હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy)
February, 2009
હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) : હૃદયના સ્નાયુના રોગોનો સમૂહ. તેને હૃદ્-સ્નાયુરોગિતા પણ કહેવામાં આવે છે. હૃદયના સ્નાયુમાં ચેપ કે ઝેરી અસર લાગે ત્યારે ઉદભવતા વિકારને હૃદ્-સ્નાયુશોથ (myocarditis) કહે છે. સૌથી વધુ કોકસેકી વિષાણુઓથી ચેપ લાગે છે. તેનો ચેપ લાગવાનાં પ્રમુખ કારણોમાં કોર્ટિકોસ્ટીરૉઇડ, વિકિરણ-ચિકિત્સા તથા પ્રતિરક્ષાદાબી ઔષધોના ઉપયોગનો સમાવેશ થાય છે. ક્યારેક અગાઉ હૃદયના સ્નાયુને ઈજા પહોંચેલી હોય તો તે કારણે પણ તેમાં ચેપવશ્યતા (susceptibility to infection) વધે છે. આશરે 5 % દર્દીઓમાં જીવાણુઓ (બોરોલિયા જૂથ) વડે ચેપ લાગે છે. દર્દી કાં તો લક્ષણરહિત હોય છે કે તેના હૃદયના ધબકાર ઝડપી તથા અનિયમિત બને છે. ક્યારેક હૃદ્-નિષ્ફળતા થઈ આવે છે. શરૂઆતમાં ‘ફ્લૂ’ જેવાં લક્ષણો થાય છે. ક્યારેક ટ્રોપોનિન અને ક્રિયેટિનિન કાઇનેઝનું લોહીમાં પ્રમાણ વધે છે. ક્યારેક હૃદયસ્નાયુમાં કોઈ એક ભાગમાં વિકાર થાય તો તે હૃદ્-પ્રતિઘોષાલેખ (echocardiogram) વડે દર્શાવી શકાય છે તથા તેનો ટુકડો કાઢીને પેશીપરીક્ષણ (biopsy) પણ કરાય છે. સામાન્ય રીતે રોગ જાતે શમે છે. જો કારણરૂપ જીવાણુને ઓળખી શકાય તો ચોક્કસ ઍન્ટિબાયોટિક વડે સારવાર કરાય છે. છગાસનો રોગ જેવા કેટલાક હળવી કક્ષાના ચેપમાં લાંબા સમયનો વિકાર થાય છે, જેમાં 10થી 20 વર્ષે હૃદય પહોળું થાય છે. તેને વિસ્ફારિત હૃદ્-સ્નાયુરુગ્ણતા (dilated cardiomyopathy) કહે છે.
હૃદયના સ્નાયુના વિકારો : (1) ઊર્ધ્વ મહાશિરા (superior vena cava), (2) અધોમહાશિરા (inferior vena cava), (3) જમણું કર્ણક (atrium), (4) જમણું ક્ષેપક (ventricle), (5) ડાબું કર્ણક, (6) ડાબું ક્ષેપક, (7) મહાધમની (aorta), (8) ફુપ્ફુસીય (ફેફસી) ધમની (pulmonary trunk), (9) ડાબા ક્ષેપકનો હૃદ્સ્નાયુ પ્રણાશ (myocardial infarction), (10) જમણા ક્ષેપકનો હૃદ્સ્નાયુ પ્રણાશ, (11) હૃદ્સ્નાયુ પ્રણાશ અથવા હૃદ્સ્નાયુરુગ્ણતા (myocardiopathy), (12) ક્ષેપકીય દ્રતતાલભંગ (ventricular tachycardia).
હૃદ્-સ્નાયુરુગ્ણતાના મોટા ભાગના કિસ્સામાં કારણની સ્પષ્ટતા ઓછી હોવાથી તેમનું ક્રિયાલક્ષી વર્ગીકરણ કરાય છે. તે પ્રમાણે હૃદ્-સ્નાયુરુગ્ણતાના 5 પ્રકારો છે : (1) વિસ્ફારિત (dilated), (2) અતિવૃદ્ધિકારી (hypertrophic), (3) હૃદ્તાલ-ભંગકારી દક્ષિણ ક્ષેપકીય દુર્વિકસન (arrhythmogenic right ventricular dysplasia), (4) ગુહાલોપી (obliterative), (5) વિસ્ફારણબંધી (restrictive) વગેરે.
વિસ્ફારિત હૃદ્–સ્નાયુરુગ્ણતા (dilated cardiomyopathy) : આ વિકારમાં હૃદયના સ્નાયુના રોગને કારણે ડાબું ક્ષેપક (અને ક્યારેક જમણું ક્ષેપક) પહોળું થાય છે અને તેનું સંકોચન ઘટે છે. ડાબા ક્ષેપકની દીવાલ સામાન્ય કે પાતળી થાય છે. હૃદ્-સ્નાયુમાં સ્નાયુતંત્વિકાઓ (myofibrils) ઘટે છે, અંતરાલપેશીય તંતુતા (interstitial fibrosis) થાય છે અને T પ્રકારના લસિકાકોષો(lymphocytes)નો ભરાવો થાય છે. નિદાન કરવા માટે તેને હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમનીના રોગથી અલગ પાડવો જરૂરી ગણાય છે. તેનું કારણ સુસ્પષ્ટ નથી; પરંતુ મદ્યપાન પ્રમુખ કારણ ગણાય છે. આશરે 25 % દર્દીઓમાં પ્રભાવી દેહસૂત્રીય (autosomal dominant) વારસા દ્વારા આ રોગ પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. X-રંગસૂત્ર સંબંધિત વારસાગત સ્નાયુરુગ્ણતાઓ(myopathies)માં પણ તે ક્યારેક જોવા મળે છે. HIVના ચેપમાં 10 % દર્દીઓને પણ આ વિકાર થઈ આવે છે. પુરુષોમાં તે વધુ થાય છે. દર્દીઓને સામાન્ય રીતે હૃદ્-નિષ્ફળતા (heart-failure), હૃદ્-તાલભંગ (arrhythmia), સૂક્ષ્મ રીતે શરીરમાં ફેલાતાં રુધિરગુલ્મો (સૂક્ષ્મ ગુલ્મસ્થાનાંતરતા, microscopic thromboembolism) તથા અચાનક મૃત્યુ વગેરે થઈ આવે છે. ECGમાંથી વિશિષ્ટ નિદાનસૂચક માહિતી મળતી નથી; પરંતુ હૃદ્-પ્રતિઘોષાલેખ (echocardiograpm) વડે નિદાનમાં મદદ મળી રહે છે. સારવારથી હૃદ્-નિષ્ફળતાને નિયંત્રણમાં લેવાય છે. ક્યારેક હૃદય-પ્રત્યારોપણનો ઉપયોગ પણ કરાય છે. હૃદયના ધબકારાની અનિયમિતતાને અસરકારક રીતે ઔષધોથી નિયંત્રણમાં લેવાય છે (બીટારોધકો, એન્જિયોટેન્સિન સ્વીકારક વિધર્મીઓ). જરૂર પડ્યે તે કિસ્સામાં નિર્વિસ્પંદક (defibrillator) કે અન્ય હૃદ્-તાલને જાળવતાં ઉપકરણોનો ઉપયોગ કરાય છે.
અતિવૃદ્ધિકારી હૃદ્–સ્નાયુરુગ્ણતા (hypertrophic cardiomyopathy) : આ સૌથી વધુ જોવા મળતો હૃદ્-સ્નાયુરુગ્ણતાનો વિકાર છે. તેમાં ડાબા ક્ષેપકના સ્નાયુતંતુઓ અનિયમિત રીતે ગોઠવાયા હોય તેવા પ્રકારની તેની અતિવૃદ્ધિ જોવા મળે છે. તે સમગ્ર ડાબા ક્ષેપકને કે ફક્ત આંતરક્ષેપકીય પટલને અસરગ્રસ્ત કરે છે. પૂર્વ આફ્રિકામાં ફક્ત ડાબા ક્ષેપકની શિખરમાં અતિવૃદ્ધિ થતી હોય તેવા દર્દીઓ જોવા મળે છે. તેને કારણે દર્દીને શ્રમ કરતાં છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો કે મૂર્ચ્છા આવવી જેવી તકલીફો થાય છે. ક્યારેક અચાનક મૃત્યુ થાય છે. દર્દીની નાડી આંચકાવાળી હોય છે. ક્યારેક છાતી પર જોવા મળતા શિખરસ્પંદન(apex beat)માં 2 આવેગો જોવા મળે છે. દર્દીના વક્ષાસ્થિના ઉપરના છેડે મધ્ય-સંકોચનકાલીન મર્મર સંભળાય છે અથવા શિખરસ્પંદનને સ્થાને પૂર્ણસંકોચનકાલીન મર્મર સંભળાય છે. ECG અને Echoમાં ડાબા ક્ષેપકની અતિવૃદ્ધિ જોવા મળે છે. સારવારમાં બીટારોધકો અને વેરાપામિલ આપવાથી દુખાવો ઘટે છે. શસ્ત્રક્રિયા કે નિવેશિકાનળી વડે ઔષધ આપીને બે ક્ષેપક વચ્ચેના જાડા પડદાને પાતળો કરવા માટેની ક્રિયા કરાય છે. તેને અનુક્રમે સ્નાયુ-ઉચ્છેદન (myectomy) અથવા પટલનાશ (septal ablation) કહે છે.
જમણા ક્ષેપકમાં સ્નાયુને સ્થાને તંતુમય પેશી વિકસે ત્યારે દર્દીને હૃદ્-તાલભંગ (arrhythmia) થાય છે. તેને હૃદ્-તાલભંગી દક્ષિણ ક્ષેપકીય દુર્વિકસન (arrhythmogenic right ventricular dysplasia) કહે છે. ECG તથા MRI વડે નિદાન થાય છે. હૃદયના સ્નાયુસ્તર અને અંદરના સ્તર-હૃદંત:કલા(endocardium)માં સતંતુ લવચીકતંતુતા (fibroelastosis) નામનો વિકાર થાય ત્યારે ક્ષેપકના પોલાણ(ગુહા)માં પણ લોહીનો ગઠ્ઠો જામે છે; તેથી હૃદયના ક્ષેપકની ગુહા (cavity) ભરાઈ જાય છે. તેને ગુહાલોપી હૃદ્-સ્નાયુરુગ્ણતા (obliterative cardiomyopathy) કહે છે. તેના 50 % દર્દીઓ 2 વર્ષમાં મૃત્યુ પામે છે. સારવારમાં લોહીને ગંઠાતું અટકાવવા ઔષધોનો ઉપયોગ કરાય છે. ચોક્કસ કિસ્સામાં શસ્ત્રક્રિયા ઉપયોગી રહે છે. ક્યારેક ઍમિલૉઇડતા(amyloidosis)ના રોગમાં, અન્ય હૃદ્-સ્નાયુમાં દ્રવ્યો જમા થાય તેવા રોગોમાં તથા હૃદ્-સ્નાયુમાં અજ્ઞાત કારણોસર તંતુમયતા વિકસે ત્યારે ક્ષેપકના સ્નાયુ અક્કડ થઈ જાય છે. તે વિકોચનકાળમાં પહોળા થઈ શકતા નથી. તેને વિસ્ફારણબંધી હૃદ્-સ્નાયુરુગ્ણતા (restrictive cardiomyopathy) કહે છે. તેનું નિદાન અને સારવાર ઘણાં મુશ્કેલ રહે છે.
શિલીન નં. શુક્લ