિધ્રુવી વિરોધાશ્રિત પ્રક્રિયાથી પ્રગતિ થાય છે. તેમ વાસ્તવિક પરિસ્થિતિમાં પણ તેવી પ્રગતિ થાય છે. ક્રાન્તિ પૂર્વેની ફ્રાન્સની પરિસ્થિતિને ફ્રેન્ચ ક્રાન્તિ પાર કરી ગઈ. તેની સામે તેની વિરુદ્ધની પ્રતિક્રિયાઓ પણ થઈ અને તેવી પ્રતિક્રિયાઓમાંથી પાછી નવી રાજ્યવ્યવસ્થાઓ સરજાતી ગઈ. ફ્રેન્ચ ક્રાન્તિ કે તેની સામેની પ્રતિક્રિયાઓ કેવળ વૈચારિક ન હતી, તે મૂર્ત વાસ્તવિક પરિસ્થિતિઓ હતી. હેગલના ચિંતનમાં ક્રાન્તિ અને તેના વિરોધી વિચારનો નવો સમન્વય થયો છે. (પ્રશિયાની રાજાશાહી.)

હેગલ મુજબ પૂર્વ (east) તો તત્વત: એક પ્રારંભ જ છે. વિશ્વચેતનાનો માર્ગ પૂર્વથી પશ્ચિમ ભણી જ જાય છે. હેગલ મુજબ શુદ્ધ નિર્ગુણ સત્(બ્રહ્મન્)નો ભારતીય વિચાર અમૂર્ત છે. તેને જગતની અનેકતા અને પરિવર્તન સાથે જોડી શકાય તેમ નથી. વિચારમાં અને વાસ્તવિકતામાં પશ્ચિમમાં પ્રાચીન ગ્રીસથી માંડીને ફ્રેન્ચ ક્રાન્તિ સુધીનો ઇતિહાસ સમજવા માટે ગત્યાત્મક પ્રક્રિયાઓને સમજવી પડે છે. [(અનુ. નગીન શાહ; ભારત અને યુરોપ (2004) વિલ્હેલ્મ હાબફાસના ગ્રંથનો અનુવાદ, પ્રકરણ 6)]

વૈશ્વિક ચેતનતત્વના પ્રકાશમાં વિશ્વના ઇતિહાસનો વિચાર કરતાં હેગલ મુજબ વૈશ્વિક ચૈતન્યની સ્વાતંત્ર્ય (freedom) તરફની ગતિ એ જ વૈશ્વિક ઇતિહાસ છે, એમ કહી શકાય. પ્રાચીન ભારત, ચીન કે પર્શિયામાં માત્ર એક જ વ્યક્તિ (એટલે કે શાસક પોતે જ) સ્વતંત્ર હતી; પ્રાચીન ગ્રીસ અને રોમમાં ગુલામી પ્રથા માન્ય હતી, એટલે કેટલાક જ લોકો સ્વતંત્ર હતા તેમ કહેવાય; પરંતુ ખ્રિસ્તીપંથ અને પશ્ચિમ યુરોપના હેગલ સુધીના જગતમાં તમામ લોકોની મુક્તિ કે તેમનું સ્વાતંત્ર્ય  એ આદર્શ પ્રવર્ત્યો છે. હેગલે ખ્રિસ્તી સામ્રાજ્યથી સામંતશાહી, યુરોપીય ધર્મસુધારણા, યુરોપીય જ્ઞાનપ્રકાશયુગ અને ફ્રેન્ચ ક્રાન્તિ સુધીના ઇતિહાસમાં પરાપૂર્વના તબક્કાથી ઉત્તરવર્તી તબક્કાઓ સુધીમાં માનવસ્વાતંત્ર્ય તરફની ગતિ અને પ્રગતિ જોઈ છે. ફ્રેન્ચ ક્રાન્તિમાં સર્વના સ્વાતંત્ર્યના વિચારની ઘોષણા થઈ હતી.

હેગલે સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકલા, સંગીત અને કવિતા – એમ પાંચ કલાપ્રકારોનો વિચાર કર્યો; એટલું જ નહિ, પણ તેમણે પ્રતીકનિષ્ઠ (symbolic), પ્રશિષ્ટ (classical) અને ભાવુકતાવાદી (romantic) – એમ ત્રણ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે પણ કલાવિચાર કર્યો છે.

કલા કે ધર્મ કરતાં તત્વજ્ઞાન એટલા માટે ચઢિયાતું છે કે તેમાં પ્રતિમારહિત (imageless) ચિંતન હોય છે. તેમાં ધર્મ જેવું ચિત્રાત્મક ચિંતન (picture-thinking) હોતું નથી. કલાનું માધ્યમ સંવેદન છે અને કલા કે ધર્મ બંને એક અર્થમાં સંવેદન અને ચિત્રાત્મક વિચારણા સાથે સંકળાયેલાં છે. તત્વજ્ઞાન શુદ્ધ વિચારનું ક્ષેત્ર છે; તે અમૂર્ત વિભાવનાઓનું ક્ષેત્ર છે. તત્વજ્ઞાનમાં કલાનું કે ધર્મનું સત્ય ઉચ્ચ કક્ષાએ સમાવેશ પામે છે અને ત્યાં તે નવે સ્તરે જળવાઈ રહે છે. હેગલે કહ્યું છે કે તેમની પોતાની ફિલસૂફીમાં પણ તેમના યુગ સુધી વિકસેલી તમામ ફિલસૂફીના સત્યાંશોનો સમન્વય થાય છે.

હેગલના વિચારનું ઘણી રીતે મૂલ્યાંકન થયું છે. કાર્લ માર્કસે ‘ડાયલૅક્ટિકલ’ પદ્ધતિ ભૌતિકવાદી સંદર્ભમાં જ વિચારી. નિત્શેએ વિશ્વચૈતન્ય અને ઐતિહાસિક પ્રગતિના હેગલના વિચારોનો અસ્વીકાર કર્યો. કિર્કગાર્ડે હેગલના સર્વાશ્લેષી વિચારમાળખા(system)નો વિરોધ કર્યો. કાર્લ પોપરે ખુલ્લા મુક્ત લોકશાહી સમાજના વિરોધીઓ તરીકે પ્લેટો, હેગલ અને માર્કસને ગણાવ્યા. તેમના સમયની પ્રશિયાની રાજ્યવ્યવસ્થા ઉત્તમ રીતે વિશ્વઇતિહાસના આદર્શને મૂર્ત કરે છે તેવી હેગલની રજૂઆત ઘણાને ઘણી હાસ્યાસ્પદ લાગી છે. હેગલે રાજ્યનો વધારે પડતો મહિમા કર્યો છે અને વ્યક્તિને રાજ્યની ગુલામ બનાવી દે તેટલી હદ સુધી રાજ્યના અલૌકિક સ્વરૂપને સ્થાપવાનો તેમણે પ્રયત્ન કર્યો છે તેવું પણ ઘણા વિવેચકોને જણાયું છે.

હેગલે સતત પરિવર્તન અને પ્રગતિની વાત કરી છે અને ઇતિહાસનો અર્થ તેમાં જ જોયો છે. બીજી બાજુ, જે વાસ્તવિક છે તે જ વાજબી છે, તર્કસંગત છે એવું પણ તેમણે કહ્યું છે. જોકે ઇતિહાસને આવી રીતે વિરાટ યોજનાના ભાગરૂપે અર્થપૂર્ણ અભિગમથી સમજવાના પ્રયત્નો અસમર્થિત અને કેવળ કાલ્પનિક છે તેવું પણ વિવેચકોને જણાયું છે.

મધુસૂદન બક્ષી