હૅરાલ્ડ ઝુર હૉઝેન (જ. 11 માર્ચ 1936, ગૅલ્ઝેકિરશેન, જર્મની) : 2008ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા જર્મન ચિકિત્સીય વિજ્ઞાની અને નામાંકિત પ્રાધ્યાપક. તેમણે યુનિવર્સિટી ઑવ્ બૉન, હૅમ્બર્ગ અને ડૂઝેલડોર્ફમાં અભ્યાસ કર્યો હતો. 1960માં યુનિવર્સિટી ઑવ્ ડૂઝેલડોર્ફમાંથી આયુર્વિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી; તે પછી તે ચિકિત્સીય સહાયક બન્યા.
હૅરાલ્ડ ઝુર હૉઝેન
બે વર્ષ પછી તેઓ પ્રયોગશાળાના સહાયક તરીકે ઇન્સ્ટિટ્યૂટ ફૉર માઇક્રૉબાયૉલૉજી, યુનિવર્સિટી ઑવ્ ડૂઝેલડોર્ફમાં જોડાયા. સાડા ત્રણ વર્ષ પછી તે ફિલાડેલ્ફિયા ગયા અને ચિલ્ડ્રન્સ હૉસ્પિટલની વાઇરસ લૅબોરેટરીમાં કામ કર્યું. તેઓ યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં સહાયક પ્રાધ્યાપક બન્યા. 1969માં તેમણે યુનિવર્સિટી ઑવ્ વૂર્ઝબર્ગમાં શિક્ષણ અને સંશોધક-પ્રાધ્યાપક તરીકે પ્રવેશ મેળવ્યો; જ્યાં તેમણે ઇન્સ્ટિટ્યૂટ ફૉર વાઇરૉલૉજીમાં સેવા આપી. 1972માં તેઓ યુનિવર્સિટી ઑવ્ અર્લેન્જન-ન્યુરેમ્બર્ગમાં જોડાયા અને ત્યાંથી 1977માં તેઓ યુનિવર્સિટી ઑવ્ ફ્રેઇબર્ગ (બ્રૅઇરગો) ગયા.
1983થી 2003 સુધી ઝુર હૉઝેને જર્મન કૅન્સર રિસર્ચ સેન્ટર હિડેલ્બર્ગના વૈજ્ઞાનિક સલાહકાર મંડળના અધ્યક્ષ તરીકે અને સભ્ય તરીકે સેવા આપી. તેઓ ઇન્ટરનૅશનલ જર્નલ ઑવ્ કૅન્સરના મુખ્ય સંપાદક છે.
ઝુર હૉઝેનનું ખાસ સંશોધનક્ષેત્ર કૅન્સરના વાઇરસનો અભ્યાસ છે. 1976માં તેમણે માનવ પિટિકાર્બુદ વિષાણુ (human papilloma virus, virus, HPV) પર વિસ્તૃત સંશોધન કરી જણાવ્યું કે આ HPV સ્ત્રીઓમાં ગર્ભાશય ગ્રીવા(cervix)ના કૅન્સરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમનું આ સંશોધન HPVની રસીના વિકાસમાં સહાયરૂપ બન્યું છે. આ રસીનો 2006થી ઉપયોગ શરૂ થયો છે.
ઝુર હૉઝેને 2008માં ગેર્દનર ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ ઍવૉર્ડ તેમના આયુર્વિજ્ઞાનમાં આપેલા પ્રદાન બદલ પ્રાપ્ત કર્યો. તેમને લ્યુક્ મૉન્ટેગ્નિયર અને ફ્રાન્કોઈ બાર-સિનોસિ સાથે સંયુક્તપણે 2008ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
આ ઉપરાંત તેમણે પ્રાપ્ત કરેલા પુરસ્કારો આ પ્રમાણે છે : રૉબર્ટ કોચ પ્રાઇઝ (1975), ચાર્લ્સ એસ. મોટ્ટ પ્રાઇઝ (1986), પૉલ ઍન્ડ લુડવિગ – ડાર્મસ્તાડ્તર પ્રાઇઝ (1994), વિરશૉવ મેડલ, યુનિવર્સિટી ઑવ્ વૂર્ઝબર્ગ (2000), સાન મેરિનો પ્રાઇઝ ફૉર મેડિસિન (2002), ગ્રેટ ક્રૉસ ઑવ્ મેરિટ (2004), વિલિયમ બી. કોલે ઍવૉર્ડ ફૉર ડિસ્ટિંગ્વિશ્ડ રિસર્ચ ઇન બેઝિક ઍન્ડ ટ્યૂમર ઇમ્યુનૉલોજી, 2006 (ઈઆન ફ્રેઝર સાથે) અને માનાર્હ પદવીઓ (યુનિવર્સિટીઝ ઑવ્ શિકાગો, ઉમેઆ, પ્રાગ, સાલ્ફૉર્ડ, હેલસિન્કી અને અર્લેન્જન ન્યૂરેમ્બર્ગ).
બળદેવભાઈ પટેલ